સુરતના જય જલારામમાં મળતી તમામ વરાઇટીમાં દાળમાંથી બનાવવામાં આવેલો રસો નાખવામાં આવે છે, જે ખરા અર્થમાં ગેમ ચેન્જર પણ બને છે
ખાઈપીને જલસા
જય જલારામ રસાવાળાં ખમણવાળા
રવિવારે મારું નવું નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ મુંબઈમાં ઓપન થયું અને એ પછી એનું ગુજરાતનું પ્રીમિયર અમે હમણાં સુરતમાં કર્યું અને સુરતમાં મને એક એવી આઇટમ ટેસ્ટ કરવા મળી કે મને થયું કે આપણી જે દુબઈની આઇટમનો રસાસ્વાદ ચાલે છે એની વચ્ચે મારે સુરતની એ આઇટમની વાત તમને કરવી જોઈએ. નાટકના શો પહેલાં મને ભૂખ લાગી એટલે અમે તો ગયા ચોકબજાર. અમે એટલે હું ને મારી અંદર રહેતો પેલો બકાસુર. ઑડિટોરિયમથી ચોકબજાર બહુ નજીક છે. ચોકબજારમાં જય જલારામ રસાવાળાં ખમણ. હવે તમને કહું કે હું આ જય જલારામમાં જ કેમ ગયો?