ગુજરાતી અને દક્ષિણ ભારતીય યુવકે સાથે મળીને બોરીવલીમાં ખોલેલી રેસ્ટોરાંમાં સાઉથ ઇન્ડિયન વરાઇટીને જ નહીં પણ અનેક પ્રચલિત ડિશને નવા સ્વરૂપે સર્વ કરવામાં આવે છે
આહારા, શ્રીજી ટાવર, મંડપેશ્વર રોડ, પૈ નગર, બોરીવલી (વેસ્ટ)
તમે કંઈ વિચારો અને એ ફૂડ આઇટમ મુંબઈમાં ન મળે એવું તો ન જ બને. મુંબઈ દેશનું ફાઇનૅન્સ કૅપિટલ તો છે જ પણ હવે એને ફૂડ કૅપિટલ બનતાં પણ વાર લાગશે નહીં એવું અહીં ખૂલી રહેલી જાતજાતની રેસ્ટોરાં, સ્ટૉલ્સ, ફૂડ જૉઇન્ટ્સ વગેરે જોઈને લાગી રહ્યું છે. દેશ-વિદેશની વરાઇટીઓ તો મળતી થઈ જ ગઈ છે, પણ હવે એમાં પણ ઇનોવેશન લાવીને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે. આવી જ એક જગ્યા બોરીવલીમાં છે જ્યાં પ્રચલિત ભારતીય ફૂડ આઇટમ્સને મૉડર્ન અને નવો ટચ આપીને સર્વ કરવામાં આવી રહી છે.
સ્પાઇસી અવાકાડો ઠેચા વિથ ક્રિસ્પી રાઇસ પાપડ
ADVERTISEMENT
બોરીવલીમાં મંડપેશ્વર રોડ પર ‘આહારા’ નામની એક રેસ્ટોરાં શરૂ થઈ છે. આ રેસ્ટોરાંનું ઇન્ટીરિયર જેટલું ઑથેન્ટિક અને ક્લાસી છે એટલાં જ એની ફૂડ આઇટમ્સમાં વિવિધતા અને મૉડર્ન ટચ ઉમેરાયેલાં છે. આ રેસ્ટોરાંના મોહિત ગાવડા ફાઉન્ડર છે અને હિતાર્થ હેમાની બ્રૅન્ડ પાર્ટનર છે. મોહિતના પિતા કેટરિંગના બિઝનેસની સાથે છેલ્લાં ૩૫ વર્ષથી સંકળાયેલા છે, જેનાથી તેમને પણ ફૂડ ક્ષેત્રે આવું કંઈક સાહસ કરવાનું મન થયું હતું અને પછી તેમણે તેમના મિત્ર હિતાર્થ સાથે ‘આહારા’ની સફર શરૂ કરી હતી.
પેસ્તો ચીઝ ઢોસા
અહીંના ફૂડની વાત કરીએ તો ‘આહારા’માં અનેક વરાઇટીની ફૂડ ડિશ મળે છે. સ્પાઇસી અવાકાડો ઠેચા વિથ ક્રિસ્પી રાઇસ પાપડ, અવાકાડો સેવપૂરી, ગોલી ભજી વિથ ડિફરન્ટ ડિપ, લાવા ઇડલી વિથ સાંભાર, પેરી પેરી ઢોસા વૉફલ્સ, કુલ્ફી ઇડલી, મૈસૂર મસાલા નાચોઝ વગેરે વરાઇટી મળે છે. નામ પરથી તમને આઇડિયા આવ્યો જ હશે કે ડિશનું કેવી રીતે કૉમ્બિનેશન કરવામાં આવ્યું છે. મતલબ એકસાથે ઇન્ડિયન અને વિદેશી વાનગી એમ બન્નેનો સ્વાદ માણવો હોય તો આ રેસ્ટોરાંની મુલાકાત લેવા જેવી છે.
ક્યાં છે?: આહારા, શ્રીજી ટાવર, મંડપેશ્વર રોડ, પૈ નગર, બોરીવલી (વેસ્ટ)

