આ ઘીને વલોણાનું ઘી કહેવાય છે અને એના હેલ્થ-બેનિફિટ્સ પણ અઢળક છે
ઘીની તસવીરો
ડાયટિંગ કરતી વખતે સૌથી પહેલાં ઘી ખાવાનું છોડી દઈએ છીએ. આપણને એવું લાગે છે કે ઘી ખાવાથી આપણે જાડા થઈ જઈશું, જ્યારે એવું નથી. યોગ્ય પદ્ધતિથી બનાવેલા ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે. આયુર્વેદમાં ઘીને પરમ પિત્તશામક કહેવાયું છે. હાલમાં માર્કેટમાં મળતા ઘી અને ઘરે મલાઈમાંથી બનાવાતા ભેંસના દૂધના ઘીના એટલા ફાયદા નથી, એ શરીરમાં બૅડ કૉલેસ્ટરોલને વધારવાનું કામ કરે છે અને ફૅટને જમા કરે છે એટલે જ નિષ્ણાતો ઘીનું સેવન કરવાની ના પાડે છે, પણ વૈદિક રીતે બિલોના પદ્ધતિથી બનાવાયેલું ગાયનું ઘી આરોગવામાં આવે તો શરીર માટે અમૃત સમાન છે. વિલે પાર્લે અને કાંદિવલીમાં આયુર્વેદિક ક્લિનિકનું સંચાલન કરતાં આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. હેતા શાહ પાસેથી બિલોના પદ્ધતિ અને આ પદ્ધતિથી બનતા ઘીની વિશેષતા, ફાયદાઓ અને મહત્ત્વ વિશે વધુ જાણીએ.
ઇતિહાસ જાણવા જેવો
ADVERTISEMENT
ભારતમાં ઘીનો ઉપયોગ પ્રાચીન કાળથી જ ચાલતો આવ્યો છે. આયુર્વેદમાં ઘીનું મહત્ત્વ ખૂબ દર્શાવવામાં આવ્યું છે. બિલોના પદ્ધતિથી બનતું ગાયનું ઘી એની શુદ્ધતા, આરોગ્યલક્ષી ગુણધર્મો અને પૌરાણિક મહત્ત્વ માટે પ્રસિદ્ધ છે. બિલોનાનો ગુજરાતીમાં અર્થ થાય છે વલોવવું. વલોણાની મદદથી દહીંને ફેંટીને બનાવવામાં આવેલું ઘી એટલે વલોણાનું ઘી. બિલોના પદ્ધતિ ભારતની પ્રાચીન ઐતિહાસિક પદ્ધતિઓમાંની એક છે જેનો ઉલ્લેખ ઋગ્વેદ, યજુર્વેદ અને અન્ય શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. વિદ્વાનો માને છે કે આ પદ્ધતિ પ્રાચીન સમયમાં આર્યોએ વિકસાવી હતી અને એનાથી બનેલું ઘી અનેક વૈદિક અને ધાર્મિક ક્રિયાકલાપોમાં ઉપયોગી બન્યું હતું. વૈદિક સમયમાં ઘીનો યજ્ઞમાં ઉપયોગ કરવામાં આવતો, કારણ કે એ પવિત્ર અને શક્તિદાયક માનવામાં આવતું. એનો સમાવેશ આહારમાં કરવાથી એ પિત્ત, વાયુ, વિષ-ઝેર, આંતરિક ગરમી, દાહ, ઊલટી, ઊબકા, અરુચિ, તાવ, ચક્ષુરોગો, અપચો, મંદાગ્નિ મટાડે છે.
ફૅટ-ફ્રી
ઘીનું નામ સાંભળતાં જ આપણને સ્થૂળતાનો ડર સતાવવા લાગે છે. વેઇટલૉસ કરવા માટે સૌથી પહેલાં ઘીની જ બાદબાકી કરવામાં આવે છે. જોકે હકીકત તો એ છે કે ઘીને બંધ કરવું એ ફૅટને ઓછું કરવાનું સૉલ્યુશન નથી, પણ તમે કયું અને કઈ પદ્ધિતથી બનેલું ઘી વાપરો છો એ પરિબળો પણ મહત્ત્વનાં હોય છે. મલાઈથી બનેલા અને બજારમાં મળતા ઘીમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ થોડું હોય છે, પણ વલોવીને બનાવેલા ઘીમાં કૉલેસ્ટરોલ હોતું નથી. એ ફૅટ-ફ્રી હોય છે અને એટલે જ એ ફૅટ કે બૅડ કૉલેસ્ટરોલને જમા થવા દેતું નથી. આ ઘી ભૂખ વધારનારું છે, જેને ઓછી ભૂખ લાગવાની સમસ્યા હોય તેને વલોણાનું ઘી આપવામાં આવે તો ભૂખ લાગશે અને ધીરે-ધીરે તેનો ખોરાક પણ વધશે અને સરળતાથી પચી પણ જશે. અજીર્ણ, ઍસિડિટી અને કબજિયાતની સમસ્યામાં પણ આ ઘીનું સેવન કારગત માનવામાં આવે છે.
ત્રિદોષશામક
બિલોના ઘી ત્રિદોષશામક ગણાય છે એટલે કે આયુર્વેદ અનુસાર શરીરના ત્રણ દોષ વાત, પિત્ત અને કફને સંતુલિત કરવામાં સહાય કરે છે. બિલોના ઘી લુબ્રિકન્ટનું કામ કરે છે. એમાં વિટામિન D અને કૅલ્શિયમ હોવાથી એ હાડકાંને મજબૂત બનાવવાની સાથે તથા સાંધાના દુખાવા અને મગજની અશાંતિ દૂર કરવાની સાથે સ્ટ્રેસને ઓછું કરવામાં સહાયક છે. એ આર્થ્રાઇટિસમાં પણ લાભદાયી સાબિત થઈ શકે છે. એ નસોને રિલૅક્સ કરે છે અને તાણ ઓછી કરવા અને અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. બિલોના ઘી શરીરમાં શીતળતા લાવે છે, જે પિત્તને સંતુલિત કરવામાં મદદ કરે છે. ઍસિડિટી, શરીરના વધેલા તાપમાન અને તીક્ષ્ણતા ઘટાડવા માટે ઉપયોગી છે. બિલોના ઘી પાચનતંત્રને મજબૂત બનાવે છે તેથી ગૅસ્ટ્રોના દરદીઓ માટે સારું રહે છે. નિયમિત રીતે આ ઘી ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે.
હૃદય માટે હિતાવહ
બિલોના ઘીમાંથી શરીરને વિટામિન A, D, E, K મળે છે અને એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે એટલું જ નહીં, એ શરદી અને ઉધરસ જેવાં નાનાં-મોટાં ઇન્ફેક્શન સામે પણ રક્ષણ આપે છે. એ HDL (હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન) એટલે કે ગુડ કૉલેસ્ટરોલને વધારીને હૃદયરોગની શક્યતાઓને ઘટાડે છે. આ સાથે એમાં રહેલા ઍક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ ફૅટ-બર્નિંગ પ્રોસેસને સક્રિય કરીને વજનને ઘટાડવામાં મદદ કરે છે. જો તમે વેઇટલૉસ કરો છો તો ઘીને ડાયટમાંથી માઇનસ કરવા કરતાં બિલોના પદ્ધતિથી બનેલા ઘીને સામેલ કરી લેવું. એ હાર્ટ-હેલ્થની સાથે-સાથે પેટની હેલ્થ અને વેઇટ-મૅનેજમેન્ટમાં પણ મદદ કરશે.
આંખો માટે લાભકારી
બિલોના ઘીમાં વિટામિન A હોવાને લીધે એ આંખોની દૃષ્ટિ સુધારવાનું કામ કરે છે. ગાયના દૂધને વલોવીને બનાવેલા ઘીને આંખોમાં આંજવાથી બળતરા કે ખંજવાળની સમસ્યા દૂર થાય છે. આખો દિવસ કમ્પ્યુટર અને લૅપટૉપની સામે કામ કરીને થાકી ગયેલી આંખોને રિલૅક્સ કરવા માટે પણ આ ઘી કામની ચીજ છે. આંખોની નબળાઈને દૂર કરવા માટે સૂતાં પહેલાં હથેળીમાં થોડું ઘી લઈને આંગળીઓની મદદથી આંખોની આસપાસ સર્ક્યુલર મોશનમાં મસાજ કરવાથી દુખાવામાં અને નબળાઈમાં રાહત મળે છે. ગુણો અને પરંપરાગત પદ્ધતિઓને સમજીને ઘીનો પ્રયોગ કરવાથી શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય છે. આજે જ્યારે પ્રાકૃતિક અને આયુર્વેદિક ખાદ્યપદાર્થોની માગ વધી રહી છે ત્યારે બિલોના ઘીનું મહત્ત્વ વધુ ને વધુ વધતું જાય છે.
સ્કિન માટે ગુણકારી
બિલોના ઘીમાં બળતરાવિરોધી ગુણધર્મ હોવાથી એ સનબર્નથી રાહત મેળવવામાં મદદ કરે છે. આ સાથે એ વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવાની સાથે ચહેરા પર કરચલીઓ ઘટાડે છે. હાથમાં થોડું ઘી લઈને ચહેરા પર ઘસવામાં આવે તો નૅચરલ મૉઇશ્ચરાઇઝર જેવું કામ કરે છે. આ સાથે ત્વચા સંબંધિત રોગો માટે પણ એ ફાયદાકારક છે. બિલોના ઘીના એટલા ફાયદાઓ છે કે આજે વિશ્વભરમાં આયુર્વેદ અને પ્રાકૃતિક જીવનશૈલી તરફ વળતા લોકો બિલોના ઘીનો ઉપયોગ કરી રહ્યા છે.
બિલોના પદ્ધતિથી ઘી બનાવવાની પદ્ધતિ
મલાઈમાંથી ઘી બનાવવા માટે દૂધની મલાઈને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે અને પછી મલાઈ ભેગી થાય પછી એમાં પાણી નાખીને એને હૅન્ડ-બ્લેન્ડરથી ફેંટવામાં આવે. પછી એમાંથી નીકળતા માખણને નિતારીને ગરમ કરીને ઘી બનાવાય છે. મોટા ભાગના ગુજરાતીઓ આ રીતે ઘી બનાવે છે અને એ મોટા ભાગે ભેંસના દૂધનું જ હોય છે. જોકે બિલોના ઘી દેશી ગાયના દૂધમાંથી જ બને છે. ખાસ કરીને ગીર ગાયનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બિલોના પદ્ધતિથી ઘી બનાવવા માટે સૌથી પહેલાં ગાયનું તાજું દૂધ ગરમ કરો અને ઠંડું થયા પછી એમાં થોડું મેળવણ મિક્સ કરીને આઠથી બાર કલાક સુધી રહેવા દો. દહીં બની જાય પછી એને વલોણામાં નાખીને થોડું પાણી નાખીને વલોવવું. દહીંમાંથી માખણ અલગ ન થાય ત્યાં સુધી એને વલોવતા રહેવું. માખણ તૈયાર થાય પછી એને પાણીથી ધોઈને માટી અથવા સ્ટીલના પાત્રમાં નાખીને ધીમા તાપે ગરમ કરો. ગરમ થતી વખતે એ સુવાસ છોડશે અને ધીમે-ધીમે ઘી છૂટું પડે ત્યારે ગેસ બંધ કરી દો અને પછી એને ગળણીથી ગાળીને બરણીમાં સ્ટોર કરી દો. આ ઘીને આયુર્વેદિક સારવાર માટે પણ વાપરવામાં આવે છે. પ્રૅક્ટિકલી આ રીતે મુંબઈમાં રહેતા લોકો માટે ઘી બનાવવું થોડું મુશ્કેલ છે. તેથી માર્કેટમાં બિલોના પદ્ધતિથી બનતું ઘી મળે છે. ઘી બનાવવાના મશીનથી પણ બિલોના ઘી બને છે, પણ કેટલીક ગૌશાળામાં વલોણામાંથી વેદિક પદ્ધતિથી ઘી બને છે. આ ઘી માર્કેટમાં કિલો પેટે બે હજાર રૂપિયા કરતાં વધુના ભાવે મળે છે ત્યારે મશીનથી બનતું બિલોના ઘી એનાથી થોડું સસ્તું એટલે કે ૧૦૦૦-૧૫૦૦ રૂપિયા સુધીમાં મળે છે.
શુદ્ધતાની ચકાસણી કેવી રીતે થાય?
બિલોના ઘી પાંચેય ઇન્દ્રિયોને સારી રાખે છે. માર્કેટમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું હોવાથી બિલોના ઘી પ્યૉર છે કે નહીં એને રૂપ, વર્ણ અને ગંધથી ઓળખી શકાય છે. રૂપ એટલે એનો દેખાવ. દેખાવમાં એ સફેદ અથવા ઑફવાઇટ હોય છે, વર્ણ એનો થોડો સોનેરી જેવો હોય છે, એ ક્યારેય થીજતું નથી. અને ગંધ અટલે સુવાસ. એમાંથી ઘીની સુગંધ આવે છે. એની પ્યૉરિટી ટેસ્ટ કરવી હોય તો હાથમાં થોડું ઘી લેવું અને એને હથેળીથી બન્ને હાથ વડે ઘસવું. જો એ તરત જ ઓગળી જાય તો સમજવું કે એ શુદ્ધ છે. એને આરોગવાની કોઈ સ્પેશ્યલ રીત નથી. રોટલી, ભાખરી કે રોટલા પર લગાવીને ખાઈ શકાય, લાડુ અને શીરામાં પણ એને નાખી શકાય.
બિલોના ઘી ભૂખ વધારનારું છે, જેને ઓછી ભૂખ લાગવાની સમસ્યા હોય તેને વલોણાનું ઘી આપવામાં આવે તો ભૂખ લાગશે અને ધીરે-ધીરે તેનો ખોરાક પણ વધશે અને સરળતાથી પચી પણ જશે.

