Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ...તો હાજર છે તમારો ઇમ્યુનિટી બૂસ્ટર ડોઝ

...તો હાજર છે તમારો ઇમ્યુનિટી બૂસ્ટર ડોઝ

05 July, 2024 10:02 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદ આવે એટલે અનેક રોગોની ઋતુ બેસે. ડેન્ગી, મલેરિયા અને ઇન્ફ્લુએન્ઝાનું વાઇરલ ઇન્ફેક્શન્સ ફેલાય. ભૂખ ઘટવી, ખાવાનું બરાબર પચે નહીં, કંઈક ખરાબ ખવાઈ જાય તો ઊલટી-ઊબકા અને ડાયેરિયા થવાનું પ્રમાણ વધશે.

સૂંઠ-ગોળ-ઘીની લાડુડી, ગુંદરની રાબ તેમ જ રાગી મોરુ

સૂંઠ-ગોળ-ઘીની લાડુડી, ગુંદરની રાબ તેમ જ રાગી મોરુ


શારીરિક તાકાત અને ઇમ્યુનિટી બન્ને વધારવી જરૂરી છે:  જિનલ સાવલા




આ સીઝનમાં ખાવાનું બરાબર પચતું નથી, કફ અને ખાંસી વધુ થાય છે અને એવામાં જો યોગ્ય પોષણ મળે એવું ગરમ ફૂડ ન ખાઓ તો રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. જાણીતાં ન્યુટ્રિશનિસ્ટ જિનલ સાવલા કહે છે, ‘આ સીઝનમાં શરીરમાં તાકાત ટકી રહે એવી હેલ્ધી અને ગરમ ચીજ ખાવી જોઈએ. જે શરીરને ગરમાટો તો આપે, પણ સાથે ઇમ્યુનિટી પણ સુધારે. એ માટે સવારે કે બપોરે પીવાતાં પીણાંને બદલે ગુંદરની રાબ લઈ શકાય. કફ-ખાંસી માટે એક ડિકૉક્શન કાઢો પણ હું મારા પેશન્ટ્સને સજેસ્ટ કરતી હોઉં છું.’


ગુંદરની રાબ

સામગ્રી: બે ચમચી ગુંદર, ૧ ચમચી ઘી, બે નંગ લવિંગ અને તજ, બે ચમચી લોટ (ઘઉં, જુવાર, બાજરી કોઈનો પણ), એક ચમચી ગોળ, ચપટીક સૂંઠ, એક ચમચી સૂકું કોપરાનું છીણ અને જરૂરિયાત મુજબ પાણી  બનાવવાની રીત: સૌથી પહેલાં ઘીમાં ગુંદરને સાંતળીને અલગ કાઢી લો. એ જ ઘીમાં તજ અને લવિંગ પણ શેકી લેવાં. જો વધુ પોષક અને પેટ ભરાય એવી રાબ બનાવવી હોય તો બે-બે બદામ અને પિસ્તાંની કતરી પણ ઘીમાં સહેજ શેકીને અલગ કાઢી લેવી. બચેલા ઘીમાં લોટ નાખીને એને બરાબર શેકી લેવો. લોટનો રંગ બદલાઈને સોનેરી થાય અને સુગંધ આવવા માંડે એટલે એમાં દોઢેક કપ પાણી નાખીને બરાબર હલાવવું. એમાં ચપટીક સૂંઠ નાખવી. એમાં સાંતળેલો ગુંદર નાખી દેવો અને છેલ્લે ગોળ નાખીને એને ઓગળવા દેવો. સાંતળેલાં તજ-લવિંગ, બદામ-પિસ્તાંની કતરી અને સૂકા કોપરાનું છીણ ગાર્નિશ કરીને ગરમાગરમ પીવું. 


ડિકૉક્શન કાઢો 
સામગ્રી:  અરડૂસાનાં દસથી પંદર તાજાં પાન અથવા બે ચમચી અરડૂસાનો સૂકો પાઉડર, એક ચમચી જેઠીમધ, દસ તુલસીનાં પાન, દસ ફુદીનાંનાં પાન, એક નાની ચમચી કાળાં મરીનું ચૂર્ણ, ૧ નાની ચમચી હળદર અને તજ, ૪ લવિંગ, બેથી ત્રણ કપ પાણી. 

બનાવવાની રીત:  બે કપ પાણીમાં બધી ચીજો નાખીને બરાબર ઉકાળો. પાણી ઊકળીને અડધું થઈ જાય એટલે એને ગાળી લો એટલે ડિકૉક્શન તૈયાર. બે-ત્રણ ચમચી આ કાઢાની લઈને એમાં એક કપ પાણી ઉમેરવું અને એમાં મધ અને લીંબુ નિચોવીને પીવું. રોજ સવારે આ પીણું પીવાથી ઇમ્યુનિટી સુધરશે.

સૂંઠ, તુલસી, હળદર, નમક અને લીંબુ અચૂક વાપરો : ડૉ. રવિ કોઠારી

તુલસી ઍન્ટિ-વાઇરલ છે અને હળદર તો વાઇરસ, બૅક્ટેરિયા અને ફંગસ ત્રણેય સામે લડવાની ક્ષમતા ધરાવે છે એમ જણાવતાં જાણીતા આયુર્વેદાચાર્ય ડૉ. રવિ કોઠારી કહે છે, ‘આ સીઝનમાં સૂંઠ, હળદર અને તુલસીનું રોજ સેવન કરવા ઉપરાંત આ સીઝનમાં નમક અને લીંબુ અચૂક વાપરવાં. એનાથી મલેરિયા, ડેન્ગી જેવા વિષાણુ સામે પ્રતિકારશક્તિ વિકસે છે. આ સીઝનમાં લીંબુ અને સૉલ્ટ બન્નેનો ઉપયોગ પૂરતી માત્રામાં કરવો.’

સૂંઠ-ગોળ-ઘીની લાડુડી

સામગ્રી:  પચીસ ગ્રામ સૂંઠ, વીસ ગ્રામ રસાયણ વિનાનો જૂનો ગોળ, દસ ગ્રામ હળદર અને જરૂર મુજબનું ઘી

બનાવવાની રીત:  ગોળ અને ઘીને ચોળીને એમાં સૂંઠ અને હળદર ધીમે-ધીમે ઉમેરો અને એમાંથી કાબુલી ચણા જેવડી લાડુડી બનાવી લો. આ લાડુડી રોજ સવારે ખાઓ. ગળી જવાની નહીં, ચાવીને ધીમે-ધીમે મોઢામાં મમળાવીને ગળા નીચે ઉતારવી. આ ઉત્તમ ઍન્ટિ-વાઇરલ ટૉનિક છે. પાંચ વર્ષથી મોટાં બાળકોને પણ રોજ વટાણા જેટલી સાઇઝની લાડુડી આપી શકાય. એ ખાધા પછી થોડી વાર પાણી ન પીવું. રોજ સવારે પાંચ તુલસીનાં પાન પણ નરણા કોઠે ચાવીને ખાઈ જવાં.

ચોમાસામાં પણ સારું પ્રોબાયોટિક ભોજનમાં જોઈશે : યોગિતા ગોરડિયા

મેટાબોલિઝમ સારી રાખવી હોય, પેટમાં સારા બૅક્ટેરિયાનું પ્રમાણ જળવાઈ રહે એ માટે ગટ બૅક્ટેરિયાને ગમતું ખાવાનું આ સીઝનમાં ભૂલવું ન જોઈએ એમ જણાવતાં જાણીતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ચોમાસામાં સારા બૅક્ટેરિયા પેટમાં જળવાય એ બહુ જરૂરી છે. એ માટે છાશમાંથી બનાવેલી કાંજી બચ્ચા-બુઢ્ઢા બધાં માટે ઉપયોગી રહેશે.’

રાગી મોરુ (મૉન્સૂન પ્રોબાયોટિક)
સામગ્રી : એક ચમચી નાચણીનો લોટ, એક કપ છાશ, અડધો કપ પાણી, નમક અને કાળાં મરી સ્વાદાનુસાર, એક ચમચી ઘી, એક ચમચી કઢીપત્તાં, વઘાર માટે રાઈ. 

બનાવવાની રીત: નાચણીના લોટને પાણીમાં લઈને ડ્રાય રોસ્ટ કરો. એનો કલર ચેન્જ થાય અને શેકાયાની સોડમ આવવા માંડે એટલે એમાં અડધો કપ પાણી રેડો. લોટના ગઠ્ઠા પીગળીને પેસ્ટ બની જાય એટલે છાશ નાખો. બરાબર બૉઇલ થઈ જાય એટલે નીચે ઉતારી લો. એક વઘારિયામાં એક ચમચી ઘી લઈને રાઈ નાખો. તતડે એટલે કઢીપત્તાં નાખીને એ વઘાર નાચણીના તૈયાર મોરુમાં મિક્સ કરો. આ કાંજી ગરમાગરમ સર્વ કરો.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK