આ ડ્રિન્ક પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે એવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં ડર્ટી સોડાના નામે પૉપ્યુલર થયેલા વિયર્ડ પીણામાં હવે ડાયટ કોક અને પ્રોટીન શેકને મેળવવામાં આવે છે. પ્રોટીન શેક તો હેલ્ધી છે એમ સમજીને લોકો હવે એને કાર્બોનેટેડ ડ્રિન્ક સાથે મેળવે છે. આ ગતકડું શરીર પર રિવર્સ ઇફેક્ટ પણ આપી શકે છે. વાઇરલ પ્રોટીન ડ્રિન્ક કેટલું હેલ્ધી છે એ જાણીએ
થોડા સમય પહેલાં ઇન્ટરનેટ પર કોઈએ વિચાર્યું પણ નહીં હોય એવાં ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીને બનાવવામાં આવેલું ડાયટ કોક વાઇરલ થઈ રહ્યું છે. ડાયટ કોક, આલપીનો જૂસ અને અથાણાંનો રસ મિક્સ કરીને બનાવવામાં આવેલું આ ડ્રિન્ક ટેસ્ટમાં સૌથી ખરાબ હોવા છતાં લોકો એને ટ્રાય કરવા માગે છે. નસીબજોગે આ વિચિત્ર રેસિપી હજી સુધી ભારતમાં નથી આવી પણ એને લોકો પર્સનલાઇઝ કરી રહ્યા છે. અમેરિકાનાં એક શિક્ષક રોબેકા ગૉર્ડને આ વાઇરલ ડ્રિન્કને નવું રૂપ આપ્યું છે. ડાયટ કોક અને વૅનિલા ફ્લેવરના પ્રોટીન શેકને બ્લેન્ડ કરીને નવું ડ્રિન્ક બનાવ્યું છે. ભારતમાં આ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. પ્રોટીન શેક અને ડાયટ કોકના આ કૉમ્બિનેશનને પ્રોટીન ડાયટ કોક નામ આપવામાં આવ્યું છે. આ ડ્રિન્કને સોશ્યલ મીડિયા પર ‘ડર્ટી સોડા’ કહેવાઈ રહ્યું છે. આ સોડામાં સિરપ અને ક્રીમ ટેસ્ટ ઉમેરે છે. આ ડર્ટી સોડા એ કંઈ નવી વાત નથી. છેલ્લાં થોડાંક વર્ષોથી અવારનવાર સોડાની અંદર કંઈક નવું જ ઉમેરવાનો ટ્વિસ્ટ ટ્રેન્ડ તરીકે આવે છે અને થોડોક સમય એની ઘેલછા લોકોમાં રહે છે. બાકી, હેલ્થ માટે એ ભારે નુકસાનકારક હોવાથી એ કદી લૉન્ગ લાસ્ટિંગ રહ્યો નથી. આ ડ્રિન્ક પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે એવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
ડાયટ કોક અને પ્રોટીન પાઉડરના સંયોજનમાં આર્ટિફિશ્યલ સ્વીટનર્સ જેમ કે એસ્પાર્ટમ ઉપલબ્ધ હોય છે જેને લીધે પેટ ફૂલવાની સમસ્યા, માથાનો દુખાવો અને અપચો થઈ શકે છે. મહત્ત્વની વાત તો એ છે કે આ પ્રોટીન શેકમાં ડાયટ કોક મિક્સ કરીને પીવાથી શરીરને કોઈ ન્યુટ્રિશન મળતાં નથી. આ ડ્રિન્ક બનાવતી વખતે જોવામાં ઇન્ટરેસ્ટિંગ લાગે છે. આ જોઈને લોકોને ટ્રાય કરવાની આતુરતા હોઈ શકે છે, પણ એ શરીરને કોઈ પોષણ આપતું નથી. મોટા ભાગના હેલ્થ એક્સપર્ટ આ ડ્રિન્ક ન પીવાની સલાહ આપી રહ્યા છે. પ્રોટીન પાઉડરને પાણી અથવા દૂધમાં નાખીને પીવામાં આવે તો જ ફાયદો છે. કોક જેવા કાર્બોનેટેડ બેવરેજ સાથેનું એનું કૉમ્બિનેશન શરીરમાં સમસ્યાઓ વધારી શકે છે. મોટા ભાગે પ્રોટીન શેક મિલ્ક સાથે લેવાતી ચીજ છે. મિલ્ક પ્રોટીનની સાથે કાર્બોનેટેડ ડ્રિન્ક શરીરમાં વિરુદ્ધ આહાર જેવી અસર ઊભી
કરે છે.
નૉન-આલ્કોહોલિક ડ્રિન્કને સ્પાઇસી બનાવવાનો નુસખો પણ આજકાલ ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં છે. કેટલાક લોકો એમાં આલાપીનો જૂસ કે પછી ચિલી પીકલ્સનો અર્ક નાખીને સ્વીટ પીણાંને સ્પાઇસી બનાવે છે. ડર્ટી સોડા ડ્રિન્કના હવે ઘણા વર્ઝન બની રહ્યા છે, પણ સોડા એટલે કે કાર્બોનેટેડ ડ્રિન્કમાં ઉમેરવામાં આવતી કોઈ પણ ચીજ શરીર માટે હજી સુધી હેલ્ધી હોવાનું જણાયું નથી.
આજના યુવાનોમાં ડાયટ કોકનો ક્રેઝ વધ્યો છે. શુગર-ફ્રી હોવાની સાથે લો કૅલરી હોય છે એ વાત તો સાચી પણ એમાં રહેલાં આર્ટિફિશ્યલ ઇન્ગ્રીડિયટ્ન્સ શરીરને નુકસાન પહોંચાડે છે. ડાયટ કોક કરતાં હર્બલ ટી પીવી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક રહેશે.