નડિયાદની પંજાબ બેકરીમાં મળતાં પફ જેવાં પફ બીજે ક્યાંય તમને ટેસ્ટ કરવા નહીં મળે એની ગૅરન્ટી સાથે કહું છું કે નડિયાદી ભૂસું લાવનારાને કહેજો કે પંજાબ બેકરીમાંથી પફ ખાતો આવે
બાર રૂપિયાનું પફ અને બારેય કોઠે દીવા
ખાવાની બાબતમાં જો મને જલસા પડતા હોયને તો એ વેસ્ટર્ન ઇિન્ડયા અને નૉર્ધર્ન ઇિન્ડયા. આ બે જગ્યાએ ખાવામાં જે વૈવિધ્ય છે એવું વૈવિધ્ય કદાચ દુનિયાના કોઈ દેશમાં નહીં હોય. ત્યાંની સ્થાનિક વરાઇટી તો ખરી જ પણ સાથોસાથ આ બન્ને પાર્ટમાં બહારની વરાઇટીનું અડૉપ્શન પણ બહુ સરસ રીતે થયું છે. ઍનીવેઝ, આપણે આવી જઈએ વેસ્ટર્ન ઇન્ડિયાના ગુજરાતમાં.
નાટકની વાત કરીએ તો ગુજરાતમાં સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર જેવાં શહેરોમાં તો નાટરના રેગ્યુલર શો થાય જ છે પણ છેલ્લાં પાંચેક વર્ષથી આ શહેરોના લિસ્ટમાં નડિયાદ પણ ઉમેરાયું છે. નાટક ‘દે તાળી, કોના બાપની દિવાળી’ના શોની ટૂર ચાલતી હતી એ દરમ્યાન નડિયાદ જવાનું થયું. અમદાવાદથી પાંચ વાગ્યે અમે રવાના થયા, સાત વાગ્યે નડિયાદ પહોંચ્યા. રાતે સાડાનવનો શો અને શો પૂરો થયા પછી પ્રેક્ષકો સાથે ફોટો પડાવવા ને મળવું ને એવું બધું ચાલે એટલે વાગે રાતે એક-દોઢ એટલે મને થયું કે જરાક પેટપૂજા કરી લઉં. હું તો નીકળી ગયો નડિયાદની મેઇન માર્કેટમાં. અચાનક મારું ધ્યાન પડ્યું પંજાબ બેકરી પર. પંજાબ બેકરી ને એય નડિયાદમાં!
આજુબાજુમાં તપાસ કરી તો ખબર પડી કે નડિયાદની આ પંજાબ બેકરી બહુ જૂની છે, ૧૯૪૭ની આઝાદી પછી એના માલિકો આ નડિયાદમાં સ્થાયી થયા પણ સાહેબ, તેમની સાથે વાત કરો તો જરા સરખો પણ અણસાર ન આવે કે એ ગુજરાતી નથી. ચાવલા ફૅમિલીએ પંજાબ બેકરી શરૂ કરી. પંજાબ બેકરીનાં વેજિટેબલ પફ બહુ સરસ છે એવી ખબર પડી એટલે હું મારી સાથે આવેલા નડિયાદના ઑર્ગેનાઇઝર કેયૂર પટેલ સાથે બેકરીમાં દાખલ થયો. તેમણે મારી ઓળખાણ પંજાબી બેકરીના માલિકો સાથે કરાવી પણ મજાની વાત તો એ કે તેમણે મારાં નાટકો જોયાં હતાં. નાટકના જ નહીં, કલાના ક્ષેત્રના પણ એવા શોખીન કે નિડયાદ કલામંદિર સાથે પણ જોડાયેલા છે.
કહેવત છે, સુથારનું મન બાવળિયે એમ મારું મન પેલા પફમાં. તેમણે તરત જ વેજિટેબલ પફ આપ્યું. મિત્રો, વેજિટેબલ પફ મુંબઈમાં એટલું પ્રચલિત નથી. ખારી બિસ્કિટ જ જોઈ લો. બહારનું આવરણ ખારી બિસ્કિટનું જ પણ આકાર એનો ત્રિકોણ, જેમાં અંદર કાંદા, બટાટા, વટાણાનું પૂરણ હોય. મુંબઈમાં એને વેજિટેબલ પૅટીસ કહેવામાં આવે છે. આ પ્રકારનું પફ તમને ઈરાની રેસ્ટોરાંમાં કે પછી બીજી દુકાને મળી જાય પણ પંજાબ બેકરીના આ પફની સાઇઝ અને સ્વાદ બેમિસાલ.
અમદાવાદમાં પણ મેં ઘણી જગ્યાએ પફ ખાધાં છે અને અમદાવાદમાં મળતા એક પફની ફૂડ ડ્રાઇવ પણ આપણે કરવાની છે, પણ આ પફની વાત જુદી હતી. બીજી જગ્યાએ તમને પફ સાથે ટમૅટો કેચપ આપે પણ અહીં એ નથી આપતા. જેવું મને પફ આપ્યું કે મેં આ કારણ પૂછ્યું તો મને કહે કે પહેલાં તમે ખાઓ, કેચપ તો શું તમને કોઈ વસ્તુની જરૂર નહીં પડે.
વાત સાચી હતી. કોઈ આઇટમની જરૂર ન પડે. તમે લુખ્ખું પફ ખાઈ શકો અને એ આપે તમને ગરમાગરમ જ. ઑર્ડર આવતો જાય, પફ બનતાં જાય અને ગરમાગરમ દેવાતાં જાય. સીધું મોઢામાં નાખી જ ન શકાય. તમારે સહેજ ઠંડું પડવા દેવું પડે. પહેલો ટુકડો જેવો મોંમાં મૂકો કે તરત ઉપરની ખારી મોંમાં ઓગળી જાય અને અંદરના પૂરણની તીખાશ મોંમાં પ્રસરી જાય. પૂરણની ક્વૉન્ટિટી પણ એટલી કે પફના દરેક ખૂણા સુધી એનો સ્વાદ પહોંચે.
પંજાબ બેકરીમાં બેકરીને લગતી ખારી બિસ્કિટ, નાનખટાઈ, જીરા બિસ્કિટ જેવી અનેક વરાઇટી હતી પણ પફમાં તેમની માસ્ટરી છે. દિવસ દરમ્યાન હજારો પીસ એ વેચે છે. હાથના પંજાની સાઇઝનું પફ માત્ર બાર રૂપિયામાં. તમે એક પફ ખાઓ એટલે આરામથી સાંજનો નાસ્તો થઈ જાય. મને થયું કે આ પફની વાત તમારા સુધી લઈ જ આવવી પડે. નડિયાદી ભૂસું વખણાય છે પણ મારી ચૅલેન્જ સાહેબ, તમને નિડયાદી પફ જેવાં પફ પણ બીજે ક્યાંય નહીં મળે.
ગૅરન્ટી.