પ્રખ્યાત વૈશ્વિક ફૂડ ગાઇડ ટેસ્ટ ઍટલસે દુનિયાના ટોચના મસાલાઓમાં ભારતના ગરમ મસાલાને બીજો ક્રમાંક આપ્યો છે. આ ગરમ મસાલા સ્વાસ્થ્ય માટે સારા છે, પણ બેધારી તલવાર જેવા બની શકે છે.
વિવિધ ગરમ મસાલાઓની તસવીર
પ્રખ્યાત વૈશ્વિક ફૂડ ગાઇડ ટેસ્ટ ઍટલસે દુનિયાના ટોચના મસાલાઓમાં ભારતના ગરમ મસાલાને બીજો ક્રમાંક આપ્યો છે. આ ગરમ મસાલા સ્વાસ્થ્ય માટે સારા છે, પણ બેધારી તલવાર જેવા બની શકે છે. એનું પ્રમાણસર સેવન ન થાય તો ઊલમાંથી ચૂલમાં પડી જવાય. ચાલો, આજે જાણીએ ગરમ મસાલા ખાવાના ફાયદા અને એને ખાવાની સાચી રીત
ભારતીય રસોઈ વિવિધ મસાલાઓ અને એની ફ્લેવરને કારણે મશહૂર છે. એક દેશ હોવા છતાં દરેક રાજ્યની પોતાની આગવી ખાસિયતો છે. એટલે જ તો દરેક રીજનનો એનો પોતાનો મસાલો હોય છે. ગરમ મસાલો એટલે કે વિવિધ તેજાનાઓનું તૈયાર કરેલું મિશ્રણ. જોકે ગુજરાતી, પંજાબી, મહારાષ્ટ્રીયન, સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં પડતા ગરમ મસાલાઓમાં તેજાનાઓના જુદા-જુદા પ્રમાણમાપને કારણે દરેકની ફ્લેવર જુદી હોય. કહેવાય છે કે ભારતના મરીમસાલા અને તેજાનાની સમૃદ્ધિ જોઈને જ પોર્ટુગીઝો ભારત તરફ આકર્ષાયેલા. આપણા ગરમ મસાલા તો દુનિયામાં પણ વખણાય છે. એટલે જ ભારતને લૅન્ડ ઑફ સ્પાઇસના નામેથી ઓળખવામાં આવે છે. હાલમાં જ પ્રખ્યાત ઇન્ટરનૅશનલ ફૂડ ગાઇડ ટેસ્ટઍટલસે ટોચના દસ મસાલાઓમાં ભારતીય ગરમ મસાલાને બીજું સ્થાન આપ્યું છે. ગરમ મસાલાને ફાઇવ સ્ટારમાંથી ૪.૬નું રેટિંગ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
હજારો વર્ષોથી વપરાતા મરીમસાલા અને તેજાનાથી બનેલા ગરમ મસાલામાં અનેક ઔષધીય ગુણો હોય છે અને એટલે જ મસાલાઓ પારંપરિક ભારતીય ચિકિત્સાપદ્ધતિ આયુર્વેદનો અભિન્ન અંગ રહ્યા છે. જોકે આજકાલ વધુપડતા ગરમ મસાલાને કારણે ઍસિડિટી, અલ્સર જેવી તકલીફો પણ થાય છે. જીભે સ્વાદનો જલસો કરાવી દેતા ગરમ મસાલા બેધારી તલવાર જેવા છે. આમેય કોઈ પણ ચીજ માટે કહેવાય છે કે જે અસર કરે છે એ આડઅસર પણ કરે જ. મતલબ કે જો માત્રાભાન ન રાખવામાં આવે તો આ જ ગરમ મસાલા ઍસિડિટી, અલ્સર અને પેટની પારાવાર તકલીફો પેદા કરી શકે છે.
સામાન્ય રીતે ગરમ મસાલો બનાવવા માટે ધાણા, જીરું, તજ, કાળાં મરી, લવિંગ, જાયફળ, વરિયાળી, તેજ પત્તાં, બાદિયાન, એલચી વગેરેનો ઉપયોગ વિશેષ થાય છે. આ બધા મસાલાઓને મિક્સ કરીને સૌથી પહેલાં એને ડ્રાય રોસ્ટ કરવામાં આવે છે જેથી એના સ્વાદ અને સુગંધમાં વધારો થાય અને એ પછી એને ખાંડીને અથવા પીસીને પાઉડર બનાવવામાં આવે છે. ગરમ મસાલાનો પ્રમાણસર ઉપયોગ કરવામાં આવે તો કેટલા અને કેવા ફાયદા થાય છે એ વિશે ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી પાસેથી જાણીએ.
પાચનશક્તિ વધારે
ગરમ મસાલો પાચનને સુધારવામાં મદદ કરે છે. ગરમ મસાલામાં રહેલા જીરું અને એલચી જેવાં ઇન્ગ્રીડિયન્ટ્સ પેટમાં ડાઇજેસ્ટિવ જૂસિસના પ્રોડક્શનને બૂસ્ટ કરવાનું કામ કરે છે, જે ડાઇજેશનને ઇમ્પ્રૂવ કરે છે. એ સિવાય લવિંગ અપચો અને ઍસિડિટીની સમસ્યામાંથી રાહત આપવાનું કામ કરે છે, જ્યારે કાળાં મરી કબજિયાતની સમસ્યામાં મદદરૂપ બને છે. તમે ધાણા, જીરું અને વરિયાળીના પાઉડરને પાણીમાં મિક્સ કરીને પીઓ તો પણ તમારું પાચન સારું થાય છે.
મેટાબોલિઝમ સુધારે
ગરમ મસાલાથી મેટાબોલિઝમ પણ સુધરે છે. એમાં વપરાતા વિવિધ મસાલામાં રોગપ્રતિકારક શક્તિ વધારનારાં ન્યુટ્રિઅન્ટ્સ હોય છે જે આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે. એનો મતલબ એ કે આપણા શરીરની આહારને એનર્જીમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા સક્રિય થઈ જાય છે. એને કારણે ખાધેલા ખોરાકમાંથી રોજબરોજના જીવન માટે શરીર ઊર્જા મેળવે છે એ સમગ્ર પ્રક્રિયાને મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. મેટાબોલિઝમ આપણા એનર્જી લેવલ, ચરબી બળવાની પ્રક્રિયા અને વજન વધવા કે ઘટવા માટે જવાબદાર હોય છે. શરીરમાં મેટાબોલિઝમ ધીમું હોય તો શરીરની આહાર પચાવવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે; પરિણામે લાંબા ગાળે સ્થૂળતા, ડાયાબિટીઝ જેવા હેલ્થ-ઇશ્યુઝ થાય છે. ગરમ મસાલાઓનો યોગ્ય માત્રામાં ઉપયોગ આ સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.
ઇમ્યુનિટી મજબૂત કરે
ગરમ મસાલામાં ખાસ કરીને તજ, લવિંગમાં સારીએવી પાવરફુલ ઍન્ટિ-ઑક્સિડન્ટ પ્રૉપર્ટીઝ હોય છે. આ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ એટલે શું? શરીરમાં નકામા ફરતા ફ્રી કોષો એમ જ પડી રહે તો એનું ઑક્સિડેશન થઈને કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જેમ લોખંડ ન વપરાય તો કાટ લાગે છે એમ જ. આ કાટ લાગેલા કોષો શરીરની દરેક પ્રક્રિયાને બગાડી શકવા સક્ષમ હોય છે, પણ ગરમ મસાલામાં રહેલાં આ કેમિકલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે. આમાં રહેલી ઍન્ટિ-ઑક્સિડન્ટ પ્રૉપર્ટીઝ અને જરૂરી મિનરલ્સ ઇમ્યુનિટી હેલ્થને સુધારવાનું અને શરદી-ઉધરસ જેવાં ઇન્ફેક્શન સામે લડવાનું કામ કરે છે. ગરમ મસાલા લોહી અને ઑક્સિજનના પ્રવાહને સુધારે છે, જે શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સનું લોહીમાં શોષણ સારી રીતે થાય એમાં મદદરૂપ બને છે.
શુગર-કૉલેસ્ટરોલમાં મદદરૂપ
ગરમ મસાલા શરીરમાં બૅડ કૉલેસ્ટરોલનું લેવલ ઘટાડીને ગુડ કૉલેસ્ટરોલના લેવલને મેઇન્ટેન કરવાનું કામ પણ કરે છે. ધાણામાં એવી પ્રૉપર્ટીઝ હોય છે જે કૉલેસ્ટરોલ લેવલને ઘટાડવામાં મદદ કરે. ગરમ મસાલા બ્લડપ્રેશરને રેગ્યુલેટ કરવાનું પણ કામ કરે છે. એમાં રહેલા એલચી, ધાણા બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. એવી જ રીતે કાળાં મરી, તજ, લવિંગ બ્લડ-શુગર લેવલને ઘટાડવામાં મદદરૂપ બને છે. ગરમ મસાલા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં પણ મદદરૂપ બને છે. ગરમ મસાલા દાંતમાં સડો અને મોંની દુર્ગંધની સમસ્યામાંથી છુટકારો આપવાનું કામ કરે છે. એમાં રહેલાં લવિંગ, જાયફળ, એલચી બૅક્ટેરિયા સામે લડીને દાંત સંબંધિત સમસ્યામાં મદદરૂપ બને છે.
પ્રમાણસર ખાવા જરૂરી
ગરમ મસાલો ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ થાય છે, પણ એનું વધુપડતું સેવન કરવાથી બચવું જોઈએ. વધારે પડતા ગરમ મસાલાના સેવનથી ગૅસ, ઍસિડિટી, જુલાબ તેમ જ પાઇલ્સ જેવી સમસ્યા થઈ શકે છે. એ સિવાય વધારે પડતું તીખુ ઓરલ હેલ્થ માટે પણ સારું નથી; એનાથી મોઢામાં ચાંદાં પડી શકે, પેઢાં સૂજી જવા જેવી સમસ્યા થઈ શકે છે.