તમારે પાર્ટી ઑર્ગેનાઇઝ કરવાની હોય તો હેલ્ધી મેનુ રાખો. હેલ્ધી મેનુનો ટ્રેન્ડ એક વાર શરૂ થઈ જશે તો પાર્ટી પ્રૉબ્લેમ બનશે નહીં
પ્રતીકાત્મક તસવીર
દિવસે-દિવસે ઘરનાં રસોડાંઓ પર તાળાં લાગતાં જાય છે. મુંબઈમાં સવારથી કામ પર નીકળી જતો માણસ રાત્રે ઘરે આવે ત્યાં સુધીમાં ઓછામાં ઓછું એક વાર બહાર ખાતો હશે. પછી તે એક કોલ્ડ ડ્રિન્ક હોય, વડાપાંઉ હોય કે લંચ અથવા ડિનર હોય. ઘરે સૂકા નાસ્તા બનાવવાનું ચલણ તો હવે લગભગ જતું રહ્યું છે. અઠવાડિયામાં એક-બે વાર બધા ડિનર બહાર લેતા થઈ ગયા છે. આ આદતોને ૨૦૨૫માં છોડવી ખૂબ જરૂરી છે. જો છોડી ન શકાય તો ઓછી તો કરવી જ રહી. બહાર કંઈ પણ ખાઓ એ ઘર જેટલું હેલ્ધી હોવાની કોઈ શક્યતા છે જ નહીં. બહારના ખોરાકમાં બિનજરૂરી કૅલરી અને ભેળસેળ તો હોય જ છે. એની સાથે શરીરમાં પોષણની કમી પણ આ બહારના ખોરાકથી જ આવે છે. ગમે એવો ખોરાક ખાઓ અને પછી વિટામિનની ટૅબ્લેટ ખાઓ એનો અર્થ નથી. કુકિંગને બોજ ન સમજો. ઘરના લોકો માટે પ્રેમથી ખોરાક બનાવો. પહોંચી ન વળાતું હોય તો કુક રાખી લો, પણ બહારનું ખાવાનું ઓછું કરો.
પોષણયુક્ત ડાયટ અપનાવવી હોય તો અમુક બેઝિક નિયમો ધ્યાનમાં રાખો. આ રીતે તમારી ડાયટ કોઈ દિવસ ખોટી નહીં થાય. દિવસમાં બે ફ્રૂટ, ૩ ટાઇમ શાકભાજી, ત્રણ ટાઇમ પ્રોટીન અને બે ટાઇમ કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ ખાવાં અત્યંત જરૂરી છે. સૌથી વધારે મહત્ત્વ બ્રેકફાસ્ટને આપવું. ડિનર લાઇટ કરવું અને રાત્રે સૂતા પહેલાં ૩ કલાક અગાઉ કરવું. જમવામાં જેટલી ભૂખ હોય એનું ૮૦ ટકા ભોજન લેવું એટલે કે જમતી વખતે પેટમાં થોડીક જગ્યા બચે એ ખૂબ હેલ્ધી કહેવાય. દિવસમાં બે-ત્રણ લીટર પાણી પીવું.
ADVERTISEMENT
ઘણા લોકો એવાં બહાનાં આપતા હોય છે કે પાર્ટીઓ અને સોશ્યલ ફંક્શન જ એટલાં હોય છે કે ડાયટ થતી જ નથી, બહાર જઈએ તો ખાવું તો પડે જને. જોકે હકીકત એ છે કે પાર્ટીમાં બેફામ ખાનારા લોકોને જ્યારે ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ કે હાર્ટ-પ્રૉબ્લેમ્સ આવે ત્યારે તેમણે આ બધું સદંતર બંધ કરવાનો વારો આવી જાય છે. આવું ન થાય એ માટે અમુક ફેરફારો કરી શકાય. બિનજરૂરી સોશ્યલ ફંક્શનમાં જવાનું ટાળો. ફંક્શનમાં ખાવા કરતાં બધાને હળવા-મળવા પર વધુ ધ્યાન આપો. તમારે પાર્ટી ઑર્ગેનાઇઝ કરવાની હોય તો હેલ્ધી મેનુ રાખો. હેલ્ધી મેનુનો ટ્રેન્ડ એક વાર શરૂ થઈ જશે તો પાર્ટી પ્રૉબ્લેમ બનશે નહીં. નાના બદલાવો મોટાં પરિણામો લાવી શકે છે. આવનારા વર્ષમાં આ પ્રકારના બદલાવ લાવવાની કોશિશ ચોક્કસ કરો.
- યોગિતા ગોરડિયા