રવિવારે પ્રજાસત્તાક દિવસ છે ત્યારે એક દિવસ માટે દેશભક્તિનો રંગ રસોડામાં અને ભોજનમાં પણ છવાઈ જાય એવું ઇચ્છતા હો તો શેફ નેહા ઠક્કર શૅર કરે છે ભારતના તિરંગાની થીમવાળી વાનગીઓ
શેફ નેહા ઠક્કર
તિરંગા ઇડલી
ADVERTISEMENT
સામગ્રીઃ ૧ બાઉલ રવો, અડધો બાઉલ ખાટું દહીં, અડધી વાટકી પાલક પ્યુરી, અડધી વાટકી ટમેટાની પ્યુરી, અડધી ચમચી સોડા, સ્વાદ પ્રમાણે મીઠું. ઇડલી માટે કુલ્ફીના મોલ્ડ
બનાવવાની રીતઃ સૌથી પહેલાં રવામાં દહીં અને મીઠું ઉમેરી જોઈતા પ્રમાણમાં મીઠું નાખી ઇડલીનું બૅટર તૈયાર કરવું. હવે બૅટરને ૩૦ મિનિટ રેસ્ટ આપવો. બૅટરને સરખું મિક્સ કરી એના ૩ પાર્ટ કરવા.
એક પાર્ટમાં પાલક પ્યુરી મિક્સ કરવી. બીજું સફેદ જ રહેવા દેવું અને ત્રીજામાં ટમેટાની પ્યુરી મિક્સ કરી ત્રણે તૈયાર કરી લેવા.
હવે ઇડલીનું કુકર ગરમ મૂકવું. ત્યાં સુધી કુલ્ફીના મોલ્ડને તેલથી ગ્રીસ કરી લેવા.
હવે મોલ્ડમાં ટમેટાની પ્યુરીવાળું બૅટર મૂકી બે મિનિટ માટે કુકરમાં કુક કરવું. હવે એની ઉપર સફેદ બૅટર મૂકી ફરી બે મિનિટ કુક કરવું. ફરી એની ઉપર પાલક પ્યુરીવાળું બૅટર નાખી ફરી બેથી ત્રણ મિનિટ ઢાંકણ બંધ કરી કુક થવા દેવું.
હવે ગૅસ બંધ કરી પાંચ મિનિટ રેસ્ટ આપી મોલ્ડને અનમોલ્ડ કરવા. મસ્ત મજાની તિરંગા ઇડલી તૈયાર થશે.
દાળિયા, કોપરું, દહીં, મરચાં, કોથમીરની ચટણી બનાવીને એની સાથે સર્વ કરવી.
તિરંગા ચંપાકલી
સામગ્રી : ૨ વાટકી મેંદો, ૨ ચમચી ઘી, સ્વાદ પ્રમાણે મીઠું , ઑરેન્જ અને ગ્રીન ફૂડ કલર, તળવા માટે તેલ. ખાંડની ચાસણી માટે ૧ વાટકી ખાંડ, ૧ વાટકી પાણી, ૧ નાની ચમચી ઇલાયચી પાઉડર.
બનાવવાની રીતઃ સૌપ્રથમ મેંદાને ચાળી લો. હવે એમાં ઘી અને મીઠું નાખી એકદમ સરખી રીતે મિક્સ કરી લેવું. પાંચ મિનિટ સુધી ઘીને મેંદામાં સરખો મસળી લેવો.
હવે થોડું-થોડું પાણી મિક્સ કરી સરખો લોટ બાંધી લેવો. હવે આ લોટમાંથી ત્રણ સરખા ભાગ કરી લેવા.
હવે એક ભાગમાં ઑરેન્જ કલર મિક્સ કરી સરખો લોટ તૈયાર કરી લેવો અને બીજા ભાગમાં ગ્રીન કલર મિક્સ કરી લોટ તૈયાર કરી લેવો. હવે આ ત્રણેય લોટને ૧૦ મિનિટ સુધી ઢાંકીને રાખો.
૧૦ મિનિટ પછી ફરી ત્રણેય લોટને સરખો મસળી લો. હવે ત્રણે લોટના ત્રણ સરખા નાના-નાના લાંબા લૂઆ બનાવી લો.
હવે ત્રણેય લાંબા લૂઆ એક ને એક જૉઇન્ટ કરી એક રોટલી વણી લો.
હવે રોટલીને ઊભી સ્ટ્રાઇપ્સમાં વચ્ચેથી કટ મારો. આપણે દિવાળીમાં ફાફડાને કરતા હોઈએ છીએ એ પ્રમાણે.
હવે એક સ્ટ્રાઇપના ફોલ્ડ પછી સેકન્ડ સ્ટ્રાઇપનો ફોલ્ડ એવી રીતે ચંપાકલી તૈયાર કરી લો. એક સાઇડ નીચેથી પ્રેસ કરવાનું અને એક સાઇડ ઉપરથી પ્રેસ કરવાનું. આ રીતે બધી ચંપાકલી તૈયાર કરી લેવી. હવે ગૅસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. મીડિયમ ફ્લેમ પર બધી ચંપાકલી તળી લેવી.
હવે ચાસણી માટે એક તપેલીમાં પાણી અને ખાંડ મિક્સ કરો. એમાં ઇલાયચી પાઉડર ઉમેરો. એક તારની ચાસણી રેડી કરવી. હવે ચાસણીમાં એક-એક ચંપાકલી ડિપ કરી પ્લેટમાં કાઢવી.
ચંપાકલી જોવામાં ખૂબ જ સુંદર લાગે છે તેમજ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે તિરંગા ચંપાકલી.
તિરંગા કોપરા બરફી
સામગ્રી : ૧ મોટો બાઉલ કોપરાનું છીણ, ૧ નાની વાટકી દૂધ, ૧ નાની વાટકી ખાંડ, ૨ ચમચી મલાઈ. ૨ ચમચી ઘી, ૧ નાની ચમચી ઇલાયચી પાઉડર.
બનાવવાની રીત : સૌપ્રથમ એક પૅનમાં બે ચમચી ઘી ગરમ કરી કોપરાનું છીણ શેકી લેવું.
હવે એમાં નાની વાટકી દૂધ, મલાઈ ઉમેરી મિક્સ કરવું. પૅનને છોડે ત્યાં સુધી મિશ્રણને શેકી લેવું.
હવે મિશ્રણના બે ભાગ કરવા. એક ભાગમાં ઑરેન્જ ફૂડ કલર અને બીજામાં ગ્રીન ફૂડ કલર મિક્સ કરવો. ત્રીજો ભાગ સફેદ રાખવાનો.
હવે કોઈ પણ મોલ્ડ લેવો. મોલ્ડને ઘીથી ગ્રીસ કરી પહેલાં ઑરેન્જ મિશ્રણ મૂકી ચમચીથી પ્રેસ કરી ઉપર સફેદ મિશ્રણ પાથરવું. સરખું પ્રેસ કરી ઉપર ગ્રીન મિશ્રણ પાથરવું.
હવે એક પ્લેટ લઈ એમાં ધીરેથી બરફીને અનમોલ્ડ કરવી.
તિરંગા પુલાવ
સામગ્રી : ૩ વાટકી બાસમતી રાઇસ
ગ્રીન રાઇસ બનાવવા માટેઃ ૧/૨ વાટકી પાલકની પ્યુરી, ૨ લીલી ડુંગળી, લીલું લસણ, ૧/૨ ચમચી કોથમીર, ૧/૨ ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર.
રેડ રાઇસ બનાવવા માટેઃ ૧ ગાજર છીણેલું, ૧ ચમચી ટમેટા-લસણની ચટણી, ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું.
પ્લેન વાઇટ બાસમતી રાંધેલા રાઇસ, ૧થી ૨ ચમચી તેલ, ગાર્નિશિંગ માટે લેમનને રાઉન્ડ કટ કરેલાં.
બનાવવાની રીતઃ સૌથી પહેલાં એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ મૂકવું. તેલ ગરમ થાય એટલે એમાં આદું-લસણની પેસ્ટ નાખવી. પછી એમાં ડુંગળી, લીલાં મરચાં, પાલક-કોથમીરની ઝીણી પેસ્ટ નાખવી. સરખું મિક્સ કરવું. એમાં ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું પછી એમાં બાસમતી રાઇસ નાખવા. પછી સરખું મિક્સ કરી લેવું. પાંચ મિનિટ માટે રહેવા દેવું. તૈયાર છે ગ્રીન રાઇસ.
હવે એક કડાઈમાં બે ચમચી તેલ ઉમેરવું. તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી, છીણેલું ગાજર, લસણની ચટણી નાખવી. પછી એ સરખું હલાવી લેવું. એ પછી એમાં ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને બાસમતી રાઇસ નાખવા. એને સરખું મિક્સ કરવું. પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દેશો એટલે તૈયાર છે રેડ રાઇસ.
તિરંગાના વચ્ચેના ભાગ માટે રાંધેલા સફેદ બાસમતી રાઇસ રાખવા.
જો તમે ઇચ્છો તો આ પુલાવને ભારતના નકશાના શેપમાં ગોઠવીને સર્વ કરી શકો છો અથવા તો પહેલાં કેસરી, વચ્ચે સફેદ અને ઉપર લીલા રંગના રાઇસનું લેયર બનાવીને વાટકીમાં ભરવું અને પછી એને ડિશમાં ઊંધી વાળીને સર્વ કરવું.
તિરંગા ખાંડવી
સામગ્રી : ૩૦૦ ગામ ચણાનો લોટ, ૬૦૦ ગ્રામ છાશ, ૨૦૦ ગ્રામ પાલક, ૧૫૦ ગ્રામ બીટ, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી હળદર, બે ચમચી આદું-મરચાંની પેસ્ટ, અડધી ચમચી હિંગ, બે ચમચી તેલ, બે ચમચી તલ, એક ચમચી રાઈ, ૮થી ૧૦ મીઠા લીમડાનાં પાન.
બનાવવાની રીતઃ સૌપ્રથમ ૧૦૦ ગ્રામ ચણાનો લોટ લો. એમાં મીઠું, હળદર, આદુંમરચાંની પેસ્ટ અને ચપટી હિંગ નાખી બ્લેન્ડર ફેરવી લેવું. પછી એક પૅનમાં મિશ્રણ નાખી હલાવતા રહેવું જ્યાં સુધી મિશ્રણ એકદમ ઘટ્ટ થાય. પછી ગૅસ બંધ કરી દો.
હવે મિશ્રણને થાળી ઊંધી કરી એના ઉપર પાતળું પાથરી દો અને પછી કાપા પાડી લો. પછી ખાંડવીના રોલ વાળી લેવા. હવે લીલા રંગની ખાંડવી બનાવવા માટે બીજી ૨૦૦ ગ્રામ છાશમાં ૧૦૦ ગ્રામ ચણાનો લોટ લઈ પાલકની પ્યુરી ઉમેરો. એમાં આદું-મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરો. ઉપર પ્રમાણે પૅનમાં મૂકી એકદમ ઘાટું થાય ત્યાં સુધી હલાવી પછી થાળી ઊંધી કરી એના પર પાથરી દો અને કાપા કરી રોલ વાળી લો. તૈયાર છે ગ્રીન ખંડવી. હવે રેડ રોલ માટે સેમ ઉપરની જ પ્રોસેસ કરવાની છે, પણ છાશમાં આપણે બીટની પ્યુરી ઉમેરવાની છે. બૅટર રેડી કરી, ઊંધી થાળી પર પાથરી એના રોલ વાળવાના છે.
હવે બધા રોલને એક પ્લેટમાં લઈ એના પર વઘાર કરવાનો છે. એ માટે વઘારિયામાં તેલ લઈ એમાં રાઈ, તલ, લીમડો, હિંગ ગરમ કરી ખાંડવી ઉપર વઘાર રેડવો.