Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આર્ય ભવનની કઈ વરાઇટી ખાવા તમારે માટુંગા જવું જોઈએ?

આર્ય ભવનની કઈ વરાઇટી ખાવા તમારે માટુંગા જવું જોઈએ?

Published : 16 March, 2023 05:56 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

સાઉથ ઇન્ડિયન વરાઇટી માટે વર્લ્ડ ફેમસ થતા જતા માટુંગાની આર્ય ભવન રેસ્ટોરન્ટમાં અમુક વરાઇટી એવી મળે છે જે તમને આ વિસ્તારમાં ભાગ્યે જ ટેસ્ટ કરવા મળશે

આર્ય ભવનની કઈ વરાઇટી ખાવા તમારે માટુંગા જવું જોઈએ?

ફૂડ ડ્રાઇવ

આર્ય ભવનની કઈ વરાઇટી ખાવા તમારે માટુંગા જવું જોઈએ?


મિત્રો, હમણાં મારા નાટક ‘બે અઢી ખીચડી કઢી’નો શો માટુંગાના મૈસૂર અસોસિએશનના હૉલમાં હતો અને માટુંગાનું નામ આવે એટલે મારી અંદર રહેલો પેલો બકાસુર આળસ મરડીને બેઠો થઈ જાય અને મને શોના સમયથી બે કલાક પહેલાં માટુંગા પહોંચાડી દે. કોઈ માટુંગા બોલે તો પણ મારી આંખ સામે રસમ-વડાં આવી જાય. રસમ-વડાં મારાં ફેવરિટ પણ ફૂડ ડ્રાઇવની વાત હતી એટલે મેં જાતને કન્ટ્રોલ કરી અને મારા જઠરને સમજાવ્યું કે જરાક શાંત રહો, આપણે રસમ-વડાં સિવાયની કોઈ વરાઇટી ચાખવાની છે અને એ માની ગયું એટલે હું તો રવાના થયો માટુંગા.


માટુંગામાં એવી ઘણીબધી રેસ્ટોરન્ટ છે જ્યાં ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ મળતું હોય. મારી ફેવરિટ કૅફે મદ્રાસ છે પણ મેં નક્કી કર્યું કે સાઉથ ઇન્ડિયન ફૂડમાં પણ કંઈક યુનિક શોધી કાઢીએ અને મને મળી ગઈ યુનિકનેસ માટુંગા સ્ટેશનની સામે આવેલી આર્ય ભવન રેસ્ટોરન્ટ. 



અહીં તમને ટિપિકલ સાઉથ ઇન્ડિયન તો મળશે જ, પણ સાથોસાથ પાંઉભાજી અને રાઇસની પણ અનેક વરાઇટી મળશે અને સાઉથની સાવ યુનિક કહેવાય એવી વરાઇટી પણ મળશે. હું તો જઈને બેઠો આર્ય ભવનમાં અને આવીને વેઇટર મેનુ આપી ગયો. મેં એમાં નજર કરી અને મારી આંખો પહોળી થઈ. 


બ્રાહ્મિન ઇડલી.

આ પણ વાંચો:  રેલવે-સ્ટેશન પર મળતાં રગડો-વડાં અને પાંઉના ભોજનનો સુપર્બ સ્વાદ


આ વરાઇટી મંગાવવાની થાય છે અને મેં તો કર્યો ઑર્ડર.

ખબર કંઈ નહીં, પણ તાજ્જુબ મનમાં અકબંધ અને એ તાજ્જુબને વધારે એવી નાની વાટકી આકારની ઇડલી આવી. ફિલ્ટર કૉફી પીવાની જે પેલી સ્ટીલની વાટકી હોય એ સાઇઝની ચાર ઇડલી આપી ગયો, નૉર્મલ ઇડલી કરતાં વધારે મુલાયમ હતી. કહો કે સિલ્કની બની હોય એવી સૉફ્ટ ઇડલી હતી. એ ઇડલીની સાઇઝ નાની હતી. આ નાની ઇડલી સાથે મલગાપૂડી પાઉડર અને ઘી પણ મૂકી ગયો તો સાથે સાંભાર-ચટણી પણ હતાં. મેં તો શરમ રાખ્યા વિના વેઇટરને પૂછી લીધું કે જે ઘી છે એ મલગાપૂડીમાં નાખીને ખાવાનું કે ઇડલીમાં તો એણે સમજાવ્યું કે ભાવે તો મલગાપૂડીમાં થોડું ઘી નાખી શકો પણ બાકી ઘી આપ્યું છે ઇડલી પર નાખવા માટે. તેણે સૂચવ્યું એ રીતે મેં તો કર્યું અને સાથે સાંભાર અને ચટણી ખાવાનું ચાલુ કર્યું. જલસો પડી ગયો. ઇડલીને વધારે સૉફ્ટ બનાવવાનું કામ ઘી કરતું હતું એ તમારી જાણ ખાતર.

બ્રાહ્મિન ઇડલી પછી મેં મંગાવ્યું ઇડિયપ્પમ. આ ઇડિયપ્પમ તમને દરેક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં નહીં મળે. ઇડિયપ્પમ કેરળની એક ટિપિકલ આઇટમ છે, જે રાઇસના લોટમાંથી બને છે. રાઇસમાંથી બનાવેલા નૂડલ્સનું બાફેલું એક મોટું ઝૂમખું હોય અને સાથે સાંભાર-ચટણી હોય. ઇડિયપ્પમ બનાવવાનું સહેલું નથી એ તમારી જાણ ખાતર. ઇડિયપ્પમનો પહેલો આસ્વાદ મેં બૅન્ગલોરમાં કર્યો હતો અને એ ટેસ્ટ મને જયા બચ્ચને કરાવ્યો હતો. 

અમે ‘માં રિટાયર હોતી હૈ’ નાટકનો શો કરવા ગયાં હતાં ત્યારે જયાજી અમને બધાને ત્યાંની એક રેસ્ટોરન્ટમાં લઈ ગયાં અને ત્યાં તેમણે મને ઇડિયપ્પમ અને સ્ટ્યુનો ટેસ્ટ કરાવ્યો હતો. આ જે સ્ટ્યુ હોય છે એ કોપરાના દૂધમાંથી બને અને એમાં ગાજર, ફણસી, વટાણા જેવાં વેજિટેબલ્સ નાખ્યાં હોય. સ્ટ્યુનો ટેસ્ટ સહેજ સ્વીટ અને થોડો નમકીન હોય. આવી તો બીજી પણ અનેક આઇટમ છે જે આપણે ક્યારેય ચાખી સુધ્ધાં નથી. અપ્પમ વિથ કોકોનટ સ્ટ્યુ અને અવિયલ મંગાવો તો તમને આખા સાઉથ પર ઓવારી જવાનું મન થઈ આવે. અપ્પમ એકદમ સૉફ્ટ અને સ્ટ્યુ લાજવાબ. થાટ ઇડલી નામની પણ એક વરાઇટી હોય છે જેમાં ઇડલી નાની થાળીના આકારની હોય અને તમારે એ હાથેથી ખાવી પડે. એક જ ઇડલી આવે અને એ ઇડલી પર સરસ દેશી ઘી રેડ્યું હોય. ગરમાગરમ ઇડલી પર રેડાયેલું ઘી ઇડલીના કણ-કણમાં પહોંચી ગયું હોય. 

આ સ્વાદમંદિરનું નામ ફરી એક વાર કહી દઉં, આર્ય ભવન. કબૂલ કે માટુંગાની મોટા ભાગની રેસ્ટોરન્ટમાં બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ મળતું હશે પણ બ્રાહ્મિન ઇડલી અને ઇડિયપ્પમ ટેસ્ટ કરવાં હોય તો આર્ય ભવન પહોંચી જજો.

ગૅરન્ટેડ જલસો. કોઈ શંકા જ નહીં.

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2023 05:56 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK