સામાન્ય રીતે સુરતી ખમણ વખણાય છે, પરંતુ ભુલેશ્વર અને ઝવેરી બજારમાં ખાસ સુરતીઓ પણ લાલજીભાઈ પટેલનાં ખમણની લિજ્જત માણવા આવતા હોય છે. અહીં હાઇજીન સાથે બનતી લાલ-લીલી ચટણી અને સેવ સાથે ખમણનો અનોખો સ્વાદ તમારી દાઢે ન વળગે તો અમને કહેજો
ખમણવાળા કાકાના નામથી જાણીતા લાલજીભાઈ પટેલ છેલ્લાં ૩૦ વર્ષથી સેવ-ખમણ વેચે છે.
તમે ખમણ તો ઘણી જગ્યાએથી ખાધાં હશે, પણ આ પ્રકારે મુંબઈમાં ક્યાંય સર્વ કરવામાં આવતાં નથી જે રીતે ભુલેશ્વરમાં કરવામાં આવે છે. અહીં ખમણવાળા કાકાના નામથી જાણીતા લાલજીભાઈ પટેલ છેલ્લાં ૩૦ વર્ષથી સેવ-ખમણ વેચે છે. અહીં ખમણની ઉપર કોથમીર-ફુદીનાની ખાટી-મીઠી લીલી ચટણી, એની ઉપર તીખી લસણની લાલ ચટણી અને એની ઉપર સેવ ભભરાવીને ખમણ સર્વ કરવામાં આવે છે. તેમનાં ખમણ ભુલેશ્વરમાં એટલાં પ્રખ્યાત છે કે દરરોજ તેઓ પાંત્રીસથી ૪૦ કિલો ખમણનું વેચાણ કરે છે.
પોતાનાં ખમણની ખાસિયત જણાવતાં લાલજીભાઈ કહે છે, ‘અમે ખમણથી લઈને લીલી ચટણી, લાલ ચટણી બધું જ ઘરે હાઇજીનનું ધ્યાન રાખીને બનાવીએ છીએ. ખમણની ઉપર નાખવા જે સેવ વાપરીએ છીએ એ પણ પ્યૉર બેસનની બનેલી હોય છે. અમારી ખાસિયત ખમણ સાથે જે લાલ-લીલી ચટણી આપીએ છીએ એમાં છે. અમારા ઘણા ગ્રાહકો એવા છે જે લાલ લસણની ચટણી ખૂબ પસંદ કરે છે એટલે તેઓ અલગથી પણ લાલ ચટણી પૅક કરાવીને ઘરે લઈ જાય છે. તેમનું કહેવું હોય છે કે લસણની લાલ ચટણી અમારા ઘરે પણ બનતી હોય છે પણ એમાં તમારી લાલ ચટણી જેવો ટેસ્ટ નથી આવતો. અમારા જે જૈન ગ્રાહકો છે એ લોકો લસણની ચટણી ન ખાય, પણ એમ છતાં તેઓ અમારી લીલી ચટણીને કારણે ખમણ ખાવા માટે આવે છે. અમારાં ખમણ પણ સૉફ્ટ હોય છે. એમાં અમે થોડી હિંગ પણ નાખીએ એટલે પચવામાં પણ સારાં રહે છે. અમારા મોટા ભાગના ગ્રાહક એવા છે જે વર્ષોથી દરરોજ અમારે ત્યાં ખમણ ખાવા માટે આવે છે. તેમનું કહેવું હોય છે કે અમે દરરોજ તમારાં ખમણ ખાઈ શકીએ છીએ, કોઈ દિવસ એવું નથી થયું કે તમારે ત્યાં ખમણ ખાઈને અમારી તબિયત ખરાબ થઈ હોય.’
ADVERTISEMENT
લાલજીભાઈની ઉંમર ૬૫ વર્ષની છે તેમ છતાં હજી તેઓ ખૂબ ઍક્ટિવ છે. ખમણ-ચટણી બનાવવાનું કામ તેઓ જાતે કરે છે. આ કામમાં તેમના બે દીકરાઓ તેમની મદદ કરે છે. એ વિશે વાત કરતાં લાલજીભાઈ કહે છે, ‘મને રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે એટલે આ કામ કરવામાં મને જરાય થાક લાગતો નથી. સવારે ભુલેશ્વર માર્કેટમાંથી લીલી ચટણી બનાવવા માટેનો મસાલો કોથમીર, ફુદીના, કઢીપત્તાં, લીંબુ, લીલાં મરચાં લઈને આવું. એ પછી ચટણી બનાવવા બેસી જાઉં. જેવી ચટણી બની જાય એટલે ઢોકળાં બનાવવાનું શરૂ થઈ જાય. લસણની લાલ ચટણી હું રવિવારે જ આખા અઠવાડિયાની બનાવી નાખું. બધું બનાવીને રેડી કરતાં બપોરનો એક વાગી જાય. અમારા બે સ્ટૉલ છે, એક ભુલેશ્વરમાં અને એક ઝવેરી બજારમાં. ભુલેશ્વરવાળા સ્ટૉલમાં હું અને મારો નાનો દીકરો ઊભા રહીએ છીએ, જ્યારે ઝવેરી બજારનો સ્ટૉલ મારો મોટો દીકરો સંભાળે છે. જનરલી સુરતનાં ખમણ ખૂબ વખણાય, પણ અમારા અમુક ગ્રાહકો એવા છે જે કામ માટે દરરોજ મુંબઈ-સુરત વચ્ચે અપ-ડાઉન કરે છે. એ લોકો ઘણી વાર મુંબઈ આવે ત્યારે ખાસ અમારાં ખમણ ખાવા આવતા હોય છે.’
ક્યારે મળે?: બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ક્યાં મળશે? : 1 બીજી ફોફલવાડી, લતાકુંજ બિલ્ડિંગની સામે, સુરતી હોટેલ નજીક, ભુલેશ્વર 2 ઝવેરી બજાર ખાઉગલી, ત્રીજી અગિયારી લેન, SNK પ્લાઝા વનની સામે, ભેરુમલ હાઉસની બાજુમાં.

