લખનઉમાં પાણીપૂરીને બતાશા કહે અને ત્યાં આપણી જેમ તીખું-મીઠું પાણી મિક્સ કરીને ન આપે. એક પૂરી તીખા પાણીની આપે તો બીજી પૂરી મીઠા પાણીની આપે
ફૂડ ડ્રાઇવ
હરદયાળની બાસ્કેટ ચાટ એટલે ત્રણ ચાટનું એકમાં કૉમ્બિનેશન
મારી વેબ-સિરીઝ ‘ગોટીસોડા’ની ત્રીજી સીઝનનું શૂટ પૂરું કર્યા પછી મારે મુંબઈ પાછું નહોતું આવવાનું. મારે તો હજી અમદાવાદમાં રોકાવાનું હતું, કારણ કે મારી નવી ગુજરાતી ફિલ્મની વર્કશૉપ હતી અને વર્કશૉપ પૂરી કરીને મારે અમદાવાદથી સીધું જ લખનઉ જવાનું હતું. એકધારું મહિનાથી મારું ટ્રાવેલિંગ ચાલતું હતું અને એ પછી પણ લખનઉ જવાનો મારો ઉત્સાહ જબરદસ્ત હતો. લખનઉ મારે મારી એક હિન્દી ફિલ્મના શૂટિંગ માટે જવાનું હતું અને તમે માનશો નહીં, પણ લખનઉમાં એનું શૂટિંગ છે એ સાંભળીને મેં એ ફિલ્મ માટે હા પાડી દીધી હતી!
લખનઉ જવાની વાતથી જ હું એક્સાઇટ થઈ ગયો હતો. અગાઉ હું એક વાર લખનઉ ગયો છું અને ત્યાં ઘણું ફર્યો છું, પણ એ વર્ષો પહેલાંની વાત. છેલ્લાં વીસેક વર્ષમાં લખનઉ જવાનું મારે બન્યું નહોતું એટલે હું તો લખનઉના નામે તરત તૈયાર થઈ ગયો. લખનઉથી પોણો કલાકના અંતરે બારાબંકી નામનું ગામ છે, ત્યાં મારું શૂટ હતું. શૂટના આગલા જ દિવસે એ લોકોએ મને બોલાવી લીધો. મારો સ્ટે લખનઉમાં જ હતો એટલે મને તો જલસો પડી ગયો. થયું કે આપણે શાંતિથી લખનઉ ફરીશું હવે.
માયાવતીના શાસનમાં લખનઉમાં બહુ મોટો પાર્ક બન્યો છે, જેમાં મહાકાય હાથીની મૂર્તિઓ સાથે માયાવતીનું પણ જબરદસ્ત સ્ટૅચ્યુ મૂકવામાં આવ્યું છે. હું એ પાર્ક જોવા ગયો. બહુ સરસ પાર્ક બનાવ્યો છે. એ પછી મારે બડા ઇમામવાડા જોવાનું હતું અને નવાબ વાજિદ અલી શાહે ત્યાં આજુબાજુમાં જે બધું બનાવ્યું હતું એ જોવું હતું અને આ બધાની સાથોસાથ હું એક્સાઇટેડ હતો તમારા બધા માટે ફૂડ ડ્રાઇવ શોધવા. લખનઉમાં મારે એવી કોઈ વેજિટેરિયન વાનગી શોધવી હતી જે હું તમારા સુધી લઈ આવી શકું અને હરદયાળને ત્યાં મને એ મળી ગઈ. આ હરદયાળ જે છે એ અહીં ચાટ-કિંગ ગણાય છે.
ADVERTISEMENT
ચાટ-કિંગ હરદયાળ મૌર્યની રૉયલ કૅફેમાં મને મારો ડ્રાઇવર લઈ ગયો. હઝરતગંજ નામનું મેટ્રો સ્ટેશન છે ત્યાં જ આ રૉયલ કૅફે છે. જગ્યા પણ ફેમસ અને ત્યાં મળતી વરાઇટી પણ બહુ ફેમસ. જોકે એ બધી ફેમસ આઇટમમાં સૌથી ટોચ પર જો કોઈ વરાઇટી હોય તો એ છે બાસ્કેટ ચાટ. આ ઉપરાંત આલુ ટિક્કી ચાટ પણ બહુ સરસ મળે, તો પાપડી ચાટ પણ એકદમ ટેસ્ટી. દહીંવડાની પણ ચાટ મળે અને એ પણ એટલી જ સ્વાદિષ્ટ. અરે હા, તમને કહેતાં ભૂલી ગયો. યુપીમાં દહીંવડાને પણ ચાટ જ ગણવામાં આવે છે.
બાસ્કેટ ચાટ મગાવતાં પહેલાં મેં મગાવ્યાં કાંજીવડાં. આપણે ત્યાંનાં કાંજીવડાં કરતાં અહીં મળતાં કાંજીવડાં અલગ હોય છે. વડું તો આપણે ત્યાંના જેવું જ દહીંવડાનું જ વડું હોય, પણ ત્યાં એ આપે પાણીપૂરીના પાણીમાં, પણ બહુ ટેસ્ટી હતું અને એ ખાવું જરૂરી પણ હતું, બાસ્કેટ ચાટ પચાવવા માટે. હવે વાત કરીએ બાસ્કેટ ચાટની.
બાસ્કેટ ચાટમાં જે બાસ્કેટ હોય એ બટાટાની હોય. જાળીવાળી, તળેલી અને કરકરી, સહેજ ચમચી મારો તો તૂટી જાય એવી. ખાસ્સી મોટી એવી એ બાસ્કેટ લઈ, એમાં આલુ ટિક્કી મૂકે. આ જે ટિક્કી હોય છે એને ઘીમાં સાંતળવામાં આવે એટલે એકદમ કરકરી હોય. આલુ ટિક્કી પર ટુકડા કરીને પાપડી નાખે. ત્યાર પછી બાસ્કેટમાં દહીંવડાનું એક વડું નાખે અને પછી એના પર મીઠી-તીખી ચટણી અને બીજા મસાલા નાખે. એ પછી એના પર કોથમીરનું ગાર્નિશિંગ થાય અને એ તમને ખાવા માટે આપે.
ઓહોહોહો, સાહેબ જલસો જલસો.
બાસ્કેટ ચાટ ખાવાની ખરેખર મજા પડી ગઈ. બાસ્કેટ ચાટનો એક મહત્ત્વનો ફાયદો કહું. તમારે ચાટની ત્રણ અલગ-અલગ આઇટમ મગાવવી ન પડે. જો મેં બાસ્કેટ ચાટ ન મગાવી હોત તો મને આલુ ટિક્કી, દહીંવડાં અને પાપડી ચાટ એમ ત્રણેયનો ટેસ્ટ કરવા ન મળ્યો હોત અને કાં તો મારે એ ત્રણેત્રણ વરાઇટી મગાવવી પડી હોત એટલે એ ત્રણેયનું સંગમ એટલે બાસ્કેટ ચાટ. બાસ્કેટ ચાટમાં જે મસાલા નાખવામાં આવે છે એ સારામાં સારી ક્વૉલિટીના નાખવામાં આવે છે. એમાં જે ચટણી પડે છે એ અદ્ભુત છે.
લખનઉમાં પાણીપૂરીને બતાશા કહે. એની અંદર છૂંદેલા બટાટા અને એના પર તીખું-મીઠું પાણી આપે. આપણે ત્યાં તીખું અને મીઠું પાણી સાથે લેવાનો રિવાજ છે, પણ લખનઉમાં તમે પાણીપૂરી ખાઓ એટલે પહેલી પૂરી તમને મીઠા પાણીમાં આપે, તો બીજી પૂરી તમને તીખા પાણીની આપે અને કાં તો તમે જે ઇન્સ્ટ્રક્શન આપો એમ આપે, પણ તીખા-મીઠા પાણીનું મિક્સચર કરવાનું કોઈ ચલણ નથી. અહીં મળતા છોલે પણ અદ્ભુત છે. છોલે તમે મોઢામાં મૂકો કે તરત જ ઓગળી જાય.
હું તો કહીશ કે જો લખનઉ જવાનું બને તો આ રૉયલ કૅફેમાં જવાનું ચૂકતા નહીં. એના શેફનું નામ હરદયાળ મૌર્ય છે, મેં તો તેની સાથે અઢળક વાતો કરી. તેની વાનગીઓથી મારું પેટ અને હરદયાળની વાતોથી મારું મન તૃપ્ત થઈ ગયું.