કિન્નર લોકોના સંચાલનમાં શરૂ થયેલી ‘બમ્બઈ નઝરિયા’ ઇન્ડિરેક્ટ્લી સમજાવે છે કે અમારા તરફ જોવાનો દૃષ્ટિકોણ ચેન્જ કરો
‘બમ્બઈ નઝરિયા’માં સંજય ગોરડિયા
બેસ્ટ ટેસ્ટ, રીઝનેબલ પ્રાઇસ અને યુનિકનેસ.
જો આ ત્રણમાંથી મિનિમમ બે વાતનો સમાવેશ થતો હોય તો જ ફૂડ ડ્રાઇવ તમારા સુધી લઈ આવવી એવું આ કૉલમ શરૂ થઈ ત્યારથી જ રાખ્યું હતું. આજની આ ફૂડ ડ્રાઇવમાં ચોથી પણ એક વાત ઉમેરાઈ છે, દૃષ્ટિકોણ. હા, નઝરિયા અને એ કેવી રીતે આ ફૂડ ડ્રાઇવમાં આવે છે એની વાત પણ આપણે જાણીશું. પણ પહેલાં આપણે વાત કરીએ ‘બમ્બઈ નઝરિયા’ની. હા, આ રેસ્ટોરાંનું નામ છે. હજી હમણાં જ મને ખબર પડી કે મારા ઘરથી સો મીટરના ડિસ્ટન્સ પર આ રેસ્ટોરાં શરૂ થઈ છે જ્યાં મિસળથી માંડીને વડાપાંઉ, રોલ, ભેળપૂરી, પાંઉભાજી એટલે કે મુંબઈનું બધું લોકલ ફૂડ મળે તો સાથે અહીં છોલે-ભટૂરે જેવી સર્વકાલીન કહેવાય એવી વરાઇટીઓ પણ મળે.
ADVERTISEMENT
હવે આવે છે પેલી ચોથી યુનિક વાતની. આ રેસ્ટોરાં તૃતીયપંથી એટલે કે નાન્યતર જાતિના લોકો ચલાવે છે, જે રેસ્ટરોન્ટના કૅપ્શનમાં પણ નોંધાયેલું છે.
તાલી સે થાલી તક.
તાળી વગાડીને સિગ્નલ પર એ લોકો પૈસા માગતા હોય છે પણ અહીં તાળી નહીં, થાળી આપીને એ લોકો કમાણી કરે છે. થાળીની આ જે વાત છે એ તેમણે દરેકેદરેક વરાઇટીમાં પકડી પણ રાખી છે. તમે કંઈ પણ મંગાવો, તમને એ વરાઇટી થાળીમાં જ આપવામાં આવે. જેમ કે મેં મિસળ મંગાવ્યું હતું. મિસળ જેના પર ગરમ થયું હોય એ પૅનમાં જ સીધું આપવામાં આવ્યું, જેમાંથી તમારે થાળીમાં લઈ લેવાનું.
મિસળ સાથે સરસ સૉફ્ટ એવાં બે પાંઉ હતાં તો સાથે કાંદા-લીંબુ, ગાંઠિયા-ચેવડો અને એક ગુલાબજાંબુ પણ હતું. મને આ થાળીનો કન્સેપ્ટ ગમ્યો તો સાથોસાથ મને તેમણે શરૂ કરેલી આ રેસ્ટોરાંનો કન્સેપ્ટ પણ બહુ ગમ્યો. એ પણ માણસ છે, તેમને પણ પૂરેપૂરા હક જો સરકાર અને કાયદો સુધ્ધાં આપતાં હોય તો આપણે પણ તેમને પૂરતો સાથ આપવો જોઈએ. બહુ ઓછા લોકો આવું માને છે પણ સમય આવી ગયો છે કે આપણે આપણો નઝરિયો બદલીએ, દૃિષ્ટકોણ બદલીને તમારે અહીં એક વાર જવાની જરૂર છે તો સાથોસાથ અહીં મળતી વરાઇટીનો સ્વાદ પણ માણવાની જરૂર છે.
મિસળ અને વડાપાંઉ એ બે વરાઇટી મેં અહીં ટેસ્ટ કરી અને મને ખરેખર મજા આવી ગઈ. થયું કે ભગવાન કરે કે આ રેસ્ટોરાં સક્સેસફુલ થાય અને મુંબઈભરમાં એની ફ્રૅન્ચાઇઝી શરૂ કરવામાં આવે. ભાવમાં રીઝનેબલ, સ્વાદમાં અવ્વલ દરજ્જાનો ઑથેિન્ટક ટેસ્ટ અને ઍિમ્બયન્સ પણ સરસ.
બીજી એક ખાસ વાત કહું, તમને અહીં પાલનજીની પણ બધી જ પ્રોડક્ટ મળશે. પાલનજીનાં સૉફ્ટ ડ્રિન્ક્સ સિવાય અહીં બીજાં કોઈ કોલ્ડ ડ્રિન્ક્સ મળતાં નથી. પાલનજીની લેમન સોડા કે પછી રાસબરી સોડા, જિંજર સોડા અને એ બધું હવે માત્ર પારસીઓનાં મૅરેજમાં જ જોવા મળે છે. આપણી રેગ્યુલર દુકાનોમાં હવે એ જોવા નથી મળતાં પણ ‘બમ્બઈ નઝરિયા’માં પાલનજીનાં સૉફ્ટ ડ્રિન્ક્સ જોઈને મને તો મજા પડી ગઈ. મેં તો મસ્ત મજાનું રાસબરી ઍન્ડ લેમન ડ્રિન્ક ઑર્ડર કર્યું અને તમને કહ્યું એમ મિસળ-વડાપાંઉનો પણ સ્વાદ માણ્યો.
‘બમ્બઈ નઝરિયા’નું ઍડ્રેસ સમજાવું. અંધેરી-લિન્ક રોડ પર અધિકારી બ્રધર્સની ઑફિસ છે એ ગલીમાં તમે આવો એટલે તરત જ તમને ‘બમ્બઈ નઝરિયા’ દેખાય અને એ પછી પણ ધારો કે કોઈ પ્રૉબ્લેમ થાય તો તમારી પાસે ગૂગલબાબા તો છે જ.