એકદમ ઑથેન્ટિક ટેસ્ટની એ આઇટમ ખાધા પછી તમને સાતેય કોઠે દીવા થઈ જાય
સંજય ગરોડિયા
હમણાં મારા નાટકના શો સુરતમાં ચાલે છે એટલે સુરત રહેવાનું બહુ બને. સુરતના શો દરમ્યાન હું રોજેરોજ એકસરખું ખાઈને કંટાળ્યો એટલે મને થયું કે ચાલ કંઈક નવી વરાઇટી ટ્રાય કરું. હું તો એમ જ મારા ઑર્ગેનાઇઝર સાથે વાત કરતો હતો અને એવામાં તેના મોઢે આવ્યું કે દાળ-પકવાન ખાવાની ઇચ્છા છે અને માયલો બકાસુર સફાળો બેઠો થઈ ગયો. હું હા પાડું એ પહેલાં તો તેણે મારી ગળચી પકડીને હા પડાવી દીધી, પણ પછી મેં ચોખવટ કરી કે ભાઈ મારે ઑથેન્ટિક દાળ-પકવાન ખાવાં છે, એ તો અહીં નહીં મળેને? મને જવાબ મળ્યો, રાંદેર પાસે રામનગરમાં પહોંચી જાઓ, તમને ઑથેન્ટિક સિંધી વરાઇટી ખાવા મળશે.
થોડી પૂછપરછ કરી તો ખબર પડી કે સુરતનો આ રામનગર વિસ્તાર ઑલમોસ્ટ સિંધી કૉલોની જ બની ગયો છે. ત્યાં સિંધીઓ પુષ્કળ રહે અને એને લીધે સિંધી નાસ્તાઓ પણ અહીં ખૂબ મળે. હું તો પહોંચ્યો રામનગર અને ત્યાં જઈને મેં પૂછપરછ ચાલુ કરી કે બેસ્ટ દાળ-પકવાન ક્યાં મળે. અહીં હું તમને એક ટિપ આપું. સારું ખાવાનું જોઈતું હોય તો હંમેશાં જે-તે એરિયાના લોકલ માણસને પૂછવાનું અને એ પણ નાસ્તાવાળાને જ પૂછવાનું. પણ હા, એમાં ધ્યાન એ રાખવાનું કે દાળ-પકવાનવાળાને જઈને સારાં દાળ-પકવાનનું નહીં પૂછવાનું. એ તો તેનો હરીફ થયો. બેકરીવાળાને કે પછી બીજી કોઈ ફૂડ-આઇટમ વેચતો હોય તેને જઈને પૂછવાનું એટલે સાચો જવાબ મળે.
ADVERTISEMENT
મેં ત્રણેક જગ્યાએ જઈને પૂછ્યું અને મને બધી જગ્યાએથી એક જ જવાબ મળ્યો કે સિંધ ઍન્ડ પંજાબ નાસ્તા સેન્ટરમાં જાઓ. હું તો પહોંચ્યો સિંધ ઍન્ડ પંજાબ નાસ્તા સેન્ટરમાં. રામનગરમાં કોઈને પણ આ જગ્યા વિશે પૂછશો તો તરત જ તમને ઍડ્રેસ દેખાડી દેશે. સિંધ ઍન્ડ પંજાબ નાસ્તા સેન્ટર એક નાનકડી દુકાન છે, પણ વરાઇટી બધી બહુ સારી મળે છે. મેં તો ત્યાં જઈને સૌથી પહેલાં ઑર્ડર આપ્યો, દાળ-પકવાનનો.
શું દાળ હતી સાહેબ, અદ્ભુત. માત્ર દાળ, એમાં સહેજ નિમક, જીરું અને નામપૂરતા તેલમાં થયેલો વઘાર. પકવાનમાં પણ નામપૂરતું તેલ. મેં બહુ બધી જગ્યાએ દાળ-પકવાન ખાધાં છે અને નોટિસ કર્યું છે કે પકવાન તેલથી લથબથ હોય પણ રિયલ સિંધી દાળ-પકવાનમાં એવું નથી હોતું. આ દાળ-પકવાન સિંધીઓનો સવારનો નાસ્તો છે. સિંધી વેપારી પ્રજા, પણ મહેનતમાં એ આપણા પટેલોના તોલે આવે. સવારના છ વાગ્યાથી કામે લાગી ગયા હોય, રાતે બાર વાગ્યા સુધી કામ કરે. તનતોડ મહેનત કરતા હોય તેને સવારનો નાસ્તો ભરપેટ જોઈએ જ. એ કંઈ આપણી જેમ ખાખરા ને મમરા કે ફાફડાથી દિવસ શરૂ ન કરે.
સિંધ ઍન્ડ પંજાબમાં જે દાળ-પકવાન મળે છે એ અદ્ભુત છે. એમાં કોઈ તામસી મસાલાઓ નાખવામાં નથી આવતા એ મને સૌથી વધારે ગમ્યું. બીજી વાત કહું, સિંધી પરંપરા મુજબ અહીં બપોર સુધી જ દાળ-પકવાન મળશે, એ પછી નહીં મળે એટલે જો એ ખાવાનું મન હોય તો સવારે જ પહોંચી જજો. દાળ-પકવાનમાં મને ટેસડો પડ્યો એટલે મેં તરત કહ્યું કે સમોસા-રગડો ખાઈએ. એ જે સમોસા હતા એ પંજાબી સમોસા હતા અને એમાં રગડો નાખ્યો હતો. રગડો પણ એકદમ ઘટ્ટ નહોતો. મેં સૌથી પહેલાં સફેદ વટાણાના એ રગડાનું પાણી ચાખ્યું. હા, પાણી જ કહેવાય, એને રસો ન કહેવાય. જોતાં આપણને થાય કે આમાં મજા નહીં આવે... પણ સાહેબ, તમે ખોટા. મજા પડી ગઈ. એ પછી તો મેં વટાણા સાથે પણ રગડો ચાખ્યો. બધી ચટણીઓ મિક્સ કરીને પણ રગડો ચાખ્યો અને સૌથી છેલ્લે સમોસું મૅશ કરીને પણ એ ટ્રાય કરી. દરેક વખતે સ્વાદમાં ઉત્તરોતર વધારો થતો જતો હતો. મને બહુ મજા આવી ગઈ. આ બે આઇટમ પછી મારા પેટમાં જગ્યા નહોતી રહી પણ મન હજી ધરાયું નહોતું એટલે મેં કચોરી મગાવી અને પછી એને પણ પૂરતો ન્યાય આપ્યો. કચોરી પણ બહુ સરસ હતી એટલે મને થયું કે હવે આ આઇટમ તમારા સુધી મારે પહોંચાડવી જોઈએ.
ક્યારેય સુરત જવાનું બને તો રાંદેર પાસે આવેલા રામનગરના સિંધ ઍન્ડ પંજાબ નાસ્તા સેન્ટરમાં જવાનું ચૂકતા નહીં.