Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > કાંચનારનાં ફૂલનું, સાટોડીનાં પાનનું, ગોખરુનાં પાનનું, દમવેલનાં પાનનું શાક હોય એવું સાંભળ્યું છે ક્યારેય?

કાંચનારનાં ફૂલનું, સાટોડીનાં પાનનું, ગોખરુનાં પાનનું, દમવેલનાં પાનનું શાક હોય એવું સાંભળ્યું છે ક્યારેય?

Published : 29 December, 2024 06:11 PM | Modified : 29 December, 2024 06:26 PM | IST | Gandhinagar
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના ડૉ. મહેશકુમાર પંચાલ વડીલોને અને દાદીમાઓને મળીને વીસરાતી જતી વનસ્પતિઓ, એનાં પાન, એનાં ફૂલમાંથી બનતી શાકભાજીનું જ્ઞાન મેળવીને બનાવી રહ્યાં છે જાતભાતની અજાણી વનસ્પતિઓનાં શાક

ડૉ. મહેશકુમાર પંચાલ.

ડૉ. મહેશકુમાર પંચાલ.


આપણે પાલક, મેથી કે પછી મૂળાની ભાજી વિશે જાણીએ છીએ અને શિયાળાની આ સીઝનમાં આ ભાજી બનાવીને ખાઈએ છીએ; પણ તમે દમવેલનાં પાનનું શાક, કાંચનારનાં ફૂલનું શાક, ગોખરુનાં પાનનું શાક, લીલા પિંપળનાં પાનનું શાક, સાટોડીનાં પાનનું શાક, ગળોનાં પાંદડાંનું અને કોઠીંબાનું શાક, કાંસકીનાં ફૂલ અને નગોળનાં નાનાં ફૂલનું શાક, અશ્વગંધાના પાઉડર અને ગુલાબનાં ફૂલનું શાક કે પછી પટોળાનું શાક ખાધું છે? આ બધી વનસ્પતિઓનાં નામ પણ સાંભળ્યાં છે? બહુ ઓછા લોકો કે પછી જે વડીલો છે તેઓ આ વિશે જાણતા હશે.




પિંપળનાં લીલાં પાંદડાંનું શાક.


ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા સોનાસણ ગામમાં રહેતા ડૉ. મહેશકુમાર પંચાલ વડીલોને અને દાદીમાઓને મળીને તેમની પાસેથી વીસરાતી જતી વનસ્પતિઓ, એનાં પાન તથા ફૂલમાંથી બનતી શાકભાજીઓનું જ્ઞાન મેળવી રહ્યા છે અને આજની તેમ જ આવનારી પેઢીને સ્વાસ્થ્યપ્રદ જીવન આપવા માટે તેમણે સ્તુત્ય પહેલ આદરી છે. આપણી આસપાસ ઊગતી પરંતુ આજના સમયે વીસરાતી જતી વનસ્પતિઓ અને એનાં પાંદડાં, એનાં ફૂલ-છોડને ઓળખીને આરોગ્ય માટે બેનમૂન વનસ્પતિઓની શાકભાજી બનાવીને આ ભાઈ સમાજને સ્વસ્થતા બક્ષવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે શિયાળાની આ મોસમમાં તેમની પાસેથી ભાજીપાલા અને એના મહત્ત્વ વિશે જાણીએ.


આપણે જેનાં નામ પણ ન સાંભળ્યાં હોય એવી વનસ્પતિઓનાં પાન-ફૂલમાંથી શાકભાજી બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે વાત કરતાં ડૉ. મહેશકુમાર પંચાલ ‘મિડ-ડે’ને કહે છે, ‘પાંચેક વર્ષ પહેલાં મને શ્વાસ ચડ્યો હતો અને દવાથી સરખું નહોતું થતું. એ દરમ્યાન આયુર્વેદિક પુસ્તકો વાંચતાં ખબર પડી કે આદુંનો રસ પીવો સારો અને ગોળ-ઘીના લાડુ બનાવીને ખાવાથી શરદી-ઉધરસમાં રાહત રહે. એનો ટ્રાય કર્યો અને મને સારું લાગ્યું એટલે આયુર્વેદિકનાં પુસ્તકોમાં રસ પડ્યો. આ ઉપરાંત ગામના વડીલોને અને દાદીઓને હું મળવા લાગ્યો અને તેમની પાસેથી વનસ્પતિઓ વિશે માહિતી મેળવવાની શરૂ કરી. આપણે ત્યાં હજી પણ એવી વનસ્પતિઓ ઊગે છે પણ એની આપણને ખબર નથી પડતી. યુવાનોએ આ બધું શીખવું અગત્યનું છે, કારણ કે વિદેશીઓ આદું અને હળદર પર PhD કરતા હોય તો આપણે કેમ ન કરીએ? આ બધું જાણવું જોઈએ.’

હું માનું છું કે વડીલો પાસે વનસ્પતિઓનું જે જ્ઞાન છે એને લખી લેવું જોઈએ એમ જણાવતાં ડૉ. મહેશકુમાર પંચાલ કહે છે, ‘મારા ગામના વડીલો ઉપરાંત પ્રાંતિજ અને હિંમતનગરની આસપાસનાં ગામોમાં જઈને ૮૦–૯૦ વર્ષના વડીલોને હું મળી રહ્યો છું, તેમની પાસેથી વનસ્પતિઓ અને એનાં પાન-ફૂલ વિશે માહિતી મેળવીને કયાં પાન-ફૂલમાંથી શાકભાજી બને એ વિશે જાણી રહ્યો છું, જુદા-જુદા પાક વિશે જાણી રહ્યો છું. અત્યાર સુધીમાં હું પચાસથી વધુ વડીલોને મળી ચૂક્યો છું. આ ઉપરાંત અમારા ગામમાં આયુર્વેદનાં ડૉ. કિંજલ ગોસ્વામી છે. તેમની પાસેથી પણ વિવિધ વનસ્પતિઓ અને ભાજીઓ વિશે જાણકારી મેળવી છે. આ બધા લોકો મને વનસ્પતિઓની ઓળખ કરાવે છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે સમજાવે છે એટલે મને પણ ખબર પડી કે આ કઈ વનસ્પતિ છે, શેનાં પાંદડાં છે. આપણી આસપાસ ગામડાંઓમાં અને વગડામાં તેમ જ ખેતરમાં આ બધી વનસ્પતિઓ ઊગે છે. બસ, એમને ઓળખવી જરૂરી છે. વડીલો પાસેથી આ વનસ્પતિઓને હું ઓળખી રહ્યો છું.’

વડીલો પાસેથી જ્ઞાન મેળવીને એની નોંધ પણ રાખવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં કોઈને પણ કામ લાગે. એ વિશે વાત કરતાં ડૉ. મહેશકુમાર પંચાલ કહે છે, ‘વડીલો પાસેથી વનસ્પતિઓ અને એનાં પાન-ફૂલ વિશે જે જાણકારી મને મળે છે એ લખવા માટે મેં એક ચોપડો બનાવ્યો છે અને એમાં નોંધ કરું છું. આ ઉપરાંત આ વડીલોના સ્વસ્થ જીવનનું રહસ્ય શું છે, તેઓ કયો અને કેવો આહાર લે છે, કેટલી ઊંઘ લે છે એના પર રિસર્ચ કરું છું. એના પરથી એટલી તો ખબર પડી છે કે એ લોકો હેલ્ધી ફૂડ ખાતા, સમય-સમય પર જમવામાં વનસ્પતિ તેમ જ ઔષધિઓનો પણ ઉપયોગ કરતા. અત્યારે શિયાળાનો સમય છે તો આદુંપાક, સાલમપાક કે ખજૂરપાક સહિતનાં વસાણાં લેવાં જોઈએ. મને થાય કે ૮૦ વર્ષનાં કે ૮૫ વર્ષનાં દાદી ચાલતાં હોય છતાં તેમને શ્વાસ કેમ ન ચડે? આ તો કેવું કહેવાય? આજે જુઓ ઘણા લોકો ફાસ્ટ-ફૂડ તરફ વળ્યા છે. વીસરાતી વાનગીઓ એ પહેલાંનું ફૂડ છે. પહેલાંના સમયે દોડીની ભાજી કે પછી મેથીની ભાજી ખાતા. એમાંથી પ્રોટીન મળે, કૅલ્શિયમ મળે, લોહતત્ત્વ મળે એવો આહાર અત્યારે જરૂરી છે. સવાની ભાજી ખાઈએ, રાગીના લોટનો શીરો ખાઈએ. પહેલાંના સમયે લોકો લાડુ ખાતા અને પચી જતા હતા. આ બધા પૌષ્ટિક આહાર છે.’

દમવેલનાં પાંદડાંનું શાક

ગયા બુધવારે અમદાવાદમાં સૃષ્ટિ સંસ્થા દ્વારા વીસરાતી વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી. એમાં ડૉ. મહેશકુમાર પંચાલ નવ જાતની વનસ્પતિઓનાં પાંદડાં અને ફૂલનાં શાક બનાવીને લાવ્યા હતા. એ પૌષ્ટિક શાકભાજીનો ટેસ્ટ સ્વાદના શોખીનોને દાઢે વળગ્યો હતો. તેઓ કઈ-કઈ શાકભાજી બનાવીને લાવ્યા હતા અને એ કેવી ઉપયોગી છે એ વિશે વાત કરતાં ડૉ. મહેશકુમાર પંચાલ કહે છે, ‘જુદી-જુદી વનસ્પતિઓનાં પાન તેમ જ ફૂલમાંથી મેં નવ પ્રકારનાં શાક બનાવ્યાં હતા. એમાં કાંચનાર વનસ્પતિનાં ફૂલનું શાક શરીરમાંથી વિકૃતિ દૂર કરવામાં મદદરૂપ બને છે અને પૌષ્ટિક તત્ત્વ વધારે છે. દમવેલનાં પાનનું શાક ખાંસી-શરદી માટે ઉપયોગી છે. લીલા પિંપળનાં પાનના શાકમાંથી વિટામિન અને મિનરલ્સ મળે છે તથા પોષક તત્ત્વ પણ વધુ મળે છે. પહેલાંના સમયમાં લોકો પિંપળનાં પાનનું શાક, વડના ટેટાનું શાક તેમ જ ઉમરાનાં ફળનું શાક બનાવતા હતા. હરીફાઈમાં મેં સાટોડીનાં પાનનું શાક પણ બનાવ્યું હતું. આ શાક ખાવાથી અશક્તિમાં રાહત રહે છે તેમ જ દમ અને શ્વાસ માટે ઉપયોગી છે. ગળોનાં પાંદડાંનું શાક બનાવ્યું હતું. આપણે ગળોના પાઉડરનો ઉપયોગ કરીએ છીએ, પણ એનાં પાંદડાં અકસીર છે. એ ડાયાબિટીઝમાં સારામાં સારાં ગણાય છે. યાદશક્તિ વધારવામાં અને નબળાઈ દૂર કરવામાં એ મદદ કરે છે. આ એક ઍન્ટિ-બાયોટિક જેવું છે. કાંસકીનાં ફૂલ અને નગોળનાં નાનાં ફૂલનું શાક આંખો માટે સારું છે. એ નંબર દૂર કરવામાં ઉપયોગી છે. નગોળના તેલથી માલિશ પણ થઈ શકે છે. નગોળનાં નાનાં ફૂલ અમે વગડે જઈને લઈ આવીએ છીએ. ચોમાસામાં પટોળા વનસ્પતિ થાય છે. આ પટોળાનું શાક બનાવીને ખાવાથી કૅલ્શિયમ, વિટામિન અને પ્રોટીન મળે છે. ખાસ તો ચોમાસામાં બાજરાના રોટલા સાથે આ શાક ખાવાની મજા જ કંઈ ઑર આવે છે. મારાં મમ્મી કહેતાં કે જે વખતે દુકાળ પડતો ત્યારે લોકો પટોળાનું શાક બનાવીને ખાતા હતા. અશ્વગંધાનો પાઉડર અને ગુલાબનાં ફૂલનું શાક બનાવ્યું હતું. એમાં અશ્વગંધા નબળાઈ દૂર કરવામાં મદદરૂપ છે અને શક્તિ આપનારું છે તો ગુલાબ ઠંડક માટે છે. ગોખરુ અને બોરા ગોખરુનાં પાનનું શાક શરીરમાંથી નબળાઈ દૂર કરવામાં ઉપયોગી છે. પુરુષો અને સ્ત્રીઓ માટે એ સારામાં સારું કહેવાય. અશક્તિ માટે એ અકસીર ગણાય છે. ગોખરુની તો સુખડી પણ બનાવીને ખવાય છે. આ બધી વનસ્પતિ શિયાળા, ઉનાળા અને ચોમાસા દરમ્યાન થતી હોય છે. ગામડાંઓમાં વગડામાં જાઓ તો તમને આ બધી વનસ્પતિઓ મળી આવશે.’

પટોળાનું શાક.

વનસ્પતિઓનાં પાન અને ફૂલમાંથી શાકભાજી બનાવવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં ડૉ. મહેશકુમાર પંચાલ કહે છે, ‘આ બધું સંશોધન કરીને લોકો સુધી લઈ જવાનું કારણ એ છે કે લોકો પૌષ્ટિક આહાર લે. વગડામાં કે જંગલમાં ઊગતી આપણી વનસ્પતિઓનો આપણી પાસે બહુ મોટો વારસો છે એને ઓળખીએ, જાળવીએ, એની નોંધ કરીએ જેથી આવનારી પેઢીને કામ લાગે. હું જે વડીલોને મળ્યો છું અને મળી રહ્યો છું તેમની પાસેથી ૫૦૦ જેટલી વનસ્પતિઓ વિશે જાણકારી મેળવી છે અને એનો એક ચોપડો પણ બનાવ્યો છે. વડીલો પાસે કોઠાસૂઝ હોય એટલે આપણો આ જે વનસ્પતિઓનો વારસો છે એનું જ્ઞાન તેમની પાસે છે. જોકે આજે ભૌતિક સુવિધાઓ વધી છે અને આધુનિક યુગ આવ્યો છે, પણ કોઠાસૂઝ કે જ્ઞાન પૂરતું નથી.’ 

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2024 06:26 PM IST | Gandhinagar | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK