મહેતા અને ઇસ્કૉન પછી હવે આપણી ગાંઠિયા સફર પહોંચે છે ચેતનામાં. ચેતના ગાંઠિયા રથના ગાંઠિયા માણ્યા પછી કહીશ કે ખરેખર એક નંબર ગાંઠિયા છે. જબરદસ્ત જલસો પડી જાય એવો ગાંઠિયાનો આસ્વાદ અને એવી જ એની બધી ઇતર આઇટમ પણ
ફૂડ ડ્રાઈવ
ખરેખર એક નંબર
ગયા અઠવાડિયાએ મહેતા ચવાણાના ગાંઠિયાનો તો એની પહેલાં ઇસ્કૉનના ગાંઠિયાનો ટેસ્ટ કર્યો, હવે આપણે ટેસ્ટ કરવાનો છે ચેતનાના ગાંઠિયાનો. તમને થશે કે ફરી પાછા ગાંઠિયા? મને પણ આ જ વિચાર આવ્યો હતો કે ફરી ગાંઠિયા લઈને તમારી સામે આવવાનું? પણ સાહેબ, અમદાવાદમાં હોઉં અને તમને ચેતના ગાંઠિયા રથના ગાંઠિયાનો આસ્વાદ ન કરાવું તો-તો મારી અંદરનો બકાસુર લાજે.
જો આ વાંચીને તમને વિચાર આવે કે આટલાબધા ગાંઠિયા તમે ટેસ્ટ કેવી રીતે કર્યા તો એનો પણ જવાબ આપી દઉં.
ADVERTISEMENT
તમને ખબર છે એમ અમદાવાદમાં અમારી વેબ સિરીઝ ‘ગોટી સોડા’ની ત્રીજી સીઝનનું શૂટિંગ ચાલતું હતું. અમારી આ વેબ સિરીઝમાં સવારના નાસ્તાના અઢળક સીન હતા, જેના માટે અમારે ડાઇનિંગ ટેબલ પર વણેલા ગાંઠિયાથી માંડીને ફાફડા-જલેબી, ખમણ, ખાંડવી, સમોસા ને એવું બધું રાખવું પડે તો આ બધા નાસ્તા સાથે ચટણીઓ, પપૈયાનો સંભારો અને એવું બધું પણ મૂકવું પડે. ડાઇનિંગ ટેબલની આ સજાવટનું કામ આર્ટ ડિરેક્ટરનું આવે. અમારા આર્ટ ડિરેક્ટર ચીકા ખરસાણીને આ બધી જવાબદારી સોંપી હતી એટલે તે પોતાને રીતે બધું લઈ આવે અને ગોઠવી દે.
એક સવારે મને તેમણે કહ્યું કે સંજયભાઈ, બ્રેકફાસ્ટનો સીન છે, તમે નાસ્તો કર્યો હોય તો પણ તમે થોડા ગાંઠિયા-સંભારો અને બીજું બધું ટેસ્ટ કરજો. મજા આવશે. ચીકાભાઈ પણ મારા જેવા ખાવાના શોખીન. મને એમના પર પૂરો ભરોસો એટલે મેં તો વાત અમલમાં મૂકવાનું નક્કી કર્યું પણ સાહેબ, ગાંઠિયા ટેસ્ટ કરવાનું તો બાજુએ રહ્યું; હું તો ગાંઠિયા જોઈને જ આભો થઈ ગયો.
વણેલા ગાંઠિયા જાડા હોય પણ આ વણેલા ગાંઠિયા પ્રમાણમાં ખૂબ જાડા અને એકદમ સૉફ્ટ, હોઠથી તૂટી જાય એવા. મને મજા પડી ગઈ. ગાંઠિયાની સાથે જે પપૈયાનો સંભારો હતો એ એટલો બારીક કે જાણે થિન-નૂડલ્સ છે. પપૈયું એકદમ ઝીણું છીણેલું હતું બીજી વાત એ કે એનો દેખાવ હતો લાલઘૂમ. અંદર લીંબુ, સાકર અને લાલ મરચું નાખેલું એટલે સ્વાદમાં તીખાશ, ખટાશ અને ગળાશનો ત્રિવેણી સંગમ હતો. કઢી ચટણી પણ એકદમ સરસ અને જાડી તો સાથે જે બીજી ચટણી હતી એ લીલી ચટણી ઇસ્કૉનની ચટણીને ટક્કર મારે એવી હતી. જે ફાફડા આવ્યા હતા એના બૉક્સ પર લખ્યું હતું, જયંતીકાકા સ્પેશ્યલ ફાફડા. આ જયંતીકાકા કોણ એ દુકાને જઈને મેં ત્યાંના માણસને પૂછપરછ કરી, પણ તેમને પણ ખબર નહીં એટલે અનુમાન સાથે કહું છું કે કદાચ એ ચેતના ગાંઠિયા રથના માલિક હશે. આ જે જંયતીકાકા સ્પેશિયલ ફાફડા હતાં એ અદ્ભૂત હતાં.
બધું ચાખ્યા પછી મેં પહેલું કામ ચીકાભાઈ પાસે જઈને ઍડ્રેસ લેવાનું કર્યું અને ખબર પડી કે ચેતના અમદાવાદના ગુરુકુળ પાસે આવ્યું. ત્યાં હવે મેટ્રો ચાલુ થઈ ગઈ છે એટલે મેટ્રોમાં તમે ગુરુકુળ સ્ટેશન જઈ શકો. ગુરુકુળ સ્ટેશને તમે ઊતરી થોડું ચાલો એટલે આ ચેતના ગાંઠિયા રથ આવે.
ચેતના રેસ્ટોરન્ટ નથી, દુકાન છે. એની બાજુમાં ગાંઠિયાનો તાવડો લાગેલો છે, જે આખો દિવસ ચાલુ જ હોય. પૈસા આપો કે તરત ગાંઠિયા બનાવવાનું શરૂ કરે. દુકાનની બહાર પાંચ ફુટ ઊંચુ ટેબલ છે જ્યાં માણસો ઊભા રહીને નાસ્તો કરી શકે.
શૂટમાં બ્રેક હતો એ દિવસે હું તો સવારે નાસ્તો કર્યા વિના પહોંચી ગયો સીધો ત્યાં અને મેં જઈને સો ગ્રામ ફાફડા અને વણેલા એમ મિક્સ મંગાવ્યા તો સાથે પચાસ ગ્રામ જલેબી અને ગોટા પણ લીધા. ટેબલ પર કઢી-ચટણી પડ્યાં જ હોય અને સંભારો, લીલી ચટણી અને તળેલાં લીલાં મરચાં તમને વાઇટ પેપરમાં ગાંઠિયાની સાથે આપે. ગાંઠિયા સાથે જે લીલાં મરચાં હતાં એ પેલા મોટાં ઘોલર મરચા નહીં, પણ નાનાં મરચાં હતાં જે સહેજ તીખાં પણ મજા પડી જાય એવાં.
ત્રણ જગ્યાના ગાંઠિયાનો આસ્વાદ માણ્યા પછી હવે હું તમને કહીશ કે અમદાવાદ જવાનું બને તો અગાઉની બન્ને જગ્યા કદાચ ચૂકી જશો તો ચાલશે પણ સાહેબ, ચેતનાના આ ગાંઠિયા રથમાં બેસવાનું ચૂકતા નહીં, નહીં તો ભારોભાર અફસોસ થશે.