Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > તમારી રોજિંદી ડાયટ માટે પણ સર્વોત્તમ છે આ ફરાળી લોટ

તમારી રોજિંદી ડાયટ માટે પણ સર્વોત્તમ છે આ ફરાળી લોટ

Published : 04 October, 2024 01:08 PM | Modified : 04 October, 2024 07:07 PM | IST | Mumbai
Laxmi Vanita

માત્ર ઉપવાસ દરમિયાન ખાવામાં આવતા રાજગરો, શિંગોડા અને કુટ્ટુના લોટ પણ પોષક તત્ત્વોની દૃષ્ટિએ એટલા હેલ્ધી છે

રાજગરો, શિંગોડા અને કુટ્ટુના લોટ

રાજગરો, શિંગોડા અને કુટ્ટુના લોટ


માત્ર ઉપવાસ દરમિયાન ખાવામાં આવતા રાજગરો, શિંગોડા અને કુટ્ટુના લોટ પણ પોષક તત્ત્વોની દૃષ્ટિએ એટલા હેલ્ધી છે કે આ ત્રણેય લોટ વજન ઘટાડવામાં, ડાયાબિટીઝમાં, હેર અને સ્કિનને હેલ્ધી રાખવામાં તેમ જ હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આજે આ લોટના અદ્ભુત ગુણો વિશે વાંચ્યા પછી તમે નિયમિત વીકમાં બેથી ત્રણ વખત ખાવાનું શરૂ કરી દેશો એ ચોક્કસ છે


આપણા રસોડામાં ઘઉંનો લોટ, મેંદો, ચણાનો લોટ, ચોખાનો લોટ તેમ જ રવો બહુ જ સામાન્ય રીતે મળી આવે છે જેમાં અમુક લોટના નામ પ્રમાણે આપણને ખ્યાલ આવી જાય છે એ શેમાંથી બનેલો છે. જેમ કે ઘઉંનો લોટ ઘઉંમાંથી, ચણાનો લોટ ચણાની દાળમાંથી અને ચોખાનો લોટ ચોખામાંથી તૈયાર થાય છે; પરંતુ ક્યારેય વિચાર્યું છે કે મેંદો અને રવો કેવી રીતે બને છે? કદાચ ના. જોકે આ બન્ને ઘઉંમાંથી જ બને છે, પરંતુ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. હવે સવાલ થાય કે આજે શા માટે  આ જ્ઞાનથી વાતની શરૂઆત કરી હશે? તો જવાબ છે કે આજે ઉપવાસમાં ખાવામાં આવતા જે લોટની વાત કરવાના છીએ એમાં આપને ઊંડો રસ જાગે અને આ નૉલેજ તમને અને તમારા પરિવારના સભ્યોને કામ લાગે. ઉપવાસમાં મુખ્યત્વે રાજગરો, શિંગોડાનો લોટ અને કુટ્ટુનો લોટ ખાવામાં આવતો હોય છે. આ લોટનો ઇતિહાસ જાણીને તો તમને નવાઈ લાગશે જ પરંતુ એના ગુણો જાણીને વધુ આશ્ચર્ય થશે. રાજગરો એટલે અંગ્રેજીમાં ઍમરેન્થેસી અને ભારતમાં અમરનાથ તરીકે જાણીતો, કુટ્ટુનો લોટ એટલે બકવીટ અને શિંગોડા એટલે એ ફળમાંથી બનતો લોટ છે. નવરાત્રિના આ નવ દિવસોમાં ઉપવાસ કરતા ભક્તો આ લોટના સહારે જ ઊર્જાસભર દિવસ પસાર કરવાના છે ત્યારે આપણે નિષ્ણાતો પાસેથી જાણીએ કે આ ત્રણેય લોટની ખાસ વિશેષતા શું છે.



નિયમિત આહારમાં ખાઓ


સાત વર્ષથી ચેમ્બુરમાં પ્રૅક્ટિસ કરતાં ડાયટિશ્યન બીજલ ફુરિયા કહે છે, ‘ધાર્મિક પ્રસંગો દરમિયાન ખાવામાં આવતા આ ત્રણેય લોટ ગ્લુટન ફ્રી છે. એટલે કે ઘઉંમાં જે પ્રોટીન હોય એ આ ધાન્યમાં નથી. આ લોટ ઍન્ટિઇન્ફ્લૅમૅટરી એટલે બળતરા ઉત્પન નથી કરતા. રાજગરાની વાત કરીએ તો એમાં પ્રોટીન અને કૅલ્શિયમની માત્રા વધારે હોય છે. શિંગોડામાં હાઈ ફાઇબર અને બહુ ઓછી કૅલરી છે. તેમ જ એમાં સારા પ્રમાણમાં મૅગ્નેશિયમ અને ફૉસ્ફરસ છે. મૅગ્નેશિયમ બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલને નિયંત્રણમાં રાખે છે અને ફૉસ્ફરસ હાડકાં અને દાંતની હેલ્થ માટે ફાયદેમંદ છે. કુટ્ટુનો લોટ ફાઇબર, પ્રોટીન, આયર્ન, વિટામિન્સ અને ઘણાંબધાં મિનરલ્સથી ભરપૂર છે. એ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. સાંસ્કૃતિક કે ધાર્મિક રીતે જોવા જઈએ તો આપણો આહાર બહુ જ સરસ રીતે ડિઝાઇન થયો છે પરંતુ વેસ્ટર્ન ફૂડ કલ્ચરને કારણે આપણે આપણો આહાર ભૂલી ગયા છીએ. આ ત્રણેય લોટ માત્ર ઉપવાસમાં ખાવા માટે નથી પરંતુ તમે નિયમિત તમારા આહારમાં ઉમેરો. આ ત્રણેય લોટ ત્વચા, વાળ અને ઓવરઑલ હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. ડાયાબિટીઝના દરદી માટે તેમ જ વજન ઘટાડવા માટે બહુ ગુણકારી છે. તમે અઠવાડિયામાં એક કે બે વખત જો પીત્ઝા કે પાસ્તા ખાવાને બદલે આ જ લોટની વાનગી બનાવીને નિયમિત આરોગો અને પછી જુઓ તમારી હેલ્થમાં કેટલો ફરક પડે છે. અઠવાડિયામાં એકથી બે વખત સવારે નાસ્તામાં, લંચ કે ડિનરમાં રાજગરા કે કુટ્ટુનાં થેપલાં, ઢોકળાં બનાવી જ શકો છે. પણ હા, દરરોજ આ લોટનો ઉપયોગ ન કરવો, નહીંતર આ લોટથી સ્વાસ્થ્યને ફાયદો નહીં થાય. આ સિવાય તમે નિયમિત આહારમાં જુવાર અને રાગીનો લોટ પણ ઉમેરી શકો છો.’ 

ઉદ્ગમ સ્થાન જાણો


લોટ વિશેની અમુક જાણકારી જ તમારી હેલ્થ પર સારી અસર થઈ રહી છે એવો ભાસ કરાવતી હોય છે. ત્યારે આ ત્રણેય લોટના મૂળ વિશે જાણીએ. વનસ્પતિ પર થતા રોગ (પ્લાન્ટ પૅથૉલોજી) પર PhD કરનાર, ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં સિનિયર રિસર્ચ ફેલો તરીકે કામ કરતી ધારા પ્રજાપતિ કહે છે, ‘રાજગરો અને કુટ્ટુ સિરિયલ્સ એટલે કે ધાન્યપાક નહીં પરંતુ સ્યુડો-સિરિયલ્સ એટલે કે ધાન્યનો આભાસ કરાવતા પાક છે. એટલે ધાન્ય જેવા, પરંતુ ધાન્ય નહીં. તેથી લોકો ઉપવાસમાં ખાય છે. આ બધા ધાન્યપાકો ગરીબોનાં ધાન કહેવાતા હતા. શ્રમિકો શ્રમવાળું કાર્ય કરતા તો તેમને વધુ ઊર્જાની જરૂર પડતી અને આ ધાન્ય એમાં અકસીર સાબિત થતાં હતાં. સમય જતાં આ બધા ઉપવાસમાં ખવાતાં ધાન્ય થયાં છે. રાજગરો મૂળ બ્રાઝિલમાં થતો હતો અને એને પોર્ટુગીઝો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યો હતો. રાજગરાનાં સફેદ ફૂલથી નીકળતા બીને વાટીને એનો લોટ તૈયાર કરવામાં આવે છે. ગરીબોના દાણા હતા એટલે એને રામદાણાથી પણ ઓળખાય છે. રાજગરામાં લાઇસિન નામનું પ્રોટીન હોય છે જેના લીધે એને બહુ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. કુટ્ટુ એટલે બકવીટ જે બાજરાની જેમ જ છોડ પર થાય છે. આ ધાન્યનું મૂળ ચીનના એક પ્રદેશમાં થતું હતું. બકવીટનો સમાવેશ બહુ જ જલદી થતા પાકમાં થાય છે. ધારો કે ઉનાળો શરૂ થતાં આ પાકની વાવણી કરી તો ઉનાળો પૂરો થવા આવે ત્યારે આ પાક લણણી લેવા માટે તૈયાર થઈ જાય છે.’

શિંગોડાનો પણ છોડ હોય છે? હા, શિંગોડાનો છોડ તો હોય છે પણ એ આ બન્ને પાકની જેમ જમીન પર નથી થતો. તાજાં હોય ત્યારે લીલાં અને બફાઈ જાય ત્યારે કાળાં પડી જતાં શિંગોડાં વિશે ધારા કહે છે, ‘શિંગોડા પાણીમાં ઊગતો છોડ છે જેને અંગ્રેજીમાં વૉટર ચેસ્ટનટ કહેવાય છે. એનું મૂળ એશિયા અને આફ્રિકા માનવામાં આવે છે. આ વનસ્પતિનો છોડ પાણીમાં તરતો રહેતો હોય છે અને ફળ પાણીમાં ડૂબેલા રહેતા એના મૂળ પર લાગે છે. આ ફળના માથાના ભાગ પર શિંગડાની જેમ બે કાંટા હોય છે, જેના કારણે એને શિંગોડાં કહેવામાં આવે છે. આ ફળને છોલીને એના ગરને સૂકવવામાં આવે છે અને ત્યાર બાદ દળીને લોટ બનાવવામાં આવે છે. તાજાં તોડેલાં શિગોડાંને બાફીને પણ ખાવામાં આવે છે. એટલે શિંગોડાના લોટને ફળનો લોટ કહી શકાય. શા માટે ઉપવાસમાં આ ધાન્ય મહત્ત્વનું છે? તો જવાબ છે કે ઘઉં, જેમાં ગ્લુટન હોય છે તો એ ખાવામાં આવે ત્યારે શરીરમાં શુગરની માત્રા તરત જ વધી જાય છે. જ્યારે આ ત્રણેય ધાન્ય ખાવામાં આવે ત્યારે એ એકદમ ધીરે-ધીરે શરીરમાં ઊર્જા રિલીઝ કરે છે, જેના કારણે લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી. ઉપવાસમાં શરીરને આખો દિવસ જરૂરી ઊર્જા આપે છે.’ 

ધાર્મિક પ્રસંગો દરમિયાન આ લોટનું મહત્ત્વ

ગુજરાતી વિશ્વકોષ મુજબ રાજગરાનું ધાર્મિક મહત્ત્વ ઘણું છે. કથામાં કે વારે-તહેવારે રાજગરાનો ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવે છે અને આહુતિ આપવામાં પણ વપરાય છે. હિન્દુ ધર્મમાં ઉપવાસના દિવસે એના લાડુ બનાવાય છે. તેમ જ ભગવાનના થાળમાં શિંગોડાની પૂરી અને શિંગોડાના લોટના ગોટા, રાજગરાની ધાણી અને ખીર બનાવીને મૂકવામાં આવે છે. 

કેવી રીતે ઉપયોગ કરી શકાય?

અઠવાડિયામાં એકથી બે વખત સવારે નાસ્તામાં, લંચ કે ડિનરમાં રાજગરા કે કુટ્ટુનાં થેપલાં, ઢોકળાં બનાવી જ શકો છે. પણ હા, દરરોજ આ લોટનો ઉપયોગ ન કરવો, નહીંતર આ લોટથી સ્વાસ્થ્યને ફાયદો નહીં થાય. આ એવાં ધાન્ય છે જે ભરપૂર એનર્જી આપે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2024 07:07 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK