જુવારના પાકમાં અન્ય ધાન્ય કરતાં ઓછું પાણી અને ઓછાં કેમિકલ્સનો ઉપયોગ થાય છે અને લોકોની જીભે બેસી જાય એવો સ્વાદ ધરાવતા આ રાજા મિલેટના ફાયદા કેવા-કેવા છે અને રોજિંદા ભોજનમાં એનો સમાવેશ કરવાના ઇનોવેટિવ વિકલ્પ શું છે એ આજે જાણીએ
મળો મિલેટ્સને
જુવાર અને જુવારના ઢોસા
એ છે જુવાર. આ તૃણ ધાન્ય ઉનાળામાં અમૃત સમાન ગણાય છે, કેમ કે એ કૂલિંગ ઇફેક્ટ આપે છે. એના પાકમાં અન્ય ધાન્ય કરતાં ઓછું પાણી અને ઓછાં કેમિકલ્સનો ઉપયોગ થાય છે અને લોકોની જીભે બેસી જાય એવો સ્વાદ ધરાવતા આ રાજા મિલેટના ફાયદા કેવા-કેવા છે અને રોજિંદા ભોજનમાં એનો સમાવેશ કરવાના ઇનોવેટિવ વિકલ્પ શું છે એ આજે જાણીએ
મહારાષ્ટ્રમાં સૌથી વધુ જેનું ઉત્પાદન થાય છે એ જુવાર એકમાત્ર એવું ધાન્ય છે જે ભારતનાં લગભગ ૮૦ ટકા રાજ્યોમાં વધતેઓછે અંશે ઊગે છે અને કોઈક ને કોઈક રીતે ખવાય છે.
મિનિસ્ટ્રી ઑફ ઍગ્રિકલ્ચર ઍન્ડ ફાર્મર્સ વેલ્ફેરના આંકડાઓ મુજબ મહારાષ્ટ્ર પછી ક્રમશઃ કર્ણાટક, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણ, ગુજરાત અને હરિયાણા રાજ્યમાં જુવારનું સારુંએવું ઉત્પાદન થાય છે. અત્યાર સુધી મિલેટ્સને ગરીબોનું ધાન્ય માનવામાં આવતું હતું, પણ હવે જ્યારથી ૨૦૨૩ને મિલેટ યર તરીકે ઊજવવાનું નક્કી કરાયું છે ત્યારથી મિલેટ્સનાં માનપાન વધ્યાં છે. ઘઉં, જવ, બાર્લી કે ચોખા કરતાં જુવારનો પાક વધુ કુદરતી રીતે થઈ જાય છે. એને બહુ ઓછી માવજત જોઈએ છે. ઓછું પાણી અને નહીંવત્ ખાતર સાથે પણ જુવારનો પાક સરસ લેવાય છે અને એ રીતે જોઈએ તો સસ્ટેનેબિલિટી માટે જુવાર અને અન્ય મિલેટ્સ બહુ મહત્ત્વનાં છે. ભલે એ સરળતાથી ઊગતું તૃણ ધાન્ય છે, એનાં પોષક તત્ત્વોની ઊંચી ગુણવત્તા એને સુપરફૂડ્સની કૅટેગરીમાં ગોઠવી શકે એમ છે.
ADVERTISEMENT
ન્યુટ્રિશન વૅલ્યુ
જુવારમાં રહેલાં ખાસ પોષક તત્ત્વો વિશે વાત કરતાં જાણીતાં ન્યુટ્રિશનિસ્ટ જિનલ સાવલા કહે છે, ‘એમાં વિટામિન-બી કૉમ્પ્લેક્સ ખૂબ સારી માત્રામાં હોય છે. આજકાલ અનેક લોકો વિટામિન-બી કૉમ્પ્લેક્સની ઊણપ માટે સપ્લિમેન્ટ્સ લેતા હોય છે, પણ જો તમે જુવારનો તમારા ડાયટમાં નિયમિત ઉમેરો કરો તો દવાની જરૂર નથી પડતી. બીજું મહત્ત્વનું પોષક તત્ત્વ છે બીટા કૅરોટિન. વેજિટેરિયન્સ લોકો માટે વિટામિન-એ મેળવવાનો સોર્સ બીટા કૅરોટિન જ હોય છે, જે ગ્રીન લીફી વેજિટેબલ્સમાંથી પણ મળે છે. જુવારમાં બીટા કૅરોટિન સારું હોય છે જે વિટામિન-એમાં કન્વર્ટ થાય છે અને એટલે આંખ માટે જુવાર સારી ગણાય. અન્ય ધાન્યોની સરખામણીએ જુવારમાં પ્રોટીન પણ સારું હોય છે. જેમ કે ઘઉં કરતાં જુવારમાં પ્રોટીન સારું છે અને એ પચવામાં પણ હલકું છે.’
ફૅન્ટૅસ્ટિક ફાઇબર રિચ
પાચનતંત્રને સુવ્યસ્થિત રાખવું હોય તો ખોરાકમાં ફાઇબરની જરૂર હોય છે જે જુવારમાં ઠાંસી-ઠાંસીને ભરેલું છે એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘ફાઇબર જ્યારે વધુ હોય ત્યારે જે-તે ચીજની પાચનપ્રક્રિયા ધીમે-ધીમે થાય અને એમાંથી મળતો ગ્લુકોઝ પણ લોહીમાં ધીમે-ધીમે ભળે. વળી, આ ફાઇબર પચવામાં સહેલું છે એટલે ખાધા પછી પેટ ભારે નથી લાગતું. તમે ઘઉંની બે-ત્રણ રોટલી ખાશો એના બદલામાં જુવારનો એક રોટલો ખાશો તો પેટ ભરાઈ ગયેલું લાગશે. એકાદ રોટલી વધારે ખવાઈ ગઈ હોય તો આકળવિકળ થશે, પણ જુવારનો રોટલો ખાધા પછી પેટ હલકું લાગશે. આજકાલ ઓબેસિટી, ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ, કૉલેસ્ટરોલની જે સમસ્યા છે એમાં જુવાર બહુ ફાયદાકારક છે. અમુક ધાન્ય ભરપેટ ખાધા પછી લેઝી ફીલ થાય છે, પણ જુવાર કે જુવારની વાનગી ખાવાથી એનર્જેટિક ફીલ થશે.’
ગ્લુટન-ફ્રી
ઘઉંમાં મોટા પાયે જોવા મળતું ગ્લુટન નામનું પ્રોટીન જુવારમાં નહીંવત્ હોય છે. આ પણ એક મોટું કારણ છે જેને કારણે મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સે જુવાર તેમ જ અન્ય મિલેટ્સને વધુ ફાયદાકારક ગણ્યા છે એમ જણાવતાં જિનલ ઉમેરે છે, ‘ગ્લુટન ન હોવાને કારણે જુવારના ડાયજેશનમાં કોઈ અડચણ આવતી નથી. ઉનાળામાં ઍસિડિટી, પેટ ભારે લાગવું, બ્લૉટિંગ, કોલાઇટિસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ જેવી તકલીફો હોય તો જુવાર બિન્દાસ ખાઓ, જરૂર ફાયદો થશે.’
આ પણ વાંચો: બાજરીનો વાસી રોટલો વધારે મીઠો લાગશે
પણ ખાવી કેવી રીતે?
જ્યારે પણ કોઈ નવી ચીજ ભોજનની થાળીમાં ઉમેરવાની આવે ત્યારે એ હેલ્ધી હોવા ઉપરાંત જો એ ટેસ્ટી ન હોય તો એનો ઝડપથી સ્વીકાર થતો નથી. જોકે આ કામ પણ હવે ન્યુટ્રિશનિસ્ટના કામનો જ એક ભાગ બની ગયો છે. જિનલ કહે છે, ‘જો અમે કહીશું કે રોજ જુવારના રોટલા ખાઓ તો આજના જીભના ચટાકાના જમાનામાં એ કોઈ ફૉલો નથી કરવાનું. એમાં સ્વાદિષ્ટ લાગે એવું વેરિએશન પણ લાવવું અને છતાં જુવારના ગુણો ઘટી ન જાય એ રીતે ક્રીએટિવલી રેસિપીઓ ટ્રાય કરી શકાય. રોટલાને પીત્ઝાની જેમ બનાવીને બાળકોને આપશો તો એ હોંશે-હોંશે ખાશે. જુવારની વેજિટેબલ ખીચડી પણ સરસ બને છે અને સાબુદાણા ખીચડી પણ બને. જુવારના આખા દાણાનું બહારનું આવરણ થોડું કડક હોય છે એટલે એને લાંબો સમય પલાળવા પડે. રાતે આઠથી દસ કલાક જુવારને પલાળી રાખો. પલાળેલું પાણી કાઢી નાખો. બીજું પાણી ઉમેરીને એને કુકરમાં બાફી લો. આઠ-દસ સીટી વગાડશો અને વધારાનું પાણી ગાળી લેશો એટલે જુવારનો દાણો મસ્ત સૉફ્ટ થશે. આ દાણાને તમે સાબુદાણાની ખીચડીની જેમ જ બનાવી લો. હા આ ખીચડી ઉપવાસમાં નહીં ખવાય, પણ વેરિએશન ફૂડ તરીકે જરૂર મજા આવશે. જુવારના લોટમાંથી રાબ પણ બનાવી શકાય. જેમ શિયાળામાં બાજરાની રાબ ગરમાટો આપશે એમ ઉનાળામાં જુવારની રાબ કૂલિંગ અસર કરશે. વેજિટેબલ પૅટીસ જેવું બનાવવું હોય તો એમાં બટાટાને બદલે તમે બાફેલી જુવારને મૅશ કરીને વાપરી શકો છો. બાફેલી જુવારમાં રંગબેરંગી શાકભાજી, ઑરેન્જ-દાડમ જેવાં ફ્રેશ ફ્રૂટ્સ મિક્સ કરીને સૅલડ પણ બહુ સરસ લાગે જે વન પૉટ મીલની ગરજ સારે એવું છે. હવે તો બજારમાં જુવારનો રવો પણ મળે છે એમાંથી તમે ઉપમા, ઢોસા, ઇડલી બધું જ બનાવી શકો છો. ’
જિનલ સાવલાએ આપેલી આ બે રેસિપી ટ્રાય કરી જુઓ
જુવારનો વાઇટ સૉસ
બાળકોને પાસ્તા બહુ ભાવતા હોય તો મેંદાનો સૉસ બનાવવાને બદલે જુવારના લોટમાંથી એ બનાવી શકાય. બે ચમચા જુવારનો લોટ ત્રણ ટીસ્પૂન બટર કે ઑઇલમાં શેકો. સહેજ સુગંધ આવવા માંડે એટલે એમાં ૧૫૦ મિલીલિટર જેટલું દૂધ ધીમે-ધીમે મિક્સ કરો. થિકનેસ સેટ કરવા માટે લગભગ ૧૦૦ મિલીલિટર જેટલું પાણી જોઈશે. મીઠું-મરી સ્વાદ અનુસાર નાખો. એક ચમચી મિક્સ હર્બ્સ નાખશો એટલે વાઇટ સૉસ તૈયાર!
જુવાર પીટા પૉકેટ
જુવારના રોટલાને તમે હાથથી થેપીને બનાવશો તો વચ્ચેથી એ આખા ફૂલશે. અેને વચ્ચેથી કાપીને એની અંદર પૂરણ ભરી શકાય. થિક હંગ કર્ડ લેવાનું. એમાં પર્પલ કૅબેજ, ગાજર, બેલપેપરની લાંબી અને પાતળી ચીરી કરવી. એમાં નમક-મરી અને મસ્ટર્ડ પેસ્ટ નાખી શકાય. બાફેલી કૉર્ન પણ નાખી શકાય. બાળકોને જો થોડું ટૅન્ગી ભાવતું હોય તો હોમમેડ કૅચ-અપ પણ લઈ શકાય. આ બધું મિક્સ કરીને જુવારના પૉકેટમાં ભરીને આપી શકાય. લંચ-બૉક્સમાં આ બે ચીજો અલગથી આપવી.