મુંબઈમાં હવે ડબલ ડેકર બસ નથી દેખાતી, પણ ડબલ ડેકર પીત્ઝા ખાવા હોય તો મળી જાય છે
ડબલ ડેકર પીત્ઝા
ફૂડમાં કંઈક ઇનોવેશનની વાત આવે ત્યારે ઓરિજિનલ વાનગીના પ્રેઝન્ટેશનમાં થોડો ટ્વિસ્ટ હોય કાં પછી ટેસ્ટ સાથે ચેડાં કરવામાં આવ્યાં હોય. આવી ટ્વિસ્ટેડ વાનગી એટલે ડબલ ડેકર પીત્ઝા. મુંબઈમાં હવે ડબલ ડેકર બસ નથી દેખાતી, પણ ડબલ ડેકર પીત્ઝા ખાવા હોય તો મળી જાય છે. આમ તો હવે મુંબઈમાં ઘણી નાની-મોટી જગ્યાઓએ ડબલ ડેકર પીત્ઝા મળે છે અને એનું જોઈને મોટી પીત્ઝા ચેઇન રેસ્ટોરાંઓ પણ કૉપી કરવા માંડી છે, પણ કહેવાય છે કે સૌથી પહેલાં ડબલ ડેકર પીત્ઝા જ્યાંથી ફેમસ થયા એ છે માટુંગાના પીત્ઝા કૅસલથી. અહીંના મેનુમાં મૂકેલા કોઈ પણ પીત્ઝાને તમે એક્સ્ટ્રા ૧૫૦ રૂપિયા આપીને ડબલ ડેકર બનાવી શકો છો. નામ મુજબ એમાં બે પીત્ઝાના રોટલા હોય છે જે એકની ઉપર એક ગોઠવાય છે. એમાં બે ફ્લેવરના પીત્ઝાને મિક્સ કરવામાં આવે છે એટલે એનું કૉમ્બિનેશન કંઈક હટકે લાગે છે. પીત્ઝાનો બેઝ ખૂબ થીન ક્રસ્ટ જેવો હોવાથી બન્ને પડ એકસરખા સમયમાં બેક થઈ શકે છે. યસ, એ ચીઝ બર્સ્ટ જેવા લિક્વિડ ચીઝથી ભરપૂર નથી હોતા, પણ બે પીત્ઝા બેઝની વચ્ચે પણ મોઝરેલા ચીઝ મેલ્ટ થયેલું હોવાથી એના દરેક પીસને કાપતી વખતે એક લાંબી ચીઝની સેર બને છે. અહીંના લગભગ ૭૫ ટકા મેનુને તમે જૈન વર્ઝનમાં પણ મગાવી શકો છો એટલે એ માટે પણ આ જગ્યા મસ્ટ વિઝિટ છે. અને હા, એક મીડિયમ સાઇઝ પીત્ઝા પૂરો કરવા માટે ત્રણેક દોસ્તો જરૂરી છે.
ક્યાં મળશે : પીત્ઝા કૅસલ, માટુંગા
કિંમત : ૪૫૦થી ૬૦૦ રૂપિયા

