હું તો ખાંડવીને સીધી ને સરળ એક જ પ્રકારની સમજતો હતો, પણ એવું નથી એ તો મને વડોદરા જઈને સમજાયું
સંજય ગરોડિયા
મિત્રો, આજે આપણે વાત કરવાની છે ખાંડવીની. હવે તમને થાય કે આ શું ખાંડવીની ગાથા માંડી છે તો કહી દઉં કે એ ગાથા જાણવા જેવી છે.
ખાંડવીને ઓવરઑલ બધે ખાંડવી જ કહેવામાં આવે છે. આપણે મુંબઈમાં પણ એ ખાંડવી જ કહેવાય, પણ દક્ષિણ ગુજરાતમાં એને પાટુડી કહે. કહે છે કે વર્ષો પહેલાં ત્યાં છાશમાં તૈયાર કરેલા બેસનને પાટ પર પાથરીને એમાંથી આ આઇટમ બનાવવામાં આવતી એટલે એનું નામ પાટુડી પડી ગયું છે. આ ખાંડવીના જનક જૈનો કહેવાય છે. એમાં જોકે મારી પાસે કોઈ પુરાવા નથી એટલે લાગે-બાગે લોહીની ધાર, આપણી ઉપર નામ નહીં.
ADVERTISEMENT
ખાંડવીની વાત કરું તો હમણાં મારા નાટકનો શો વડોદરામાં હતો. થોડા સમય પહેલાં મને એક વાચક મિત્રએ મેસેજ કરીને કહ્યું હતું કે સંજયભાઈ, વડોદરા જાઓ તો ત્યાં તમે GPO પાસે આવેલી સુરતી રોલ ખાંડવીમાં જજો, તમને મજા આવશે. મુંબઈથી નીકળતાં પહેલાં જ મેં માયલા બકાસુરને લાલચ આપી દીધી કે તોફાન કરતો નહીં, વડોદરામાં તને ખાંડવી ખવડાવીશ. બકાસુર બહુ ડાહ્યો, એ ચાર વાગ્યા સુધી તો શાંત રહ્યો પણ પછી એને લાગ્યું કે હવે ધમપછાડા કરવા પડશે એટલે એણે પેટમાં લાતમલાત શરૂ કરી અને હું તો રવાના થયો એને ખુશ કરવા માટે GPO જવા.
જનરલ પોસ્ટ ઑફિસ પાસે એકાદ જણને પૂછ્યું ત્યાં તો એ મહાશય મને આંગળી પકડીને સુરતી રોલ ખાંડવીની દુકાને મૂકી ગયો અને મેં મેનુમાં નજર કરતાં-કરતાં જ રેગ્યુલર ખાંડવીનો ઑર્ડર આપી દીધો. સાહેબ, ક્યાંય પણ જો ખાવાની બાબતમાં સાચી પરખ કરવી હોય તો સાદામાં સાદી આઇટમ મગાવવાની. તમને ખબર પડી જાય કે તમારો ધક્કો વસૂલ થવાનો છે કે નહીં. રેગ્યુલર ખાંડવી આવી, મેં એનો ટેસ્ટ કર્યો અને એમાં રહેલી આછી સરખી ખટાશ, સહેજ ખારાશ અને ખાસ તો એની સૉફ્ટનેસ મને ટચ કરી ગઈ. મને થયું કે બેટા, પૈસા વસૂલ; તૂટી પડો.
પછી તો મેં એના મેનુમાં હતી એ બધી આઇટમ એક પછી એક મગાવવાનું શરૂ કરી દીધું. બીજી આઇટમ મેં જે મગાવી એ લીલવા ખાંડવી હતી. આ જે લીલવા ખાંડવી હોય એમાં લીલવાની કચોરીમાં આવે એવું પૂરણ હોય. ખાંડવી પર આ પૂરણ પાથરે અને પછી એનો રોલ કરીને લીલવા ખાંડવી બનાવે. સાવ નવું જ કૉમ્બિનેશન હતું પણ ધમાકેદાર કૉમ્બિનેશન હતું એવું કહું તો જરાય ખોટું નહીં કહેવાય.
લીલવા ખાંડવી રોલ પછી મેં મગાવી અમેરિકન મકાઈ ખાંડવી રોલ. આ રોલમાં પણ લીલવાની જેમ ખાંડવીને પાથરી એના પર મકાઈનું પૂરણ ભરવામાં આવે. આ પૂરણની ખાસિયત એ હતી કે એમાં બાફેલી મકાઈની સાથે-સાથે (કદાચ) શેકેલી મકાઈ પણ હતી, જેને લીધે એકદમ સૉફ્ટ એવી ખાંડવીની વચ્ચે-વચ્ચે કરકરી મકાઈનો સહેજ અમસ્તો કરકરો અનુભવ થતો હતો. એ પછી મેં નજર કરી તો બાકી વધી હતી છેલ્લી વરાઇટી, જે હતી ટમટમ ખાંડવી. મેં તો આપ્યો એ ટમટમ ખાંડવીનો ઑર્ડર. મિત્રો, આ જે ટમટમ ખાંડવી હતી એ રેગ્યુલર વઘારથી નથી બનતી પણ એ લાલ ચટાકેદાર એવા સૉસમાં વઘારવામાં આવે છે. એમાં તીખાશ હોય છે તો સાથોસાથ આછી સરખી મીઠાશ અને ખારાશ પણ ખરી. મને લાગે છે કે આ ટમટમ ખાંડવીનો વિચાર આ લોકોને ટમટમ ખમણમાંથી આવ્યો હશે. ટમટમ ખાંડવી એવા લોકોને ભાવશે જે લોકોને તીખું ખાવાનો શોખ છે. રજા લેતાં પહેલાં એક વાત કહેવાની. એક, ક્યારેય કોઈ સ્વાદનો અતિરેક નહીં કરવાનો. જો સાચો સ્વાદ માણવો હોય તો માફકસરનું જ ખાવું જોઈએ, નહીં તો બીજા સ્વાદ ઓરિજિનલ સ્વાદને ઓવરલૅપ કરે.
જો વડોદરા જવાનું બને તો ચોક્કસપણે GPO પાસે આવેલા આ ખાંડવી રોલ ખાવા માટે જજો. તમારો ધક્કો વસૂલ થશે એની ગૅરન્ટી મારી અને બીજી ગૅરન્ટી, ઘરે આવ્યા પછી તમે પણ તમારી રીતે ખાંડવીના અલગ-અલગ રોલ બનાવતા થઈ જશો.

