દિવાળીમાં પરંપરાગત નાસ્તાઓમાં એકાદ ચેવડો તો અચૂક બને જ. દર વખતે પૌંઆ કે મકાઈનો તળેલો કે શેકેલો ચેવડો જ બનાવવાને બદલે આ વખતે કંઈક ડિફરન્ટ બનાવવું હોય તો આ રહ્યા કેટલાક ઑપ્શન્સ
શેફ નેહા ઠક્કર અને શેફ ચેતના પટેલે શેર કરી મિડ-ડે સાથે ચેવડાની રેસિપીઝ
વડોદરાનો પ્રખ્યાત લીલો ચેવડો
ADVERTISEMENT
સામગ્રી
૫૦૦ ગ્રામ મીડિયમ બટાટા, ૫૦૦ ગ્રામ અથવા એક વાટકો ચણાની દાળ, ૫૦ ગ્રામ કિસમિસ, ૩-૪ ચમચી ખાંડ, ૧ ચમચી તલ, મીઠું સ્વાદ અનુસાર, ૧/૨ ચમચી હળદર, ૨ લીલાં મરચાં, ગોળ કાપેલાં, તેલ તળવા માટે
રીત
વડોદરાનો લીલો ચેવડો બનાવતાં પહેલાં ચણાની દાળને એક-બે કલાક પાણીમાં પલાળી દો. દાળ બરાબર પલળી ગયા બાદ એને કપડા પર પાથરીને સૂકવી દો.
હવે બટાટાનું જાડું છીણ કરવું. એ છીણને એક પહોળા વાસણમાં લઈને એમાં હળદર નાખો અને પછી એને બરાબર મિક્સ કરો. એ દરમ્યાન તેલને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ચણાની દાળને તળી લો. પછી બટાટાના ખમણને તળો. ખમણને તળતી વખતે ધ્યાન રાખવું કે એ વધારે ક્રિસ્પી ન થાય. હવે આ ખમણને એક મોટા વાસણમાં લઈને એમાં દાળ, કિસમિસ, ખાંડ, મીઠું, તલ અને ઝીણાં સમારેલાં મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરો. બસ, તૈયાર છે ઘરે જ બનાવેલો વડોદરાનો ફેમસ લીલો ચેવડો.
નાશિકનો ફેમસ કોંડાજી ચીવડો
સામગ્રી
૧/૨ કિલો ચૂર મમરા, ૩/૪ કપ સીંગદાણા, ૧૫-૨૦ લસણની કળી
અડધા સૂકા કોપરાની ચીર, ૨૦ લીમડાનાં પાન, ૧૫ કાજુ, ૧/૪ કપ સૂકી દ્રાક્ષ, ૧૦ લીલાં મરચાં કાપેલાં,
૧/૨ કપ ચણાની દાળ તળેલી, ૩ ચમચી લાલ મરચાંનો પાઉડર, ૧ ચમચી હળદર, ૩/૪ ચમચી પીસેલી ખાંડ, દોઢ ચમચી ધાણાજીરું પાઉડર
દોઢ, ચમચી શેકેલા જીરાનો પાઉડર, ૧ ચમચી આમચૂર પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ
રીત
મમરા કરતાં ચૂર મમરા જુદા હોય છે. એ જાડા પૌંઆથી પણ વધુ જાડા હોય છે. એક કડાઈમાં તેલ ગરમ કરીને ચૂર મમરા એકદમ ક્રિસ્પી તળી લેવા.
હવે એમાં બીજી બધી સામગ્રીઓ - સીંગદાણા, સૂકું કોપરું, લીમડો, કાજુ, દ્રાક્ષ, લીલાં મરચાંના ટુકડા, લસણની કળી એ બધી વસ્તુઓ અલ ગ-અલગ તળીને રાખવી.
હવે એક મોટા વાસણમાં તળેલા ચૂર મમરા અને બીજી બધી સામગ્રી મિક્સ કરવી. ત્યાર બાદ એમાં ચણાની દાળ પણ મિક્સ કરવી.
પછી એમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું પાઉડર, આમચૂર પાઉડર, જીરા પાઉડર, પીસેલી ખાંડ બધું ઉમેરીને સરખું મિક્સ કરી લેવું. ઠરે એટલે ઍર ટાઇટ ડબ્બામાં પૅક કરી લેવું.
ઓટ્સનો ચેવડો હેલ્થ કૉન્શ્યસ લોકો
સામગ્રી
૧ કપ પૌંઆ, ૧ કપ ઓટ્સ, ૧/૨ કપ મકાઈ પૌંઆ, ૬-૭ બદામ, ૬-૭ કાજુ, ૩ ચમચી સીંગદાણા, ૨ ચમચી દાળિયા, મીઠું સ્વાદ અનુસાર, ૧/૨ ટી સ્પૂન હળદર, ૧ ટી સ્પૂન લાલ મરચાંનો પાઉડર, ૧ ટી સ્પૂન ચાટ મસાલો, ૨ નંગ સૂકાં લાલ મરચાં, ૬-૭ પાન લીમડાનાં પાન, ૨ ટેબલ સ્પૂન સૂકા કોપરાના ટુકડા, ૧ ચમચી દળેલી ખાંડ
રીત
પૌંઆ અને ઓટ્સને ડ્રાય રોસ્ટ કરી લો. મકાઈ પૌંઓને ફ્રાય કરી લો.
બદામ-કાજુને ડ્રાય રોસ્ટ કરો.
સીંગદાણાને રોસ્ટ કરીને એનાં છોતરાં કાઢી લો.
એક કડાઈમાં બે ચમચી તેલ
મૂકી લીમડો, સૂકાં લાલ મરચાં અને હિંગ મૂકો. કોપરાના ટુકડા ઍડ કરી સહેજ શેક્યા પછી બેઉ
પૌંઆ, ઓટ્સ, દાળિયા, સીંગદાણા, કાજુ-બદામના ટુકડા ઉમેરીને હળવા હાથે હલાવો. બરાબર શેકાઈ
જાય એટલે બધા મસાલા મિક્સ કરીને દળેલી ખાંડ મિક્સ કરીને સર્વ કરો.
કાજુ-કારેલાંનો ચેવડો
સામગ્રી
૨૫૦ ગ્રામ કારેલાં, ૧/૨ વાટકી કાજુ, ૧/૨ વાટકી દ્રાક્ષ, ૧/૨ વાટકી સીંગદાણા, ૨ ચમચી મીઠું, ૧ ચમચી લાલ મરચાંનો પાઉડર, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ચાટ મસાલો, ૮થી ૧૦ લીમડાનાં પાન, તળવા માટે તેલ
રીત
કારેલાં લઈને એની બધી છાલ કાઢી લો અને ગોળ રાઉન્ડ શેપમાં કટ કરી લો. પછી એમાં મીઠું નાખીને બે કલાક સુધી છોડી દો. પછી એને ચોખ્ખા પાણીથી ધોઈ લો અને નિચોવીને એનું પાણી કાઢી લો. સાઇડ પર એક પૅનમાં તેલ ગરમ કરવા મૂકો અને એમાં સિંગદાણા, કાજુ, દ્રાક્ષ તળી લો. પછી એમાં કારેલાંના ટુકડાને તળી લો અને એના પર લાલ મરચાંનો પાઉડર, મીઠું, ચાટ મસાલો અને ધાણાજીરું પાઉડર નાખીને બરાબર મિક્સ કરો. કાજુ-કારેલાંનો ચેવડો તૈયાર. થોડું ગળપણ જોઈતું હોય તો ઉપરથી પીસેલી ખાંડ મિક્સ કરી શકાય.
ખંભાતનો પ્રખ્યાત પાપડ ચેવડો
સામગ્રી
૧૫૦ ગ્રામ મમરા, દોઢ કપ સેવ, ૮ મિડિયમ સાઇઝના અડદના પાપડ, મીઠું અને મરચું સ્વાદ અનુસાર, ચપટી હિંગ, પા ચમચી હળદર, ૩ ચમચી દળેલી ખાંડ, ૧ ચમચી આમચૂર પાઉડર કે ચપટી સાઇટ્રિક ઍસિડ, તળવા અને વઘારવા માટે તેલ
બનાવવાની રીત : આ ચેવડામાં અડદના પાપડ જ વાપરવામાં આવે છે. બજારમાં આમ તો ઘણા પ્રકારના અડદના પાપડ મળે છે, પરંતુ આ ચેવડા માટે મરીવાળા અડદના પાપડ જ લેવા. પાપડ જેટલા તાજા હશે એટલો ચેવડો સારો બનશે. જો એ જૂના હશે તો તળવામાં એ પીળા કે લાલ રંગના થઈ જશે અને એનો સ્વાદ પણ સારો નહીં રહે. ચેવડો બનાવવા માટે સૌપ્રથમ તમે સપાટ તળિયાવાળા વાસણમાં તેલ ગરમ થવા મૂકો. તેલ પાપડ ડૂબે એટલું જ રાખવું. એનાથી વધુ ડૂબાડૂ
બ તેલ ન લેવું. બીજું એ કે પાપડ તળવામાં લાલ ન થવા દેવા અને સાવ કાચા ન રહી જાય એનું પણ ધ્યાન રાખવું. પાપડ તળાઈ જાય એ પછી મમરા શેકવા માટે એક જાડા તળિયાની કઢાઈમાં થોડું તેલ લેવું. એમાં ચપટી હિંગ અને હળદર નાખીને મમરા બરાબર ક્રિસ્પી શેકી લેવા. એમાં મીઠું પણ ઉમેરી દેવું. એ શેકાઈ જાય પછી એ મમરામાં પાપડને ભાંગીને નાખવા. એમાં સેવ ઉમેરવી. મરચું અને આમચૂર ઉપરથી છાંટવું અને બરાબર મિક્સ કરી લેવું. જો સાઇટ્રિક ઍસિડ નાખવું હોય તો મમરાનો વઘાર કરો એમાં ચપટી એ નાખી દેવું અને પછી ભેળવી દેવું. એ થોડું ઠંડું થાય એ પછી ૩ ચમચી દળેલી ખાંડ ઉમેરો. ખાંડ હંમેશાં ચેવડો ઠંડો થાય ત્યારે જ ઉમેરવી. બસ, ચેવડો રેડી છે. એને ઍરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દેવો.