આજે શીખો ફરાળી શક્કરિયા ચાટ, હેલ્ધી ફરાળી મિલેટ ઢોસા અને ફરાળી મૂઠિયાં
‘મિડ-ડે’ રેસિપી કૉન્ટેસ્ટ ૨૦૨૩
પ્રતીકાત્મક તસવીર
ફરાળી શક્કરિયા ચાટ
ADVERTISEMENT
લીના સંપટ
ચાર વ્યક્તિ માટે
સામગ્રી : શક્કરિયા ૧ કિલો, ઘરે મેળવેલું દહીં ૧ કિલો, ખજૂર-આમલી (આમચૂર)ની મીઠી ચટણી, ફુદીનો-કોથમીરની લીલી ચટણી, કાચી કેરી, દાડમ, ઝીણી સમારેલી કોથમીર, લાલ મરચું, મરી, મીઠું, સાકર, આમચૂર પાઉડર, ઑરેગાનો, પાર્સલી, લીંબુ, ચિલી ફ્લેક્સ.
બનાવવાની રીત : શક્કરિયાંને સારી રીતે પાણીથી ધોઈને સાફ કરી પ્રેશર કુકરમાં એક વ્હિસલ વગાડી અધકચરાં બાફવાં. ઠંડાં થયા બાદ શક્કરિયાની છાલ કાઢી એના ૧૧/૨ ઇંચ જેટલા ચોરસ ટુકડા કરવા. હવે એના પર થોડું ગરમ ઘી અથવા ઑલિવ ઑઇલ છાંટવું અને મિક્સ કરવું. ત્યાર બાદ લાલ મરચું, મીઠું, થોડી સાકર, મરીનો ભૂકો, આમચૂર પાઉડર, સૂકો ઑરેગાનો, પાર્સલી અને ચિલી ફ્લેક્સ અને લીંબુનો રસ સ્વાદ અનુસાર નાખી સારી રીતે મિક્સ કરવું. ત્યાર બાદ એને અવનમાં ગ્રિુલ કરવા મૂકવાં લગભગ ૨૦ મિનિટ માટે.
ચાટ માટેની સામગ્રી : દહીંને સારી રીતે ઘોળી એમાં સ્વાદ અનુસાર મીઠું અને સાકર મિક્સ કરવાં. ખજૂર-આમલીની મીઠી ચટણી, ગ્રીન ચટણી, દાડમ અને કાચી કેરી અને ઝીણી સમારેલી કોથમીર.
પીરસવાની રીત : એક શૅલો બાઉલમાં સૌપ્રથમ દહીં પાથરવાનું. એના પર મીઠી ચટણી ચમચીથી ગોળાકારમાં પાથરવી. ત્યાર બાદ લીલી ચટણી પાથરવી. હવે ચમચીથી ત્રણેને સર્કલમાં મિક્સ કરવું. ત્રણ કલરના રેન્બો જેવું દેખાશે. એના પર સેન્ટરમાં સારી રીતે ક્રિસ્પી થયેલાં શક્કરિયાં રાખવાં (નાનકડા માઉન્ટન જેમ). એના પર દાડમના દાણા, ઝીણી સમારેલી કાચી કેરી અને ઝીણી સમારેલી કોથમીર નાખી. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી શક્કર કંદ ચાટ તમારા પ્રિયજનને પીરસવી.
હેલ્ધી ફરાળી મિલેટ ઢોસા
ચંદન દેઢિયા
સામગ્રી : ૨૫૦ ગ્રામ સામો, ૨૫૦ ગ્રામ અડદની દાળ, ૧૦૦ ગ્રામ સાબુદાણા, ૫૦ ગ્રામ મગફળી, ૧૦થી ૧૨ મેથીના દાણા, મીઠું સ્વાદ અનુસાર, તેલ, ઘી, બટર રાંધવા માટે જરૂરિયાત મુજબ.
બનાવવાની રીત : ૧) એક ઊંડા વાસણમાં સામો, અડદની દાળ મેથી સાથે ૬થી ૭ કલાક સુધી પલાળી રાખો તેમ જ મગફળીને અલગથી ૬ થી ૭ કલાક સુધી પલાળી રાખો. સાબુદાણાને પણ એવી જ રીતે અલગથી ૬થી ૭ કલાક સુધી પલાળી રાખો. ૨) હવે પલાળેલી અડદની દાળ, સામો અને મેથીના દાણાના મિશ્રણને નિતારી મિક્સરમાં ૧ કપ પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાઉલમાં કાઢો. ૩) એ જ રીતે મગફળી અને સાબુદાણાનું પાણી નિતારી મિક્સરમાં થોડું એટલે અડધો કપ પાણી નાખી સુંવાળી પેસ્ટ તૈયાર કરી મિશ્રણને આગળ તૈયાર કરેલા મિશ્રણમાં ભેગું કરો. ૪) આ મિશ્રણને ઢાંકીને આથો આવવા માટે ગરમ જગ્યા પર આઠથી નવ કલાક માટે રાખો. ૫) આથો આવ્યા પછી ઢોસાના ખીરામાં મીઠું ભેળવો. ૬) નૉનસ્ટિક તવાને ગરમ કરી તેલ, ઘી અથવા બટર પોતાના સ્વાદ પ્રમાણે નાખી ગરમાગરમ ઢોસા ઉતારો. ઢોસા બનાવતી વખતે જરૂરિયાત મુજબ પાણી ઉમેરવું.
પીરસવા માટે : સાંભાર, નાળિયેરની ચટણી, મલગાપુડી પાઉડર.
તો વાચક મિત્રો, જલદી-જલદી આ રેસિપીથી ગરમાગરમ સુપર ક્રિડસ્પી, માઉથ વૉટરિંગ ઢોસા બનાવી તમારા કુટુંબની વાહવાહી લૂંટો.
ઇટ હેલ્ધી, સ્ટે હેલ્ધી
ફરાળી મૂઠિયાં
છાયા ઓઝા
સામગ્રી : ૧/૨ કપ સામો લોટ, ૧/૨ કપ રાજગરા લોટ, ૧.૫ કપ છીણેલી દૂધી, ૨-૩ ચમચી આદુંમરચાંની પેસ્ટ, ૧.૫ ચમચી મીઠું, બે ચમચી ખાંડ, ૧ લીંબુનો રસ, ૨-૩ ચમચી તલ, બે ચમચી શેકેલું જીરું પાઉડર, ૧ ચમચી કાળાં મરી પાઉડર, કઢી પત્તાં અને જીરું, ૧/૨ કપ મગફળીનો પાઉડર
રીત : પાણી વગર કણક બનાવો. રોલ નળાકાર. તેલ ફેલાવો. એને કુકરમાં મૂકો. ઢાંકીને ૨૦થી ૨૫ મિનિટ સુધી વરાળ થવા દો. તેલમાં, જીરું, તલ, કઢી પત્તાં, સૂકું લાલ મરચું ઉમેરો. કોથમીર-ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.