બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ
વિષદ શાહ, મુલુંદ
ટી મસાલા ક્રીમ ચીઝ ટાર્ટ
સામગ્રી ટાર્ટ બેઝ : મેંદો ૨૦૦ ગ્રામ, દળેલી સાકર ૩૦ ગ્રામ, બટર ૭૦ ગ્રામ, કેસર ૧૫-૧૭ તાંતણા, દૂધ ૪ ચમચી, એલચી પાઉડર ૧ ચમચી
ADVERTISEMENT
બનાવવાની રીત
એક બાઉલમાં બારીક વાટેલું કેસર, મેંદો, સાકર અને એલચી મિક્સ કરો. હવે એમાં બટરના નાના ટુકડા કરી ઉમેરો અને હાથેથી બરાબર હલાવો. હવે એમાં ઠંડુ દૂધ થોડું-થોડું નાખીને મિક્સ કરો અને લોટ બાંધો. હવે તૈયાર થયેલા લોટને ફ્રિજમાં ઠંડો કરવા મૂકો. લગભગ ૩૦ મિનિટ પછી બહાર કાઢી ક્લીન સર્ફેસ પર થોડો લોટ છાંટી ૩ મિમીની જાડાઈથી ગોળાકાર વણી લેવું. હવે એને ટાર્ટ મોલ્ડમાં રાખી દો અને વધારાનો લોટ દૂર કરો. પહેલેથી ગરમ કરેલા અવનમાં ૧૮૦ ડિગ્રી પર ૨૦ મિનિટ માટે બેક કરો. ગોલ્ડન કલર થઈ જાય એ જરૂર જુઓ. હવે અવનમાંથી બહાર કાઢી ઠંડું થવા દો.
ક્રીમ ચીઝ : કપડામાં બાંધી પાણી નિતારેલું દહીં ૩/૪ કપ, ક્રીમ ચીઝ ૩/૪ કપ, મિલ્કમેડ ૧ કપ, હેવી ક્રીમ ૧/૨ કપ, વૅનિલા એસેન્સ ૧ ચમચી, ચા મસાલો બે ચમચી, દૂધ ૪ ચમચી, કૉર્ન સ્ટાર્ચ બે ચમચી
દૂધમાં કૉર્ન સ્ટાર્ચ નાખી ગડી ન પડે એ રીતે બરાબર મિશ્રણ તૈયાર કરો. હવે એમાં બાકી બધાં ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી દો. આ મિશ્રણને ઠંડા કરેલા ટાર્ટમાં ભરી દો અને પહેલેથી ગરમ કરેલા અવનમાં લગભગ ૪૫ મિનિટ ૧૬૦ ડિગ્રી પર બેક કરવું. પછી બહાર કાઢી સંપૂર્ણપણે ઠંડું થવા દો અને ત્યાર પછી ૪-૫ કલાક માટે ફ્રિજમાં સેટ થવા મૂકી દો.
પોચ્ડ પીચ : બે પીચ (બી કાઢેલાં), તજ પાઉડર ૧/૨ ચમચી, શુગર ૧ કપ, પાણી દોઢ કપ. સાકર, પાણી અને તજના મિશ્રણને ગૅસ પર ગરમ કરવા મૂકવું. ઊકળે એટલે એમાં પીચ ઉમેરી ધીમા તાપે લગભગ ૩૦ મિનિટ સુધી ગરમ કરવું. પીચ નરમ થયું છે કે નહીં એ જોઈ લેવું. પોચ્ડ પીચને ફ્રિજમાં સેટ થયેલા ટાર્ટ પર ગાર્નિશ કરવું.
ટમેટો કરી ઇન કોકોનટ મિલ્ક
હેમલ પેડણેકર શાહ, મુલુંડ
સામગ્રી
પેસ્ટ માટે : ૧ કપ ખમણેલું નાળિયેર, ૫-૬ સૂકાં લાલ મરચાં (ગરમ પાણીમાં પલાળેલાં), ૨થી ૩ લસણની કળી, અડધો નાનો કાંદો (રફૂલી સમારેલો), ૧/૨ ઇંચ આદુનો ટુકડો, ૧ ચમચી આખા ધાણા, દોઢ મીડિયમ ટમેટાં (રફુલી સમારેલાં), અડધી ચમચી હળદર પાઉડર, ૧/૪ કપ પાણી અથવા જરૂરિયાત મુજબ
વઘાર માટે : ૩ ટેબલસ્પૂન કુકિંગ ઑઇલ, ૧ ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, લીમડાનાં પાન, અડધું ટમેટું (ડાઇસમાં સમારેલું), બે ચમચી સમારેલા કાંદા
બીજી સામગ્રી: મીઠું સ્વાદ મુજબ, બેથી ત્રણ કોકમ, ગોળ બે ચમચી, ચોખાનો લોટ દોઢ ચમચી, સજાવટ માટે કોથમીર
બનાવવાની રીત
મિક્સર જારમાં પેસ્ટની બધી સામગ્રી નાખી પીસી લો (ચટણીની પેસ્ટ). પેસ્ટને ચાળણીથી ગાળી લો. થોડું-થોડું પાણી નાખી ગાળવું. એકથી અડધો કપ જેટલું પાણી વપરાશે. એક પૅનમાં તેલ ગરમ કરો. ગૅસની આંચ મીડિયમ રાખો. એમાં રાઈ, જીરું નાખો. તતડે એટલે એમાં હિંગ, લીમડો, કાંદા ઝીણા સમારેલા નાખી સાંતળી લો. કાંદા ગોલ્ડન કલરના થાય ત્યારે એમાં ડાઇસમાં સમારેલા ટમેટાં અને અડધી ચમચી મીઠું નાખી સાંતળો. ગૅસને સ્લો કરીને એેમાં ગાળેલી ટમેટા નાળિયેરની પેસ્ટ ઉમેરો. બે કપ પાણી નાખી હલાવો. એક વાટકીમાં ચોખાના લોટમાં ચારથી પાંચ ચમચી પાણી નાખી પેસ્ટ બનાવો. આ પેસ્ટ કરીમાં નાખી હલાવો. ગૅસ મીડિયમ કરો. ગોળ, કોકમ, મીઠું નાખી ચારથી પાંચ મિનિટ ઊકળવા દો. સાથે-સાથે કરીને ચમચાથી હલાવતા રહો. ટમેટો કરી ઇન કોકોનટ મિલ્ક તૈયાર છે. સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરો. ભાત સાથે સર્વ કરો.
જૈન પનીર ટિક્કા
ફ્રેયા પરેશ ગાલા, મલાડ
સામગ્રી
પનીરના ચોરસ ટુકડા, લાલ-પીળા-લીલા શિમલા મરચાના ચોરસ ટુકડા, દહીંનો ચકો, બે ચમચી કાશ્મીરી મરચીનો ભૂકો, એક ચમચી જીરા પાઉડર, ૧ નાની ચમચી ગરમ મસાલો, એક ચમચી મરીનો ભૂકો, લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી હળદર, બે ચમચી ચણાનો લોટ
રીતઃ ચણાના લોટને શેકી લેવો. ચણાના લોટમાં બધા મસાલા અને દહીં નાખીને મિક્સ કરો. હવે એ મિશ્રણની અંદર પનીરના ટુકડા અને કૅપ્સિકમના ટુકડા ઉમેરો. મિક્સ કરેલી સામગ્રીને અડધો કલાક ફ્રિજમાં રાખવી. હવે પનીર અને કૅપ્સિકમને વારાફરતી સ્ટિકમાં ભરાવો. કિનારીઓ પર થોડું કાળું કોટિંગ આવે ત્યાં સુધી ગૅસ પર રાંધવું.