‘શશી વડેવાલે’ને ત્યાં ગયા પછી પેટમાં તાગડધિન્ના કરતા બકાસુરના સાતેય કોઠે દીવા થવાની ગૅરન્ટી મારી
ફૂડ ડ્રાઇવ
સંજય ગોરડિયા
થોડા દિવસ પહેલાં અમારા નાટકનો શો પનવેલમાં હતો અને પનવેલના શોની જેવી અનાઉન્સમેન્ટ આવી કે તરત જ મને રાજુ દવેનો ફોન આવ્યો કે નાટક જોવા તો હું આવવાનો જ છું, પણ એ પહેલાં મારે તમને એક મસ્ત જગ્યાએ ફૂડ ડ્રાઇવ માટે લઈ જવા છે એટલે પનવેલ પહોંચો કે તરત મને ફોન કરજો. વાત આગળ વધારતાં પહેલાં આ રાજુ દવેની ઓળખ કરાવી દઉં.
રાજુભાઈ દવે વર્ષોથી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા છે. બહુ જાણીતું થયેલું શ્રીમદ્ રાજચંદ્રના જીવનકવન પર આધારિત નાટક ‘અપૂર્વ અવસર’ રાજુભાઈએ જ લખ્યું હતું તો અનેક ગુજરાતી ટીવી-સિરિયલ પણ તેમણે લખી છે. ‘મિડ-ડે’માં આવતી મારી બન્ને કૉલમના કારણે રાજુભાઈ મારા નિયમિત સંપર્કમાં. સોમ અને ગુરુની બન્ને કૉલમ તેઓ અચૂક વાંચે અને ભૂલ્યા વિના પ્રતિક્રિયા પણ આપે. આવા સજાગ મિત્રનો ફોન આવે અને ફૂડ ડ્રાઇવની વાત હોય તો માંહ્યલો બકાસુર શાંત રહે ખરો?
ADVERTISEMENT
અમે તો પનવેલ પહોંચ્યા. આ રીતે જ્યારે ડે-ટૂર હોય ત્યારે હું હંમેશાં કલાકેક વહેલો પહોંચવાનો આગ્રહ રાખું જેથી તમારા માટે ખૂમચાઓ પર લટાર મારી શકું. પનવેલનો પ્લાન રાજુભાઈએ બનાવી જ લીધો હતો એટલે પનવેલ પહોંચ્યા પછી તરત જ મેં રાજુભાઈને ફોન કર્યો અને થોડી વારમાં રાજુભાઈ આવી ગયા. અમે બન્ને રવાના થયા ઓલ્ડ પનવેલ એટલે કે જૂનું પનવેલ કહેવાય છે એ તરફ. અમારે જવાનું હતું ‘શશી વડેવાલે’ને ત્યાં. તમે ગૂગલ કરશો તો બહુ સરળતાથી તમને એનું લોકેશન મળી જશે એટલે હું ઍડ્રેસ માટે વધારે હેરાન નથી કરતો.
‘શશી વડેવાલે’ અહીંની બહુ પૉપ્યુલર દુકાન છે. છ દશકથી બધાને વડાં ખવડાવે છે. શરૂઆત એમના દાદાએ સાઇકલથી કરી હતી અને એ પછી એમણે આ દુકાન કરી.
મારે બીજી પણ એક વાત તમને કહેવી છે. બહુ ઓછા લોકોને ખબર છે કે મહારાષ્ટ્રમાં વડાપાંઉનું ચલણ તો છેલ્લાં ચાલીસેક વર્ષથી આવ્યું છે, બાકી પહેલાં તો મહારાષ્ટ્રિયન ફક્ત વડાં જ ખાતા અને આજે પણ અનેક મહારાષ્ટ્રિયન ફૅમિલીમાં આ જ કલ્ચર છે. એ ખાલી વડાં જ ખાય.
‘શશી વડેવાલે’માં તમને એક મોટું, પોણી હથેળી ભરાઈ જાય એવડું વડું આપે અને સાથે કાપો મૂકેલું એક પાંઉ આપે. એની સાથે વડાની સૂકી લસણવાળી ચટણી, સહેજ ગળાશવાળી ગ્રીન ચટણી અને ઠેચા આપે. આ ઠેચાની વાત કરી દઉં. આ ઠેચા મહારાષ્ટ્રિયનની જ એક પ્રકારની કોરીમોરી ચટણી છે. તીખાં લીલાં મરચાં, સ્વાદ અનુસાર નમક, સહેજ હિંગ અને મગફળીના દાણા નાખી એને અધકચરી ખાંડો એટલે ઠેચા તૈયાર. ઠેચા બહુ તીખો હોય પણ એ ખાવામાં એટલી જ મજા આવે.
આ જે આખું સંયોજન છે એ ખાવાની રીત પણ તમને સમજાવી દઉં. રોટલીનું બટકું લેતા હો એ રીતે તમારે પાંઉનો નાનો ટુકડો લઈ એમાં વડામાંથી થોડું વડું લેવાનું અને એ પછી લસણની સૂકી ચટણી અને ગ્રીન ચટણીમાં બોળીને ખાવાનું અને ઉપરથી ઠેચો મોંમાં ઓરતો જવાનો.
‘શશી વડેવાલે’ને ત્યાં વડાંની એટલી ડિમાન્ડ હોય છે કે તાવડામાંથી ઊતરેલાં વડાં બેચાર મિનિટમાં તો ખાલી થઈ જાય. મેં અગાઉ કહ્યું છે કે કોઈ પણ ખાવાની વરાઇટી જો તમારી પ્લેટમાં ગરમાગરમ આવે તો એનો સ્વાદ બેવડાઈ જતો હોય છે અને એમાંથી નાની ઊણપ કાઢવી પણ અઘરી થઈ જતી હોય છે. હું એમ નથી કહેતો કે શશીનાં વડાંમાં એવી કોઈ ઊણપ હતી એ સહેજ તમારી જાણ ખાતર.
અદ્ભુત સ્વાદ અને સરસ, હાઇજિનિક જગ્યા.
પનવેલમાં હવે તો અઢળક ગુજરાતીઓ રહે છે (એનો પુરાવો અમારા ગુજરાતી નાટકનો શો છે) તમારાં કોઈ સગાંવહાલાં ત્યાં રહેતાં હોય અને તમારે પનવેલ જવાનું બનતું હોય તો હું કહીશ કે વિધાઉટ ફેલ ‘શશી વડેવાલે’ને ત્યાં અચૂક જજો અને ઑથેન્ટિક રીતે બનેલાં વડાં, પાંઉ, ઠેચો અને લાલ-લીલી ચટણીનો આસ્વાદ જરૂરથી માણજો. વીસ રૂપિયામાં બાર ધામની સ્વાદયાત્રાનો અનુભવ થશે.
અહીં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે.