છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની સામે આવેલો આરામ વડાપાંઉનો ૮૫ વર્ષ કરતાં જૂનો સ્ટૉલ આખો દિવસ ધમધમતો હોય છે
ખાઈપીને જલસા
આરામનાં વડાપાંઉનું નામ મહત્તમ લોકોથી અજાણ નહીં હોય
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન મુંબઈનું સૌથી બિઝીએસ્ટ સ્ટેશનમાંનું એક છે જ્યાં રોજ હજારો લોકો અવરજવર કરે છે. એટલે આરામનાં વડાપાંઉનું નામ મહત્તમ લોકોથી અજાણ નહીં હોય. ૮૫ વર્ષ કરતાં વધુ વર્ષથી CSMTની બરાબર સામેની બાજુએ આરામ વડાપાંઉ મળે છે. એક સમયે અહીં સાધારણ બટાટાવડાંનો સ્ટૉલ હતો અને આજે આ સ્ટૉલની પાછળ એક નાનકડી રેસ્ટોરાં બનાવી દેવામાં આવી છે, જ્યાં ઘણી બધી ફાસ્ટ ફૂડ આઇટમ સર્વ કરવામાં આવે છે.
૧૯૩૯માં એક બાંકડો નાખીને અહીં વડાપાંઉ વેચવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને આજે ચોથી પેઢી અહીં વડાપાંઉનો બિઝનેસ સંભાળી રહી છે. તેઓ આજે પણ બટાટાવડાથી લઈને મિસળ સુધીની દરેક ડિશ દરરોજ સવારે પોતે ટેસ્ટ કરે છે અને બધું ઓકે કર્યા પછી જ વેચવાનું શરૂ કરે છે. આ રીતે તેઓ ૮૫ વર્ષથી એક જ પ્રકારના ટેસ્ટને યથાવત્ જાળવી શક્યા છે. બિઝીએસ્ટ એરિયામાં આરામ વડાપાંઉ આવેલું હોવાથી એની સર્વિસ પણ એટલી જ ફાસ્ટ છે. પાર્સલ જોઈતું હોય તો બહાર સ્ટૉલ છે ત્યાંથી પિકઅપ કરી શકો છો અથવા ઊભા રહીને સામે CSMTના વિશાળ અને સુશોભિત મકાનને જોતાં-જોતાં વડાપાંઉની લહેજત માણી શકો છો. અંદર આવેલી હોટેલની અંદર બેસવાની સારી વ્યવસ્થા છે જ્યાં અલગ-અલગ વરાઇટી ટેસ્ટ કરી શકો છો. ખાસ કરીને કોથંબીર વડી, થાલીપીઠ, ઉપવાસ થાળી, સાબુદાણા ખીચડી અહીં સારી મળે છે. જમ્બો સાઇઝનાં બટાટાવડાં અને એટલું જ મોટું પાંઉ અહીંની અલગ ઓળખ છે. આ ઉપરાંત એની ક્રિસ્પી આઉટર લેયર અને ચટણી એનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે. આ ઉપરાંત બટાટાવડાના માવાની અંદર કોથમીર નાખવામાં આવે છે. હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને લીધે એનો અંદરથી કલર સફેદ અને હળવો ગ્રીન છે.
ADVERTISEMENT
ક્યાં મળશે? : આરામ વડા, કૅપિટલ સિનેમા બિલ્ડિંગ, CSMT સામે.