આ ડ્રિન્ક એની કૂલિંગ અને ડાઇજેસ્ટિવ પ્રૉપર્ટીઝ માટે વખણાય છે
સોલકઢી
ઉનાળો શરૂ થઈ ગયો છે અને એમાં શરીર ડીહાઇડ્રેટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. એ માટે શરીરને ટાઢક આપતાં પીણાંનું સેવન કરવું જોઈએ. આવું જ એક પીણું એટલે સોલકઢી. સોલકઢી એક પૉપ્યુલર રિફ્રેશિંગ સમર ડ્રિન્ક છે. આ ડ્રિન્ક એની કૂલિંગ અને ડાઇજેસ્ટિવ પ્રૉપર્ટીઝ માટે વખણાય છે. ખાસ કરીને કોકણ રીજનમાં આ ડ્રિન્ક પિવાય છે. આજે આ સોલકઢીના ફાયદા પણ જાણી લઈએ અને એને બનાવવાની રીત પણ જાણી લઈએ
જેમને બ્લોટિંગ, ઍસિડિટી કે ડાઇજેશનની સમસ્યા હોય એ લોકો સોલકઢી પીએ તો તેમને ફાયદો થાય છે. કોકમ એક નૅચરલ પ્રોબાયોટિક છે. એટલે કે એ તમારા ગટમાં ગુડ બૅક્ટેરિયાનું પ્રમાણ વધારે છે. એનાથી પાચન તો સુધરે જ છે અને તમારું બ્રેઇન-ફંક્શન પણ સારું રહે છે એટલું જ નહીં, એ તમારી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે.
ADVERTISEMENT
ઉનાળામાં પરસેવો ખૂબ વળે છે. એટલે શરીરમાં પાણીની ઊણપ કે ડીહાઇડ્રેશનની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. ડીહાઇડ્રેશન ત્યારે થાય છે જ્યારે શરીરમાંથી નીકળેલા પાણી (પરસેવો, પેશાબ)નું પ્રમાણ દિવસભરમાં આપણે પીધેલા પાણીની માત્રાથી વધુ થઈ જાય છે. આવી સ્થિતિમાં વધુમાં વધુ પ્રવાહી ચીજોનું સેવન કરવું જોઈએ. એટલે ગરમીની સીઝનમાં આપણે પાણીની સાથે ઠંડાં પીણાં, જૂસ પીને શરીરને હાઇડ્રેટ રાખતા હોઈએ છીએ. આવું જ એક પીણું એટલે સોલકઢી. સામાન્ય રીતે આ ડ્રિન્ક મહારાષ્ટ્રિયન લોકો વધુ પીએ છે. જોકે ઉનાળામાં ખાસ આ ડ્રિન્ક પીવા જેવું છે, કારણ કે એ શરીરને ટાઢક આપવા માટે અને બૉડીને હાઇડ્રેટ રાખવા માટે ખૂબ વખણાય છે. સામાન્ય રીતે કોકણ રીજનમાં સોલકઢી પીવાનું ચલણ છે. ઉનાળામાં આ રીજનનું વાતાવરણ ગરમ અને ભેજવાળું હોય છે. બીજું એ કે ઉનાળામાં આપણને ખાવાની એટલી ઇચ્છા થતી નથી. ગરમી, બફારો અને ઉકળાટને કારણે પાચનક્રિયા ધીમી પડી જાય છે. એવા સમયે સોલકઢીનું સેવન ડાઇજેસ્ટિવ હેલ્થને પણ સારી રાખે છે.
સોલકઢી સમર ડ્રિન્ક તો છે જ અને
સાથે-સાથે એ પોષક તત્ત્વોથી ભરપૂર એવું પીણું છે. વીસથી વધુ વર્ષનો અનુભવ ધરાવતાં અને મુલુંડમાં APT ડાયટ સૉલ્યુશન્સના નામે પોતાનું ક્લિનિક ધરાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર આ ડ્રિન્કના અઢળક ફાયદાઓ ગણાવે છે.
શરીરને રાખે કૂલ
સોલકઢીમાં મુખ્યત્વે બે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે. એક નારિયેળનું દૂધ (કોકોનટ મિલ્ક) અને બીજું કોકમ. આ બન્ને વસ્તુ એની કૂલિંગ પ્રૉપર્ટીઝ માટે વખણાય છે. આયુર્વેદમાં પણ આ બન્ને વસ્તુને ઠંડી તાસીર ધરાવનારી અને શરીરને ઠંડક આપનારી ગણાવવામાં આવી છે. એ આપણા શરીરની ગરમી ઓછી કરીને બૉડી માટે નૅચરલ કૂલન્ટ તરીકે કામ કરે છે. એને કારણે હીટ-સ્ટ્રોક, ગરમીથી થાક લાગવો વગેરે જેવી સમસ્યામાંથી રાહત મળે છે. એટલે ઉનાળામાં સોલકઢી પીવાનું વધુ મહત્ત્વ છે.
ડાઇજેશન રાખે સારું
કોકમમાં હાઇડ્રોક્સિસાઇટ્રિક ઍસિડ (HCA) હોય છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે. એટલે જેમને બ્લોટિંગ, ઍસિડિટી કે ડાઇજેશનની સમસ્યા હોય એ લોકો સોલકઢી પીએ તો તેમને ફાયદો થાય છે. કોકમ એક નૅચરલ પ્રોબાયોટિક છે. એટલે કે એ તમારા ગટમાં ગુડ બૅક્ટેરિયાનું પ્રમાણ વધારે છે. એનાથી પાચન તો સુધરે જ છે અને તમારું બ્રેઇન-ફંક્શન પણ સારું રહે છે એટલું જ નહીં, એ તમારી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે. એટલે એ જરૂરી છે કે વ્યક્તિના શરીરમાં ગુડ બૅક્ટેરિયાનો લોડ વધારે હોય. એવી જ રીતે કોકોનટ મિલ્કમાં એક પ્રકારની સૅચ્યુરેટેડ ફૅટ મીડિયમ-ચેઇન ટ્રાઇગ્લિસરાઇડ (MCT) હોય છે, જે સ્ટમક ઍસિડને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે અને એને કારણે ગૅસ, પેટમાં બળતરા, પેટ ફૂલવું, અપચા જેવી સમસ્યા હોય એ ઓછી કરવામાં મદદ કરે.
વજન ઘટાડે
સોલકઢી વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. નારિયેળના દૂધમાં રહેલા MCT અને કોકમમાં રહેલું HCA ભૂખશામક તરીકે કામ કરે છે. એટલે કે વારંવાર ખાવાની જે ઇચ્છા થતી હોય એને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. સોલકઢી પી લેવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જે લોકો વજન ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એ લોકો માટે આ એક ઉત્તમ ડ્રિન્ક છે. સોલકઢીમાં કૅલરીનું પ્રમાણ પણ ઓછું હોય છે એટલે એ એક વેઇટલૉસ-ફ્રેન્ડ્લી ડ્રિન્ક છે.
કૉલેસ્ટરોલ-બ્લડ-પ્રેશર ઘટાડે
નારિયેળના દૂધમાં હાઈ સૅચ્યુરેટેડ ફૅટ હોવાની સાથે એમાં રહેલા MCT બૅડ કૉલેસ્ટરોલને ઘટાડીને ગુડ કૉલેસ્ટરોલને વધારવાનું કામ કરે છે. નારિયેળના દૂધમાં પોટૅશિયમનું પ્રમાણ પણ સારુંએવું હોય છે જે બ્લડ-પ્રેશરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. કોકમની વાત કરીએ તો એને કૉલેસ્ટરોલ ફ્રી માનવામાં આવે છે. એમાં રહેલું HCA કૉલેસ્ટરોલને ઘટાડવામાં મદદ કરે છે. એવી જ રીતે એમાં રહેલાં મૅગ્નેશિયમ, પોટૅશિયમ જેવાં મિનરલ્સ બ્લડ-પ્રેશરને રેગ્યુલેટ કરવામાં મદદરૂપ બને છે. એટલે કૉલેસ્ટરોલ અને બ્લડ-પ્રેશરની સમસ્યા હોય એ લોકોને સોલકઢી પીવાથી ઘણો ફાયદો મળે છે.
હેલ્ધી ડ્રિન્ક
કોકમ અને નારિયેળનું દૂધ બન્ને એસેન્શિયલ વિટામિન્સ, મિનરલ્સ, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે સોલકઢીને એક સુપર ન્યુટ્રિશિયસ ડ્રિન્સ બનાવે છે. એટલે રેગ્યુલર બેઝિસ પર એનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત રહે છે. સોલકઢી એક ડીટૉક્સ ડ્રિન્ક છે. એટલે કે એ આપણા લિવર અને શરીરના બીજા અવયવમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે.
સોલકઢી બનાવવાની રીત
આમ તો સોલકઢી બનાવવાની ઘણી રીતો છે. લોકો તેમના સ્વાદ મુજબ રેસિપીમાં થોડાઘણા ફેરફારો કરતા હોય છે. ઘણા લોકો સોલકઢી બનાવતી વખતે તેલ અને રાઈ-જીરાનો તડકો પણ નાખતા હોય છે. અહીં જે રેસિપી આપવામાં આવી છે એ ઑથેન્ટિક મહારાષ્ટ્રિયન સ્ટાઇલ છે.
સામગ્રી : ૧૨ કોકમ, એક કપ ફ્રેશ નારિયેળ, એક લીલું મરચું, લસણની બે કળી, બે ટેબલસ્પૂન સમારેલી કોથમીર, અડધી ટીસ્પૂન જીરા પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, ગાર્નિશ કરવા માટે ફુદીનો.
રીત : સોલકઢી બનાવવા માટે સૌથી પહેલાં તો અડધા કપ ગરમ પાણીમાં કોકમને ૩૦થી ૩૫ મિનિટ સુધી પલાળી રાખો. પાણીમાં પલાળેલાં કોકમ થોડાં નરમ પડી જાય એ પછી હાથેથી ચોળીને એનો પલ્પ કાઢીને લઈ લો. હવે એક ખાંડણીમાં લીલું મરચું, જીરું, લસણ, કોથમીર અને મીઠાને નાખીને દસ્તાથી એને ઝીણું ખાંડી લો. હવે એક મિક્સર ગ્રાઇન્ડરમાં નારિયેળના નાના ટુકડા નાખી જરૂરિયાત મુજબ પાણી ઍડ કરીને એની એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે એક મલમલનું કપડું લઈને એમાં નારિયેળની આ પેસ્ટ નાખીને એમાંથી નારિયેળનું દૂધ નિતારી લો. નારિયેળમાંથી સંપૂર્ણપણે દૂધ નીકળી ન જાય ત્યાં સુધી બે-ત્રણ વાર એમાં થોડું-થોડું પાણી મિક્સ કરીને એમાંથી દૂધ નિતારતા રહો. હવે એક મોટી તપેલીમાં નારિયેળનું દૂધ, કોકમનો પલ્પ અને મસાલાની જે પેસ્ટ બનાવી હતી એ નાખીને બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરો. છેલ્લે સોલકઢીમાં સમારેલી કોથમીર અને ફુદીનો નાખો. આ રીતે તમારી સોલકઢી બનીને તૈયાર છે.

