૪૦ વર્ષ પહેલાં સવા રૂપિયામાં મળતા સમોસા હવે બાવીસના થઈ ગયા, પણ લોકોની દાઢે એવા વળગ્યા છે કે એની લોકપ્રિયતા એવી જ અકબંધ છે
ખાઈપીને જલસા
સાદા સમોસા / કચોરી, દહીં -સમોસા
સમોસા તો તમે ઘણી જગ્યાએ ખાધા હશે પણ શ્રી ચારભુજાજી સમોસા સેન્ટરના સમોસાનો સ્વાદ જો તમે ન માણ્યો હોય તો કાલબાદેવી પહોંચી જજો. અહીંના સમોસાની ખાસિયત એ છે કે તે ખાવામાં ખૂબ જ ક્રન્ચી હોય છે એટલું જ નહીં, એની અંદર જે મસાલો ભરવામાં આવે છે એનો સ્વાદ પણ યુનિક હોય છે. આ સમોસા-કચોરી શૉપ ૪૦ વર્ષ જૂની છે અને સ્થાનિકોમાં એ ઘણી ફેમસ છે.
લોકો તેમની દુકાનના સમોસા કેમ પસંદ કરે છે એ જણાવતાં દુકાનના માલિક દેવીલાલ જોશી કહે છે, ‘અમે સમોસાની અંદર જે મસાલો વાપરીએ છીએ એ યુનિક છે. સમોસા બનાવવા માટે જે પણ મસાલા-તેલ વાપરીએ છીએ એ બધાં ઉત્તમ ક્વૉલિટીનાં હોય છે. ઘણા લોકો ખટાશ માટે લીંબુનાં ફૂલનો ઉપયોગ કરે છે, પણ અમે રિયલ લીંબુનો રસ નાખીએ છીએ. અમારે ત્યાં દિવસમાં ગમે ત્યારે આવશો તો તમને ગરમાગરમ જ સમોસા મળશે. એક સમોસું બાવીસ રૂપિયાનું છે એને કારણે ઘણાને લાગે છે કે આ તો બહુ મોંઘું કહેવાય પણ સ્વાદ જીભે ચડી જતાં લોકો ફરી-ફરીને આવે છે.’
ADVERTISEMENT
આજથી ચાર દાયકા પહેલાં શૉપની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે જણાવતાં દેવીલાલ જોશી કહે છે, ‘મારા મોટા ભાઈ નંદકિશોરજી જોશી રસોઇયા હતા. પછીથી તેમણે સમોસા સેન્ટરની શરૂઆત કરી હતી. અમારી દુકાનનું નામ જેના પરથી પડ્યું છે એ શ્રી ચારભુજાજી અમારા ઇષ્ટદેવ છે. સમોસા-કચોરી વેચવાની શરૂઆત કરી એ સમયે એનો ભાવ સવા રૂપિયો હતો.’
ચારભુજા શૉપમાં સમોસા-કચોરીને કઈ રીતે સર્વ કરવામાં આવે છે એ વિશે દેવીલાલ જોશી કહે છે, ‘સમોસા સાથે અમે આમચૂર-ગોળની ખાટીમીઠી ચટણી અને કોથમીર-ફુદીનાની તીખી ચટણી આપીએ છીએ. એ સિવાય જો કોઈને દહીં-સમોસા ખાવાં હોય તો એ રીતે પણ સર્વ કરીએ છીએ. આમ તો અમે લસ્સી, છાસ, ખમણ પણ રાખીએ છીએ પણ મોટા ભાગે લોકો સમોસા ખાવા માટે આવે છે. અમે જૈન સમોસા પણ રાખીએ છીએ.’
ક્યાં મળશે? : શ્રી ચારભુજાજી સમોસા સેન્ટર, બૅન્ક ઑફ બરોડાની સામે, ઠાકુરદ્વાર રોડ, કાલબાદેવી
સમય : સવારે આઠ વાગ્યાથી સાંજે સાડાઆઠ વાગ્યા સુધી