રાજકોટમાં દર વર્ષે થતા ધરામિત્ર નામના ફૂડ કાર્નિવલની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં એવી જ વરાઇટીના સ્ટૉલ થઈ શકે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા ન હોય. આ ધરામિત્રમાં મેંદામાંથી બનતી એક પણ આઇટમ રાખવાની મનાઈ છે
સંજય ગોરડિયા
આજે આપણે વાત કરવાની છે વીસરાતી જતી વાનગીઓની જે ખાવામાં બહુ હેલ્ધી હતી. એ વાનગીઓ આપણા બાપદાદા નિયમિત ખાતા પણ જન્ક ફૂડ આવ્યા પછી એને ઘરમાંથી તિલાંજલિ આપી દીધી અને હવે તો આજકાલની મમ્મીઓને પણ એ બનાવતાં આવડતી બંધ થઈ ગઈ.
મારી નવી ગુજરાતી ફિલ્મ ‘કમઠાણ’ના પ્રમોશન માટે હું આજકાલ ગુજરાતના ગામેગામ ફરું છું. પ્રમોશન ટૂર દરમ્યાન જ મારે રાજકોટ જવાનું બન્યું. દિવસ આખો તો પ્રમોશન ઍક્ટિવિટીમાં જાય પણ સાંજે જરાક ફ્રી થાઉં ત્યારે હું આજુબાજુમાં નજર કરું. બહુ બધા ઇન્ટરવ્યુ પતાવીને હું જરા નિરાંતે બેઠો ત્યાં મને ખબર પડી કે ‘ધરામિત્ર’ નામનો ફૂડ કાર્નિવલ રાજકોટમાં થાય છે. આ ‘ધરામિત્ર’ આમ તો દર વર્ષે થાય છે પણ મને પહેલી વાર ખબર પડી. નામને કારણે ઉત્સુકતા થઈ, પૂછપરછ કરી તો ખબર પડી કે એમાં ધરતીથી જોડાયેલી વાનગીઓ, ધરતી સાથે વાતો અને એ પ્રકારની બધી ચીજવસ્તુઓ મળતી હોય છે. બંદા તરત જ તૈયાર અને મેં મિત્ર અભિષેક તલાટિયાને કહ્યું કે ચાલો જઈએ ‘ધરામિત્ર’માં.
ADVERTISEMENT
હું ગયો ત્યારે તો સ્ટેજ પર બાળકો માટે ફૅન્સી ડ્રેસ કૉમ્પિટિશન ચાલતી હતી અને એમાં મારું નામ બોલાયું. હું સ્ટેજ પર ગયો અને મેં તમામ આગતા-સ્વાગતા પૂરી કરી પણ મિત્રો, સાચું કહું? મને એમાં રસ જ નહોતો. ફટાફટ એ બધું પતાવીને હું તો ગયો અલગ-અલગ સ્ટૉલ ઉપર ખાવા માટે. એક સ્ટૉલ પર હું ગયો તો ત્યાં બે બહેનો હતી માધવી અને જયશ્રી. આ લોકો પાસે જાત જાતની વાનગીઓ હતી. એમાં એક વરાઇટી હતી, દૂધિયો બાજરો. મને કહે કે આ બાજરીના પુડિંગ જેવી વરાઇટી છે. બાફેલી બાજરીમાં દૂધ અને ડ્રાયફ્રૂટ્સ નાખીને એ બનાવવામાં આવે. મેં દૂધિયો બાજરો ટેસ્ટ કર્યો. મને તો મજા પડી ગઈ. એક સમયે સૌરાષ્ટ્રમાં દૂધિયો બાજરો બહુ ખવાતો પણ કાળક્રમે નવી વાનગીઓના રવાડે લોકો ચડ્યા અને આ આઇટમ હાંસિયા બહાર કરી નાખી.
ફૂડવાલા નામના એ સ્ટૉલ પર બાજરીની ખીચડી પણ હતી. નામ સાંભળીને જ મને રસ પડ્યો એટલે મેં તો એ આઇટમ પણ લીધી. આ બાજરીની ખીચડી સાથે મને નાચણીનો પાપડ અને છાશ આપ્યાં તો સાથે લીલા કાંદા અને કાકડી-ટમેટાંનું સૅલડ પણ આપ્યું.
આહાહાહા...
જલસો-જલસો થઈ ગયો. બાજરીની ખીચડી લેવાની, પછી સહેજ છાશ પીવાની અને એની સાથે એકદમ કરકરો એવો નાચણીનો પાપડ ખાવાનો. આ જ સ્ટૉલમાં રાગી અને નાચણીના નૂડલ્સ હતા, જે મારા માટે સાવ નવા હતા. એ જે નૂડલ્સ હતા એ નાના અને પાતળા ટુકડા જેવા હતા. આ બન્ને નૂડલ્સને મિક્સ કરી એમાં તીખી-મીઠી ચટણી, કાકડી-ટમેટાં, લીલા કાંદા નાખ્યા હતા અને ઉપર મસાલો છાંટીને નૂડલ્સ ભેળ બનાવી હતી. મેં તો કહ્યું કે આપણે આ ભેળ ટ્રાય કરવી પડી અને સાહેબ મોજ-એ-દરિયા થઈ ગયા.
હજી તો હું કંઈ વિચારું એ પહેલાં તો એક બહેન આવ્યાં, આવીને મને કહે કે આ આદુંનો લાડુ ટ્રાય કરો. આદુંનો લાડુ મેં મારી જિંદગીમાં ક્યારેય ખાધો નહોતો એટલે મને થયું કે એ તો ટ્રાય કરવો જ રહ્યો. મિત્રો, આ બધી શિયાળામાં ખાવાની વાનગીઓ છે. શિયાળામાં આદું કે બાજરી તમે ખાઓ તો તમારા શરીરમાં ઊર્જા ઉત્પન્ન થાય, જે શરીરને ગરમાવો આપે. આદુંનો લાડુ મેં ચાખ્યો, જલસો પડી ગયો. ભરપૂર માત્રામાં આદું અને ગોળ નાખીને એ લાડુ બનાવવામાં આવ્યો હતો.
હું અગાઉ કહી ચૂક્યો છું કે સૌરાષ્ટ્રમાં ચિક્કી બહુ સરસ બને છે. મુંબઈવાળાને તો ચિક્કી એટલે લોનાવલા અને લોનાવલા એટલે જ ચિક્કી, પણ એવું નથી. સૌરાષ્ટ્ર ચિક્કીનું મૂળ મથક છે. ત્યાં ખૂબ સરસ ચિક્કી બને અને એમાં વરાઇટીઓનો પણ ઢગલો. ‘ધરામિત્ર’માં મનોજભાઈ નામના ભાઈ મળ્યા, હું તેમના સ્ટૉલ પર ગયો તો તેમણે મને ઘરે બનાવેલી ચિક્કી ચખાડી. એકદમ ક્રન્ચી અને ઘરના દેશી ગોળની સોડમ એમાંથી સ્ફૂરે એવી એ ચિક્કી હતી.
‘ધરામિત્ર’માં ફરતાં-ફરતાં જ મને વિચાર આવ્યો કે આ જે બધી વરાઇટીઓ છે એ બનાવવાવાળા કોણ છે એ પણ મારે જાણવું જોઈએ એટલે મેં પહેલાં ફૂડવાલા સ્ટૉલ પર જે બે બહેનો હતી એની પૂછપરછ કરી તો ખબર પડી કે એ બન્ને દેરાણી-જેઠાણી છે અને બન્ને શોખથી જ દર વર્ષે ‘ધરામિત્ર’માં સ્ટૉલ કરે છે તો ચિક્કીવાળા જે ભાઈ હતા એ મનોજ દેસાઈ હતા. એક સમયના ગુજરાતના બહુ સારા અને ટોચના પ્રેસ ફોટોગ્રાફર. એ પણ શોખથી જ ‘ધરામિત્ર’માં સ્ટૉલ કરે છે.
આ અને આવા જે બીજા લોકો છે એ સૌને હું કહીશ કે મા અન્નપૂર્ણાના આશીર્વાદ બહુ ઓછાને મળતા હોય છે. તમને મળ્યા છે તો એ આશીર્વાદ અકબંધ રહે એ માટે તમારી આ પાકકલાને નિયમિત બનાવવા વિશે વિચારો. ક્યારેય એવું માનવું નહીં કે કામ હંમેશાં પૈસા માટે જ થાય. ના, કુદરતે આપેલી કલાને સન્માન આપવા માટે પણ કામ કરવું પડે, કામ કરવાનું હોય.
આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

