Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મેથીના ગોટા ખાવા માટે નારદીપુર જવા જેવું છે

મેથીના ગોટા ખાવા માટે નારદીપુર જવા જેવું છે

29 June, 2024 07:40 AM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ગાંધીનગરથી ૨૭ કિલોમીટરના અંતરે આવેલા આ ગામના બહુચર નાસ્તા હાઉસમાં મેથીનાં ભજિયાં ચોવીસે કલાક મળે છે. તમે ઑર્ડર આપો એટલું જ બેસનનું ખીરું બને અને તાજેતાજા ખીરામાંથી તમને ગરમાગરમ ગોટા ઉતારી દે

સંજય ગોરડિયા

ફૂડ-ડ્રાઇવ

સંજય ગોરડિયા


અમેરિકાથી આવ્યા પછી હું તરત મારા હોમ-પ્રોડક્શનની વેબ-સિરીઝ ‘ગોટીસોડા’ના પોસ્ટ-પ્રોડક્શનમાં લાગ્યો તો સાથોસાથ મારા નાટકના શો પણ ચાલુ જ હતા એટલે એની પણ દોડધામ અને આ બન્ને કામ ઉપરાંત મારી એક નવી વેબ-સિરીઝનું શૂટિંગ પણ શરૂ થયું એટલે દોડધામ તો બરાબરની ચાલુ થઈ.


આ જે વેબ-સિરીઝ છે એનું શૂટિંગ અમદાવાદથી પચાસ કિલોમીટર દૂર આવેલા પલિયડ નામના ગામમાં ચાલે છે. આ જે પલિયડ ગામ છે એ આપણા ઍક્ટર પરેશ રાવલનું મૂળ વતન, જે સહેજ તમારી જાણ ખાતર. પલિયડ એટલે એકદમ ટિપિકલ ગામડું જ જોઈ લો. ટિપિકલ એટલે ટિપિકલ ગામડું. હું તો ગામનાં ઘરો પણ જોઈ આવ્યો. ગામમાં હાર્ડ‍્લી એકાદ રેસ્ટોરાં અને ચાની તો લારી શોધવા જાઓ તો પણ ન મળે એટલે મારી પાસે તો ખાવાપીવામાં બીજો કોઈ ઑપ્શન પણ નહીં. બસ, હું ને અમારા યુનિટનું કિચન. એ જે ખાવાનું બનાવે એ અમારે ચૂપચાપ ખાઈ લેવાનું પણ સાહેબ, હું માનું’ માંહ્યલો બકાસુર થોડો માને?



ચારેક દિવસ થયા એટલે મેં તો ગામના લોકોને પૂછવાનું શરૂ કર્યું કે ભાઈ, તમારા ગામમાં કંઈ ખાવાલાયક નથી? આજુબાજુમાં તો તમે ક્યાંક ખાવા જતા હશોને? મને એક નામ મળ્યું, બહુચર નાસ્તા હાઉસ. પલિયડથી ત્રણ કિલોમીટર દૂર નારદીપુર નામનું ગામ છે. એ ગામમાં બહુચર નાસ્તા હાઉસ છે, એનાં ભજિયાં ખાવા માટે ગામના લોકો જતા હોય છે. એક રાતે મેં તો મારા ડ્રાઇવરને કહ્યું કે ભાઈ, ચાલો ઊપડીએ નારદીપુર. વાત આગળ વધારતાં પહેલાં થોડું જ્યોગ્રાફિકલી લોકેશન સમજાવી દઉં.


અમદાવાદથી ગાંધીનગર આવવાનું. ગાંધીનગરથી ત્રીસ કિલોમીટર દૂર આ પલિયડ ગામ છે અને પલિયડની ત્રણ કિલોમીટર પહેલાં નારદીપુર આવે. જતાં પહેલાં મેં જાણી લીધું કે રાતના સમયે ભજિયાં મળશે કે કેમ તો મને કહેવામાં આવ્યું કે ત્યાં ચોવીસ કલાક ભજિયાં મળે છે. મને જવાબ મળી ગયો કે આ બહુચરનાં ભજિયાંનો સ્વાદ હશે મસ્ત, તો જ તો ચોવીસ કલાક એનો માલ વેચાતો હોય.

હું તો પહોંચ્યો બહુચર નાસ્તા હાઉસમાં. ત્યાં જઈને ખબર પડી કે એની પાસે માત્ર મેથીના ગોટા હતા, બીજાં ભજિયાં સવારના સમયે જ મળે છે. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં, આ જે ગોટા છે એ શબ્દ આપણા મુંબઈમાં બહુ પૉપ્યુલર નથી, આપણે ત્યાં તો એને મેથીનાં ભજિયાં જ કહે, પણ એનું સાચું નામ ગોટા છે. ડાકોરના ગોટા પરથી આ મેથીનાં ભજિયાંનો આવિષ્કાર થયો હશે એવું મારું અનુમાન છે.


મેં બસો ગ્રામ ગોટાનો ઑર્ડર આપ્યો એટલે બનાવતો હતો એ માણસે ચણાનો લોટ લઈને એનું ખીરું બનાવવાનું શરૂ કર્યું. પૂછપરછ કરી તો ખબર પડી કે અહીં ઑર્ડર મુજબ જ તાજું જ ખીરું બનાવી એમાંથી ભજિયાં ઉતારે. આવ્યા ગરમાગરમ મેથીના ગોટા. સાઇઝ કહું તો ખાસ્સા મોટા. બરાબરના ફૂલેલા પણ આ જે ગોટા હતા એને સહેજ વધારે તળ્યા હતા એટલે ચાવવામાં ઉપરથી કડક અને અંદરથી નરમ લાગતા હતા. બેસનના ખીરામાં ભારોભાર મેથી નાખી હતી. મેથી આમ તો સહેજ કડવી હોય, પણ બેસન અને નિમકના કારણે એની કડવાશ કપાઈ ગઈ હતી. ગોટાની સાથે કઢી-ચટણી, તળેલાં મરચાં અને કાંદા આપ્યા હતા. ચારેયનું જે કૉમ્બિનેશન બનતું હતું એ એવું તો અદ્ભુત હતું કે હું તો જમીને નીકળ્યો હતો એ પછી પણ ગોટા પર તૂટી પડ્યો.

અરે હા, મારા માટે મેથીના ગોટા બનતા હતા ત્યારે એમ ને એમ જ હું ત્યાં જોતો હતો તો મેં એક નવા પ્રકારના ગાંઠિયા જોયા. વણેલા ગાંઠિયાથી સહેજ પાતળા, લાલ રંગના જાડા ગાંઠિયા. મેં પૂછ્યું તો મને કહે કે આ લસણિયા તીખા ગાંઠિયા છે. મેં તો કહી દીધું, ભજિયાં સાથે આવવા દેજો એ પણ સો ગ્રામ. ગાંઠિયા પણ બહુ સરસ હતા. તીખાશ અને લસણની આછી ખુશ્બૂ, જેનો તમને સ્વાદમાં નહીં પણ ગળામાં આછોસરખો અનુભવ થાય. અહીં જ મેં થાબડી પેંડા જોયા એટલે મેં તો એક પેંડો પણ લીધો. કાઠિયાવાડી થાબડી પેંડા જેવો જ એનો સ્વાદ, મને તો મજા પડી ગઈ.

આ પ્રકારની જગ્યા મને ગમે એનું એક કારણ એ કે એ લોકો પાસે સ્ટોરેજ જેવું કશું હોતું નથી એટલે રોજેરોજનું બનાવે અને રોજેરોજનું ખવડાવે. બીજું કે નાના ખૂમચાવાળા કે આવી નાની હોટેલવાળા જે કંઈ ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરે એ બધા શુદ્ધ હોય એટલે એમ પણ શરીર માટે લાભદાયી રહે. બહુચર નાસ્તા હાઉસની આ ત્રણ આઇટમ ખાધા પછી પહેલાં તો મને પ્રશ્ન થયો કે આ આઇટમો તમારા સુધી પહોંચાડવી કે નહીં?

સિમ્પલ છે કે મારો કોઈ વાચક નારદીપુરના આ બહુચરમાં આવવાનો નથી પણ પછી મને થયું કે તમારામાંથી ઘણા ગાંધીનગર તો આવતા જ હોય, તો હવે જ્યારે પણ ગાંધીનગર આવવાનું બને ત્યારે ગાંધીનગરથી ૨૭ કિલોમીટર દૂર આવેલા નારદીપુરના બહુચર નાસ્તા હાઉસમાં એક ચક્કર મારી આવજો.

સ્વાદની આશામાં સહેજ પણ ઓછા નહીં ઊતરો એની જવાબદારી મારી.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2024 07:40 AM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK