મકરસંક્રાન્તિના દિવસે બનતા ખીચડાનું સ્વાસ્થ્યની દૃષ્ટિએ તો મહત્ત્વ છે જ પણ એનું ઐતિહાસિક, ધાર્મિક અને આયુર્વેદિક મહત્ત્વ પણ છે.
ખીચડો
મકરસંક્રાન્તિના દિવસે બનતા ખીચડાનું સ્વાસ્થ્યની દૃષ્ટિએ તો મહત્ત્વ છે જ પણ એનું ઐતિહાસિક, ધાર્મિક અને આયુર્વેદિક મહત્ત્વ પણ છે. જોકે માત્ર આજના દિવસે જ ખીચડો ખાવો એવું નથી, હાલમાં ચાલી રહેલી સીઝનમાં સાત ધાનનો મિક્સ ખીચડો ખાશો તો શરીરને આખા શિયાળાનું પોષણ પૂરું પાડશે
મકરસંક્રાન્તિના દિવસે ગુજરાતીઓમાં જ નહીં પણ આખા દેશમાં ખીચડો ખાવાની પરંપરા છે, પણ હવે એ લુપ્ત થઈ રહી છે. સ્વાસ્થ્યવર્ધક કહેવાતા ખીચડાનું ગુજરાતીઓના જીવનમાં વિશેષ મહત્ત્વ છે. જોકે ખીચડો ખાવાની આ ટ્રેડિશન હવે વિસરાઈ રહી છે. સાત ધાનનો ખીચડો પોષણની દૃષ્ટિએ કમ્પ્લીટ મીલ માનવામાં આવે છે ત્યારે એના ધાર્મિક મહત્ત્વ જાણશો તો ફરીથી ખીચડો બનાવતાં અને ખાતાં થઈ જશો.
ADVERTISEMENT
ખીચડો છે કમ્પ્લીટ મીલ
ખીચડાનું આયુર્વેદિક મહત્ત્વ સમજાવતાં ચર્ની રોડના ગુલાલવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતાં અને પચીસ વર્ષનો અનુભવ ધરાવતાં આયુર્વેદ એક્સપર્ટ ડૉ. રુચિરા ગોરડિયા કહે છે, ‘મકર સંક્રાન્તિના દિવસે ઉત્તર દિશામાં સૂર્યની ગતિ થાય છે અને આ સમયે આખા દેશમાં હાર્વેસ્ટિંગ થાય છે. તેથી દરેક રાજ્યમાં આ હાર્વેસ્ટ ફેસ્ટિવલને અનોખી રીતે ઊજવવામાં આવે છે. ધાન્યને હાર્વેસ્ટ કરવામાં આવે અને એને ભેગું કરવામાં આવે એને સમૃદ્ધિદર્શક માનવામાં આવે છે. તેથી ખીચડાનું મહત્ત્વ વધુ છે. ધાનને ભેગાં કરીને બનાવવામાં આવતા ખીચડાને આ સમયે કમ્પ્લીટ મીલ માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે સૂર્યની જે ગતિ હોય છે એ સમયે જો ખીચડો ખાવામાં આવે તો એ શરીર માટે ઉત્તમ ગણાય છે. આ સમયે શરીરને પોષણની જરૂર હોય છે, પાચનશક્તિ ઉત્તમ હોય છે તેથી ખીચડામાં આવતાં ધાન્યોથી જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. આ ખીચડો વાયુ, પિત્ત અને કફ એમ ત્રિદોષનાશક પણ છે.’
મગ અને ચોખાની ખીચડી તો બારેમાસ ખવાય જ છે, પણ મકરસંક્રાન્તિને દિવસે બનતા ખીચડામાં મગની દાળ ઉપરાંત લીલા ચણા, વાલ-પાપડીના દાણા, વાલોળના વાલ, લીલી તુવેરના દાણા નાખવામાં આવે છે. આ ધાન્ય પ્રોટીનથી ભરપૂર હોવાથી સૌથી પૌષ્ટિક ખોરાક કહેવાયો છે અને પુષ્ટિકર પણ છે જે શરીરને બળ આપે છે. ગુજરાતમાં આજની તારીખમાં પણ વર્ષો જૂની ચાલતી આવતી ખીચડો બનાવવાની પરંપરા જોવા મળે છે ત્યારે મુંબઈમાં રહેતા ગુજરાતીઓમાં એ વીસરાઈ રહી છે.’
સુપાચ્ય વાનગી છે
વર્ષમાં એક વાર બનતો ખીચડો ખાવો જ જોઈએ એવો આગ્રહ કરીને એનું કારણ જણાવતાં ડૉ. રુચિરા ગોરડિયા જણાવે છે, ‘શિયાળા દરમિયાન ભારે ખોરાક ખાધો હોય તો આ દિવસે ખીચડી ખાઈને પેટ હલકું કરવું એવો પણ ભાવ હોવાથી ખીચડી જેવો હળવો અને સુપાચ્ય ખોરાક ખાવો જોઈએ. એ વાતદોષનું શમન કરે છે; ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને હૃદયરોગીઓ પણ એને ખાઈ શકે છે. આ ઉપરાંત ખીચડીમાં કૅલ્શિયમના સ્રોતરૂપી તલનું તેલ પણ વપરાય છે જે શરીરને શક્તિ આપવાનું કામ કરે છે. સીઝન ચેન્જ થવાની શરૂઆત આ દિવસથી થાય છે. શિયાળામાં પાચનશક્તિ સારી રહે છે, પણ ઉનાળામાં એ થોડી નબળી પડતી હોવાથી હળવો ખોરાક ખાવાની સલાહ અપાય છે. તેથી ખીચડો ખાઈને શરીરની આદતને ચેન્જ કરવામાં આવે છે અને હળવા ખોરાકની આદત પાડવામાં આવે છે. સાત ધાનના ખીચડાને વઘારીને પણ ખાઈ શકાય, પણ બાફીને એમાં મીઠું, મરી, હળદર, ઘી, હિંગ અને આદું નાખીને ખાવું સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ માનવામાં આવે છે. મરી, હિંગ અને આદું એને પચવામાં સરળ બનાવે છે. અત્યારે તો ખીચડો કુકરમાં બને છે, પણ માટીના વાસણમાં બનાવેલો ખીચડો સ્વાદમાં તો મીઠો લાગે જ છે પણ સ્વાસ્થ્ય માટે પણ વધુ ઉત્તમ ગણાય છે.’
સ્લો કુકિંગ ખીચડો બેસ્ટ
હવે ધાનનો ખીચડો ઝડપથી થઈ જાય એ માટે શૉર્ટકટ રૂપે કુકર વાપરવામાં આવે છે, પરંતુ ધાનને પલાળીને કુમળાં કરીને સૂકવી રાખવાથી એમાં પોષક તત્ત્વોનું પ્રમાણ વધે છે. આ ધાનને માટીના વાસણમાં કે કલાઈ કરેલા તપેલાની બહાર માટીનો લેપ કરીને ધીમે તાપે ચૂલા પર રાંધવાથી મીઠાશ પણ વધે છે અને ગુણ પણ વધે છે.
પહેલી વખત ખીચડો ક્યારે બન્યો?
ઉત્તરાયણના દિવસે ખીચડો ખાવાની પરંપરા બાબા ગોરખનાથ અને અલ્લાઉદ્દીન ખિલજી સાથે સંકળાયેલી છે. માન્યતા મુજબ બાબા ગોરખનાથ અને તેમના શિષ્યો પણ અલ્લાઉદ્દીન ખિલજી અને તેની સેના સામે લડ્યા હતા. યુદ્ધને લીધે યોગી ભોજન રાંધી શકતા નહોતા, પરિણામે તેમની શારીરિક શક્તિ નબળી થઈ રહી હતી. એ સમયે બાબા ગોરખનાથે તેમની પાસે હાથવગાં જે ધાન હતાં એને શાકભાજીની સાથે જ વઘાર કરીને વાનગી બનાવી એનું નામ ખીચડો રાખવામાં આવ્યું. આ એવી વાનગી છે જે ઓછા સમયમાં મર્યાદિત ઘટકો સાથે અને ઓછી મહેનતે તૈયાર કરી શકાય છે. એના સેવનથી યોગીઓમાં શક્તિનો સંચાર થયો. જ્યારે ખિલજીએ ભારત છોડ્યું ત્યારે યોગીઓએ મકરસંક્રાન્તિના દિવસે પ્રસાદની જેમ ખીચડો તૈયાર કર્યો અને એ આખા દેશમાં પ્રસિદ્ધ થયો. આજે પણ બાબા ગોરખનાથને ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને મોટો ભંડારો થાય છે. દરેક રાજ્યમાં ખીચડો બનાવવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે, પણ એને આ દિવસે ખાવાથી શરીરને ભરપૂર પોષણ મળી રહે છે.
કાઠિયાવાડમાં બને સાતધાની ખીચડો
ખીચડો બનાવવા માટે વપરાતાં મોટા ભાગનાં ધાનનો નવો પાક શિયાળામાં તૈયાર થતો હોય છે. એટલે જ અન્ય સંસ્કૃતિઓમાં સૌથી વધુ પ્રમાણમાં મળે છે, કારણ કે એ સમયે એની કાપણી થાય છે. બાજરો, ઘઉં, જીંજરા (લીલા ચણા), કમોદ, મગ, મઠ અને લીલી તુવેર એમ સાત પ્રકારનાં કઠોળને મિક્સ કરીને સાત ધાનનો ખીચડો બનાવાય. ઘણા લોકો એમાં અડદની દાળ પણ નાખે છે. કેટલાક લોકો ચાર ધાનનો ખીચડો પણ બનાવે છે. કોઈ ઘીનો વઘાર કરીને તીખો મસાલેદાર ખીચડો બનાવે તો કોઈ મીઠો ખીચડો પણ બનાવે. જોકે તમામ પ્રકારના ખીચડામાંથી શરીરને એકસમાન પોષણ મળે છે. ગુજરાતમાં ખાસ કરીને કાઠિયાવાડમાં ઘરે-ઘરે સાત ધાનનો ખીચડો બને છે. જુવારથી અડધા ભાગના ચોખા અને પા ભાગના ઘઉં, દેશી કાળા ચણા, મગ, મઠ અને તુવેરના દાણાને એક રાત પલાળી રાખીને સવારે છડીને ફોતરાં કાઢીને તડકે સૂકવી લેવાય છે. ખીચડો રાંઘવો હોય એના પાંચ કલાક પહેલાં પાણીમાં પલાળીને બાફી નાખો. પછી તલના તેલમાં કાંદા-લસણથી સાત ધાનનો વઘાર થાય. એને શીરાની જેમ ઘી અને સૂકા મેવાથી ગળ્યો ખીચડો પણ બનાવી શકાય. સાત ધાનનાં પૌષ્ટિક તત્ત્વો બહારની ઠંડી સામે શરીરનું રક્ષણ તો કરે જ છે, અંદરથી પણ એ ભરપૂર પોષણ આપે છે.
ગ્રહો સાથે છે કનેક્શન
ચિક્કી અને ઊંધિયાની જેમ મકરસંક્રાન્તિમાં ખીચડાનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કારણ કે એનો સંબંધ નવ ગ્રહો સાથે છે. એવું માનવામાં આવે છે કે કઠોળ, ચોખા, ઘી, હળદર, મસાલા અને લીલી શાકભાજીથી બનેલા ખીચડાનું સેવન શુભ ફળ આવે છે. એમાં ચોખાનો સંબંધ ચંદ્ર, મીઠાનો શુક્ર અને લીલી શાકભાજીનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. ખીચડીનો તાપ મંગળ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. મકરસંક્રાન્તિના દિવસે ખીચડો ખાવાથી કુંડળીમાં તમામ ગ્રહોની સ્થિતિ સુધરે છે. તેથી ખીચડો સ્વાસ્થ્ય માટે તો આરોગ્યપ્રદ છે જ પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ આ દિવસે એનું સેવન લાભકારી માનવામાં આવે છે.
આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ડિસેમ્બરના સમયગાળામાં જ્યારે સૂર્ય-ગુરુની રાશિ ધન અથવા મીનમાં પ્રવેશ કરે ત્યારે કમુરતાં બેસે છે. તેથી ઉત્તરાયણ પહેલાં સામૂહિક કે સામાજિક શુભ કાર્યો થતાં નથી. ઉત્તરાયણના દિવસથી કમુરતાં પૂરાં થાય છે અને એ દિવસથી શુભ કાર્યોની શરૂઆત થાય છે, કારણ કે એ દિવસે સૂર્ય ધન રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે.
ધાર્મિક મહત્ત્વ જાણવા જેવું
મકરસંક્રાન્તિના દિવસે ખીચડો બનાવવા અને ખાવા પાછળ ધાર્મિક મહત્ત્વ પણ છે. પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે મકરસંક્રાન્તિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિદેવના ઘરે આવે છે. શનિદેવનો સંબંધ અડદની દાળ સાથે પણ હોવાથી આ દિવસે અડદની દાળનો ખીચડો ખાવાથી સૂર્યદેવ અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ખીચડાનું દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. તેથી સૌરાષ્ટ્રમાં દીકરી, બહેન અને ભાણેજને ખીચડા પેટે દાન દક્ષિણા આપવામાં આવે છે.
સાત ધાનનો ખીચડો આ સરળ રીતે બનાવી શકાય
ઉત્તરાયણના દિવસે ઘણી જગ્યાએ મંદિરોમાં ખીચડાનો પ્રસાદ પણ હોય છે. એ દિવસે દાનપુણ્ય કરવાનું હોય તો એમાં પણ ખીચડો ખવડાવવામાં આવે છે. મોટા ભાગે ઊંધિયા કે ભરેલી શાકભાજી સાથે સાત ધાનનો ખીચડો બનતો હોય છે. શેફ નેહા ઠક્કર પાસેથી જાણીએ સાત પ્રકારનાં ધાનથી બનેલા ખીચડાની રેસિપી.
સામગ્રી : ૧/૨ વાટકી ચોખા, ૧/૨ વાટકી મગ, ૧/૨ વાટકી મઠ, ૧/૨ વાટકી જુવાર, ૧/૨ વાટકી ચણા, ૧/૨ વાટકી ઘઉં, ૧/૨ વાટકી લાલ ચોળી, ૧/૨ ચમચી હળદર, ૧/૪ કપ તેલ, ૧/૨ કપ શિંગદાણા, ચપટી હિંગ, મીઠું સ્વાદ અનુસાર.
બનાવવાની રીતઃ સૌપ્રથમ બધાં ધાન્ય અને કઠોળને ઓવરનાઇટ અલગ-અલગ પલાળી લેવાં. જેમાં પલાળ્યાં હોય એ પાણી કાઢી નાખીને બીજા દિવસે સવારે બધાં જ ધાન્ય બરાબર ધોઈ લેવાં. હવે એક મિક્સર જારમાં ચણા, જુવાર, ઘઉં, ચોળીને અધકચરાં પીસી લો.
કુકરમાં પાણી નાખીને ઉકાળો. એમાં ચોખા, મગ, મઠ નાખી બરાબર મિક્સ કરો. થોડીક વાર પછી બાકીનાં અધકચરાં પીસેલાં ધાન્ય પણ મિક્સ કરી દો.
એમાં જરૂર મુજબ પાણી, મીઠું, શિંગ, હળદર, હિંગ, તેલ નાખી બરાબર મિક્સ કરો.
હવે ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે પાંચ વ્હિસલ વગાડવી. ઠંડું થાય એટલે બરાબર મિક્સ કરી થોડું તેલ નાખી ગરમ-ગરમ સર્વ કરો. આ ખીચડો ઊંધિયા કે ભરેલા શાકભાજી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
વિવિધ પ્રકારના ખીચડાની પરંપરા હજીયે જળવાય છે આ પરિવારોમાં
ઘઉંનો ખીચડો અને દૂધિયો બાજરો તો બને જ : ઉષ્મા મહેતા
મલાડમાં રહેતાં ગૃહિણી ઉષ્મા મહેતા વર્ષોથી મકરસંક્રાન્તિના દિવસે ખીચડો બનાવીને પરિવાર સાથે મકરસંક્રાન્તિની ઉજવણી કરે છે. ખીચડાના પ્રકાર અને એની સાથે સંકળાયેલી માન્યતા વિશે જણાવતાં તેઓ કહે છે, ‘આમ તો ખીચડો ત્રણ પ્રકારે બને છે. સાત ધાનના ખીચડા મોટા ભાગે પટેલ કાઠિયાવાડી ગુજરાતીઓના ઘરે બને. આ ખીચડો સૉલ્ટેડ હોય છે. બીજો ઘઉંનો ગળ્યો ખીચડો હોય. એ ખાસ કરીને નાગરોમાં બને. એમાં ઘઉંના મોટા ટુકડા, મીડિયમ ટુકડા અને નાના ટુકડા એટલે કે અધકચરા ખાંડેલા અથવા ફાડા હોય એવા એમ ત્રણ પ્રકારના ઘઉંને સાંબેલામાં ખાંડીને બાફી નાખવામાં આવે. પછી ઉપરથી ગોળ નાખીને થોડું ગળપણ ઍડ થાય પછી થાળીમાં પાથરીને છીણેલું કોપરું નાખીને શણગારવામાં આવે અને પીરસતી વખતે ખાડો પાડીને ઘી રેડવામાં આવે છે અને પછી ખાવામાં આવે છે. મારાં મમ્મીના ઘરે આ જ પ્રકારનો ગળ્યો ખીચડો બને. અમારા સાસરે આ નહીં પણ દૂધિયો બાજરો બને. જૂનાગઢના નાગરોમાં ઉત્તરાયણના દિવસે આ પ્રકારની વાનગી બનાવવાનો રિવાજ છે. બાજરાને દૂધમાં પકાવવામાં આવે છે અને એમાં ગળપણ ઉમેરીને પીરસાય છે. આ બન્ને રેસિપી બહુ જ સ્વાસ્થ્યવર્ધક છે. અમે આખી ફૅમિલી સાથે મળીને આ તહેવારને દૂધિયો બાજરો અથવા ઘઉંનો ખીચડો ખાઈને સેલિબ્રેટ કરીએ.
આ દિવસે ભાણેજને દાન કરવાનું પણ અનેરું મહત્ત્વ હોવાથી અમે મારી નણંદની ફૅમિલીને પણ બોલાવીએ. લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે એક ભાણેજને તમારી યથાશક્તિ દાન કરવામાં આવે તો એ સો બ્રાહ્મણને દાન આપ્યા સમાન કહેવાય. ઘણા લોકો ગુપ્ત દાન કરે. ખીચડામાં સિક્કો નાખીને ભાણેજને પીરસે. હું ખીચડામાં તો ન કરું, પણ મમરાના લાડુ બનાવીને એમાં સિક્કો છુપાવી દઉં અને તેમને મોકલાવી દઉં. આ રીતે અમે પરંપરાને અનુસરીને ઉત્તરાયણની ઉજવણી કરીએ.’
ગુજરાતી ન હોવા છતાં વાઇફે ખીચડાની પરંપરા આગળ વધારી છે : જિગર ભાવસાર
ઘાટકોપરમાં રહેતા અને વ્યવસાયે શૅરબજારના બ્રોકર જિગર ભાવસારના ઘરે વર્ષોથી સાત ધાનનો ખીચડો બને છે. પત્ની ગુજરાતી ન હોવા છતાં તેણે ખીચડો બનાવતાં શીખીને આ પરંપરાને આગળ વધારી છે. આ વિશે વાત કરતાં જિગરભાઈ જણાવે છે, ‘મારાં વાઇફ ગુજરાતી ન હોવા છતાં પણ મકરસંક્રાન્તિના દિવસે ગુજરાતીના ઘરમાં બને એવો જ ખીચડો બનાવે છે. તે મૂળ ઇન્દોરની હોવાથી આપણી ગુજરાતી પરંપરા વિશે તેને વધુ ખબર પડે નહીં, પણ મારાં મમ્મીએ તેને ખીચડો બનાવતાં શીખવાડ્યો ત્યારથી અમારા ઘરે દર વર્ષે તે જ બનાવે અને મારી બન્ને દીકરીઓ પણ ખાય. મારાં મમ્મીનું માનવું છે કે આ દિવસે ખીચડો રાંધીને ખાવાથી ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે, અન્નદેવતાના આશીર્વાદ મળે અને સ્વાસ્થ્ય સારું રહે. ઘણા લોકો ખીચડાને વઘાર આપે, પણ અમે પરંપરાગત રીતે બાફીને કઢી સાથે ખાઈએ છીએ.’