આજે ફૂડ-લેબલ કેવી રીતે વાંચવાં અને શું ધ્યાન રાખવું એનું મૅન્યુઅલ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
જેના પર ૧૦૦ ટકા નૅચરલ કે ૫૦ ટકા પ્રોટીન લખ્યું હોય એ પૅકેજ્ડ ખાદ્ય પદાર્થો વાસ્તવમાં એવા ગુણધર્મો ધરાવતા હોય છે? કોઈ પણ પૅકેજ્ડ ફૂડ પ્રોડક્ટ તમારા માટે હેલ્ધી છે કે નહીં એ માર્કેટિંગ માટેનાં સ્લોગન્સ પરથી નહીં, લેબલ પર શું લખેલું છે એના પરથી નક્કી કરવું જોઈએ. તો આજે ફૂડ-લેબલ કેવી રીતે વાંચવાં અને શું ધ્યાન રાખવું એનું મૅન્યુઅલ જાણી લો...
અબ મીઠા ખાને સે ડર કૈસા? ક્યોંકિ ઇસ ઑઇલ મેં હૈ ઑમેગા-3... ઇસ ખાને મેં હૈ ભરપૂર આયર્ન જો આપકે બચ્ચે કો બનાએ પઢને મેં તેઝ... ચૉકલેટ મિલ્ક બચ્ચા અબ કભી દૂધ પીને સે ના નહીં કહેગા... વગેરે જેવા ખાદ્ય પદાર્થોનું આકર્ષક ટૅગલાઇન સાથે જોરદાર માર્કેટિંગ કરવામાં આવે છે. આપણે પણ એમ જ વિચારીને આ ખાદ્ય પદાર્થો ખરીદી લઈએ છીએ. ગ્રાહકો કેવી રીતે છેતરાઈ રહ્યા છે એની કદાચ તેમને ખબર પણ નથી. તેથી જ કદાચ આ મહિનાની શરૂઆતમાં જ પોતાની ફૂડ-પ્રોડક્ટનો ખોટો પ્રચાર કરતી કંપનીઓની સામે પડીને એક નવી ક્રાન્તિની શરૂઆત કરનારા કલકત્તાના યુવાન રેવંત હિંમતસિંહકાએ ‘લેબલ પઢેગા ઇન્ડિયા’નું અભિયાન શરૂ કર્યું છે. સોશ્યલ મીડિયા પર ફૂડફાર્મર તરીકે ઓળખાતા રેવંતનો હેતુ માત્ર ગ્રાહકોને લેબલમાં લખેલી સામગ્રી અને તૈયાર કરવામાં આવતી ફૂડ-પ્રોડક્ટમાં વપરાયેલા પ્રિઝર્વેટિવ કે ઍડિટિવ્સથી જાગૃત કરવાનો છે. હવે લોકો આ અભિયાન વિશે જાણીને લેબલ વાંચવાની શરૂઆત તો કરી દે, પરંતુ એમાં વાંચવું શું? અત્યારે કેટલાય લોકો પોતાને જાગરૂક ગ્રાહકની શ્રેણીમાં મૂકે છે પણ શું તેઓ ખરેખર આ લેબલમાં છુપાયેલી ચેતવણી વાંચી શકે છે? આજે વિસ્તારથી જાણીએ કે આ ફૂડ-લેબલની માયાજાળ શું છે અને કેવી રીતે વાંચીને જાગરૂક ગ્રાહક બનવું, આ ફૂડ-લેબલ શા માટે વાંચવાં.
ADVERTISEMENT
સામાન્ય ધારાધોરણો
ન્યુટ્રાસ્યુટિકલ એટલે ન્યુટ્રિશન અને ફાર્માસ્યુટિકલ પરથી બનેલો શબ્દ. ન્યુટ્રાસ્યુટિકલ એટલે કે એવી ફૂડ-પ્રોડક્ટ જે હેલ્થની સાથે મેડિસિનલ ફાયદા પણ આપે. આ વિષય પર માસ્ટર્સ કરનારી અને હાલ એક કંપનીમાં ન્યુ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં ન્યુટ્રાસ્યુટિકલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતી અંજલિ ત્રિપાઠી કહે છે, ‘ઘણીબધી ફૂડ-પ્રોડક્ટ છે જે હકીકતે દવારૂપે કામ કરે છે, પરંતુ એ દવા નથી એટલે ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હેઠળ નથી આવતી. ફૂડ-લેબલ એટલે પણ જરૂરી છે કે દવાના નામ પર પૌષ્ટિક લેબલ લગાવીને સૌથી વધારે વેચાતી પ્રોડક્ટ ફૂડ-પ્રોડક્ટ છે. એના પર જુદા-જુદા તત્ત્વોનું વર્ગીકરણ વ્યક્તિને તેમના સ્વાસ્થ્ય પ્રમાણે એ ખાદ્ય પદાર્થ કેટલા પ્રમાણમાં લઈ શકાય એ વગર ડૉક્ટરે જાણકારી મળે એ માટે હોય છે. જેવી રીતે દવાનું પ્રમાણ નક્કી કરવા માટે જુદી સંસ્થા હોય છે એવી જ રીતે આહારનું પ્રમાણ નક્કી કરતી પણ સંસ્થા હોય છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) અને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)મળીને રેકમન્ડેડ ડાયટરી અલાવન્સ (RDA) અને ડેઇલી અલાવન્સ (DA)ની વૅલ્યુ નક્કી કરે એટલે કે પ્રોસેસ્ડ ફૂડમાં પ્રોટીન, ફૅટ અને એનર્જીનું કેટલું પ્રમાણ હોવું જોઈએ એનાં ધોરણો બનાવે. હવે RDA કે DAના ધોરણ પ્રમાણે નક્કી કરાયેલી માત્રામાં એનર્જી માટે ૨૦૦૦ કૅલરી, ફૅટ ૬૭ ગ્રામ, સૅચ્યુરેટેડ ફૅટ ૨૨ ગ્રામ, ટ્રાન્સફૅટ ૨ ગ્રામ, ઍડેડ શુગર ૫૦ ગ્રામ, સોડિયમ ૨૦૦૦ મિલીગ્રામ અને પ્રોટીન ૫૪ ગ્રામ હોય છે. આ માત્રા એ પુરુષો માટે છે જેઓ મૉડરેટ કામ કરે છે. મહિલાઓ, ગર્ભવતી મહિલાઓ, બાળકો, શિશુ, સ્તનપાન કરાવતી માતાઓ દરેક માટે નક્કી કરાયેલી વૅલ્યુ જુદી હોય છે.’
લેબલ વાંચતી વખતે
ફૂડ-પ્રોડક્ટના રિસર્ચને ચકાસીને એના લેબલ-મેકિંગ પર ઝીણવટભર્યું કામ કરતી અંજલિ કહે છે, ‘તમારા જ ઘરમાંથી કોઈ પણ પ્રોડક્ટ ઉઠાવીને એને પાછળની બાજુ વાંચો. થૅન્ક ગૉડ કે હવે ભારતીય લોકો એક્સપાયરી ડેટ વાંચતા થઈ ગયા છે. એની સાથે જ તેમને એ પણ જાગૃતિ આવી છે કે વેજિટેરિયન માટે લીલો અને નૉન-વેજિટેરિયન માટે લાલ માર્ક ચેક કરવાનો. ફૂડ-પ્રોડક્ટની ગુણવત્તા માટે આનાથી જરાક વધારે આગળ જઈને જાણો. ફૂડ-પ્રોડક્ટમાં સામગ્રી શું વપરાય છે એ જરા પલટાવીને જુઓ. સામાન્ય વ્યક્તિ માટે હું આ કહી રહી છું કે સામગ્રીનાં તત્ત્વોનું પ્રમાણ ઊતરતા ક્રમમાં લખેલું હોય છે. એટલે પહેલાં જે ત્રણ તત્ત્વો છે એ પ્રોડક્ટમાં સૌથી વધારે માત્રામાં હોય છે. દરેક પ્રોડક્ટના બૉક્સના લેબલનું ડિસેક્શન કરી શકાય એમ છે કે લેબલ પર કેવી માહિતી લખેલી હોય છે, પરંતુ આપણે કોઈ પ્રોડક્ટને નામથી નહીં સમજીએ. ઉદાહરણ આપીને સમજાવું તો ઑરેન્જ જૂસ. હવે એના પર દાવો થતો હોય છે કે એ ૧૦૦ ટકા ઑર્ગેનિક અને કુદરતી રીતે બનેલો છે. જો આ દાવો સાચો હોય તો પ્રોડક્ટના લેબલ પર સૌથી પહેલી સામગ્રીના નામમાં ઑરેન્જ લખ્યું હોવું જોઈએ, પરંતુ એવું નથી હોતું. જે પહેલું નામ હોય એ સૌથી વધારે વાપરવામાં આવ્યું છે અને જે સામગ્રી એકદમ છેલ્લે હશે એનો બહુ જ ઓછા અંશે વપરાશ થયો છે. એટલે કોઈ પ્રોડક્ટના લેબલ પર મોટા અક્ષરે લખ્યું હોય કે સો ટકા હોલવીટ કે બાજરી, જુવાર તો એનું લેબલ આ માર્કેટિંગ સ્ટ્રૅટેજીની પોલ ખોલી દેતું હોય છે. તેથી જ મોટી દલીલો અને ડિબેટ પછી સો ટકા નહીં લખવાનો નિયમ આવ્યો છે.’
ફૂડ-લેબલના હજાર નંબર અને કોડ
પોતાના ઘરમાંથી એનર્જી ડ્રિન્કના પાઉડરના ડબ્બાને હાથમાં લઈને સમજાવતાં અંજલિ કહે છે, ‘ફૂડ-લેબલમાં લગભગ અંદાજે ૯૫૫ જેટલા અક્ષર સાથે આંકડાકીય કોડ છે. એમાં આલ્ફાબેટ અને નંબરનું કૉમ્બિનેશન લેબલને સ્પષ્ટ બનાવવામાં મદદ કરે છે. જેમ કે યુરોપમાં E અને ભારતમાં ઇન્ટરનૅશનલ નંબરિંગ સિસ્ટમ ફૉર ફૂડ ઍડિટિવ્સ (INS) વપરાય છે. નંબર અને અક્ષર દર્શાવે છે કયા પ્રકારનો ઍડિટિવ (જે ફૂડનો સ્વાદ, દેખાવ, ટેક્સ્ચર અને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે મદદ કરે એ પદાર્થ) ઉપયોગમાં લેવાયો છે, જેમાં બ્યુટાયલેટેડ હાઇડ્રોક્સિનાઇસોલ (BHA), બ્યુટાયલેટેડ હાઇડ્રોક્સિટોલ્યુઇન (BHT) કોડનું ખાસ ધ્યાન રાખવું જે ફૂડ-પ્રોડક્ટના કલર માટે, ઍસિડિટી રેગ્યુલેટર તરીકે, સ્ટેબિલાઇઝર તરીકે વપરાય છે. જેટલું વધારે INS એટલાં વધારે પ્રિઝર્વેટિવ્સ અને ઍડિટિવ્સ હોય છે. એ કેટલા પ્રમાણમાં વપરાય છે અને કેટલું વ્યક્તિના શરીર માટે નુકસાનકારક છે એનો કોઈ સાચો જવાબ નથી એટલે આ પદાર્થો એક બાંધેલા ધોરણે વપરાય જ છે. દાખલા તરીકે તમે બટાટાની વેફરનું પૅકેટ લો છો. એમાં અમુક પ્રમાણમાં આ પદાર્થો હોય છે જેને કારણે એ વેફર ૩ મહિના સુધી પણ જે દિવસે બનાવવામાં આવી હોય એવી ને એવી જ દેખાતી હોય છે. હેલ્થ માટે જાગૃત લોકો પ્રિઝર્વેટિવયુક્ત કે પૅકેજ્ડ ફૂડને અવગણતા હોય છે.’
ફૂડ-લેબલ પર સાવચેત કરતી અંજલિ કહે છે, ‘તમારે જે લેબલ-નંબરનું ધ્યાન રાખવાનું છે એ છે MSG (મોનો સોડિયમ ગ્લુટામેટ). INS 621, BHA INS 320, BHT INS 321 (આ પદાર્થ તળેલી, બેક કરેલી વાનગીઓને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે વપરાય), Aspartame INS 950 આર્ટિફિશ્યલ સ્વીટનર (જે કોલ્ડ ડ્રિન્ક્સ, ડાયટ ડ્રિન્કસ, આઇસક્રીમમાં વપરાય). અમુક દેશોમાં આ પ્રિઝર્વેટિવ્સના ઉપયોગ પર પ્રતિબંધ છે. MSG માટે તો આપણા દેશમાં પણ હોહા થઈ હતી. એનું કારણ એ છે કે આ પદાર્થો પર ઘણા અભ્યાસો થયા છે જે એવો દાવો કરે છે કે MSG માથાના દુખાવો અને સ્થૂળતા વધાર છે, Aspartame બ્લડ-શુગરના પ્રમાણને અસર કરે છે અને BHA, BHT માનવો માટે કૅન્સરજન્ય મનાય છે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને અમુક પ્રકારની કન્ડિશન ધરાવતી વ્યક્તિએ શુગર, સોડિયમ અને ઍલર્જીની ચેતવણી જરૂરથી વાંચવી. તેમ છતાં તમે એમ પૂછો કે આ પ્રિઝર્વેટિવનો ઉપયોગ શા માટે આપણે કરી રહ્યા છીએ તો એનો જવાબ છે કે માનવો પર એટલા બધા અભ્યાસ નથી થયા કે એનાથી સો ટકા સાબિત થાય કે આ પદાર્થો જીવલેણ છે. તેથી એની નહીં જેવી માત્રા ફૂડ-પ્રોડક્ટમાં હોય છે.’
ચાર વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો
પ્રોડક્ટ પર સૌથી પહેલાં ઍલર્જન એટલે ઍલર્જીને લગતી સામગ્રી વાંચો જેમાં મોટા ભાગે દૂધ, સોયાબીન કે ડેરી પ્રોડક્ટ્સને લગતા પદાર્થો હોય છે. બીજું કે ન્યુટ્રિશન-વૅલ્યુમાં જઈને વાંચો. કોઈ પણ વ્યક્તિ એનર્જી માટે ફૂડ-પ્રોડક્ટ ખાતી કે પીતી નથી હોતી. એમાં તમારે ખાસ શુગર-લેવલ ચકાસવું. ટોટલ શુગર એટલે કે વસ્તુ જ્યારે કુદરતી રીતે બનતી હતી ત્યારે એમાં શુગરનું પ્રમાણ કેટલું હતું. એ ૧૫ ગ્રામ હોય તો એ બરાબર છે, પણ ઍડેડ શુગર એટલે કે ઉપરથી ઉમેરવામાં આવી છે અને એનું પ્રમાણ વધારે હોય તો ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશરના પેશન્ટે આ પ્રોડક્ટ લેવી નહીં. ત્રીજું એ કે સોડિયમ જે હાઈ બ્લડ-પ્રેશર કરે છે એનું પ્રમાણ ૨૩૦૦ મિલીગ્રામ દિવસનું હોવું જોઈએ. જો પ્રોડક્ટમાં દિવસના જરૂરી પ્રમાણમાં પૂરેપૂરું સોડિયમ વપરાયું હોય તો તમારે ખાવામાં ધ્યાન રાખવું પડે. અંતે ફૅટ્સ ચેક કરી લો. લોકો ફૅટથી દૂર ભાગતા હોય છે, પરંતુ ફૅટ તમારા શરીર માટે જરૂરી છે. જો ફૂડ-લેબલમાં કૉલેસ્ટરોલ લખેલું હોય તો એ પ્રોડક્ટ મૂકી ન દેવી પરંતુ એમાં સૅચ્યુરેટેડ અને અનસૅચ્યુરેટેડ ફૅટની માત્રા વાંચવી. અનસૅચ્યુરેટેડ ફૅટ શરીર માટે હેલ્ધી છે અને એ સૅચ્યુરેટેડ ફૅટની સરખામણીએ વધુ હોય તો બરાબર છે.

