શેફ નેહા ઠક્કર શૅર કરે છે કેટલીક રેસિપી, તમે ઘેરબેઠાં જાતે જ બનાવી લો..
શેફ નેહા ઠક્કર
કડકડતી ઠંડીમાં ગરમાગરમ ખાવી ગમે એવી ગુજરાતની પ્રચલિત વાનગીઓ ખાવા માટે હવે ક્યાંય જવાની જરૂર નથી. શેફ નેહા ઠક્કર શૅર કરે છે કેટલીક રેસિપી, તમે ઘેરબેઠાં જાતે જ બનાવી લો...
રજવાડી વઘારેલો રોટલો
ADVERTISEMENT
સામગ્રી : ૨ બાજરીના રોટલા, ૩ ટેબલસ્પૂન તેલ, ૧/૪ ટીસ્પૂન જીરું, ૧ ચમચી વરિયાળી, ૧ ચમચી તલ, ૧ ચમચી અજમો, ૨ ચમચી સમારેલું લીલું લસણ, ૩-૪ કાજુના ટુકડા, ૫-૬ કિસમિસ, ૫-૬ મીઠા લીમડાનાં પાન, સ્વાદ અનુસાર મીઠું, ૧/૪ ચમચી હળદર, તીખાશ પ્રમાણે લાલ મરચું
રીત : સૌપ્રથમ બાજરીનો રોટલો ઠંડો કે ગરમ બન્ને લઈ શકાય. હવે રોટલાને રફલી ક્રશ કરી લેવાનો. એક કડાઈમાં ત્રણ ચમચી તેલ ઉમેરી તેલમાં સિંગદાણાને તળી કાઢી લેવાના છે. પછી એમાં સમારેલું લીલું મરચું, લાલ મરચું, મીઠા લીમડાનાં પાન, સમારેલું લીલું લસણ, જીરું, વરિયાળી, અજમો, તલ, કિસમિસ, કાજુના ટુકડા બધું ઉમેરી સરખું મિક્સ કરી લેવું. હવે એમાં ક્રશ કરેલો બાજરીનો રોટલો ઉમેરી મીઠું, હળદર, લાલ મરચું, તળેલા સિંગદાણા, થોડું લીલું લસણ બધું ઉમેરવું. લીલા ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો. આ વઘારેલો રોટલો તમે લંચબૉક્સમાં પણ આપી શકો છો.
વલસાડનું ઊંબાડિયું
સામગ્રી ૫૦૦ ગ્રામ શક્કરિયાં, ૫૦૦ ગ્રામ રતાળુ, ૫૦૦ ગ્રામ નાની બટાટી, ૫૦૦ ગ્રામ સુરતી પાપડી, ૧ મોટો કપ સિંગદાણાનો ભૂકો, ૧/૨ કપ તલ, ૨ મોટી ચમચી અજમો, ૧/૨ કપ સિંગતેલ, માટલાની અંદર ભરવા માટેની સામગ્રી
ડાળખી સાથેનો ફુદીનો, કોબીજનાં પાન, ડાળખી સાથેનો લીલો અજમો, ડાળખી સાથે મીઠો લીમડો, માટલું
ઊંબાડિયાની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી : ૧ મોટો બાઉલ કોથમીર, ૧ નાનો બાઉલ લીલું લસણ, આઠથી દસ, કળી સૂકું લસણ, ૧/૪ કપ આદું, ૧/૨ કપ લીલી હળદર, ૮-૧૦ નંગ લીલાં મરચાં, ૧ ચમચી જીરું, ૧ લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું
રીત : સૌપ્રથમ ઊંબાડિયા માટેની પેસ્ટ બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર, લીલું લસણ, આદું, લીલાં મરચાં, લીલી હળદર, મીઠું અને જીરું તથા લીંબુનો રસ નાખી અધકચરી પેસ્ટ કરી લેવી. હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લેવી. પછી શક્કરિયાં, બટાટા, સુરતી પાપડી અને રતાળુને સારી રીતે ધોઈને એકદમ કોરાં કરી લેવાં. પછી મોટા પીસમાં રતાળુ અને શક્કરિયાંને કટ કરી લેવાં. હવે બનાવેલી પેસ્ટમાં તલ, સિંગદાણાનો ભૂકો, અજમો અને તેલ નાખી જરૂર લાગે તો મીઠું નાખી મિક્સ કરી લેવું અને પછી આ પેસ્ટને કાપા કરેલા બટાટામાં ભરવી. હવે એક બાઉલમાં પાપડી લઈ એની અંદર બનાવેલી પેસ્ટ નાખી બરાબર હાથેથી મિક્સ કરી લેવું. એવી જ રીતે સમારેલાં શક્કરિયાં અને રતાળુમાં પણ બનાવેલી પેસ્ટ નાખી મિક્સ કરી લેવું. હવે માટલું લઈ એની અંદર કોબીજનાં પાન, લીમડાનાં પાન, અજમાનાં પાન અને ભાજી ઉમેરી ચારે બાજુ ગોઠવી દેવું. હવે એમાં નીચે પહેલાં પાપડીનું મિશ્રણ, પછી બટાટા અને રતાળુ અને શક્કરિયાંનું એક લેયર કરી ફરીથી એની ઉપર બધી ભાજીઓ ગોઠવી, ફરીથી એના પર શાકભાજીનું લેયર કરવું. ફરીથી એની ઉપર બધાં પાન ગોઠવી નીચે માટીની તાવડી મૂકી એની ઉપર માટલાને ઊંધું મૂકી દેવું અને એકદમ ધીમા ગૅસ પર ૩થી ૪ કલાક માટે થવા દેવું એટલે એકદમ સરસ ઊંબાડિયું તૈયાર થઈ જશે. તો તૈયાર છે શિયાળામાં મજા પડે એવું વલસાડનું ઊંબાડિયું.
જામનગરી ઘુટો
સામગ્રી: ૧/૪ કપ લીલી ફોતરાવાળી મગની દાળ, ૧/૪ કપ ચણાની દાળ, ૧/૨ બાઉલ મેથીની ભાજી, ૧/૨ બાઉલ પાલકની ભાજી, ૧/૨ બાઉલ લીલું લસણ, ૧/૨ બાઉલ લીલા ધાણા, ૧/૪ બાઉલ તુવેરના દાણા, ૧/૪ બાઉલ પાપડીના દાણા, ૧/૪ બાઉલ વટાણા, ૧/૪ બાઉલ ફણસી, ૧/૪ બાઉલ વાલોળ, ૧/૪ બાઉલ ફ્લાવર, ૧/૪ બાઉલ દૂધી, ૧ નંગ બટાટું, ૧ નંગ શક્કરિયું, ૧ નંગ ગાજર, ૨ નંગ રીંગણ, ૧ નંગ નાનું કૅપ્સિકમ, ૧ નંગ ડુંગળી, ૧ નંગ ટમેટું
કુકરમાં શાક બાફવા માટે : મીઠું અને હળદર જરૂર મુજબ, ૧ ટુકડો આદું, ૫-૬ કળી લસણ, ૨ નંગ લીલાં મરચાં, પા કપ સમારેલી હળદર, ૩-૪ ચમચી તેલ, ૧ ચમચી જીરું, ૧/૨ ચમચી હિંગ, ૧ ચમચી હળદર, દોઢ ચમચી મરચું, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું
રીત : સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી દો. હવે બધી શાકભાજીને બરાબર ધોઈ લો. હવે બધી ભાજી, લીલા લસણને સમારી લો. વટાણા, પાપડી, ચણા, તુવેરના દાણાને ફોલી લો. ફણસી, વાલોળ પણ સમારી લો. બીજાં બધાં શાક સમારી લો. મગની ફોતરાવાળી દાળ તેમ જ ચણાની દાળને બરાબર ધોઈને હૂંફાળા પાણીમાં ત્રણ કલાક માટે પલાળી રાખો. હવે એક કુકરમાં પાંચથી છ કપ પાણી ગરમ કરવા મૂકો. એમાં મીઠું અને હળદર ઉમેરો. પાણી બરાબર ઊકળી જાય ત્યારે એમાં સૌપ્રથમ દાણાવાળાં બધાં શાક અને ફણસી, વાલોળ પણ ઉમેરી દો. ત્યાર બાદ ગાજર, બટાટા, ડુંગળી, ટમેટાં, દૂધી વગેરે શાકભાજી ઉમેરો અને બધી ભાજી તેમ જ લીલું લસણ પણ ઉમેરો. હવે એમાં પલાળેલી દાળનું પાણી કાઢીને બન્ને દાળ ઉમેરો તેમ જ એને બરાબર મિક્સ કરો. કુકરનું ઢાંકણ ઢાંકી ત્રણ-ચાર સીટી બોલાવી લો. કુકર ઠંડું થાય એટલે મૅશ કરી લો. હવે મિક્સર જારમાં આદું, લસણ, મરચું અને હળદર લઈ પેસ્ટ બનાવી લો. બીજા સૂકા મસાલા લો. એક પૅનમાં તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ ઉમેરી એમાં બનાવેલી પેસ્ટ ઉમેરી સાંતળો. એમાં બધા સૂકા મસાલા તેમ જ મૅશ કરેલો ઘુટો ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરી લો. પછી ગૅસ બંધ કરી લીલું લસણ અને લીલા ધાણા ઉમેરી દો. તો તૈયાર છે કાઠિયાવાડી સ્પેશ્યલ ઘુટો.
પાલક ખીચું બૉલ્સ
સામગ્રી : દોઢ કપ ચોખાનો લોટ , ૩ કપ પાણી, ૧ મોટી ચમચી વાટેલાં લીલાં મરચાં, ૧ ચમચી અધકચરું વાટેલું જીરું, ૧ ચમચી અજમો, ૧ ચમચી તલ, ૧/૨ કપ પાલકની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, ચપટી બેકિંગ સોડા, ૧.૫ ચામચી સિંગતેલ, અથાણાનો મસાલો
રીત : સૌપ્રથમ એક કડાઈમાં પાણી લઈ ચપટી ખાંડ નાખી પાલકનાં પાનને ઉમેરી પાંચ મિનિટમાં કાઢી લેવાનાં છે. હવે ઠંડું પડે પછી એની પેસ્ટ બનાવી લેવાની છે. હવે એક પૅનમાં ત્રણ કપ પાણી લેવાનું છે. એમાં બેકિંગ સોડા, પાલકની પેસ્ટ, મીઠું, પીસેલાં મરચાં, તલ, જીરું, અજમો, ઝીણાં સમારેલાં પાલકનાં પાન અને ધાણા ઉમેરી પાણીને ઊકળવા દઈશું. હવે પાણી ઊકળે એટલે એમાં દોઢ કપ ચોખાનો લોટ ઉમેરી સારી રીતે હલાવી લઈશું. ગાંઠા ન પડે એવી રીતે સરસ હલાવી લેવું. હવે થોડું તેલ ઉમેરી લોટને ગ્રીસ કરી લઈશું. હવે નાના-નાના બૉલ વાળી સ્ટીમરમાં ૧૦થી ૧૫ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને સૉફ્ટ ખીચું. હવે એની ઉપર સિંગતેલ, અથાણાનો મસાલો અને ધાણા ઉમેરી ગરમ-ગરમ પાલક ખીચું સર્વ કરીશું.