Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > વરસાદી સાંજે ચાની સાથે ટ્રાય કરો ચટપટો અને હેલ્ધી નાસ્તો - સ્ટફિંગ જુદું કરીને બનાવો જાતજાતના બ્રેડ-પકોડા

વરસાદી સાંજે ચાની સાથે ટ્રાય કરો ચટપટો અને હેલ્ધી નાસ્તો - સ્ટફિંગ જુદું કરીને બનાવો જાતજાતના બ્રેડ-પકોડા

12 July, 2024 10:16 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રેડથી બનતી અને એ પણ તળેલી વાનગી હોય તો એ સાવ જ અનહેલ્ધી હોય એવું માનવાની જરૂર નથી, જો એમાં પણ થોડાંક હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીને ક્રીએટિવિટી વાપરીએ તો વરસતા વરસાદમાં ચાની સાથે વિવિધ સ્વાદના બ્રેડ-પકોડાનો લુત્ફ ઉઠાવતી વખતે ગિલ્ટ થોડુંક ઘટી જાય.

પકોડા

પકોડા


મુલુંડનાં કુકિંગ-એક્સપર્ટ હંસા કારિયા પાસેથી જાણીએ બ્રેડ-પકોડાની વરાયટીઝ




સ્પ્રાઉટ હેલ્ધી પકોડા


સામગ્રી : એક કપ મિક્સ સ્પ્રાઉટ્સ (મગ, ચણા, વટાણા જેવું કોઈ પણ કઠોળ વાપરી શકાય), એક કાચું કેળું (બાફેલું), એક ચમચી લસણની પેસ્ટ, અડધી ચમચી મરી પાઉડર, અડધી ચમચી લાલ મરચું પાઉડર, બે ચમચી લીંબુનો રસ, એક ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, ચાર ચમચી ઝીણી સમારેલી કોથમીર, ચાર ચમચી ફુદીનો ઝીણો સમારેલો, એક મોટી ચમચી તેલ અને તળવા માટેનું તેલ અલગ, બ્રેડ સ્લાઇસ અને ચણાના લોટનું ભજિયાં જેવું ખીરું


બનાવવાની રીત : એક મોટી ચમચી તેલ ગરમ કરી એમાં લસણની પેસ્ટ સાંતળવી. એમાં મૅશ કરેલું બાફેલું કેળું અને બાફેલા સ્પ્રાઉટ્સ ઉમેરવાં. એમાં મીઠું, ચાટ મસાલો, લાલ મરચું, મરી, લીંબુનો રસ મેળવીને બરાબર મિક્સ કરવું. એમાં કોથમીર અને ફુદીનો પણ બારીક સમારીને ભભરાવવાં. પ્રૉપર મિક્સ થયા પછી ગૅસ બંધ કરી દેવો. બ્રેડની સ્લાઇસ વચ્ચે સ્ટફિંગ ભરીને ચાર પીસ કટ કરવા અને ચણાના લોટના ભજિયાના ખીરા જેવી કન્સિન્ટન્સી ધરાવતા ખીરામાં બોળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવું. ચટણી અને સૉસ સાથે સર્વ કરવાં. 

ફલાફલ પકોડા

સામગ્રી : અડધો કપ કાબુલી ચણા (૭-૮ કલાક પલાળેલા), એક કાંદો ઝીણો સમારેલો, બે મોટી ચમચી સમારેલો ફુદીનો, બે મોટી ચમચી સમારેલી કોથમીર, એક નાની ચમચી જીરું, અડધી ચમચી મરી પાઉડર, એક ચમચી મરચાંની રિંગ્સ, એક નાની ચમચી સમારેલું લસણ, એક લીંબુનો રસ, મીઠું જરૂરિયાત મુજબ, તળવા માટે તેલ, બે ચમચી બેસન અને બ્રેડ સ્લાઇસ

બનાવવાની રીત : સાતથી આઠ કલાક બરાબર પલાળેલા કાબુલી ચણામાંથી પાણી કાઢી નાખવું અને એને મિક્સરમાં કરકરું પીસી લેવું. એમાં બારીક સમારીને રાખેલાં ફુદીનો, કોથમીર, કાંદા ઉમેરવાં. બે ચમચી બેસન, મીઠું, મરી, જીરું, લસણ, મરચાંની રિંગ્સ, લીંબુનો રસ બધું ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરવું. ૧૫ મિનિટ માટે એમ જ રહેવા દેવું જેથી મસાલો બરાબર ભળે. એ પછી એમાંથી ટિક્કી બનાવવી અને સહેજ દબાવીને ચપટી કરી દેવી. આ ટિક્કીને ધીમા તાપે તળવી અને ક્રિસ્પી થાય એટલે કાઢી લેવી. બ્રેડ સ્લાઇસને વાટકીથી ગોળ કટ કરવી. એને પાણી લગાવીને અંદર કેચપ લગાવીને વચ્ચે ટિક્કી મૂકવી. વ્યવસ્થિત દબાવીને ફરીથી તળી લેવી. ટિશ્યુ પર ઉતારીને હમસ સાથે સર્વ કરી શકાય.

હમસ બનાવવા માટે : પા કપ બાફેલા કાબુલી ચણા, એક કળી લસણ, પા ચમચી મરીનો પાઉડર, અડધા લીંબુનો રસ, પા ચમચી બાફેલું બીટ, મીઠું જરૂરિયાત મુજબ. આ બધું બરાબર મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવવી. આ હમસ ફલાફલના પકોડા સાથે સર્વ કરવું.

પનીર બ્રેડ-પકોડા

સામગ્રી : ૪ સ્લાઇસ ચીઝ, પનીર સ્લાઇસ, લસણની લાલ ચટણી, લીલી કોથમીર-ફુદીનાની ચટણી, ટમૅટો કેચપ, ચાટ મસાલો, મરી, મીઠું, બ્રેડ સ્લાઇસ  ચણાના લોટનું ખીરું: ૧ કપ ચણાનો લોટ, બે ચમચી ચોખાનો લોટ, બે ચમચી કૉર્ન ફ્લોર, મીઠું, ચપટી સોડા અને પાણી

બનાવવાની રીત : ૩ બ્રેડ સ્લાઇસ લેવી. એક પર ગ્રીન ચટણી, બીજા પર લસણની ચટણી અને ત્રીજા પર ટમૅટો કેચપ લગાવવો. પહેલી બ્રેડ પર ચીઝ લગાડી મરીનો ભૂકો છાંટવો. બીજી સ્લાઇસ એના પર મૂકી એના પર ચીઝની સ્લાઇસ કે ખમણેલું ચીઝ મૂકવું અને ચાટ મસાલો છાંટવો. એ પછી ત્રીજી સ્લાઇસ એના પર મૂકવી. એને છરીથી ચાર પાર્ટમાં સૅન્ડવિચની જેમ કટ કરવી. ચણાના લોટનું ભજિયાં જેવું ખીરું તૈયાર કરવું અને એમાં બ્રેડના ત્રણેય લેયર એકસાથે અંદર ડુબાડી ગરમ તેલમાં તળી લેવું. ચટણી અને સૉસ સાથે સર્વ કરવાં. 

તોફુ-શક્કરિયાં બ્રેડ-પકોડા

સામગ્રી : અડધો કપ તોફુ (સોયાનું પનીર), એક બાફેલું શક્કરિયું (રતાળુ), ૩ ટેબલ-સ્પૂન ઝીણો સમારેલો કાંદો, એક ચમચી લસણ, બે મોટી ચમચી કાપેલી પાર્સલી, મીઠું-મરી પાઉડર જરૂરિયાત મુજબ, એક મોટી ચમચી ડીલનાં પાન ઝીણાં સમારેલાં, એક મોટી ચમચી ઑલિવ ઑઇલ, તળવા માટે તેલ, બ્રેડ સ્લાઇસ

બનાવવાની રીત : એક કડાઈમાં એક ચમચી ઑલિવ ઑઇલ લઈને એમાં લસણ અને કાંદો સાંતળવો. પછી એમાં અડધી ચમચી મરી પાઉડર અને મીઠું નાખીને બરાબર હલાવવું. ગૅસ બંધ કરીને એમાં બારીક સમારેલી પાર્સલી, સૂવાની ભાજી અને બાફીને મૅશ કરેલું શક્કરિયું, તોફુનાં નાનાં ચોસલાં ઉમેરો. બધું વ્યવસ્થિત મિક્સ કરવું.

બ્રેડ સ્લાઇસને થોડીક પાણીવાળી કરવી અને એમાં બે ચમચી જેટલું સ્ટફિંગ ભરવું. બ્રેડને દબાવીને પૅક કરી દેવી. આ તૈયાર થયેલા ગોળાને મનગમતો શેપ આપી શકાય. બરાબર ગરમ થયેલા તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરવું. ટિશ્યુ પેપર પર મૂકીને વધારાનું તેલ કાઢી લેવું.

જો કોઈકને વધુ તળેલું ન ફાવતું હોય તો એક બટર પેપર પર તેલનું બ્રશિંગ કરીને એને ઍર ફ્રાયર અથવા અવનમાં ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે બેક કરી લઈ શકાય.

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2024 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK