હરભોલે આવ્યું અને મેં ગાડી ઊભી રાખી કે આજે તો ટેસ્ટ કરી જ લઈએ અને મેં બધાં માટે કચ્છી દાબેલીનો ઑર્ડર કર્યો
ફૂડ ડ્રાઇવ
કચ્છનો આસ્વાદ બોરીવલીના આંગણે
દુનિયાનો છેડો ઘર અને ઘરની વાત આવે કે તરત મને મુંબઈ યાદ આવે. હવે આવતા થોડા સમય સુધી હું મુંબઈની બહાર જવાનું ટાળવાનો છું, કારણ કે મારા નવા નાટક ‘બે અઢી ખીચડી કઢી’નાં રિહર્સલ શરૂ થયાં છે. આજકાલ મુંબઈમાં ગુજરાતી નાટક માટે રિહર્સલ હૉલ મળવા મુશ્કેલ થઈ ગયા છે અને એનું કારણ પણ છે. બધાને એસી હૉલમાં જ રિહર્સલ કરવાં હોય છે. ગરમીથી બચવાની માનસિકતા તો ખરી જ પણ એસી હૉલનો બીજો મોટો ફાયદો એ કે બહારના અવાજથી તમે સુરક્ષિત રહો.
આપણે ત્યાં અંધેરી બાજુએ તો ક્યાંય આવા એસી હૉલ નથી પણ બોરીવલીમાં પ્રબોધન ઠાકરેની આસપાસ આવા ઘણા એસી હૉલ છે એટલે અમે રિહર્સલ ત્યાં કરીએ છીએ. રિહર્સલ માટે રોજ અંધેરીથી બોરીવલી જવાનું. બોરીવલી હાઇવેથી એક ફ્લાયઓવર આવે છે, જેની નીચેથી જે રોડ પસાર થાય છે એ બોરીવલી વેસ્ટમાં મૅક્ડોનલ્ડ્સ પાસે આવે. અમે એ રસ્તો નથી લેતા પણ એ ફ્લાયઓવર ચડીને એના પછીનો જે દહિસરવાળો બ્રિજ આવે એ લઈએ, એ રસ્તેથી પ્રબોધન જલદી પહોંચી જવાય.
ADVERTISEMENT
આ બોરીવલી સિગ્નલ પાસે ડાબે જઈએ તો આગળ જ એક ગલીના ખૂણા પર હરભોલે કચ્છી દાબેલીવાળો ઊભો રહે છે. હું અને મારો સાથી કલાકાર સૌનિલ દરુ અમે બન્ને સાથે રિહર્સલમાં જઈએ અને રોજ અમે પેલા હરભોલેવાળાને ત્યાં ભીડ જોઈએ. હું રોજ સૌનિલને કહું કે એક દિવસ આની દાબેલી ટેસ્ટ કરવી પડશે અને હમણાં એ ઇચ્છા ફળીભૂત થઈ ગઈ.
એ દિવસે સૌનિલ ઉપરાંત મારી સાથે મારા આ નવા નાટકમાં કામ કરતી કૌશંબી ભટ્ટ અને ફલક મહેતા પણ હતી. હરભોલે આવ્યું અને મેં ગાડી ઊભી રાખી કે આજે તો ટેસ્ટ કરી જ લઈએ અને મેં બધાં માટે કચ્છી દાબેલીનો ઑર્ડર કર્યો. એની દાબેલી બનાવવાની જે સ્ટાઇલ હતી અને ત્યાં જગ્યા પર ચોખ્ખાઈ હતી એ જોતાં જ મને થયું કે જો એ સ્વાદમાં પણ ખરી ઊતરશે તો તમારી સાથે કચ્છી દાબેલીનો આસ્વાદ શૅર કરવો જ રહ્યો.
આ પણ વાંચો : દાસના પેંડાની વાત તો સૌ કરે, પણ દાસનો સિંગપાક એટલે સિમ્પ્લી સુપર્બ
સાહેબ, ખરા અર્થમાં અદ્ભુત સ્વાદ.
દાબેલી વિશે વધારે વાત કરતાં પહેલાં એક વાત કહી દઉં. જો તમારે કોઈ પણ વરાઇટીનો સાચો સ્વાદ માણવો હોય તો એક વાત ખાસ ધ્યાન રાખવી. રેગ્યુલર વરાઇટીમાં જ એ આઇટમ ટેસ્ટ કરવી. મેં એવું જ કર્યું હતું. સાદી દાબેલી જ મગાવી હતી, કિંમત હતી પચીસ રૂપિયા. બટરમાં ગરમ કરીને આપે, ગરમ થવાના કારણે પાંઉમાં થોડીક ક્રન્ચીનેસ આવી ગઈ હતી. દાબેલીમાં જે મસાલા સિંગ હતી અને એનો સ્વાદ પણ અદ્ભુત હતો તો દાબેલીના પૂરણને એ કૉમ્પ્લીમેન્ટ કરતી હતી.
બીજી નવાઈની વાત કહું, એણે દાબેલીની બાજુમાં સિંગ અને કાંદા આપ્યાં હતાં, જે કૉમ્બિનેશન પણ અદ્ભુત બનતું હતું. કહો કે દાબેલીના ટેસ્ટને નવી હાઇટ આપવાનું કામ કરતું હતું.
હરભોલેમાં ચીઝ કચ્છી દાબેલી પણ મળે છે પણ હું તમને સજેસ્ટ કરું છું કે ચીઝ સાથે અમુક વરાઇટી ખાવી નહીં, કારણ કે ચીઝ ઓરિજિનલ સ્વાદને ડૉમિનેટ કરે છે. પણ આપણે ત્યાં ચીઝ બહુ ખવાય છે અને એની સામે મારો વિરોધ પણ નથી પણ જો સાચો સ્વાદ માણવો હોય તો વરાઇટીને એના ઓરિજિનલ ફૉર્મમાં જ ટેસ્ટ કરવી. ફરી આવી જઈએ હરભોલેની વાત પર.
સાદી દાબેલી પછી મેં મગાવી કચ્છી કડક દાબેલી, એમાં પાંઉને એકદમ કડક કરીને આપે. ક્રિસ્પી પાંઉને લીધે એ ખાવાની મજા આવી ગઈ.
હરભોલેમાં જૈન દાબેલી અને દાબેલીની બીજી બધી વરાઇટીઓ પણ મળે છે એટલે જૈનો પણ ત્યાં જઈને સ્વાદ માણી શકે છે. ફરી એક વાર તમને રસ્તો સમજાવી દઉં. પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમથી દહિસર તરફ જાઓ એટલે ગાર્ડન આવે. અહીં ઘણા ખાણીપીણીવાળા છે. ગાર્ડનના કૉર્નરમાં જ હરભોલે છે. ભૂલ્યા વિના એક વખત ત્યાં જઈને દાબેલી ટેસ્ટ કરજો. કચ્છની દાબેલીનો આસ્વાદ બોરીવલી બેઠાં મળશે.