Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > Sunday Snacks: મલાડના આ સમોસા ખાવા માટે પડાપડી કરે છે લોકો

Sunday Snacks: મલાડના આ સમોસા ખાવા માટે પડાપડી કરે છે લોકો

15 July, 2023 03:23 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો મલાડના સ્પેશિયલ સમોસા

અપના ટેસ્ટી કૉર્નરના ટેસ્ટી સમોસા

Sunday Snacks

અપના ટેસ્ટી કૉર્નરના ટેસ્ટી સમોસા


વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.


ફાફડા જલેબી વગર આમ તો ગુજરાતીઓની રવિવારની સવાર પડતી નથી, પણ આ સીઝન એવી છે કે સવારે તમે મોડા જાગો અને વરસાદ પડતો હોય તો પહેલાં ભજિયાં, દાળવડા કે સમોસાં યાદ આવે. ફાફડા જલેબી જેવી જ દોસ્તી ચા અને સમોસાની પણ છે. આમ તો મુંબઈનું ઑફિશ્યલ સ્ટ્રીટ-ફૂડ વડાપાંઉ છે અને એનો મોભો છીનવી શકાય એમ નથી પણ વડાપાંઉ પછી સૌથી વધુ ખવાતી સ્ટ્રીટ ફૂડ આઇટમ હોય તો સમોસા છે. ભારતમાં દરરોજ લોકો સરેરાશ છ કરોડ સમોસા ઓહિયા કરી જાય છે.



આપણી રોજિંદી ખાણીપીણીમાં સમોસા (Samosa) એવા વણાઈ ગયા છે કે આ આઇટમ મૂળ ભારતની નહોતી એવું કોઈ કહે તો અચરજ થાય. જોકે, આ વાત એકદમ સાચી છે કે સમોસા ભારતની વાનગી નથી. ઇન્ટરનેટ ફંફોસશતા જાણવા મળે છે કે સમોસા મૂળ પર્શિયાના છે.


મુંબઈના જાણીતા ફૂડ-હિસ્ટોરિયન કુરુશ દલાલ એ બાબતે પ્રકાશ પાડતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “એ જમાનામાં પર્શિયા અને ટર્કી જુદાં નહોતાં એટલે સમોસા ટર્કીશ અને પર્શિયન દેણ છે એમ કહેવાય. અગાઉ સમોસા સમ્બુસાક અથવા તો સમ્બુસા તરીકે ઓળખાતા અને એના પરથી અપભ્રંશ થઈને આપણા માટે એ સમોસા બની ગયા. જોકે અત્યારના સમોસા કરતાં તે ઑરિજિનલ ટર્કીશ ડિશમાં બહુ તફાવત છે. એમાં બીફ અને નૉન-વેજ જ વપરાતું. ખીમામાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવતાં અને બૅક કરીને ખવાતા. સમયાંતરે એને શૅલો ફ્રાય અને પછી ફ્રાય કરવામાં આવ્યા. એ વખતે સમ્બુસાક ઘીમાં જ ફ્રાય થતા.”

ફૂડ-હિસ્ટરી પર ઊંડું સંશોધન કરનારા ઇતિહાસકાર પુષ્પેશ પંતના ડૉક્યુમેન્ટેશન મુજબ સમોસાનો પહેલવહેલો ઉલ્લેખ ૧૧મી સદીમાં ફારસી ઇતિહાસકાર અબુલ ફઝલ બેહાકીનાં લખાણોમાં જોવા મળ્યો છે. એ લખાણો મુજબ મોહમ્મદ ગઝનવીના સામ્રાજ્યમાં શાહી દરબારમાં પેશ થતી આ નમકીન વાનગીની વાત છે. એમાં ખીમા અને સૂકા મેવાનો મસાલો ભરવામાં આવતો અને ધીમી આંચ પર ત્યાં સુધી પકાવવામાં આવતી જ્યાં સુધી એના પરનું પડ ખસ્તા ન થઈ જાય.


જોકે, ત્યાંથી સમ્બુસાક એટલે કે ને ભારત સુધી પહોંચતાં ઘણો સમય લાગ્યો. મૉરોક્કોથી મુસાફરી કરીને આવનારા ઇબ્ન બતૂતાની ટ્રાવેલ ડાયરીઓમાં ખાસ સમ્બુસાકનો ઉલ્લેખ હતો અને સમ્રાટ મોહમ્મદ બિન તઘલખના મેનુમાં સર્વ થતી બહુ મહત્ત્વની આઇટમ એ ગણાતી. આઇન-એ-અકબરી અને અકબરનામામાં પણ નોંધ છે કે બાહશાહ અકબરને સમ્બુસાક બહુ ભાવતા હતા. એટલે કે ૧૩મી કે ૧૪મી સદીમાં સમ્બુસાક ભારત આવ્યા હોવા જોઈએ. ૧૪૫૯થી ૧૫૦૦ની સાલમાં લખાયેલા નિમતનામામાં સમોસાનો ઉલ્લેખ છે જે દર્શાવે છે કે ભારતમાં એનો પગપેસારો થઈ ચૂક્યો હતો.

વૅલ, આ તો થઈ સમોસાના ઇતિહાસની વાત પણ જો રવિવારની મસ્ત મજાની સવારે જો તમારે પણ સ્વાદિષ્ટ સમોસા ખાવા હોય તો સારનામું નોંધી લો. મલાડ ઈસ્ટ (Malad)માં પોદ્દાર રોડ પર આવેલું છે ‘અપના ટેસ્ટી કૉર્નર’ (Apana Tasty Corner) જે નામ જેવી જ ટેસ્ટી વાનગીઓ પણ પીરસે છે. અહીં સમોસા ખાવા માટે લોકો પડાપડી કરે છે. સમોસાના સ્વાદ સાથે જ અહીં સમોસા સર્વ કરવાની સ્ટાઈલ પણ ગજબ છે. આ જગ્યાએ સમોસા સ્ટીલની કે કાગળની પ્લેટમાં નહીં પણ પાનમાં સર્વ થાય છે.

સમોસાનું પડ એટલું ક્રિસ્પી છે કે તોડો ત્યારે ખચ્ચ અવાજ પણ આવે. સામન્ય રીતે તો અહીં સમોસું તોડી તેને તીખી-મીઠી ચટણીમાં નવડાવી અને પાંદડા પર સર્વ થાય છે અને ખરેખર તેની મજા કંઈક અલગ છે. સમોસાના મસાલામાં વટાણાનો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે એટલે ટેસ્ટ ઔર વધી જાય છે. ગરમા-ગરમ અને સમોસાનું આ કૉમ્બો તમારી સવાર ચોક્કસ સુધારી દેશે.

તો હવે આ રવિવારે ગરમા-ગરમ ચા અને સમોસાનો નાસ્તો જરૂર કરજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2023 03:23 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK