મલાડમાં બાજુ-બાજુમાં જ બે બંસી વડાપાંઉ જોવા મળશે, બન્ને સરસ છે. એક માના બે દીકરા અને વડાપાંઉમાં પણ એવું જ
સંજય ગોરડિયા બંસી વડાપાંઉમાં
બોરીવલીમાં મંગેશ, પછી પાર્લા (ઈસ્ટ)ના દીનાનાથ મંગેશકર ઑડિટોરિયમની બાજુમાં ટેલિફોન-બૂથમાં બેસતા સ્વામી અને પછી આ જ ઑડિટોરિયમની સામે આવેલા બાબુનાં વડાપાંઉ પછી હવે આપણે આગળ વધારીએ આપણી વડાપાંઉની સ્વાદયાત્રા. આ વખતે આપણે જવાના છીએ મલાડ.
મલાડમાં હું લગ્નની એક ઇવેન્ટનો પ્રોગ્રામ પ્રીતેશ સોઢા સાથે કરતો હતો, જેના માટે મારે તેના ઘરે રિહર્સલ કરવા મલાડ જવાનું હતું. સાંજના સમયે મને કકડીને ભૂખ લાગે એ તો તમને બધાને ખબર જ છે અને એમાં પાછું તમારા માટે ફૂડ-ટિપ પણ શોધવાની હોય. મને થયું કે ચાલો, મૌકા ભી હૈ ઔર દસ્તુર ભી. મેં સારાં વડાપાંઉ માટે નજર દોડાવી અને મારી આંખો ઠરી બંસી વડાપાંઉ પર.
ADVERTISEMENT
મિત્રો, મલાડ જવા માટે એસ. વી. રોડ પરથી નીકળીએ ત્યારે રાઇટમાં એક રસ્તો આવે જે સીધો મલાડ સ્ટેશન જાય, એ રાઇટ જવાને બદલે તમે લેફ્ટ જાઓ એ રસ્તો સીધો લિન્ક રોડને જૉઇન થાય. આ જ રસ્તા પર આગળ તમને બંસી વડાપાંઉનો મોટો બાંકડો જોવા મળશે. મજાની વાત શું છે ખબર છે, તમને બાજુ-બાજુમાં જ બે બંસી વડાપાંઉ જોવા મળશે. હા, બન્ને ભાઈઓ જ છે પણ જલસો ત્યારે પડે કે ભલે બન્ને જુદા થયા પણ વડાપાંઉ તો ટેસ્ટમાં બન્નેનાં એકદમ સરખાં જ છે.
સિત્તેર વર્ષથી ચલાવતા આ બંસીના વડાપાંઉની ખાસિયત કહું તમને. ગરમાગરમ વડા અને પાંઉમાં મીઠી ચટણી, તીખી ચટણી અને પાઉડર ચટણી; જે બધામાં હોય જ છે પણ વડાપાંઉ તૈયાર કર્યા પછી તમને પ્લેટમાં થોડી પીળાશ પડતી ગ્રીન ચટણી અલગથી પ્લેટમાં આપે. મિત્રો, એ ચટણી અદ્ભુત છે અને એ વડાપાંઉને ચાર ચાંદ લગાડે છે. આપણે જે રીતે દાબેલી ચટણીમાં ઝબોળીને ખાઈએ એવી જ રીતે અહીં વડાપાંઉ આ ચટણીમાં ઝબોળીને ખાવાનાં. ચટણીમાં આદું હોવાથી એની નૅચરલ તીખાશને લીધે પણ વડાપાંઉનો ટેસ્ટ બદલાઈ જાય છે. અદ્ભુત ટેસ્ટ અને સુપર્બ વડાપાંઉ. કિંમત માત્ર સોળ રૂપિયા.