થોડી દેશી અને થોડી વિદેશી સ્ટાઇલમાં ગુલાબનો ઉપયોગ કરીને અવનવી વાનગીઓની રેસિપી કુકિંગ એક્સપર્ટ લીના સંગોઈએ શૅર કરી છે.
પ્રતીકાત્મક તસવીર
આજથી વૅલેન્ટાઇન્સ વીકની શરૂઆત થઈ ચૂકી છે અને પહેલો દિવસ હોય છે રોઝ ડેનો. થોડી દેશી અને થોડી વિદેશી સ્ટાઇલમાં ગુલાબનો ઉપયોગ કરીને અવનવી વાનગીઓની રેસિપી કુકિંગ એક્સપર્ટ લીના સંગોઈએ શૅર કરી છે. ધારો કે આજે આ વાનગીઓ ન બને તો આવતા વીકમાં આવનારા વૅલેન્ટાઇન્સ ડે માટેની તૈયારીઓ કરી લેજો
રોઝ મિલ્ક કેક
ADVERTISEMENT
સામગ્રી : ૧.૫ કપ મેંદો, ૧ ચમચી બેકિંગ પાઉડર, ૧ કપ દહીં, અડધી ચમચી બેકિંગ સોડા, ૩/૪ કપ કૅસ્ટર શુગર, અડધો કપ તેલ, ૧ ચમચી રોઝ સિરપ, ૧/૪ ચમચી રોઝ એસેન્સ.
રીત : બાઉલમાં દહીં અને બેકિંગ સોડા મિક્સ કરીને એને પાંચ મિનિટ માટે રેસ્ટ આપવો. ત્યાર બાદ એમાં તેલ અને સાકર નાખી મિક્સ કરવું. ત્યાર બાદ રોઝ સિરપ અને એસેન્સ નાખી મિક્સ કરવું અને કલર નાખી મિક્સ કરવું. ત્યાર બાદ એમાં ચાળેલો મેંદો અને બેકિંગ પાઉડર નાખી બરાબર મિક્સ કરવું. ત્યાર બાદ એક ગ્રીઝ કરેલી ટ્રેમાં બૅટર નાખવું અને એને પ્રી-હીટેડ અવનમાં ૨૫ મિનિટ માટે ૧૮૦ ડિગ્રી પર બેક કરવું.
ડેકોરેશન માટે : ૧ કપ વિપ્ડ ક્રીમ, ચૉપ્ડ પિસ્તાં, ગુલાબ પત્તી.
રોઝ મિલ્ક : દોઢ કપ દૂધ, અડધો કપ ફ્રેશ ક્રીમ, અડધો કપ મિલ્કમેડ, ૪ ટી સ્પૂન રોઝ સિરપ.
ઉપરની બધી સામગ્રીને ૧ બાઉલમાં મિક્સ કરવી.
રીત : અવનમાંથી કેક બહાર કાઢી એને ઊંધી કરી દેવી અને એના પર રોઝ મિલ્ક રેડવું અને અડધો કલાક માટે ફ્રિજમાં રાખવું. ત્યાર બાદ એના પર વિપ્ડ ક્રીમ પાથરવું. પિસ્તાંની કતરણ અને રોઝ પાંખડીથી ગાર્નિશ કરવું. ત્યાર બાદ કેકના ટુકડા બે ઇંચના કરવા. ૧ પીસને ૧ પ્લેટમાં મૂકી સાઇડમાં રોઝ મિલ્ક રેડવું અને ઠંડું પીરસવું.
રોઝ લીચી ટાર્ટ
સામગ્રી : ૧ લીટર દૂધ, બે ચમચી વિનેગર, ૧/૪ કપ પાણી, અડધો કપ મિલ્ક પાઉડર, અડધો કપ દૂધ, એક ચમસી સાકર, ૧/૪ કપ રોઝ સિરપ, ૨ અથવા ૩ ટીપાં પિન્ક કલર, અડધી ચમચી લીચી એસેન્સ, ૧/૩ કપ મિક્સ ડ્રાયફ્રૂટ્સ ચૉપ્ડ (કાજુ-બદામ-પિસ્તાં)
રીત : દૂધને ગરમ કરવા મૂકવું. ઊભરો આવે એટલે ગૅસ બંધ કરવો. વિનેગર અને પાણીને મિક્સ કરી દૂધમાં નાખવું અને દૂધ ફાટે ત્યાં સુધી સતત હલાવતા રહેવું. ૧૦ મિનિટ પછી મલમલના કપડામાં ગાળી લેવું અને દબાવીને વધારાનું પાણી કાઢી લેવું. ૧ પ્લેટમાં આ બનાવેલું પનીર નાખી એને હાથેથી છૂટું કરવું. ૧ કડાઈમાં પનીર, દૂધ, મિલ્ક પાઉડર અને સાકર નાખી એને કુક કરવું. રોઝ સિરપ નાખી ફરીથી ૨થી ૩ મિનિટ માટે કુક કરવું. ગૅસ બંધ કરી એમાં ડ્રાયફ્રૂટ્સ, કલર અને એસેન્સ બરાબર મિક્સ કરવાં.
ટાર્ટ : ૨૦૦ ગ્રામ મેંદો, ૧૨૦ ગ્રામ ચિલ્ડ બટર, ૩૦ ગ્રામ કૅસ્ટર શુગર, ૧/૪ ચમચી બેકિંગ પાઉડર, અડધી ચમચી રોઝ એસેન્સ, પાણી.
રીત : એક બાઉલમાં બધી જ સામગ્રી મિક્સ કરી એનો લોટ બાંધવો. લોટને ૧ કલાક માટે ફ્રિજમાં મૂકવો. ત્યાર બાદ ટાર્ટ ટ્રે અથવા મોલ્ડમાં લોટને દબાવીને પાતળો કરવો અને કાંટા-ચમચીથી કાણાં પાડવાં. પ્રી-હીટેડ અવનમાં ૨૦૦ ડિગ્રી પર ૬થી ૭ મિનિટ માટે બેક કરવું.
એસેમ્બલિંગ : ટાર્ટને ઠંડા કરી એમાં ઉપર બનાવેલું સ્ટફિંગ ભરવું. ડ્રાયફ્રૂટ્સ અને રોઝ પાંખડીથી ડેકોરેશન કરવું. ઠંડું સર્વ કરવું.
રોઝ ડ્રાયફ્રૂટ્સ બૉલ્સ
સામગ્રી : ૩ કપ કાજુ પાઉડર, બે કપ સાકર, ૧ કપ દૂધ, અડધો કપ મિક્સ ડ્રાયફ્રૂટ્સ (કાજુ-બદામ-પિસ્તા) ટુકડા, અડધી ચમચી એલચી પાઉડર, અડધી ચમચી ગુલાબ એસેન્સ, અડધી ચમચી ગુલાબી કલર, અડધો કપ ગુલાબની પાંખડી.
રીત : ૧ કડાઈમાં દૂધ, સાકર અને કાજુ પાઉડર મિક્સ કરી એને ગૅસ પર કૂક કરવા મૂકવું. ઘટ્ટ લચકા જેવું બને એટલે એમાં ડ્રાયફ્રૂટ્સ, એસેન્સ અને કલર નાખી મિક્સ કરી ગૅસ પરથી ઉતારી લેવું. ઠંડું થાય એટલે એના બૉલ્સ વાળી અને પાંખડીથી ગાર્નિસિંગ કરવું. પેપર કપ્સમાં સર્વ કરવું.
ગુલાબ પાક
સામગ્રી : ૧ કપ માવો, અડધો કપ દૂધ, અડધો કપ સાકર, ૧ કપ ગુલાબની દેશી અથવા સૂકી પાંખડી, અડધો કપ મિક્સ ડ્રાયફ્રૂટ્સ (કાજુ-બદામ-પિસ્તા)ના ટુકડા, ૧ ચમચી એલચી પાઉડર, ૧ ચમચી ગુલાબ જળ, બે ટેબલસ્પૂન ઘી.
રીત : એક કડાઈમાં ઘી લઈ માવાને શેકી લેવો. એક કડાઈમાં દૂધ નાખી એમાં સાકર નાખવી અને એકદમ ઘટ્ટ ચાસણી જેવું થાય ત્યાં સુધી કૂક કરવું. ત્યાર બાદ એમાં શેકેલો માવો અને ડ્રાયફ્રૂટ્સ નાખી મિક્સ કરવું. ગુલાબની પાંખડી નાખી બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરવું. ગૅસની ફ્લેમ બંધ કરી એલચી પાઉડર નાખી મિક્સ કરવું. ગ્રીસ કરેલી ટ્રેમાં પાથરી ઉપર ગુલાબની પાંખડી અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિસિંગ કરવું.

