ગુજરાતી ઘરોમાં કોળાનું શાક ખાસ પ્રચલિત નથી પરંતુ મુંબઈની મિશ્રિત સંસ્કૃતિમાં ઊછરેલા અને હેલ્થ માટે શું સારું છે એ જાણનારા લોકોએ કોળાને ખૂબ હેત સાથે અપનાવેલું છે. જો તમારા ઘરમાં પમ્પકિન કે કોળું ન ખવાતું હોય તો ચોક્કસ એ ખાવાનું શરૂ કરી શકો છો.
કોળા(પમ્પકિન)ના લાભો
ગુજરાતી ઘરોમાં કોળાનું શાક ખાસ પ્રચલિત નથી પરંતુ મુંબઈની મિશ્રિત સંસ્કૃતિમાં ઊછરેલા અને હેલ્થ માટે શું સારું છે એ જાણનારા લોકોએ કોળાને ખૂબ હેત સાથે અપનાવેલું છે. જો તમારા ઘરમાં પમ્પકિન કે કોળું ન ખવાતું હોય તો ચોક્કસ એ ખાવાનું શરૂ કરી શકો છો. વેઇટલૉસ હોય કે સ્વાસ્થ્યનો સુધાર, બન્ને રીતે એ અતિ ઉપયોગી સાબિત થાય છે
કોળું આપણે ત્યાં પ્રમાણમાં ઓછું વપરાતું વેજિટેબલ છે. જોકે નવરાત્રિ દરમ્યાન ઉત્તર ભારત અને પશ્ચિમ બંગાળમાં માતાજીને કોળું ધરવાની પ્રથા છે. ગુજરાતમાં બલી દેવાની પ્રથા તો હવે રહી નથી પરંતુ આઠમના દિવસે પૂજામાં આજે પણ કોળું ધરાવવામાં આવે છે. પહેલાં એ કોળું વધેરાતું, હવે પ્રતીકરૂપે ફક્ત ધરાવવામાં આવે છે. આપણે ત્યાં સફેદ કોળાનું ચલણ પચલિત નથી. મુંબઈમાં હવે એ મળવા લાગ્યાં છે પણ ગુજરાતમાં એ ઊગતાં નહોતાં એટલે માતાજીને આપણે ત્યાં પીળા કે કેસરી રંગનું કોળું જ ચડાવવામાં આવે છે.
ADVERTISEMENT
કોળું જ શું કામ? એના ગુણની સાથે-સાથે એના પૌરાણિક નામને સાંકળીશું તો આ સવાલનો જવાબ મળી જશે. કોળાનું એક નામ કુષ્માંડ છે અને કુષ્માંડા નવ દુર્ગાનું એક સ્વરૂપ છે. તેમણે પોતાના સ્મિતથી સમગ્ર દુનિયાનું નિર્માણ કરેલું એવી માન્યતા છે. કુષ્માંડા દેવીનો અર્થ જ થાય છે એનર્જીનો ભંડાર. તેમના નામનો અર્થ જોઈએ તો કુ એટલે નાનું, ઉષ્મા એટલે હૂંફ પણ અને એનર્જી પણ કહી શકાય અને અંડ એટલે જેમાંથી સર્જન થઈ શકે એમ છે એ કોષ. એવું માનવામાં આવે છે કે એ સૂર્યના હાર્દમાં રહે છે અને આખા સૂર્યલોકને સંચાલિત કરે છે.
તન-મનમાં સાત્ત્વિકતા ભરે
આ કોળાનું શાક ઘણાં ઓછાં ગુજરાતી ઘરોમાં બનતું. ગુજરાતી થાળી ખાવા જાઓ તો દૂધીનું શાક હોય પણ કોળું નથી હોતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એના હેલ્થ બેનિફિટ્સ જાણીને કોળું ગુજરાતી ઘરોમાં પણ આવવા લાગ્યું છે અને બનવા લાગ્યું છે. દૂધી જેટલું જ સાત્ત્વિક અને પાચનમાં હલકું એવું કોળું જો તમે ખાવાનું શરૂ ન કર્યું હોય તો અઠવાડિયે એક વાર બનાવવાનું શરૂ કરો, કારણ કે એના ફાયદાઓ એટલા બધા છે કે એને આપણા દૈનિક જીવનનો ભાગ બનાવવો જ રહ્યો. ઉડુપીમાં સાંભાર ખાઓ ત્યારે જે મોટો ટુકડો આવે છે જે લીલી છાલવાળો, દેખાવ પીળો કે કેસરી હોય છે એ કોળું છે. એવું તો નહીં જ હોય કે કોઈએ કોળું ચાખ્યું જ નથી પણ હા, એવું હોઈ શકે કે કેટલાંક ઘરોમાં કોળું ક્યારેય બન્યું જ ન હોય. કેટલાંકના ઘરમાં તેમનાં દાદીઓ બનાવતાં હોય પણ મમ્મીઓએ બનાવવાનું મૂકી દીધું હોય એવું પણ હોય. કોઈ પણ પરિસ્થિતિમાં કોળું એવું શાક નથી જેના ઉપયોગથી આપણે વંચિત રહીને આપણને એના ફાયદાઓ જતા કરવા પોસાય.
ફાયદાઓ અપરંપાર
દૂધી, તુરિયા, ગલકા, કાકડીના જ પરિવારનો એક સદસ્ય એટલે કોળું. એટલે જ એ ઘણું ગુણકારી છે એમ સમજી શકાય. એના વિશે વાત કરતાં ઘાટકોપરનાં ડાયટિશ્યન મીનલ ભાનુશાલી કહે છે, ‘કોળામાં ૯૨ ટકા પાણીનો ભાગ હોય છે, જેને કારણે એ વધુ ગુણકારી છે. શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે. પચવામાં એ એટલું નરવું છે કે જેને ઍસિડિટી, ગૅસ, અપચો હોય તેણે આ શાક રેગ્યુલર ખાવું જોઈએ. એમાં ફાઇબર પણ ઘણું છે જે ખોરાકને સુપાચ્ય બનાવે છે એટલું જ નહીં, જેને કબજિયાત હોય તેને ઘણો ફાયદો પણ કરે છે. ગલકાની જેમ એનો મૂળ સ્વાદ મીઠો છે એટલે તમને ભાવશે, પણ એનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઘણો ઓછો છે એટલે બ્લડ શુગરનું ધ્યાન રાખવામાં પણ એ મદદરૂપ છે. ઊલટું એ તમારાં શુગર ક્રેવિંગ્સને ઓછાં કરે છે. એનામાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ અને ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી પ્રૉપર્ટીઝ ઑક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે. એમાં રહેલાં ફાઇબર અને ઍન્ટિઑક્સિડન્ટ્સ ટૉક્સિનને દૂર કરે છે. કોળામાં વિટામિન C અને બીટા કૅરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જેને લીધે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. એ ખાવાથી વધુ સમય ભૂખ લાગતી નથી, જેને કારણે વેઇટલૉસ માટે કોશિશ કરતા લોકો માટે એ વરદાન સમાન છે.’
કોળાનાં બીજના ફાયદાઓ
કોળાનાં બીજ એટલે કે પમ્પકિન સીડ્સ આજકાલ એટલાં ખવાય છે જેટલું કોળું ખુદ નથી ખવાતું. સીડ્સનું મહત્ત્વ આજકાલ લોકો સમજવા લાગ્યા છે. ખૂબ સારી ફૅટ્સ અને પ્રોટીનનો સોર્સ મનાતાં બીજમાં પમ્પકિન સીડ્સનું પોતાનું મહત્ત્વ છે. એ વિશે વાત કરતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘કોળાનાં બીજમાં ભરપૂર માત્રામાં સારું પ્રોટીન તો હોય જ છે એની સાથે ઝિન્ક, મૅગ્નેશિયમ જેવાં ખનીજ તત્ત્વો પણ છે. ઘણી ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી પ્રૉપર્ટી ધરાવતાં આ બીજ શરીરમાં ઇન્ફ્લમેશનને અટકાવે છે, જેને કારણે અનેક રોગો સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત એ સ્નાયુઓને રિલૅક્સ કરવા માટે નસોનું કામ સારી રીતે થાય એ માટે મદદરૂપ છે, જેનાથી હાર્ટ-હેલ્થ સારી રહે છે. આ સિવાય કોઈ પણ જગ્યાએ ડૅમેજ થયું હોય, વાગ્યું હોય તો એની હીલિંગ પ્રોસેસને ફાસ્ટ કરે છે. પ્રોટીન આપણે ખાઈ તો લઈએ છીએ પણ કોળાનાં બીજ ખાઈએ તો એ પ્રોટીનને શરીરમાં ઍબ્સૉર્બ થવામાં મદદ પણ કરે છે. શરીરને ખૂબ જરૂરી હોય એવી ફૅટ્સ છે જેને કારણે લિવર પણ તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત એમાં રહેલું ટ્રિપ્ટોફેન સારી અને ઊંડી આરામદાયક ઊંઘ માટે ઉપયોગી છે.’
કઈ રીતે ખાવું જોઈએ?
કોળાને શાક કરીને ખાઈ શકાય. એમાં નાખવામાં આવતો પંચફોડન મસાલો કોળાના શાકની ખાસિયત છે. આ પંચફોરન કે ફોડન મસાલો એટલે રાઈ, જીરું, મેથી, કલોંજી, વરિયાળી આ પાંચેયનું મિશ્રણ હોય છે. ઉત્તર ભારત, બંગાળ, નેપાલમાં બનતા કોળાના શાકમાં આ મસાલો નાખવામાં આવે છે. એનાથી જ શાકનો વઘાર થાય છે. એની સાથે એમાં ખટાશ માટે આમચૂર પાઉડર અને એને બૅલૅન્સ કરવા થોડો ગોળ ઉમેરવામાં આવે છે. આ રેસિપી જે તૈયાર થશે એ ભલે હોય ઉત્તર ભારતની, પણ એક ગુજરાતી ટેસ્ટને એકદમ અનુરૂપ શાક બનશે જે તમે રેગ્યુલર ડાયટમાં ખાઈ શકો છો. આ શાક દૂધીની જેમ થોડું રસરસતું બને છે. એને કુકરમાં ન બનાવવું, એ જલદી જ પાકી જાય છે એટલે સીધું વઘારીને બનાવી શકાય.
સૂપના ગુણ બેસ્ટ
આ સિવાય કોળાનો ખાવામાં ઉપયોગ કઈ રીતે કરી શકાય? એ બાબતે માર્ગદર્શન આપતાં નેચરોપૅથિક ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘કોળું ન્યુટ્રિશન અને ટેસ્ટથી ભરપૂર હોય છે. એને વેઇટલૉસ માટે ખાતા હો તો સાંતળેલુ કોળું ફક્ત ઉપરથી મીઠું અને મરી નાખીને ખાઈ શકાય. એનો પોતાનો ટેસ્ટ સરસ હોય છે. જો તમે પહેલી વખત ખાતા હો તો કદાચ ટેસ્ટ ડેવલપ થતાં વાર લાગે. એ માટે તમે તમારા ભાવતા મસાલા છાંટીને એ ખાઈ શકો છો. આ સિવાય એનું સૂપ પણ ખૂબ સારું બને છે. ઘીમાં કોળાને સાંતળીને પકવી લેવું અને પછી એને ક્રશ કરી લેવાનું. એને ગાળવાની બિલકુલ જરૂર નથી. એ સૂપમાં મીઠું, મરી જ નાખશો તો પણ તમને ભાવશે. આ સૂપ ક્રીમી ટેક્સચર ધરાવે છે. એટલે જ એને કોઈ પણ કરીમાં ગ્રેવી તરીકે કે પાસ્તામાં સૉસ તરીકે વાપરી શકાય છે. કોળું બીમાર વ્યક્તિને પણ આપી શકાય. કોઈ પણ જાતના ઇન્ફેક્શનથી હેરાનપરેશાન હો તો કોળાનું સૂપ અતિ ગુણકારી માનવામાં આવે છે.’
કેવું કોળું સારું?
કોળામાં પણ ઘણા પ્રકાર આવે છે. નાની સાઇઝથી લઈને પડછંદ મોટી સાઇઝનાં કોળાં, જુદા-જુદા રંગનાં કોળાં બજારમાં મળે છે. આમ તો બધાં સારાં જ માની શકાય, છતાં જો તમે ખરીદવા જાઓ તો અમુક વસ્તુનું ધ્યાન રાખવું. એ વિશે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘રંગમાં વધુ રતાશવાળું, કેસરી કોળું પીળા કોળા કરતાં વધુ ગુણકારી હોય છે. બીજું એ કે કોળાં મોટા ભાગે ખૂબ મોટી સાઇઝનાં હોય છે. એટલે આખું કોળું તો શક્ય નથી કે તમે ઘરે લાવો. શાકભાજી વેચવાવાળા લોકો જે કોળું સુધારીને રાખે છે ઘણી વાર ૧-૨ દિવસ સુધી એ રહેવા દે છે. એમાંથી જ વેચતા રહે છે. એવું વાસી કાપેલું કોળું ન લેવું. તાજું કાપેલું કોળું હોય એવું લેવું સારું. વળી ઘરે લઈ જાઓ પછી ફ્રિજમાં કાપેલા કોળાને રાખી મૂકવું એના કરતાં જે દિવસે લાવો એ જ દિવસે ઘરે બનાવી લો તો વધુ સારું.’