નિઃસંકોચપણે આવો એકરાર કરવાની સાથોસાથ આવું સ્વીકારવા પાછળનાં કારણો આપવામાં મનીષા પુરોહિતને કોઈ જાતનો સંકોચ નથી થતો.
કુક વિથ મી
મનીષા પુરોહિત
હા, હા, હા, એક વાર નહીં, અઢળક વાર, હા, હું મારી જાતને ૧૦૦ ટકા ફૂડી જ કહું છું અને એનું કારણ પણ છે. જમ્યા પછી પણ હું નવું કંઈ ખાવાનું મળે તો રેડી હોઉં છું. મને જાતજાતની વરાઇટી ખાવાનું ખૂબ ગમે. મને યાદ આવે છે હું નાટકો કરતી એ સમયગાળો. જ્યાં-જ્યાં નાટક થતાં હોય એ ઑડિટોરિયમની આજુબાજુમાં ખાઉગલી હોય જ હોય. હું વિનાસંકોચ એવું કહીશ કે એ સમયે મેં એ બધેબધી ખાઉગલીમાં જઈને પાણીપૂરીથી લઈને ભજીપાંઉ જેવી બધી આઇટમ ટ્રાય કરી છે.
હું એવી વ્યક્તિ છું જે એક જ દિવસે ૬ લગ્ન હોય તો એ દરેકમાં જવાનું હોય તો હું ગઈ હોઉં, એટલું જ નહીં, દરેકેદરેક લગ્નપ્રસંગમાં જઈને મેં અચૂક ફૂડ પણ લીધું હોય. હા, હું સ્વીકારીશ કે ખાતી વખતે કૅલરીની ચિંતા મેં ક્યારેય નથી કરી કે ક્યારેય મારાથી એ થઈ શકવાની નથી. મારે માટે હંમેશાં સ્વાદ જ સર્વોપરી રહ્યો છે અને રહેશે.
ADVERTISEMENT
વાત મારા ફેવરિટ બેસ્ટની. | જો મને કોઈ બેસ્ટ ફૂડ પૂછે તો હું તરત કહી દઉં, સાઉથ ઇન્ડિયન.
એ વાત જુદી છે કે સ્વાદ હોય અને શાકાહારી હોય એટલે હું બધેબધું ખાઈ લઉં, પણ જો ચૉઇસની વાત આવે તો હું ઇડલી, ઢોસા અને વડા સાંભાર જેવી વરાઇટી તરફ મારું પહેલું ધ્યાન જાય કે પછી એ મને પહેલાં ઍટ્રૅક્ટ કરે. સાઉથ ઇન્ડિયન પછી બીજા નંબરે મારી ફેવરિટ ડિશમાં આવે સિઝલર.
સિઝલર જોઈને જ મારા ટેસ્ટ બડ્સમાં જબરદસ્ત ખળભળાટ મચી જાય. અરે, પેટ ભરેલું હોય એ પછી પણ સિઝલર ખાવાની ઇચ્છા મને થાય જ થાય. હું કહીશ કે ગુજરાતી ફૂડ ‘એ’ ગ્રેડનું ફૂડ છે, કારણ કે એ સંપૂર્ણ આહાર છે. તમે જુઓ આપણી ગુજરાતી થાળીમાં લીલાં શાકભાજીથી લઈને સૅલડ, અથાણું, છાશ, દાળ-ભાત, રોટલી-રોટલા, ફરસાણ, મીઠાઈ જેવી ગણતાં થાકી જવાય એવી અને એટલી આઇટમ હોય છે. આ ગુજરાતી થાળી ખાઓ એટલે એ સ્વાદ તો તમને ખુશ કરી જ દે, પણ એમાંથી તમને જરૂરી તમામ પોષક તત્ત્વો પણ મળી રહે.
મારે એક વાત ખાસ કહેવી છે. દરેક એરિયાનો એક જુદો જ સ્વાદ ભોજનમાં મળતો હોય છે. હમણાં હું કાશ્મીર ફરવા ગઈ ત્યારે મેં ત્યાં રાજમા-ચાવલ ખાધા. અહીં બને છે એ અને ત્યાં ખાધા હતા એ રાજમા-ચાવલ વચ્ચે જમીન-આસમાનનો ફરક હતો. બધેબધું એ હોય, પછી પણ આ જે ટેસ્ટથી માંડીને એની અરોમા સુધ્ધાં બદલાઈ જાય એ દેખાડે છે કે હવા અને પાણીની પણ ફૂડ પર અસર થતી જ હોય છે.
હું અને મારાં કુકિંગ બ્લન્ડર | સૌથી પહેલાં તો કહી દઉં કે હું ખૂબ સારી કુક છું. મારાં મમ્મી દુનિયાનાં શ્રેષ્ઠ કુક હતાં. મમ્મીને કારણે જ થોડી કુકિંગની આવડત મારામાં આવી છે. હું આઠેક વર્ષની હોઈશ ત્યારે મેં લાઇફમાં પહેલી વાર મારાં મમ્મી માટે બટાટા-પૌંઆ અને મહેસાણાવાળી ભાખરી બનાવી હતી, જે બહુ સરસ બની હતી.
બન્યું એમાં એવું કે નાનપણમાં અમે મારા દાદાના ઘરે વીસનગર જઈએ. એ સમયે અમે બધી સાતેક વર્ષની બહેનપણીઓ માંડવલી કરીએ. બધા પોતપોતાના ઘરેથી જુદી-જુદી વસ્તુ લઈ આવે અને પછી એમાંથી કોઈ આઇટમ બનાવે. આ માંડવલીમાંથી જ હું કુકિંગ શીખી અને એ કુકિંગના આધારે જ મેં મમ્મી માટે બટાટા-પૌંઆ બનાવ્યા હતા.
એ સમયનો એક કિસ્સો હજી પણ મને યાદ છે.
મિક્સર ફેરવીને ચટણી બનાવાય એટલી મને ખબર હતી, પણ મિક્સર જારને મિક્સરમાં ફિટ કેમ કરવી એનું નૉલેજ નહોતું. મેં તો ચટણીની સામગ્રી નાખીને જારને મિક્સર પર મૂકી અને બરાબર ફિટ કર્યા વિના મિક્સર ચાલુ કરી દીધું. બસ પછી શું, આખા ઘરની દીવાલો કોથમીર અને લીલાં મરચાંથી રંગાઈ ગઈ. આજે પણ હું જ્યારે મિક્સર ચાલુ કરું એટલે મને નાનપણનો આ કિસ્સો યાદ આવી જાય.
આજે દરરોજ મારું ટિફિન હું જાતે જ બનાવું છું. કુકિંગનો મને શોખ અને ઘરનું ફૂડ એ મારી જરૂરિયાત. મારા ઑલટાઇમ ફેવરિટ એવા આપણા દેશી ફૂડની વાત કરું તો ખીચડી-કઢી અને અથાણું-પાપડ. જો મને એ મળી જાય તો મારે મન સ્વર્ગ ધરતી પર આવી ગયું.