ઢગલાબંધ સુપરહિટ સિરિયલો અને ફિલ્મો કરી ચૂકેલી અને અત્યારે ઝી ટીવીની ‘પ્યાર કા પહલા નામ રાધામોહન’માં કામ કરી રહેલાં સ્વાતિ શાહની વાતો તમને બેસ્ટ કુક બનાવવાની દિશામાં લઈ જાય છે
કુક વિથ મી
સ્વાતિ શાહ
જાતજાતનાં વેજિટેરિયન ક્વિઝીન ખાવાની અને બનાવવાની શોખીન એવી ટીવી સ્ટાર સ્વાતિ શાહનાં કુકિંગ-ગુરુ છે તેની મમ્મી. ‘બા, બહૂ ઔર બેબી’, ‘સાથ નિભાના સાથિયા’, ‘તીન બહુરાનિયાં’ જેવી ઢગલાબંધ સુપરહિટ સિરિયલો અને ફિલ્મો કરી ચૂકેલી અને અત્યારે ઝી ટીવીની ‘પ્યાર કા પહલા નામ રાધામોહન’માં કામ કરી રહેલાં સ્વાતિ શાહની વાતો તમને બેસ્ટ કુક બનાવવાની દિશામાં લઈ જાય છે
લોકો ફરવા જાય ત્યારે જ્યાં ગયા હોય ત્યાં જે સારું ખાવાનું મળે એ ટ્રાય કરે અને આ નૅચરલ છે પણ મારા માટે આ વાત ઊલટી થઈ જાય છે. હું એવી જ જગ્યાએ ફરવા જવાનું વધુ પ્રિફર કરું જ્યાં સારું ખાવાનું મળતું હોય.
ADVERTISEMENT
ફૂડ મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બિગ-ટાઇમ ફૂડીમાં તમે મને પહેલા નંબરે મૂકો તો ચાલે અને એમાં હું કોઈ વિરોધ પણ ન કરું. આજ સુધી હું જ્યાં પણ ફૉરેન ગઈ છું કે પછી દેશમાં ફરવા માટે ગઈ છું ત્યાંનું વેજિટેરિયન ફૂડ મેં એ શહેરોની ગલી-ગલી અને દરેક નુક્કડ પર જઈને ટ્રાય કર્યું છે. સ્ટ્રીટ ફૂડની પોતાની મજા છે અને હું
કહીશ કે સ્ટ્રીટ ફૂડની બાબતમાં ભારત જેવું અને એમાંય મુંબઈ જેવું સ્ટ્રીટ ફૂડ ક્યાંય નથી મળતું. જોકે મારી શોધ દુનિયાના દરેક સ્થળે લોકલી મળતા વેજ ફૂડની રહી છે અને થૅન્ક ગૉડ કે મારે એ બાબતમાં ક્યારેય નિરાશ પણ નથી થવું પડ્યું.
આઇ, મી, માયસેલ્ફ | હા, હું આવું કહેવાને હકદાર છું અને હું ગર્વથી કહીશ પણ ખરી કે કુકિંગમાં મારો હાથ જબરો છે. મારા હાથે બન્યું હોય એ ફૂડ ખાનારાઓ પાસેથી મને અઢળક કૉમ્પ્લીમેન્ટ્સ પણ મળતાં રહે છે. બહુ નાની ઉંમરથી મેં કુકિંગ શરૂ કરી દીધેલું.
હતું એમાં એવું કે મારાં મમ્મી વર્કિંગ વુમન હતાં, જેને લીધે મને અને મારી મોટી બહેનને બહુ જ નાની ઉંમરથી રસોડામાં જવાનો મહાવરો થઈ ગયો હતો. મને આજેય યાદ છે કે હું ચોથા ધોરણમાં હતી અને મારી મમ્મીએ મને ગુજરાતી દાળ બનાવતાં શીખવી હતી. જરા વિચારો કે આજે પણ આપણે ત્યાં દાળ બનાવવાનું સૌથી અઘરું માનવામાં આવે છે અને હું એ સમયે પર્ફેક્ટ દાળ બનાવતાં શીખી ગઈ હતી.
તમને ખબર છે એમ, અમે ગુજરાતી પણ એ પછીયે એ જમાનામાં એટલે કે આજથી ચાલીસેક વર્ષ પહેલાં અમારા ઘરે પંજાબી ખાવાનું બનતું. દરેક પ્રકારનાં ક્વિઝીનનું મને બહુ નાની ઉંમરથી એક્સપોઝર મળ્યું અને એને કારણે ટેસ્ટ બડ્સ પણ દરેક ફૂડ માટે ડેવલપ થઈ ગયા જેને લીધે ભલે ભાવતી આઇટમ લિમિટેડ હોય તો પણ હું દરેક પ્રકારના ફૂડને એન્જૉય કરતાં ખાઈ શકું.
મને ચટાકેદાર ખાવાનું ભાવે પણ જો મારે બ્લેન્ડ ફૂડ ખાવું પડે તો એમાં મને ત્રાસ ન છૂટે. એક વાર કોઈ આઇટમ ચાખું તો હું એ આઇટમ રેસિપી વિના પણ બનાવી શકું. ચાખવાથી જ સામગ્રીની ખબર પડી શકે એવી ફાવટ આવી ગઈ છે. એટલે જ તો કહું છું, કિચન મારા ઘરમાં મારી ફેવરિટ પ્લેસ છે. શૂટ પરથી પાછી આવીને હું ઘરમાં એન્ટ્રી કરું અને રસોડામાં જાઉં એટલે મને શાંતિનો અનુભવ થાય.
હું અને ચૂરમાના લાડુ | મારા જીવનમાં બેસ્ટ ચૂરમાના લાડુ જો મેં કોઈના હાથના ખાધા હોય તો એ મારી મમ્મીના હાથના. મમ્મી જે બનાવે એનું વર્ણન ન થઈ શકે. એની મીઠાશ, એના લોટમાં કરકરાપણું. એ લોટ શેકાયા પછી એમાં જે ફ્રૅગ્રન્સ ભળી હોય એનો પણ એક સ્વાદ છે એવું કહું તો જરા પણ વધારે નહીં કહેવાય. મેં મમ્મીની જ રેસિપી ફૉલો કરીને ઘણી વાર ચૂરમાના લાડુ બનાવવાની કોશિશ કરી, પણ એવો સ્વાદ નથી આવ્યો. આ સીક્રેટ ઇન્ગ્રીડિઅન્ટ શું છે એની મને પણ નથી ખબર.
કુકિંગ ભલે એક આર્ટ હોય, પરંતુ એ રૉકેટ સાયન્સ તો નથી જ. જો તમે મનથી કરો તો કુકિંગ બહુ જ સિમ્પલ છે. હું તો કહીશ કે માત્ર ઇન્ટરેસ્ટ અને ઇચ્છા હોય તો કોઈ પણ વ્યક્તિ સારી કુક બની શકે છે. બીજી એક વાત, ઘણા માને છે કે હેલ્ધી ફૂડ ટેસ્ટી નથી હોતું. આ પણ મારી દૃષ્ટિએ એકદમ ખોટી માન્યતા છે. હું અતરંગી ખાવાની શોખીન છું અને હું હેલ્ધી ફૂડને ટેસ્ટી પણ બનાવી લઉં છું. હું ઓટ્સમાંથી ઉપમા કે પૂડલા બનાવું ત્યારે એમાં ટેસ્ટ એલિમેન્ટ ઍડ કરી જ દઉં છું. એ કેવી રીતે કરવું એ અનુભવે જ સમજાઈ શકે.
આવું જરાય નથી હોં!
નૉન-ગુજરાતી તો ઠીક, પણ ઘણા ગુજરાતીઓ પણ માને છે કે ગુજરાતી ભોજનમાં ગળપણ હોય. એ તદ્દન ખોટી વાત છે. અમુક આઇટમોમાં મીઠાશ હોય, અમુક ખટમીઠી હોય પણ એ પછીયે ઘણી ગુજરાતી ડિશ છે જે ખાવાની મજા આવી જાય. એમાં ગળપણ ન હોય અને શરીર અને મન બન્નેને તૃપ્ત કરનારી હોય.
ગોલ્ડન વર્ડ્સ
ચીઝ, બટર અને મસાલા એવી આઇટમ છે જેનો અતિરેક મૂળ ટેસ્ટને ઓવરલેપ કરી જાય એટલે બને ત્યાં સુધી એનો અતિરેક નહીં થવા દો તો અને તો જ તમને મૂળ આઇટમનો સાચો સ્વાદ આવશે.