ન્યુ ઇન્ડિયા બેકરી. હા, સુરતની ધુરંધર એવી ડોટીવાલા અને મઝદાની દરેક આઇટમને ટક્કર મારે એવી ખારી અને કુકીઝ અહીં મળે છે
ફૂડ ડ્રાઇવ
સંજય ગોરડિયા
આજે આપણે ફૂડ ડ્રાઇવ લઈને જવાના છીએ સુરતમાં અને એ પણ સાવ અનાયાસે જ મળી ગયેલી આઇટમ માટે. એમાં બન્યું એવું કે અમારા નાટકનો શો હતો સુરતના સંજીવકુમાર ઑડિટોરિયમમાં. ફૂડ ડ્રાઇવ પર આવતાં પહેલાં તમને જરા બૅકગ્રાઉન્ડ કહી દઉં. અમે અમારા નાટકના ત્રણ સેટ બનાવ્યા છે. એક સેટ મુંબઈ માટે તો એક સેટ દક્ષિણ ગુજરાત માટે, જે સુરત અને સુરતની આસપાસના એટલે કે વાવ, મહુવા, બારડોલી, નવસારી જેવા સેન્ટરમાં શો હોય ત્યારે કામ લાગે અને ત્રીજો સેટ અમદાવાદ અને સૌરાષ્ટ્રના શો માટે. ત્રણ સેટ હોવાના કારણે લાભ શું થાય કે એક શો હોય તો પણ અમે સુરત જઈને કરી શકીએ. સુરતમાં શો હોય તો બપોરે નીકળવાનું અને સાંજ સુધીમાં સુરત પહોંચી, રસ્તામાં ચા-નાસ્તો પતાવી સીધા ઑડિટોરિયમ જવાનું અને પછી શો કરી, ત્યાં જ ઑડિટોરિયમની બહાર રાતે જમી ફરી ટ્રેન પકડી મુંબઈ આવી જવાનું. બે કે બેથી વધારે શો હોય તો જ સુરતમાં રોકાવાનું, બાકી રાતે મુંબઈ ઘરભેગા થઈ જવાનું.
સુરતમાં શો હતો એટલે અમે તો મસ્તીથી હાથ હલાવતાં બપોરે રવાના થયા સુરત જવા. સુરત સ્ટેશન પર ઑર્ગેનાઇઝર વસીમ જરીવાલા આવી ગયો અને અમે નક્કી કર્યું કે આપણે સીધા પહેલાં ખલીલ ચાવાળાને ત્યાં જઈએ. તમને તો અગાઉ આ ખલીલની ચાનો આસ્વાદ કરાવ્યો છે, પણ મારી ટીમમાંથી ઘણાંએ એ ચા ચાખી નહોતી એટલે એ બધાને ત્યાંની સફર કરાવવા અમે રવાના થયા અને પહોંચ્યા ખલીલને ત્યાં. જઈને ચાનો ઑર્ડર આપ્યો અને સાથે મંગાવી ખારી બિસ્કિટ. પણ અમારા સદનસીબે, હા સદનસીબે જ, ખારી ખતમ થઈ ગઈ હતી એટલે મેં પૂછ્યું કે હવે ખારી ખાવી હોય તો શું કરવાનું. ખલીલવાળા ભાઈએ કહ્યું કે અહીંથી સહેજ આગળ જશો એટલે ડાબી બાજુએ જ ન્યુ ઇન્ડિયા બેકરી આવશે, ત્યાં મળી જશે.
ADVERTISEMENT
મારો સાથી ઍક્ટર ભાસ્કર ભોજક તો ગયો ખારી લેવા અને થોડી જ વારમાં ખારી અને જીરા બિસ્કિટ લઈને પાછો આવ્યો. સાહેબ, શું ખારી બિસ્કિટ અને જીરા બિસ્કિટ હતાં. એકદમ ગરમાગરમ, મોઢામાં મૂકો ને તરત જ ઓગળી જાય એવાં. સુરત અને ખારી કે જીરા બિસ્કિટની વાત નીકળે એટલે આપણા મનમાં તો બે જ નામ આવે. ડોટીવાલા અને મઝદા. આ બે જગ્યા સિવાય આપણે બીજા કોઈની વરાઇટી ચાખી પણ ન હોય પણ સાહેબ, એ આપણી ભૂલ છે. સુરતમાં ઠેર-ઠેર ખારી અને જીરા બિસ્કિટની દુકાનો છે અને એમાંથી કેટલીક દુકાનોમાં બહુ સરસ આ વરાઇટી મળે છે.
ખલીલની ચા સાથે ખારી અને જીરા બિસ્કિટની જયાફત માણતાં-માણતાં જ મેં નક્કી કરી લીધું કે આપણે આ જગ્યાએ જવાનું બને છે. ચા-નાસ્તો પતાવી હું તો પહોંચ્યો એ ન્યુ ઇન્ડિયા બેકરીએ, જેની ખારી અને જીરા બિસ્કિટના મોહમાં હું પડી ગયો હતો પણ સાહેબ, મોહ તો સાચો હવે શરૂ થતો હતો. ખાસ્સી મોટી એવી ન્યુ ઇન્ડિયા બેકરીમાં એવી રીતે બિસ્કિટ્સ ને કુકીઝ ને બધું ગોઠવ્યું હતું જાણે કે કોઈ જ્વેલરી શૉપ હોય. મેં તો નજર નાખવાનું અને ટેસ્ટ કરવાનું શરૂ કર્યું. કોકોનટ બિસ્કિટ તો મને ડોટીવાલાનાં જ ભાવે પણ ન્યુ ઇન્ડિયા બેકરીનાં કોકોનટ બિસ્કિટ એવાં કે જાણે તમે રસગુલ્લા ખાતા હો. એ પછી વારો આવ્યો કોકોનટ મૅકરૂન્સનો. એના ટેસ્ટની વાત કરતાં પહેલાં કહી દઉં, આ મૅકરૂન્સ જે છે એ ફ્રેન્ચ શબ્દ છે. મૅકરૂન્સ બનાવવા માટે લોટમાં એગ નાખે અને એની પેસ્ટ તૈયાર કરી એમાંથી બનાવવામાં આવે પણ આમને ત્યાં ઈંડાં નાખ્યા વિના પણ જે મૅકરૂન્સ બનાવ્યાં હતાં એ અદ્ભુત હતાં. એકદમ રિયલ ટેસ્ટ જેવાં જ. એ પછી ખાખરી હતી. હા, ખાખરી.
આપણા જે ખાખરા હોય એ પ્રમાણેના જ પણ નાના અને બેક કરેલા. કેક-ટોસ્ટ હતો, જેનો સ્વાદ કેક જેવો જ આવે. એ પછી મેં એક વરાઇટી જોઈ, ફરમાસ. મને થયું કે આ ફરમાસ શું છે? પૂછ્યું તો ખબર પડી કે સુરતીઓ જીરા બિસ્કિટને ફરમાસ પણ કહે છે. એ પછી નૌટકિયા નાનખટાઈ જોઈ, જેમાં જાતજાતના ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવ્યા હતા. બીજી બધી રેગ્યુલર વરાઇટીઓ પણ ખૂબ સરસ સ્વાદમાં તો હતી જ પણ મારે તો નવી વરાઇટી શોધવી હતી. શોધતાં-શોધતાં મારું ધ્યાન ગયું જૅમ-પફ પર.
આપણે ત્યાં મુંબઈમાં પફને પૅટીસ કહે છે, જે મોટા ભાગે ઈરાની રેસ્ટોરાંમાં મળતી હોય છે. બે ખારી વચ્ચે મસાલાનું પૂરણ ભર્યું હોય એ પૅટીસ, પણ આ જૅમ-પૅટીસમાં વચ્ચે જૅમ ભર્યો હતો. સ્વીટનેસ હતી, પણ સાથે ખારીનો અદ્ભુત સ્વાદ પણ હતો. એ પછી મેં અજમા સર્કલ ટ્રાય કર્યુ. એ ઍક્ચ્યુઅલી અજમાનાં બિસ્કિટ હતાં. અજમાનાં બિસ્ક્ટિ બને એવું તો આપણે કેવી રીતે ધારી શકીએ, પણ હતાં અને એનો સ્વાદ પણ બહુ સરસ હતો.
ન્યુ ઇન્ડિયા બેકરીમાંથી બહાર નીકળતી વખતે મેં નક્કી કરી લીધું કે હવે મારે તમને સૌને કહેવું કે સુરત જાઓ ત્યારે માત્ર મઝદા કે ડોટીવાલાની જ વિઝિટ કરવાને બદલે એક વખત ઇન્ડિયા બેકરીમાં પણ જજો. ભાગળથી સહેજ આગળ જાઓ એટલે ચોકબજાર આવે. આ ચોકબજારથી સહેજ આગળ જાઓ એટલે ડાબી બાજુએ ન્યુ ઇન્ડિયા બેકરી આવશે.
મસ્ટ વિઝિટ.
ભુલાય નહીં.