શુદ્ધ ઘીમાં તળાયેલી ટિક્કી અને એની ઉપર ચટકાદેર છોલે, તો લટકામાં લચ્છેદાર રબડી અને શુદ્ધ ઘીની સોડમથી મઘમઘતી જલેબીનો આસ્વાદ
ફૂડ ડ્રાઇવ
સંજય ગોરડિયા
આપણી વાત ચાલી રહી છે ઇન્દોરની સરાફા બઝારની. જ્યાં પાણીપૂરી, શાહી દહીબડા, દહી પતાશે, ડીપ ફ્રાઇડ ગરાડુ, ભુટ્ટે કી કિસ અને ફરાળી ભેળનો આસ્વાદ માણીને પરવાર્યા ત્યાં અમને કહેવામાં આવ્યું કે સરાફા બઝારમાં છોલે-ટિક્કી તો ખાસ ખાવી જોઈએ. નેકી ઔર પૂછ પૂછ... મેં તો તરત હા પાડી અને અમે ગયા છોલે-ટિક્કી ખાવા.
અહીં જે છોલે હોય છે એ કાળા ચણાના હોય છે. આ જે કાળા કાબુલી ચણા છે એવા ચણા હોતા જ નથી. આ જે સફેદ કાબુલી ચણા છે એને ચાની પત્તીના પાણીમાં ડુબાડી રાખવામાં આવે એટલે એ કાળા થઈ જાય છે એ સહેજ તમારી જાણ ખાતર. આ જે છોલે હતા એની સાથે આલુની ટિક્કી હતી. આલુની ટિક્કીમાં બીજું કાંઈ ન હોય, ફક્ત બટાટા. બાફેલા બટાટાને ગોળ આકાર આપીને એને શૅલો ફ્રાઇમાં તળી નાખવાના. ડીપ ફ્રાય અને આ તવા ફ્રાયમાં એક ફરક છે. ડીપ ફ્રાય કરવાથી એ અંદરથી પણ કડક બને, પણ તવા ફ્રાયમાં ટિક્કીનું ઉપરનું પડ કડક થઈ જાય અને એની અંદરની નરમાશ અકબંધ રહે.
ADVERTISEMENT
સરાફા બઝારમાં અગ્રવાલ લાલાજી છોલે-ટિક્કીવાળો હતો તેને ત્યાં અમે ગયા. છોલે-ટિક્કીવાળા તો ત્યાં ઘણા છે, પણ આ લાલાજી બહુ પૉપ્યુલર છે. એ શુદ્ધ ઘીમાં જ ટિક્કી તળે છે, જેને કારણે ઘીની આછીસરખી ખુશ્બૂ પણ તમને આવતી રહે છે. મોટી ટિક્કી હોય, એના પર છોલે નાખવામાં આવે અને એ પછી એના પર તીખી-મીઠી ચટણી અને પછી એના પર સમારેલા કાંદા ભભરાવીને આપે.
ટિક્કી, શુદ્ધ ઘી અને એની સાથે છોલે. માંહ્યલો બકાસુર તો સાહેબ ઓળઘોળ થઈ ગયો. શું સ્વાદ, શું સોડમ?! અત્યારે તમારી સાથે આ વાત શૅર કરતાં-કરતાં મનમાં થાય છે કે કામ વિના પણ ઇન્દોર જઈને એક વાર આ છોલે-ટિક્કી ખાઈ આવવી. છોલેની એક બીજી ખાસિયત કહું, મધ્ય પ્રદેશમાં તમે છોલે ખાઓ એના જેવો સ્વાદ તમને બીજે ક્યાંય નહીં આવે. હું માનું છું કે એની પાછળ મધ્ય પ્રદેશનું પાણી જવાબદાર છે. મને નૉર્થ કરતાં એમપીના છોલે વધારે સ્વાદિષ્ટ લાગ્યા છે.
જમવાનું ઑલમોસ્ટ પૂરું થયું, પણ ત્યાં જ અમારા ઑર્ગેનાઇઝર ભાઈએ મને કાનમાં કહ્યું, ‘સંજયભાઈ રબડી ને જલેબી ખાધા વિના જવું છે?’
મેં તો પકડી લીધી તેની આંગળી અને કહી દીધું, જવાય જ નહીંને, ચાલો...
મારાથી ચલાતું નહોતું એટલે મને ઑર્ગેનાઇઝર કહે, ‘તમે અહીં ઊભા રહો, હું લઈ આવું.’ પણ મેં ના પાડી દીધી. કહ્યું કે એવું ન ચાલે ભાઈ. મારે એ દુકાને આવવું પડે, સ્વાદ માણવો પડે અને જો મજા આવે તો મારે ત્યાં ફોટો પણ પડાવવો પડે. જો હું એ કરું તો જ અમારા એડિટર માને કે મેં ત્યાં જઈને ફૂડ ડ્રાઇવ માણી છે.
અમે ગયા ભૈરવનાથ મિષ્ઠાન ભંડાર, જેના બોર્ડ પર કૅપ્શન હતી, ‘રબડી ગુરુ.’ રબડી હું કોઈ પણ જગ્યાએ ખાતો નથી. વિશ્વસનીય જગ્યાએ જ ખાઉં. કારણ કે રબડી હંમેશાં તાજી ખાવાની ચીજ છે. જો એ સહેજ પણ વાસી હોય તો તમારું પેટ બગાડી નાખે. ભૈરવનાથમાં તાજી રબડી જ મળે છે. મેં તો ત્યાં જઈને જલેબી અને રબડી લીધાં અને પછી ગરમાગરમ જલેબીનો એક ટુકડો લઈ લચ્છેદાર રબડીમાં એ ટુકડો ઝબોળ્યો. દૂધ અને ઘીના મિશ્રણે મનમાં સુખ-શાંતિનો આચ્છાદિત અનુભવ કરાવવાનું શરૂ કર્યું. મેઘધનુષમાં જેમ ૭ રંગ ઝગમગે અને તમારી અંદર રોમૅન્સ જાગે એમ જ, રબડી અને ઘીના મિશ્રણે મારી અંદર રહેલો પેલો બકાસુર પણ ધીમે-ધીમે રોમાંચિત થતો ગયો અને મેં પણ મોજથી રબડી-જલેબીની જ્યાફત માણી.
સાહેબ, આનંદ નહીં, પરમ આનંદના અનુભવ સાથે મારી સરાફા બઝારની ટૂર પૂરી થઈ અને મેં મનોમન નક્કી કર્યું કે હવે દર બેચાર મહિને આ બજારમાં આવવું અને આ બધી આઇટમો ફરીથી માણવી અને પેટ ભરીને માણવી. કારણ કે એ વખતે તો મેં તમારા માટે ખાધું, મારો માંહ્યલો તો હજી ભૂખ્યો જ છે.
સાચે જ. પેલા બકાસુરના સોગંદ.
અહીં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે.