થોડા સમય પહેલાં ઍક્ટ્રેસ શેનાઝ ટ્રેઝરીવાલાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો મૂકીને જાણે ઘટસ્ફોટ કર્યો કે અંજીર નૉન-વેજ ફળ છે, એની ઊગવાની પ્રક્રિયા દરમ્યાન દરેક ફળ નર જંતુનું ભક્ષણ કરતું હોય છે.
અંજીર
થોડા સમય પહેલાં ઍક્ટ્રેસ શેનાઝ ટ્રેઝરીવાલાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો મૂકીને જાણે ઘટસ્ફોટ કર્યો કે અંજીર નૉન-વેજ ફળ છે, એની ઊગવાની પ્રક્રિયા દરમ્યાન દરેક ફળ નર જંતુનું ભક્ષણ કરતું હોય છે. આમેય જૈનિઝમમાં અંજીરને અભક્ષ્ય પદાર્થ ગણવામાં આવ્યો છે એટલે આ વાતને સમર્થન પણ મળે છે. જોકે આના જવાબમાં અંજીર વેજિટેરિયન કેમ કહેવાય એના ખુલાસા કરતા વિડિયો પણ ધૂમ ફરી રહ્યા છે. તો સવાલ ઠેરનો ઠેર જ છે કે આખરે ફિગને વેજ ગણવું કે નૉનવેજ? ચાલો, નિષ્ણાતો પાસેથી જાણીએ
આજની ખુશી, ચિંતા, ડિનર-ટેબલ પર કે ફ્રેન્ડ-સર્કલમાં થતી વાતચીતનો ટૉપિક સોશ્યલ મીડિયાની દેન છે. સોશ્યલ મીડિયા પર શું ચાલી રહ્યું છે એની જ ચર્ચા ચોવીસ કલાક ચાલતી હોય છે જેમાં અમુક વિષયો એવા વાઇરલ થાય છે કે બહુ જૂના હોવા છતાં નવા લાગે છે અને ડર પણ લાગે છે. બે અઠવાડિયાં પહેલાં જ ભૂતપૂર્વ અભિનેત્રી અને હવે પોતાને વિડિયો ક્રીએટર તરીકે ઓળખાવતી શેનાઝ ટ્રેઝરીવાલાએ અંજીર તો નૉન-વેજ કહેવાય એવો દાવો કરતો વિડિયો પોસ્ટ કર્યો છે. એમાં દલીલ એ પણ છે કે જૈન લોકો અંજીર નથી ખાતા એનું કારણ પણ એ નૉન-વેજ છે એ જ છે. કોઈ ફળ કે શાકભાજી વનસ્પતિજન્ય જ હોય, પણ જો એ ઊગવાની પ્રક્રિયા દરમ્યાન એ જીવજંતુઓને ખાઈ જાય તો એ ફળ પોતે માંસાહારી કહેવાયને? આ જ દલીલ અત્યારે અંજીર માટે થઈ રહી છે. એવું કહેવાય છે કે અંજીર ઊગાડવા માટે જ ખાસ પ્રકારની વાસ્પ એટલે કે ભમરા દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે અને એ દરમ્યાન અંજીરની અંદર જ ભમરો ફસાઈ જાય છે. શેનાઝના વિડિયોમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આ ભમરો ફળની અંદર જ રહી જાય છે અને અંજીર ખાતી વખતે જે ક્રન્ચ મહેસૂસ થાય છે એ પણ ભમરાને કારણે જ છે.
ADVERTISEMENT
આ વિડિયો પછી તો ભલભલાને અંજીર ખાતી વખતે એક વાર ખાતરી કરી લેવાનું મન થાય જ કે અંજીર વેજિટેરિયન છે કે નૉન-વેજિટેરિયન? સામાન્ય રીતે જે વસ્તુ વૃક્ષ પર થતી હોય એ વેજિટેરિયન જ હોય એ સ્વીકૃત તથ્ય છે. અંજીર પણ તો વનસ્પતિની જ દેન છે તો શા માટે આ ચર્ચા થઈ રહી છે? એક તો અંજીર એક એવું ડ્રાયફ્રૂટ છે જે બહુ મોંઘું અને ગુણકારી છે અને એમાં જો વેજિટેરિયન લોકો દરરોજ સવારે બે અંજીર પલાળીને ખાતા હોય અને તેમને ખબર પડે કે તેઓ જે અંજીર ખાય છે એ તો માંસાહારી છે તો તેમનું ગિલ્ટ કેટલું વધી જાય? તો શું તમારે અંજીર ખાવા બદલ ગિલ્ટી ફીલ કરવાની જરૂર છે કે નહીં એ નિષ્ણાતો પાસેથી જાણીએ.
કમર્શિયલ અંજીર વેજિટેરિયન હોય છે
આપણે અંજીર ખાવા બદલ ચિંતા કરવાની જરૂર નથી એ વાત ૨૦ વર્ષથી ચર્ની રોડ પર પ્રૅક્ટિસ કરતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રુચિરા ગોરડિયા બહુ વિસ્તારથી સમજાવે છે. તેઓ કહે છે, ‘પહેલાં તો અંજીરની પ્રક્રિયા વિસ્તારથી સમજવી પડે. મારા નૉલેજ મુજબ અમુક દેશોમાં અંજીરની ખેતી માટે વાસ્પ (માખી કે ભમરો) દ્વારા પોલિનેશન એટલે કે પરાગનયનની ક્રિયા કરવામાં આવે છે (ફૂલોનું પ્રજનન પોલિનેશન પ્રક્રિયા દ્વારા થાય છે એટલે કે કીટકો કે મધમાખીઓ એક ફૂલની પરાગરજ લઈને બીજા ફૂલ પર બેસે અને એને ફલિત કરે છે. આવી રીતે એ ખેતીનો વિકાસ થાય છે). આ પ્રક્રિયા કંઈક એવી હોય છે કે માદા ભમરો અંજીરમાં હોલ કરે અને એમાં ઈંડાં મૂકે છે. પછી એ ફૂલમાંથી પોલન એટલે કે ફૂલોની રજ તરીકે ઓળખાતી પરાગરજ લઈને બીજા ફૂલમાં ટ્રાન્સફર કરે છે અને ત્યાર બાદ એ ફૂલનું ફલન થાય છે. ફૂલોમાં મૂકેલાં ઈંડાં જ્યારે વિકસે એ પછી માદા અને નર ભમરા સમાગમ કરે છે. ત્યાર બાદ માદા ભમરા એ ફૂલમાંથી પોલન લઈને નીકળી જાય છે અને નર વાસ્પ એ ફૂલની અંદર જ મૃત્યુ પામે છે. તો માદાનું કામ પોલન ફેલાવવાનું હોય છે અને બાકીના જે અફલિત ભમરા હોય એ ફૂલની અંદર જ મરી જાય છે. આ વાત ઘણા લોકોને અંજીર ખાવામાં બાધક બનતી હોય છે, પરંતુ ભારતમાં સામાન્ય રીતે અંજીર પાર્થેનોકાર્પી પ્રક્રિયા એટલે કૃત્રિમ પદ્ધતિથી ઉગાડવામાં આવે છે જેમાં ભમરાની જરૂર નથી પડતી. જેમાં કીટકનો ઉપયોગ જ નથી થયો તો એમાં કીટકનું ભક્ષણ થવાની સંભાવના પણ નથી રહેતી. આ જ કારણસર અંજીર વેજિટેરિયન છે. આપણે ત્યાં મળતાં મોટા ભાગનાં અંજીર વેજિટેરિયન જ છે. અંજીર ઍન્ટિઑક્સિડન્ટ, વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર છે એટલે પાચનતંત્ર માટે બહુ ફાયદાકારક છે.’
વાઇલ્ડ કે કમર્શિયલ અંજીરમાં શું ફરક?
સુપરમાર્કેટમાં ક્યારેય અંજીરનાં પૅકેટ પરનું લેબલ વાંચ્યું છે? આ લેબલમાં લખેલી દરેક માહિતી પ્રમાણ સાથે લખેલી હોય છે. ન્યુટ્રાસ્યુટિકલ એટલે કે એવી ફૂડ-પ્રોડક્ટ જે હેલ્થની સાથે મેડિસિનલ ફાયદા પણ આપે છે. આ વિષય પર માસ્ટર્સ કરતાં અને હાલમાં ન્યુટ્રાસ્યુટિકલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતાં અને ફૂડ-પ્રોડક્ટ લેબલ પર જાણકારી આપતાં અંજલિ ત્રિપાઠી કહે છે, ‘અત્યારે અચાનક જ આ ન્યુઝ વાઇરલ થઈ ગયા છે, પણ આ વિજ્ઞાન જરાય નવું નથી. એટલે ભમરા દ્વારા પોલિનેશન થતા અંજીરની અંદર મરેલી માખીઓ નથી હોતી. અંજીરમાં એવો ઘટક હોય છે કે વાસ્પના દરેક ભાગનું વિઘટન અંદર જ થઈ જાય છે, પણ અમુક અંજીરને નૉન-વેજિટેરિયન લેબલ એટલા માટે લગાવવામાં આવે છે કેમ કે વાસ્પ દ્વારા વાઇલ્ડ અંજીરમાં એક ખાસ પ્રકારનો ઘટક ઉત્પન્ન થાય છે જેને નૉન-વેજિટેરિયન ગણવામાં આવે છે. એથી બ્રાહ્મણો કે જૈન લોકો જેઓ સ્ટ્રિક્ટ વેજિટેરિયન ડાયટ અનુસરે છે તેઓ નથી ખાતા. જોકે વાઇલ્ડ અંજીર અને કમર્શિયલ અંજીરની ખેતી જુદી રીતે થાય છે. કમર્શિયલ પ્રોડક્શન એટલે કે માસ પ્રોડક્શન બહુ ઓછા સમયમાં અને ઝડપથી થતું હોય છે એથી એમાં કૃત્રિમ પદ્ધતિનો જ ઉપયોગ થાય છે. સુપરમાર્કેટમાં મળતાં મોટા ભાગનાં અંજીર પર વેજિટેરિયન કે વીગન-ફ્રેન્ડ્લી લખેલું હોય છે. જો એવો પ્રશ્ન થાય કે શું વાઇલ્ડ અંજીરની ન્યુટ્રિશનલ વૅલ્યુ કૃત્રિમ રીતે પકાવેલા અંજીરથી વધુ હોય છે? તો જવાબ છે ના. અંજીરના ન્યુટ્રિશનમાં કોઈ ફરક નથી પડતો. એમાંય અંજીરની ઘણી વરાઇટી હોય છે, તો જ્યારે પણ અંજીરનું પૅકેટ ઉઠાવો ત્યારે એની પાછળ લખેલી માહિતી કે ગ્રીનમાર્ક જોઈ લેવું જેથી મનમાં શંકા ન થાય કે ખાવામાં ગિલ્ટ પણ ન થાય.’
અંજીરની ખેતી ક્યાં થાય છે?
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ મુજબ અંજીરની ખેતી મોટા પાયે મિડલ ઈસ્ટ દેશોમાં થાય છે. આ યાદીમાં ભારત બારમા ક્રમે છે એટલે કે ભારતમાં નાના પાયે આ ફળની ખેતી થાય છે. ભારતમાં અંજીરની કમર્શિયલ ખેતી વેસ્ટર્ન ઘાટમાં આવતાં રાજ્યોમાં થાય છે. એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુમાં થાય છે જેમાં મહારાષ્ટ્ર આ પાંચેપાંચ રાજ્યો કરતાં વધારે ખેતી કરે છે. એમાંય ભારતમાં પુણેમાં સૌથી વધારે અંજીરનો પાક લેવાય છે. પુણેનાં મોટાં અંજીર લોકોમાં વધારે પ્રખ્યાત છે.
અંજીર નૉન-વેજ નથી હોતાં : ફૂડ-સાયન્ટિસ્ટ ક્રિશ અશોક
ફૂડ અને ફૂડ કુકિંગ પ્રોસેસને ખૂબ જ સાયન્ટિફિકલી સમજાવવા માટે જાણીતા ફૂડ-સાયન્ટિસ્ટ ક્રિશ અશોક અંજીરને નૉન-વેજિટેરિયન ગણવાના વાઇરલ દાવાને રદિયો આપતાં કહે છે, ‘ભારતમાં કમર્શિયલી પ્રોડ્યુસ્ડ અંજીર ઉગાડવામાં કોઈ જ વાસ્પ એટલે કે ભમરાની જરૂર નથી પડતી. આવું ખાસ ટર્કીની સ્પેશ્યલ ફિગ વરાયટીમાં જ સાચું છે. આ ફિગ સ્મિર્ના તરીકે જાણીતા છે અને એ વાસ્પના પોલિનેશન દ્વારા જ ઊગે છે.’