Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ભજિયાંઓના બાપુ એટલે દરબારનાં ભજિયાં

ભજિયાંઓના બાપુ એટલે દરબારનાં ભજિયાં

Published : 08 February, 2024 08:25 AM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ગોંડલ એના રાજા ભગવતસિંહે કરેલાં વિકાસનાં કાર્યોના કારણે ભલે ઓળખાય પણ હું તો આ ગોંડલને દરબારનાં ભજિયાંને કારણે પણ એટલું જ માન આપીશ જેટલું ઇતિહાસકારો ગોંડલના જાજરમાન રાજવીકાળને આપે છે

સંજય ગોરડિયા

ફૂડ ડ્રાઇવ

સંજય ગોરડિયા


મારી નવી ફિલ્મ ‘ઝમકુડી’નું શૂટિંગ ગોંડલમાં હતું. આ જે ગોંડલ છે એ રાજકોટથી લગભગ એકાદ કલાક દૂર છે. આમ તો નાનકડું ટાઉન પણ દેશના ઇતિહાસમાં આ ગોંડલનો બહુ બધો ફાળો છે. આ ગોંડલના રાજવી રાજા ભગવતસિંહજીએ આપણી ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોશ ‘ભગવદ્ગોમંડળ’ તૈયાર કરાવ્યો હતો. આ ભગવદ્ગોમંડળની વાતો લખવા બેસું તો આખું ‘મિડ-ડે’ ભરાઈ જાય. આ જ રાજા ભગવતસિંહજીએ ગોંડલમાં કન્યા કેળવણી ફરજિયાત કરી હતી. ફરજિયાત. જો તમે દીકરીને ભણવા ન મોકલો તો તમારી સામે કાયદેસર ફરિયાદ થાય અને તમને સજા કરવામાં આવે. આવી તો ગોંડલની અનેક વાતો છે. આ ગોંડલના પ્રજાવત્સલ રાજા ભગવતસિંહજીના નવલખા પૅલેસમાં અમારું શૂટિંગ થાય. શૂટિંગ દરમ્યાન નીકળવું પ્રમાણમાં અઘરું. આખો દિવસ કામ જ ચાલુ હોય, પણ મને તક મળી ગઈ.


બન્યું એમાં એવું કે ગુજરાતમાં શૂટિંગના યુનિટનું ફૂડ બનાવતા કેટરર્સ ગુજરાતી હોય અને ફિલ્મની ટેક્નિકલ ટીમ હોય એ મુંબઈની હોય. એ લોકોને ગુજરાતી ટેસ્ટનું ખાવાનું ગળ્યું લાગે એટલે એ ફરિયાદ કરે અને ફરિયાદ કરે એટલે પેલા કેટરર્સવાળા એ લોકોના ટેસ્ટને ધ્યાનમાં રાખીને ખાવાનું ન આવડે તોયે બનાવે. એમાં ખાવાનું ન અહીંનું રહે, ન ત્યાંનું રહે. પછી પરિસ્થિતિ એવી કફોડી થાય કે તમે બપોરનું લંચ સ્કિપ કરી શકો પણ સાંજ પડતાં તો તમારા પેટમાં કૂકડા બોલવા લાગે. એમાં મારા પેટમાં તો બકાસુરનો વાસ એટલે એ તો અંદર ધમાચકડી મચાવી દે.
એક-બે દિવસ તો મેં બકાસુરને ડારો દઈને બેસાડી રાખ્યો પણ ત્રીજા દિવસે ભાઈએ બપોરથી ધમપછાડા શરૂ કરી દીધા એટલે હું તો ડિરેક્ટરની પરમિશન લઈને બકાસુરની આંગળીએ નીકળ્યો ગોંડલમાં. સહેજ પૂછપરછ કરી તો ખબર પડી કે તમે દરબારનાં ભજિયાં ટ્રાય કરો. રેલવે સ્ટેશનની સામે જ છે, બહુ મજા આવશે.



આ જે દરબાર ભજિયા હાઉસ છે એ ૮૧ વર્ષથી એટલે કે રાજાશાહીના સમયથી ગોંડલમાં છે. મેં તો ત્યાં જઈને અઢીસો ગ્રામ મિક્સ ભજિયાંનો ઑર્ડર આપ્યો. ગરમાગરમ ભજિયાં બનતાં હોય. મારી પ્લેટમાં ચાર-પાંચ પ્રકારનાં ભજિયાં આવ્યાં. આ ભજિયાં સાથે ત્રણ જાતની ચટણી આપે. એક ગોળ-આંબલીની ગળી ચટણી તો બીજી હતી એ લાલ મરચાં અને લસણની ચટણી અને ત્રીજી હતી એ રાજકોટની બહુ પૉપ્યુલર એવી કોઠાની ચટણી, જેને ઘણા ગોરધનની ચટણી પણ કહે છે. રાજકોટમાં ગોરધનભાઈ નામના ભાઈએ આ ચટણી શોધી એટલે એનું એવું નામ પડ્યું છે પણ હવે તો એ ચટણી રાજકોટની ચટણી તરીકે ઓળખાય છે. 


જે ભજિયાં હતાં એમાં પહેલું ભજિયું બટાટુંવડું હતું. એના પછી આખા બટાટાનું ભજિયું હતું. નાની બટેટીને અડધી કાપી, એ બે વચ્ચે મસાલો ભરી એને બેસનમાં ઝબોળીને તળવામાં આવ્યું હોય. એ પછી મેથીના ગોટા હતા તો આખા મરચાનાં ભજિયાં પણ હતાં. બધેબધાં ભજિયાં નંબર વન. મેથીના ગોટાની જે ક્રિસ્પીનેસ હતી એ અદ્ભુત હતી તો મરચાનું ભજિયું તો ગોંડલના સરતાજ સમાન હતું. આ મરચાનાં ભજિયાંમાં ઘોલર મરચાં વપરાય, જે સહેજ પણ તીખાં ન હોય. મરચાનાં ભજિયાંનું ડીંટિયું કાઢી એને પોણું ઊભું કાપી નાખ્યું હોય અને પછી એમાં કાળા કલરનો એ લોકોનો ખાસ છે એ મસાલો નાખ્યો હોય. આ જે મસાલો છે એ ૩૨ જાતના મસાલા અને જડીબુટ્ટીઓ નાખીને બનાવવામાં આવે છે. મરચામાં એ મસાલો ભરી એનું ભજિયું બનાવવામાં આવે. મરચાનાં ભજિયાં તો મેં બહુ ખાધાં છે પણ સાહેબ, દરબારને ત્યાં મળતાં મરચાનાં ભજિયાંનો જે સ્વાદ હતો એ હું આજ સુધી ભૂલી નથી શક્યો. આ જે મસાલો છે એ મસાલાનું બસો ગ્રામનું પૅકિંગ પણ એ લોકો વેચે છે પણ એમ છતાં હું કહીશ કે ઘરે હનુમાન ચાલીસા સાંભળવા અને અયોધ્યાના રામમંદિરમાં બેસીને હનુમાન ચાલીસા સાંભળવા એ બન્ને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. એવો જ ફરક મસાલો ઘરે લઈ જઈને ભજિયાં બનાવો અને દરબારના ટેબલ પર બેસીને ભજિયાં ખાઓ એની વચ્ચે છે અને એટલે જ કહું છું કે જ્યારે પણ ગોંડલ જવાનું બને કે પછી રાજકોટ ગયા હો અને ત્રણચાર કલાક ફ્રી હો તો અચૂક ગોંડલ રેલવે સ્ટેશન જજો અને દરબારનાં ભજિયાં ટ્રાય કરજો. 
આ ભજિયાં ખરા અર્થમાં બધાં ભજિયાંનો બાપ છે. આઇ મીન ઇટ...

આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2024 08:25 AM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK