આપણે સાંભારનું તો ગુજરાતીકરણ કર્યું છે પણ મસાલા ઢોસાનો મસાલો પણ આપણે તો ગુજરાતીઓ જેવો જ બનાવી નાખ્યો છે
સંજય ગોરડિયા
મેં એક વાત ઑબ્ઝર્વ કરી છે કે આપણા ગુજરાતીઓને સાઉથ ઇન્ડિયન ફૂડ વિશે વાંચવું બહુ ગમે છે કારણ કે જ્યારે-જ્યારે હું એના વિશે લખું ત્યારે મને ઈ-મેઇલ અને મેસેજિસનો મારો શરૂ થઈ જાય. ગયા શનિવારે આપણે વડોદરાની નમસ્તે દ્રવિડ રેસ્ટોરાંની વાત કરી અને ફૉર્ચ્યુનેટલી આ અઠવાડિયે પણ એ જ પ્રકારના સાઉથ ઇન્ડિયન ફૂડની વાત આવી ગઈ. બન્યું એવું કે મારે હમણાં મારા નાટકના શો માટે ચેન્નઈ જવાનું થયું. ચેન્નઈ એટલે તામિલનાડુનું કૅપિટલ અને દેશનું મેટ્રો સિટી. ત્યાં તમને દર બીજી દુકાને સાઉથ ઇન્ડિયન ફૂડ જ મળે. હવે આ બધામાં સારું ક્યાં મળે એ તમારે લોકલ જ કોઈને પૂછવું પડે. મેં અને મારા સાથી કલાકાર નીલેશ પંડ્યાએ પૂછપરછ કરી ને પછી અમે તો પહોંચ્યા અધ્યાર આનંદ ભુવનમાં. મિત્રો, એક આનંદ ભુવન આપણે ત્યાં માટુંગામાં પણ છે, પણ મને નથી લાગતું કે એ બન્ને એક હોય. કારણ કે ચેન્નઈમાં દસથી બાર અધ્યાર આનંદ ભુવન છે. મને ઍડ્રેસ વિશે તો વધારે નથી ખબર, પણ તમે ગૂગલ પર ચેક કરશો તો તમને અધ્યારની બ્રાન્ચ મળી જશે. આ જે અધ્યાર છે એ ઇન્ટરનેટ પર A2Bના શૉર્ટ ફૉર્મથી પૉપ્યુલર છે.
ચેન્નઈમાં પોડી પાઉડરનું બહુ મહત્ત્વ છે. બધેબધી આઇટમમાં તમને પોડી પાઉડર તો મળે જ. આ પોડી પાઉડર સાઉથના દરેક રાજ્યમાં અલગ-અલગ ટેસ્ટના મળે છે પણ મને પોતાને ચેન્નઈનો પોડી પાઉડર વધારે ભાવે છે. એ જરા કરકરો હોય છે અને સ્વાદમાં સહેજ તીખાશ પર પણ છે. તમે રેસ્ટોરાંમાં રાઇસ મગાવો તો તમને રાઇસ આપે, પછી એક વેઇટર આવીને એના પર બહુ બધું ઘી નાખી જાય અને પછી તમને પોડી પાઉડર આપી જાય. સાંભાર પણ સાથે હોય, પણ તમે સાંભારને ટચ પણ ન કરો અને રાઇસ-ઘી અને પોડી પાઉડર સાથે ખાઓ તોય જલસો-જલસો પડી જાય.
ADVERTISEMENT
અધ્યારમાં અમે સૌથી પહેલાં પોડી ઇડલી મગાવી. એક પ્લેટમાં ૧૪ ઇડલી આવી. અત્યારે આવે છે એ રૂપિયાના સિક્કા કરતાં દોઢી સાઇઝની એક ઇડલી હતી. અમે બે જણ હતા એટલે ખાઈ શક્યા, બાકી મારા જેવા એકલાનું તો પેટ ભરાઈ જાય. ઇડલીની સાથે સાંભાર અને ચાર ચટણી. મારે કહેવું જ પડે કે આપણે ત્યાં હવે જે સાંભાર મળે છે એનું બધાએ ગુજરાતીકરણ કરી નાખ્યું છે. સાચો સાંભાર જો ટ્રાય કરવો હોય તો તમારે સાઉથ જ જવું પડે. એ-ટુ-ઝેડ આઇટમ એક નંબર. એ પછી અમે મગાવ્યો રવા-મસાલા ઢોસા અને સાહેબ, ઢોસો તમારા ટેબલ પર પહોંચે એ પહેલાં ઘીની ખુશ્બૂ તમારા ટેબલ પર આવી જાય એટલો ઘીથી મઘમઘતો. ઢોસામાં જે મસાલો હતો એ પણ સુપર્બ. બટાટા, કાંદા અને આખા અડદના દાણા એ પણ ભરપૂર માત્રામાં. આપણે ત્યાં તો સાઉથ જેવો ઢોસાનો મસાલો પણ નથી બનતો એવું કહું તો પણ ખોટું નહીં કહેવાય. એ લોકો મસાલામાં કાંદાનો પણ ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે. હું તો કહીશ જો ખાલી આ મસાલો પણ એ લોકો આપતા હોય તો હું એ ખાઈને પણ એની મજા લઉં. ખરેખર લૂખો ખાઈ શકાય એ સ્તરનો ટેસ્ટી હતો.
રવા મસાલા ઢોસા ખાધા પછી મને થયું કે ચેન્નઈમાં છીએ તો હવે ફિલ્ટર કૉફી તો પીવી જ પડે એટલે મેં ફિલ્ટર કૉફીનો ઑર્ડર આપ્યો. સાહેબ, પાણી. જે કમાલ હોય છે એ પાણીની જ હોય છે. ફિલ્ટર કૉફી બનાવવા માટે તમને મશીન જોઈએ અને કૉફીનો પાઉડર જોઈએ. અમે ઘણા કલાકારોએ ફિલ્ટર કૉફીનું મશીન ઘરમાં વસાવ્યું છે, પણ જે મજા મને ત્યાં ફિલ્ટર કૉફી પીને આવી એ મજા ઘરમાં કે મુંબઈમાં મળતી ફિલ્ટર કૉફીમાં નથી આવતી. હા, તમને ફિલ્ટર કૉફી પીધાનો આનંદ ચોક્કસ આપી જાય પણ A2B જેવો આસ્વાદ ન આપી શકે. ચેન્નઈ જવાનું બને તો અચૂક અધ્યાર આનંદ ભુવનમાં જજો. મેનુ જોતાં જ મોઢામાં પાણી આવવા માંડશે.

