દેશમાં દર વર્ષે દિવાળી સમયે લગભગ ૨૫-૩૦ હજાર કરોડની મીઠાઈઓનું વેચાણ થાય છે
Diwali 2022
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
આપણા તહેવારોની ઉજવણી મીઠાઈ વગર અધૂરી છે અને જ્યારે વાત દિવાળી (Diwali)ની હોય ત્યારે તો મીઠાઈ, સૂકામેવા અને નાસ્તા વગર કેમ ચાલે? દિવાળીમાં જો સૌથી વધુ મીઠાઈ કોઈ વેચાતી હોય તો તે છે કાજુકતરી. હવે તો કાજુકતરી (Kaju Katli)ની પણ જાત-ભાતની વેરાયટી બજારમાં મળે છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. શું તમે જાણો છો કે દિવાળીમાં અઢળક વેચાતી આ મીઠાઈઓનું માર્કેટ કેટલું મોટું છે? અને એમાં કાજુકતરીનો હિસ્સો કેટલો છે?
મીઠાઈના માર્કેટ વિશે વાત કરતાં ફેડરેશન ઑફ સ્વીટ્સ ઍન્ડ નમકીન મેન્યુફેક્ચરર્સના ડિરેક્ટર ફિરોઝ નકવીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “દેશમાં દર વર્ષે દિવાળી સમયે લગભગ ૨૫-૩૦ હજાર કરોડની મીઠાઈઓનું વેચાણ થાય છે, જેમાં પેક્ડ સ્વીટ્સનું પ્રમાણ એકંદરે વધ્યું છે. આ વેચાણમાં ૩૦ ટકા હિસ્સો કાજુકતરી અને સોનપાપડી છે. લૉ વેલ્યૂ ગિફ્ટ માટે લોકો સોનપાપડી જ પસંદ કરતાં હોય છે, જ્યારે મિડ વેલ્યૂ ગિફ્ટ માટે કાજુકતરી બેસ્ટ ઑપ્શન માર્કેટમાં છે.”
ADVERTISEMENT
જો ૩૦ હજાર કરોડના ૩૦ ટકા પ્રમાણે ગણતરી કરીએ તો આ આંકડો ૯ હજાર કરોડનો થાય છે. એટલે કે દર વર્ષે ૯ હજાર કરોડની કાજુકતરી અને સોનપાપડીનું વેચાણ થાય છે. આ અચંબિત કરનારો આંકડો માત્ર દિવાળી સમયનો જ છે, બાકી આખા વષનો અંદાજ તમે જાતે જ લગાવી શકો છો.
મુંબઈમાં અહીં મળે છે બેસ્ટ કાજુકતરી
૧. એમએમ મીઠાઈવાલા
મલાડમાં ખૂબ જ પ્રખ્યાત એવી આ જગ્યાએ કાજુકતરી અને રસમલિયા અદ્ભુત મળે છે. અન્ય મીઠાઈઓમાં કાજુ રોલ, કાજુ કેડબરી બોલનો જેવી મીઠાઈઓ પણ ખૂબ વખણાય છે.
૨. પુરષોત્તમ કંદોઈ હરીભાઈ દામોદર મીઠાઈવાલા
મુંબઈમાં પુરષોત્તમ કંદોઈ હરીભાઈ દામોદર મીઠાઈવાલા નામ ખૂબ જૂનું અને જાણીતું છે. આ જગ્યાએ 148 પ્રકારની વિવિધ મીઠાઈઓ મળે છે અને સાથે જ કાજુકતરી પણ સરસ મળે છે. વેસ્ટર્ન અને સેન્ટ્રલ બંને લાઇન પર તેમના આઉટલેટ છે.
૩. ડી દામોદર મીઠાઈવાલા
દાદરમાં ડી દામોદર મીઠાઈવાલા ખોડાદા સર્કલના પુલની નજીક આવેલું છે. આ મીઠાઈની દુકાન એવી છે જ્યાં તમને અચૂક ભીડ મળશે. અહીંની કાજુકતરી પણ મુંબઈગરાની વન ઑફ ધ ફેવરેટ છે.
૪. મુરલીધર
દહિસર અને બોરીવલીમાં બે આઉટલેટ સાથે મુરલીધર ત્યાનાં લોકોની મનપસંદ સ્વીટ શૉપ રહી છે. અહીં પણ કાજુકતરી સહિત બધી જ મીઠાઈઓ લાજવાબ મળે છે.
૫. ગુલાટીઝ
અંધેરીની આ જગ્યા કાજુની તમામ મીઠાઈઓ માટે જાણીતી છે. અહીં સુગર ફ્રી મીઠાઈઓ સરસ મળે છે. સ્વાદિષ્ટ કાજુકતરી સિવાય અહીંની ચોકલેટ બરફી પણ ખૂબ વખણાય છે.
આ પણ વાંચો: Sunday Snacks: એક ગરમ ચાય કી પ્યાલી હો ઔર હો યારો કા યારાના