પર્યુષણમાં તપ અને તન બન્નેનું ધ્યાન રાખે એવું શું બનાવી શકાય?
વાનગીઓ
જૈનોનું મહાપર્વ શરૂ થઈ ગયું છે ત્યારે મોટા ભાગના લોકો એકાસણાં કે બિયાસણાં કરતા હશે. એવા સમયે એવી હેલ્ધી ચીજ ભોજનમાં સમાવવી જરૂરી છે જે શરીરને પૂરતું પોષણ આપે. આવો ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી જાણીએ કેટલીક હેલ્ધી રેસિપી
ADVERTISEMENT
છ ધાન મૂઠિયાં
સામગ્રી
૩૦ ગ્રામ ઘઉંનો લોટ
૧૫ ગ્રામ મગની મોગર દાળનો લોટ
૧૫ ગ્રામ ચણા દાળનો લોટ
૩૦ ગ્રામ ચોખાનો લોટ
૧૫ ગ્રામ મગની ફોતરાવાળી દાળનો લોટ
૩૦ ગ્રામ બાજરીનો લોટ
સૂકવેલી લીલાં મરચાંની પેસ્ટ (સ્વાદાનુસાર)
વઘાર માટે ઑઇલ
બે ચમચી દહીં
લોટ બાંધવા માટે પાણી
બનાવવાની રીત
તમામ દાળને દળીને એનો કરકરો લોટ બનાવો અથવા તો દરેક દાળના કરકરા અલગ લોટને ભેગા કરો.
સહેજ દહીં ગરમ કરીને એમાં પાણી, નમક અને લીલાં મરચાંની સૂકી પેસ્ટ વગેરે મિક્સ કરીને લોટ બાંધી લો. લોટ બહુ ઢીલો ન હોવો જોઈએ.
ત્રણથી ચાર ભાગમાં લોટના રોલ બનાવો અને થોડીક વાર રહેવા દો.
મોટા વાસણમાં મૂકીને વીસ મિનિટ માટે વરાળથી બાફી લો.
વચ્ચે ચપ્પુ નાખીને ચેક કરી લો કે મૂઠિયાંના રોલ ચડી ગયા છે કે નહીં. ચડી જાય એટલે બહાર કાઢીને ઠારી લો.
નાનાં ગોળ ચકતાં કાપીને એને વઘારો. એ માટે પેણીમાં તેલ ગરમ કરીને રાઈ તતડાવીને મૂઠિયાંને ગરમ કરી લો.
ગરમાગરમ જ સર્વ કરો.
હેલ્થ ક્વૉશન્ટ: ૪૭૫ કૅલરી, પ્રોટીન ૧૮ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ ૯૫.૬ ગ્રામ, ફૅટ ૧૦.૮ ગ્રામ
બકવીટ ઢોસા
સામગ્રી
૩૦ ગ્રામ બકવીટ
૧૫ ગ્રામ અડદની દાળ
બે ચમચી તેલ
સીઝનિંગ માટે જરૂરી ચીજો
સ્વાદાનુસાર મીઠું
બનાવવાની રીત
બકવીટ અને અડદની દાળને બેથી ત્રણ કલાક માટે પલાળી લો. એ પછી ગ્રાઇન્ડ કરીને એની પેસ્ટ બનાવી લો. ફરીથી એને થોડીક વાર એમ જ રાખી મૂકો.
વઘારિયામાં સહેજ તેલ ગરમ કરીને એમાં સીઝનિંગ નાખો અને મિશ્રણમાં વઘાર કરીને બરાબર મેળવી લો.
નૉન-સ્ટિક પૅન પર ઢોસા બનાવી લો. બન્ને તરફ સહેજ તેલ મૂકીને લાલ થાય ત્યાં સુધી પકવો અને ગરમાગરમ સર્વ કરો.
હેલ્થ ક્વૉશન્ટઃ ૧૧૫ કૅલરી, પ્રોટીન ૧.૫ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ ૨૭ ગ્રામ, ફૅટ ૫ ગ્રામ
પંચમેળ દાલ તડકા
સામગ્રી
૧૫ ગ્રામ દાળ
૧૫ ગ્રામ ચણા દાળ
૧૫ ગ્રામ લીલી મગ દાળ
૧૫ ગ્રામ અડદની દાળ
૧૫ ગ્રામ આખા મગ
મીઠું સ્વાદાનુસાર
ડ્રાય મસાલા જરૂરિયાત મુજબ
વઘાર માટે તેલ
ચપટીક આમચૂર પાઉડર
ચપટીક ગરમ મસાલો
બનાવવાની પદ્ધતિ
બધી જ દાળને મિક્સ કરીને ચાર કપ પાણી ઉમેરીને પ્રમાણસર મીઠું નાખીને પ્રેશર કુકરમાં બાફી લો. કુકર સીઝે એ પછીથી દાળને બરાબર હલાવીને મિક્સ કરી લો.
એક પેણીમાં વઘાર પૂરતું તેલ મૂકો અને એમાં જીરું તતડે એટલે હળદર મરચું અને ગરમ મસાલો નાખીને હલાવો અને પછી તરત એમાં દાળ નાખીને ઉકાળો. આમચૂર પાઉડર નાખ્યા પછી થોડુંક ઉકાળો અને સાથે હલાવતા રહો.
ભાત કે રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો.
હેલ્થ ક્વૉશન્ટઃ ૨૫૦ કૅલરી, પ્રોટીન ૨૧ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ ૩૭ ગ્રામ, ફૅટ ૫ ગ્રામ
ચણાદાળની દાળઢોકળી
ઢોકળી માટે સામગ્રી
૩૦ ગ્રામ ઘઉંનો લોટ
૩૦ ગ્રામ બેસન
૧૫ ગ્રામ ચણાની દાળ
બે ચમચી લાલ મરચું
બે ચમચી હળદર
નમક સ્વાદાનુસાર
લોટ બાંધવા જેટલું પાણી
દાળ માટે સામગ્રી
૧ કપ તુવેરની દાળ
૧ મોટી ચમચી ગોળ
બે મોટી ચમચી તેલ
વઘાર માટે રાઈ, જીરું, મેથી
રોજિંદા તમારી પસંદના તેજાના
નમક જરૂરિયાત મુજબ
બનાવવાની રીત
સૌથી પહેલાં ઢોકળી બનાવીએ. તમામ સામગ્રી મિક્સ કરીને એનો લોટ બાંધી લેવો. કણક કેળવીને થોડીક વાર રાખી મૂકો અને પછી રોટલીની જેમ વણી લો અને તવા પર બન્ને સાઇડ અધકચરી પકવી લો. ડાયમન્ડ શેપમાં કાપીને એને બાજુએ રાખો.
દાળ બનાવવા માટે દાળને ધોઈને સાફ કરો. બે કપ પાણી મૂકીને દાળ પ્રેશર કૂકરમાં બાફી લો. રંધાઈ ગયેલી દાળમાં બ્લેન્ડર ફેરવીને એકરસ કરી લો. જીરું-રાઈ મૂકીને દાળનો વઘાર કરી લો. જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જસ્ટ થોડી વાર પહેલાં જ કાપેલી ઢોકળીને દાળમાં નાખીને ગરમાગરમ સર્વ કરો.
હેલ્થ ક્વૉશન્ટઃ ૩૫૦ કૅલરી, પ્રોટીન ૧૧ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ ૫૦ ગ્રામ, ફૅટ ૧૩ ગ્રામ
કેસરી પનીર ટિક્કા
સામગ્રી
૧૦૦ ગ્રામ પનીર
અડધો કપ દહીં
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી ગરમ મસાલો
નમક સ્વાદાનુસાર
સ્ટર ફ્રાય કરવા માટે તેલ
બે-ત્રણ પાંદડી કેસર
બનાવવાની રીત
એક બાેલમાં દહીં, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને કેસર નાખીને બરાબર મિક્સ કરો. એમાં પનીરના મધ્યમ કદના ટુકડા બનાવીને નાખો અને બરાબર મેળવીને થોડીક વાર રાખી મૂકો. બીજી તરફ પેણી ગરમ કરીને પનીરના ટુકડાને ચારેય તરફથી શૅલો ફ્રાય કરી લો અને હૉટ સ્ટિક પર સર્વ કરો.
હેલ્થ ક્વૉશન્ટઃ ૧૭૯ કૅલરી, પ્રોટીન ૭ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ ૧૫ ગ્રામ, ફૅટ ૧૩ ગ્રામ
પનીર મખની વિથ જીરા-મસાલા પરાંઠા
સામગ્રી
૪૦ ગ્રામ પનીર
૧ કપ દહીં
પા કપ કાજુ
બે મોટી ચમચી ફ્રેશ ક્રીમ
બે ચમચી બેસન
એક ચમચી ગરમ મસાલો
એક ચમચી તેલ
હળદર, મરચું, ધાણાજીરું જરૂરિયાત મુજબ
પરાઠા માટે સામગ્રી
૩ કપ ઘઉંનો લોટ
બે મોટી ચમચી તલ
૧ મોટી ચમચી જીરું
નમક સ્વાદાનુસાર
બનાવવાની રીત
એક પેનમાં ચમચી તેલ લઈને ગરમ કરવા મૂકો. જીરું, લાલ મરચાંનો વઘાર કરો. કાજુને ગ્રાઇન્ડ કરીને બનાવેલી પેસ્ટ એમાં ઉમેરો. દહીંમાં બેસન નાખીને ગાંઠા ન પડે એ રીતે બરાબર મેળવો અને મિશ્રણમાં નાખો. બરાબર રંધાઈ જાય એ પછી સહેજ લાલ મરચાંનો પાઉડર, ગરમ મસાલો અને નમક ઉમેરો. છેલ્લે પનીરના ટુકડા અને ક્રીમ ઉમેરીને બરાબર મિક્સ થઈ જાય એટલે ગૅસ પરથી ઉતારી લો.
આ પણ વાંચો : પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં જૈન ફૂડનો પરિચય તો લેવો જ રહ્યો
પરાંઠાં બનાવવા માટે લોટમાં તલ નાખીને લોટ બાંધો. લૂઆ કરીને મધ્યમ કદનાં પરાંઠાં વણી તવા પર સહેજ તેલ મૂકીને શેકી લો. ગરમાગરમ પનીર મખની સાથે સર્વ કરો.
હેલ્થ ક્વૉશન્ટઃ ૨૩૪ કૅલરી, પ્રોટીન ૭ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ ૨૭ ગ્રામ, ફૅટ ૫ ગ્રામ