ઇલાબહેન ભટ્ટની સેવા સંસ્થા આ કૅફેનું સંચાલન કરે છે અને એટલે જ કદાચ આજે પણ કમલા કૅફેમાં સત્ત્વશીલતાની સોડમ વહ્યા કરે છે
ફૂડ ડ્રાઇવ
કમલા કૅફેને કારણે અમદાવાદીઓની મને ઈર્ષ્યા આવે છે
આજે આપણે જે ફૂડ ડ્રાઇવ પર જવાના છીએ એ માત્ર ખાવાની દૃષ્ટિએ જ નહીં, પણ એક્સ્પીરિયન્સની દૃષ્ટિએ પણ બહુ મહત્ત્વની છે.
અમદાવાદમાં અમારી વેબ સિરીઝના શૂટ માટે અમે લોકેશન જોવા સિટીમાં નીકળ્યા ત્યારે એસજી હાઇવેથી અમે બપોરે રિટર્ન થતા હતા. લંચનો સમય ઑલરેડી થઈ ગયો હતો એટલે પાછા આવતાં બોડકદેવ પાસે ગુરદ્વારાની સામેની ગલીમાં કમલા કૅફે નામની જગ્યાએ અમે જમવા ગયા. સાવ જ અનાયાસે અમે કમલા કૅફેમાં દાખલ થયા હતા પણ એ પછીનો મારો જે અનુભવ રહ્યો એ અદ્ભુત હતો.
ADVERTISEMENT
કમલા કૅફેમાં જમવાનું ઓપન ઍરમાં છે, ખુલ્લી જગ્યામાં પણ તમારી આજુબાજુ ઝાડપાન હોય, ફૂલો હોય અને એની મંદ-મંદ ખુશ્બૂ પ્રસરતી હોય. બહુ વિશાળ જગ્યા અને સેલ્ફ સર્વિસ સિસ્ટમ. કૅફેનું નામ કેવી રીતે કમલા કૅફે પડ્યું એની વાત કહું.
ડૉ. કમલા ચૌધરી નામના એક અમદાવાદી સેવાભાવી વ્યક્તિએ આ જમીન અમદાવાદીઓને ભેટમાં આપી અને સેલ્ફ-એમ્પ્લૉઇડ વિમેન્સ અસોસિએશન એટલે કે સેવાના શૉર્ટ ફૉર્મથી ઓળખાતી સંસ્થાએ આ કૅફેનું સંચાલન સંભાળ્યું. સેવાનાં શ્રી ઇલાબહેન ભટ્ટ હજી હમણાં દોઢ-બે મહિના પહેલાં જ અવસાન પામ્યાં.
આ પણ વાંચો : કાઠિયાવાડીઓ પણ લાજે એવાં ફાફડા-જલેબી અમદાવાદી મહેતા બનાવે છે
કમલા કૅફેની ખાસિયત એ કે ત્યાં માત્રને માત્ર ઑર્ગેનિક વેજિટેબલનો ઉપયોગ થાય છે, જેના માટે ડિરેક્ટ્લી ખેડૂતો પાસેથી જ શાક ખરીદવામાં આવે છે. કમલા કૅફેમાં શાકભાજી અને ફ્રૂટ્સ પણ વેચાતાં હતાં. કૅફેમાં બોર્ડ હતું કે જો તમે અહીંથી ખરીદી કરશો તો તમે એક સ્ત્રી-ખેડૂતને મદદ કરશો, કારણ કે અમે બધું સીધેસીધું ખેડૂત પાસેથી જ મગાવીએ છીએ.
કૅફેમાં બાજરો, જવ અને જુવારનો જ મહત્તમ ઉપયોગ થાય છે અને એનું કારણ પણ છે. આજુબાજુમાં આનું વાવેતર વધારે થાય છે તો ભારતીય સંસ્કૃતિ અને ખાનપાન મુજબ ઘઉં સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે. તમને થાય કે આવું હેલ્ધી ફૂડ હશે તો એ ટેસ્ટમાં બોરિંગ હશે પણ ના, એવું નથી. ખાવાનું હેલ્ધી છે જ પણ સાથે ટેસ્ટ-વાઇઝ ઇન્ટરેસ્ટિંગ અને પૉકેટને પરવડે એવું છે.
કૅફેમાં બોર્ડ હોય, જેના પર આખા દિવસનું મેનુ હોય. સવારના નાસ્તામાં શું છે, લંચમાં શું, સાંજના નાસ્તામાં શું અને રાતના જમવામાં શું વરાઇટી છે એ બધું એમાં પહેલેથી લખ્યું જ હોય. હું ગયો એ દિવસે ફ્રેશ કટ ફ્રૂટ, મસાલા ઇડલી, ઇડલી સંભાર, મિક્સ ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, પ્લેન ઢોસા, આલૂ પરોઠા જેવો સવારનો નાસ્તો હતો તો સાંજના નાસ્તામાં દાળવડાં, વેજિટેબલ હાંડવો, ભેળ, ફ્રેન્ચ ફ્રાઇઝ હતાં. કહેવાનો ભાવાર્થ એ કે ખાવાનું બિલકુલ બોરિંગ નથી.
આ પણ વાંચો : ઑથેન્ટિક આલૂમટર સૅન્ડવિચ ખાવી છે?
અમારા લંચમાં શું હતું એ પણ તમને કહું. લંચમાં ફિક્સ થાળી અને એના માત્ર ૧પ૦ રૂપિયા. જાડી પાંચ રોટલી, ભરેલા ભીંડા, મગની છૂટી દાળ, કઢી, સૅલડ, છાસ અને સ્વીટ પણ. સ્વીટમાં ગોળપાપડી કે ચૂરમાના લાડુ જેવી ટ્રેડિશનલ વરાઇટી પર વધારે ફોકસ હોય. એ દિવસે ડિનરમાં રીંગણાનો ઓળો, લસણિયા બટેટા, બાજરાના રોટલા, સુરતી કઢી, વઘારેલી ખીચડી જેવી વરાઇટી હતી. કુદરતનું સાંનિધ્ય, હેલ્ધી અને ગરમાગરમ ફૂડ. આવો ત્રિવેણી સંગમ જીવનમાં ભાગ્યે જ જોવા મળે અને આ બાબતમાં હું અમદાવાદીઓને આપણા કરતાં વધારે નસીબદાર માનું છું.
કમલા કૅફેમાં જે શાકભાજી અને ફ્રૂટની દુકાન હતી ત્યાં પણ મેં વિઝિટ કરી. ત્યાં મેં ડ્રૅગન ફ્રૂટ્સ જોયાં. આપણે ત્યાં જે ડ્રૅગન ફ્રૂટ્સ આવે છે એ અંદરથી લાઇટ ગ્રે કલરનાં અને એમાં વચ્ચે કાળા ટપકા જેવાં બી હોય છે. મને ડ્રૅગન ફ્રૂટ્સ ભાવતાં નથી, એનો ટેસ્ટ મને એકદમ ફીકો લાગ્યો છે. પણ અહીં જે ડ્રૅગન ફ્રૂટ હતાં એ એવાં નહોતાં.
કમલા કૅફેમાં મળતાં ડ્રૅગન ફ્રૂટ્સ અંદરથી બીટ જેવાં લાલઘૂમ હતાં અને એનો ટેસ્ટ, આહાહાહા.. રીતસર એમાંથી મીઠાશ ઝરતી હતી, કારણ કે એ ઑર્ગેનિક રીતે પકાવેલાં હતાં. મિત્રો, હું કહીશ કે જો ખરેખર આ પ્રકારના ફૂડના શોખીન હો તો ખાસ અમદાવાદ જઈને કમલા કૅફેનો અનુભવ કરજો અને ફૅમિલી સાથે જજો. બે-અઢી કલાક તમારા ક્યાં પસાર થઈ જશે એની તમને ખબર સુધ્ધાં નહીં પડે.