ગોકુળમાં બેઠા હો એવો આનંદ એ વહેલી સવારે સુરતની ફુટપાથ પર આવ્યો હતો
સંજય ગરોડિયા
ડિસેમ્બર-જાન્યુઆરીમાં મારા નાટકનો શો સુરતમાં ગોઠવાય એટલે હું રાજીનો રેડ થઈ જાઉં. ડિસેમ્બર-જાન્યુઆરીમાં સુરત સાચા અર્થમાં જમણનગરી બની જાય. પોંક, ઉંબાડિયું, ઊંધિયું અને એવું બીજું કંઈકેટલુંય. આ વખતે પણ મને એ લાભ મળી ગયો અને અમારા નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’નો શો સુરતમાં આવ્યો. મેં તો મનોમન આખું લિસ્ટ બનાવી લીધું કે આપણે આ બધું ખાવાનું બને છે. પણ મિત્રો, એ લિસ્ટમાં મને એક આઇટમ અચાનક યાદ આવી હતી એટલે મેં નક્કી કર્યું કે આ વખતે તમને એ આઇટમનો આસ્વાદ કરાવવો છે. એ આઇટમ એટલે મલાઈ. યસ, મલાઈ મતલબ ક્રીમ.
હું તો આ મલાઈ ચાલીસેક વર્ષથી ખાતો આવ્યો છું અને એ તો એની પણ પહેલાંથી મળે છે. આ જે મલાઈ છે એ સુરતના ભાગોળ વિસ્તારમાં આવેલા કાંસકીવાડમાં સુખદેવ છબીલદાસ દૂધવાળા નામની દુકાન છે ત્યાં મળે છે. બીજે પણ મળતી હશે પણ મને એની ખબર નથી અને હું વર્ષોથી અહીં જ મલાઈ ખાતો આવ્યો છું. સુરત પહોંચીને મેં અમારા ઑર્ગેનાઇઝર વસીમ જરીવાલાને કહ્યું કે મારે મલાઈ ખાવા જવું છે એટલે તેણે મને કહ્યું કે એ તો સવારના છ વાગ્યે જ મળશે, પછી ખતમ થઈ જાય છે. ઠીક છે મિત્રો, મારે તો તમારા માટે વહેલા જાગવાનું હતું એટલે સાડાપાંચ વાગ્યાનું અલાર્મ મૂકીને હું તો જાગી ગયો વહેલો અને મારા સાથીકલાકાર નીલેશ પંડ્યા સાથે પહોંચ્યો કાંસકીવાડ. વસીમ પણ સવારના પહોરમાં વહેલો ત્યાં આવી ગયો હતો અને તે પોતાની સાથે સાકર લાવ્યો હતો. અમે જઈને પાંચસો ગ્રામ મલાઈ લીધી અને પછી બાજુમાં આવેલી દુકાનેથી પાંઉ લઈ આવ્યા. સવારનો સમય હતો એટલે મોટા ભાગની દુકાનો હજી ખૂલી નહોતી. અમે તો જમાવી એક દુકાનના પાટિયા પર બેઠક અને ચાલુ કર્યો મલાઈ-પાંઉનો બ્રેકફાસ્ટ.
ADVERTISEMENT
આ ખાવાની રીત સમજાવું.
પાંઉમાં મલાઈ લેવાની અને એના પર પેલી દળેલી સાકરનો સહેજ ભૂકો વેરવાનો અને પછી બાઇટ લેવાનું. બસ, આમ ખાતા જવાનું અને જન્નતનો અનુભવ કરવાનો.
મલાઈની જે કુમાશ હતી એ તમારા ગળાને એકદમ સ્મૂધ બનાવી દે. એવું જ લાગે જાણે કે તમે ગળામાં ઑઇલિંગ કરાવ્યું. આ જે મલાઈ હોય છે એનો રેસ્ટોરાંવાળા ઉપયોગ કરતા હોય છે પણ એ ડિરેક્ટ્લી ખાવાનું ક્યારથી અને કેમ શરૂ થયું એની મને સ્ટોરી નથી ખબર, પણ એક વખત શરૂ થયેલી એ પ્રથા આગળ વધી અને પછી તો મારા જેવા લોકો મલાઈ ખાવા જવા માટે શરૂ થઈ ગયા. મલાઈ ખાવાનું આ જ બેસ્ટ કૉમ્બિનેશન છે, મલાઈ અને પાંઉ. એની ઉપર સાકર નાખવાનું તો મેં એ જ દિવસે જોયું, બાકી તમે સાકર ન નાખો તો પણ ચાલે. માત્ર મલાઈ અને પાંઉમાં પણ એવો જ ટેસડો પડે અને મેં તો એવી રીતે પણ અનેક વખત મલાઈ ખાધી છે.
મલાઈને ફેંટી નાખી હોય એટલે એમાં પેલા ક્રીમના ટુકડા આવતા નથી પણ જો તમે એને ઘરના ફ્રિજમાં કલાક રાખી દો તો એ તરત જામી જાય. એ દિવસે મેં સાંભળ્યું કે કેટલાક લોકો તો સવારના મલાઈ ખાવા આવે ત્યારે પોતાની સાથે સ્ટ્રૉબેરી કે પછી બીજાં ફ્રૂટ્સ પણ લઈ આવે અને પછી એના ટુકડા કરીને આ મલાઈમાં નાખી એ મલાઈ ખાય. આ તમને એટલે કહ્યું કે જો સુરત જવાના હો અને મલાઈ ખાવાનું મન બનાવી લીધું હોય તો તમને અત્યારથી જ આઇડિયા રહે કે કેવી રીતે તમારે એનો આસ્વાદ માણવો. પણ હા, પાંઉ લઈને એની સાથે તો મલાઈ ખાવાનું ચૂકતા નહીં. એ મલાઈ ખાવાની ઓરિજિનલ રીત છે. એ દિવસે અમે પાંચસો ગ્રામ મલાઈ ઝાપટી ગયા. પાંચસો ગ્રામ મલાઈ એટલે ઓછામાં ઓછું દસ લીટર દૂધ થયું. વિચારો, મલાઈ કેવી સરસ હશે!
એક ખાસ વાત, મલાઈ વહેલી સવારના જ મળશે. આઠ વાગ્યે પણ ત્યાંથી વીલા મોઢે પાછા જતા લોકો મેં જોયા છે.