કદાચ જવાબ તમને પણ નહીં ખબર હોય. આજે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળનો વધતો પ્રકોપ અનેક જીવલેણ બીમારી તરફ આપણને ધકેલી રહ્યો છે. આજે વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે જાણીએ કે કયા પ્રકારના ખોરાકમાં કેવી ભેળસેળ થતી હોય છે અને એને ચકાસવી કઈ રીતે
વર્લ્ડ ફૂડ ડે
પ્રતીકાત્મક તસવીર
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એટલી હદે વધી ગઈ છે કે કોના પર વિશ્વાસ કરવો એ સૌથી મોટો પ્રશ્ન છે. ગયા મહિને જ જગવિખ્યાત મંદિર તિરુપતિ બાલાજીના પ્રસાદના લાડુમાં ભેળસેળવાળા ઘીના ઉપયોગને લઈને વિવાદ થયો હતો. તહેવારના સમયને વ્યાપારનો સમય માનવામાં આવતો હોય છે. દિવાળીમાં લોકો ડાયટ-પ્લાન પણ પાછલી પાટલીએ મૂકી દેતા હોય છે અને તહેવારમાં દૂધ, પનીર અને માવામાંથી બનતી બધી વાનગીઓ આરોગતા હોય છે. દિવાળી નજીક આવી રહી છે અને આજે ફૂડ સેફ્ટી ડે છે ત્યારે જાણી લો કે તમારી હેલ્થ સાથે કૉમ્પ્રોમાઇઝ કર્યા વગર કેવી રીતે ખાદ્યસામગ્રીની શુદ્ધતા ચકાસવી.
કેવી રીતે તપાસશો?
ADVERTISEMENT
કયા ખાદ્ય પદાર્થની ચકાસણી કેવી રીતે કરવાની એ કોની પાસેથી જાણવું એની વિગતો FSSAI એટલે ‘ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ની વેબસાઇટ પર DART એટલે કે ‘ડિટેક્ટ અડલ્ટરેશન વિથ રૅપિડ ટેસ્ટ’ માટે ૪૧ જેટલી પદ્ધતિઓ આપી છે; જેનાથી લોકો ઘરે જ દૂઘ, ઘી, ખાંડ, કરિયાણાની સામગ્રીની ગુણવત્તા ચકાસી શકે છે. એમાંની કેટલીક ટિપ્સ અહીં પ્રસ્તુત છે.
દૂધ: દૂધમાં પાણીની ભેળસેળ ચકાસવા માટે એને સપાટ જગ્યાને થોડી ત્રાંસી કરીને એના પર દૂધનું ટીપું નાખવું. જો દૂઘનું ટીપું ધીમે-ધીમે વહે અને એના અવશેષો સપાટી પર ચોંટે તો એમાં પાણી નથી અને જો દૂઘની ટીપું સડસડાટ પ્રસરી તો એમાં પાણી છે. બીજો નુસખો એ છે કે ૨-૩ મિલીલિટર દૂધને ૫ાંચ મિલીલિટર પાણીમાં નાખીને એને ઉકાળીને ઠંડું કરો. ત્યાર બાદ એમાં આયોડીન ટિન્ક્ચરનું એક ટીપું નાખો. જો દૂઘમાં ભૂરાશ આવે તો દૂધમાં સ્ટાર્ચ નાખેલું છે. સાદી ભાષામાં સ્ટાર્ચ એટલે કાંજી. આયોડીન ટિન્ક્ચર સામાન્ય રીતે મેડિકલમાં ઉપલબ્ધ હોય છે.
તેલઃ કાચના ગ્લાસમાં તેલ લઈને એને ફ્રિજમાં મૂકવું. જો અડધા કલાક પછી તેલ જામી જાય તો એ અસલી છે અને નકલી તેલમાં ભેળસેળનો ભાગ ઉપર તરતો રહે છે.
ખાંડઃ ખાંડની ચકાસણી કરવા માટે ૧ ગ્લાસ પાણીમાં ૧૦ ગ્રામ ખાંડ નાખો. અસલી ખાંડ એકદમ પીગળી જશે અને નકલી ખાંડમાં અવશેષો ગ્લાસના તળિયે બેસી જશે જે ચૉકનો પાઉડર હોવાની શક્યતા છે. ખાંડ લેવા જાઓ તો જેટલા મોટા દાણાવાળી ખાંડ ખરીદો એટલી એ શુદ્ધ હોય, જ્યારે નાના દાણાવાળી ખાંડને હાથમાં લેશો તો તમારા હાથમાં સફેદ પાઉડર લાગી જાય તો માની લેવું કે એમાં ભેળસેળ છે.
ઘઉંઃ ઘઉં, દાળ, ચોખા જેવાં ધાન્યમાં કાકરા, પથ્થર, નાની સળીઓ અને કલરનો ઉપયોગ થાય છે. ઘઉંને પાણીમાં નાખો અને જો પાણીનો કલર બદલાય તો એમાં ભેળસેળ છે.
કાળાં મરીઃ કાળાં મરીમાં પપૈયાનાં બીની ભેળસેળ કરવામાં આવે છે. લાલ મરચું પાઉડર પાણીમાં નાખતાંની સાથે જ જો કલર છોડે તો એ નકલી છે અને જો પાણીમાં રંગમાં ઓછાથી નહીંવત્ જેવો ફેરફાર થાય તો એ અસલી છે.
જીરુંઃ જીરાને હાથમાં લઈને મસળો, જો એનો રંગ કાળો થઈ જાય તો એ નકલી છે. આવી રીતે દરેક મસાલાને ઘરે ચકાસવા માટેની રીતો આ સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
મધઃ અસલી મધ ગળ્યું નથી હોતું. દેશી રીતે ચકાસણી કરવી હોય તો આંગળીમાં લઈને મધને આંખની નજીક લગાવો જો આંખ બળે તો એ અસલી છે અને જો ચાસણી હશે તો ત્વચા પર બળતરા નહીં થાય.
અંજલિ ત્રિપાઠી, ન્યુટ્રાસ્યુટિકલ સાયન્ટિસ્ટ
હળદરઃ હળદરની ભેળસેળમાં મિટાનિલ યલો નામના પદાર્થનો ઉપયોગ થાય છે જેથી એની ક્વૉન્ટિટી વધે છે. એની ચકાસણી કરવા એને એક ગ્લાસમાં પાણીમાં નાખો. જો શુદ્ધ હળદર હશે તો પાણીનો રંગ એકદમ આછો પીળો રહેશે અને ભેળસેળ હશે તો પાણીનો રંગ એકદમ ઘાટો પીળો થઈ જશે.
હેલ્થ પર આડઅસરો
મેઘના પારેખ, ન્યુટ્રિશનિસ્ટ
અમેઝિંગ ડાયટ ફૅક્ટ્સ ઍન્ડ કૅલરી બુકની ઑથર, ડાયટ અને ઓબેસિટી કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ મેઘના પારેખ કહે છે, ‘ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો આહારમાં લેવાથી આપણી હેલ્થને ગંભીર સમસ્યા થઈ શકે છે. ખાદ્ય પદાર્થોમાં ભેળવવામાં આવતાં રસાયણો કે પદાર્થો એડિબલ એટલે સુપાચ્ય નથી હોતા. એ શરીરમાં જમા થાય છે અને કિડની, હૃદય અને જઠરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ફૂડ અડલ્ટરેશનની આડઅસરમાં સૌથી સામાન્ય છે ગૅસ્ટ્રોઇન્ટેસ્ટનલ ડિસઑર્ડર. આંતરડાને લગતી આ સમસ્યા આપણા પાચનતંત્રમાં બળતરા ઊભી કરે છે. જો લાંબા સમય સુધી આ ભેળસેળયુક્ત પદાર્થ ખાવામાં આવે તો કબજિયાત, ડાયેરિયા, અપચો વગેરે જેવા પ્રૉબ્લેમ્સ વારંવાર થઈ શકે છે. સૌથી કૉમન ફૂડ-અડલટરન્ટ ઇનએડિબલ સ્ટાર્ચ છે જે સામાન્ય રીતે દૂધ, દહીં, ઘીમાં વાપરવામાં આવતો હોય છે. એ આ પ્રોડક્ટ્સને થિક બનાવે છે. લોટમાં ચૉક ડસ્ટ એટલે ચૉકનો પાઉડર નાખવામાં આવતો હોય છે. આ પદાર્થો જ્યારે પાચનતંત્ર પચાવવાની કોશિશ કરે છે ત્યારે એને શ્રમ પડે છે અને પાચન પણ નથી થતું. એના કારણે આપણી ગટ-હેલ્થ એટલે કે પાચનતંત્ર ખરાબ થાય છે.’
અહીં ઉલ્લેખનીય છે કે તમે કોઈ બ્રૅન્ડની વસ્તુ ખરીદી હોય અને એમાં જો ભેળસેળ હોવાની તમને ખબર પડે તો તમે એની વિશેષ ચકાસણી કરીને કન્ઝ્યુમર ફોરમમાં એની ફરિયાદ કરી શકો છો. આ સંદર્ભે હેલ્થની સાથે મેડિસિનલ ફાયદાના વિજ્ઞાન તરીકે જાણીતા ન્યુટ્રાસ્યુટિકલ વિષય પર માસ્ટર્સ કરનારી અને ન્યુટ્રાસ્યુટિકલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતી અંજલિ ત્રિપાઠી કહે છે, ‘પ્રોડક્ટના લેબલ સાથે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી શકો છો. આનાથી શું થશે કે જે બ્રૅન્ડના જે બૅચમાં આ ભેળસેળ થઈ હોય એ આખો બૅચ માર્કેટમાંથી પાછો ખેંચી લેવામાં આવે છે. ગમે એટલી મોટી બ્રૅન્ડ હોય તો તમે પાણીની કે આયોડીન ટેસ્ટ ઘરે આવી રીતે કરી જ શકો છો.’
ચોખા: ચોખામાં પાનમાં વાપરવામાં આવતો ચૂનો નાખો. જો ચોખાનો રંગ લાલ થાય તો ચોખામાં ભેળસેળ થયેલી છે.
હિંગ: હિંગ બહુ મોંઘી હોય છે. હિંગને સ્ટીલની ચમચીમાં લઈને ગરમ કરો તો એ કપૂરની જેમ સળગી જશે અને જો એની ફ્લેમ એકદમ જ્વલંત ન હોય તો એમાં ભેળસેળ છે એમ માનવું.
ઘી: શુદ્ધ ઘીની પરખ કરવા માટે અડધી ચમચી ઘીમાં આયોડીન ટિન્ક્ચર નાખો અને એનો ભૂરો રંગ આવે તો એમાં બટાટા કે શક્કરિયાના સ્ટાર્ચની હાજરી છે એમ સાબિત થાય.
દિવાળીમાં મીઠાઈની ખરીદી કરતાં પહેલાં આટલું ધ્યાન રાખજો
બલદેવ ગુપ્તા, પનીર અને માવાના હોલસેલર
દિવાળીમાં ખાસ તો મીઠાઈનું માર્કેટ પુરજોશમાં હોય છે. તો મીઠાઈમાં શુદ્ધ ઘી વપરાયું છે કે નહીં એ કેવી રીતે જાણવું? કુર્લામાં રહેતા પનીર અને માવાના ૪૦ વર્ષથી હોલસેલર બિઝનેસમૅન બલદેવ ગુપ્તા કહે છે, ‘અમુક ખાદ્ય પદાર્થોની ભેળસેળ પારખવા માટે તમને એક્સપર્ટીઝ અને અનુભવ જ કામ લાગે છે. અમુક ખાદ્ય પદાર્થોને દેખાવ પરથી અને અમુકને સુગંધ પરથી પારખી શકાય છે. મીઠાઈ પર લગાવવામાં આવતા અસલી ચાંદીના વરખની વાત કરીએ તો જે એકદમ પાતળું અને મીઠાઈ પર ચોંટેંલું હોય એ ગુણવત્તાવાળું હોય છે. આ વરખ પર બે દિવસમાં લાલાશ પણ આવી જતી હોય તો એ અસલી હોય છે. એનાથી વિપરીત જે વરખ મીઠાઈ પર હોવા છતાં એને ચીપકેલું ન હોય અને વધારે ચળકતું હોય કે થોડું જાડું હોય એ નકલી છે. મીઠાઈની ગુણવત્તાની સૌથી પહેલી ઓળખ દેખાવથી આ રીતે કરી શકાય. વરખ બાદ ચકાસવું માવાની સફેદ મીઠાઈ પર એકદમ હળવો લીલો કલર દેખાય તો એ ભેળસેળવાળી હોય છે. શુદ્ધ માવાની મીઠાઈનો રંગ હંમેશાં ઝાંખો હોય છે. જ્યારે મીઠાઈ ચાખો ત્યારે શુદ્ધ ઘી અને દૂધની મીઠાઈમાં દૂધનો સ્વાદ આવે, જ્યારે ભેળસેળવાળી મીઠાઈમાં પાઉડર જેવો સ્વાદ આવે છે.’
માવા અને પનીરમાં એક્સપર્ટીઝ ધરાવતા બલદેવ ગુપ્તા કહે છે, ‘જ્યારે માવો ખરીદવા જાઓ ત્યારે આટલી વાત ધ્યાનમાં રાખવી. નકલી માવાને હાથમાં લેશો તો એ એકદમ સૂકો હશે અને તરત જ ફાટી જાય છે. જ્યારે તમે માવાને ગરમ કરશો તો એમાંથી પીળા રંગનું તેલ નીકળશે. શુદ્ધ માવો એકસાથે ચોંટીને રહે છે અને એમાં દૂધ અને દેશી ઘીની સુગંધ આવે છે. શુદ્ધ માવાની મીઠાઈ લગભગ ૪૦૦ રૂપિયાથી નીચે મળે જ નહીં એનું કારણ એ છે કે એક કિલો માવાની કિંમત હોલસેલમાં ૩૪૦ રૂપિયા બોલાય છે. તો કોઈને પણ ૪૦૦ રૂપિયાથી ઓછી કિંમતે એક કિલો માવાની મીઠાઈ વેચવી પરવડે નહીં. સામાન્ય લોકો માટે ઘી ઓળખવું બહુ જ મુશ્કેલ છે, કારણ કે એસેન્સ નાખવામાં આવે એટલે ઘી જેવું ટેક્સ્ચર આવી જાય છે. ઘીને જોઈને ઓળખવા માટે વર્ષોનો અનુભવ જોઈએ.’